ઇસ્લામ
પાછા

36. યાસીન

1યાસીન્

2હિકમતવાળા કુરઆનના સોગંદ

3નિ:શંક તમે પયગંબરો માંથી છો

4સત્ય માર્ગ પર છો

5આ કુરઆન જબરદસ્ત, દયાળુ અલ્લાહ તરફથી અવતરિત કરવામાં આવ્યું છે

6જેથી તમે એવા લોકોને સચેત કરો, જેમના પૂર્વજોને સચેત કરવામાં નહોતા આવ્યા, જેથી આ લોકો બેદરકાર છે

7તેમાંથી વધારે પડતા લોકો માટે વાત નક્કી છે કે તેઓ ઈમાન નહીં લાવે

8અમે તેમના ગળામાં તોક નાંખી દીધા, પછી તે હડપચી સુધી છે, જેના કારણે તેમના માથા ઊંચા થઇ ગયા છે

9અને અમે એક પાળ તેમની સામે બનાવી દીધી અને એક પાળ તેમની પાછળ, જેનાથી અમે તે લોકોને ઢાંકી દીધા, જેથી તેઓ જોઇ નથી શકતા

10અને તમે તે લોકોને સચેત કરો અથવા ન કરો બન્ને સરખું છે, આ લોકો ઈમાન નહીં લાવે

11બસ ! તમે ફક્ત તે જ વ્યક્તિને સચેત કરી શકો છો, જે શિખામણ પ્રાપ્ત કરે અને રહમાન (અલ્લાહ) થી વિણદેખે ડરતો હોય, તમે તેને માફી અને ઇજજતવાળા વળતરની ખુશખબર આપી દો

12નિ:શંક અમે મૃતકોને જીવિત કરીશું અને અમે તે કાર્યો પણ લખીએ છીએ, જેને લોકો આગળ મોકલે છે અને તેમના તે કાર્યો પણ, જેને તે લોકો પાછળ છોડે છે અને અમે દરેક વસ્તુને એક સ્પષ્ટ કિતાબમાં લખી રાખ્યું છે

13અને તમે તે લોકો સામે એક વસ્તીવાળાઓનું ઉદાહરણ વર્ણન કરો, જ્યારે તે વસ્તીમાં (કેટલાય) પયગંબરો આવ્યા

14જ્યારે અમે તેમની પાસે બે ને મોકલ્યા, પરંતુ તે લોકોએ (પહેલા) બન્નેને જુઠલાવ્યા, પછી અમે ત્રીજા વડે સમર્થન કર્યું, ત્રણેય લોકોએ કહ્યું કે અમે તમારી પાસે મોકલવામાં આવ્યા છે

15તે લોકોએ કહ્યું કે તમે અમારા જેવા સામાન્ય વ્યક્તિ છો અને રહમાને કોઇ વસ્તુ અવતરિત નથી કરી, તમે ખુલ્લું જુઠ બોલી રહ્યા છો

16તે (પયગંબરોએ) કહ્યું અમારો પાલનહાર જાણે છે કે નિ:શંક અમે તમારી તરફ મોકલવામાં આવ્યા છે

17અને અમારી જવાબદારી તો ફક્ત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાની છે

18તે લોકોએ કહ્યું કે અમે તો તમને અપશુકનિ સમજીએ છીએ, જો તમે છેટા ન રહ્યા તો અમે પથ્થરો વડે તમને નષ્ટ કરી દઇશું અને તમને અમારા તરફથી સખત તકલીફ પહોંચશે

19તે પયગંબરોએ કહ્યું કે તમારું અપશુકન તમારી પાસે જ છે, શું આને અપશુકન સમજો છો કે તમને શિખામણ આપવામાં આવે, પરંતુ તમે તો હદવટાવી જનાર લોકો છો

20અને એક વ્યક્તિ શહેરના છેલ્લા છેડેથી દોડતો આવ્યો, કહેવા લાગ્યો કે હે મારી કોમના લોકો ! તે પયગંબરોના માર્ગ પર ચાલો

21એવા લોકોના માર્ગ પર ચાલો, જેઓ તમારી પાસે કોઇ વળતર નથી માંગતા અને તેઓ સત્ય માર્ગ પર છે

22અને મને શું થઇ ગયું છે કે હું તેની બંદગી ન કરું, જેણે મારું સર્જન કર્યું અને તમે સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો

23શું હું તેને છોડી એવા લોકોને પૂજ્ય બનાવી લઉ, જો રહમાન (અલ્લાહ) મને કંઈ નુકસાન પહોંચાડવા ઇચ્છે, તો તેમની ભલામણ મને કંઈ ફાયદો નહીં પહોંચાડી શકે. અને ન તો તેઓ મને બચાવી શકશે

24પછી હું ખરેખર સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છું

25મારું સાંભળો ! હું તમારા સૌના પાલનહાર ઉપર ઈમાન લાવી ચુક્યો

26કહેવામાં આવ્યું કે જન્નતમાં દાખલ થઇ જા, કહેવા લાગ્યો કે કદાચ ! મારી કોમ પણ જાણી લેતી

27કે મને મારા પાલનહારે માફ કરી દીધો અને મને ઇજજતવાળા લોકો માંથી કરી દીધો

28ત્યાર પછી અમે તેની કોમ માટે આકાશ માંથી કોઇ લશ્કર ન ઉતાર્યુ અને ન આવી રીતે અમે ઉતારીએ છીએ

29તે તો ફક્ત એક સખત ચીસ હતી, જેથી તેઓ અચાનક હોલવાઈ ગયેલી (આગ) જેવા થઇ ગયા

30(આવા) બંદાઓ માટે ખેદ છે, ક્યારેય તેમની પાસે કોઇ એવા પયગંબર નથી આવ્યા, જેમની મશ્કરી તે લોકોએ ન કરી હોય

31શું તે લોકોએ નથી જોયું કે તેમના પહેલા ઘણી કોમોને અમે નષ્ટ કરી દીધી, કે તેઓ તેમની તરફ પાછા નહીં આવે

32અને કોઇ જૂથ એવું નથી, જેને અમે ભેગા કરી અમારી સમક્ષ નહીં લાવીએ

33અને તેમના માટે એક નિશાની (નિષ્પ્રાણ) ધરતી છે, જેને અમે જીવિત કરી દીધી અને તેમાંથી અનાજ ઉગાડ્યું, જેમાંથી તેઓ ખાય છે

34અને અમે તેમાં ખજુરો અને દ્રાક્ષના બગીચા બનાવ્યા અને જેમાં અમે ઝરણાં પણ વહાવી દીધા છે

35જેથી (લોકો) તેના ફળો ખાય અને તેને તે લોકોના હાથોએ નથી બનાવ્યું, પછી આભાર કેમ નથી માનતા

36તે પવિત્ર હસ્તી છે, જેણે દરેક વસ્તુને જોડીમાં બનાવી, ભલેને તે ધરતીએ ઉપજાવેલી વસ્તુ હોય, અથવા તેઓ પોતે હોય, અથવા તે (વસ્તુઓ) હોય જેના વિશે આ લોકો જાણતા પણ નથી

37અને તેમના માટે એક નિશાની રાત છે, જેના દ્વારા અમે દિવસને ખેંચી લઇએ છીએ, જેથી તેઓ અચાનક અંધકારમાં જતા રહે છે

38અને સૂર્ય માટે જે નક્કી કરેલ સીમા છે, તે તેની ઉપર જ ચાલતો રહે છે, આ નક્કી કરેલ સીમાઓ છે, જે વિજયી અને જ્ઞાનવાળા અલ્લાહ તરફથી છે

39અને ચંદ્રની મંજિલો અમે નક્કી કરી છે, ત્યાં સુધી કે તે પાછો આવી જૂની (સૂકી) ડાળી જેવો થઇ જાય છે

40સૂર્ય, ચંદ્રને પકડી નથી શકતો અને ન તો રાત, દિવસ કરતા આગળ વધી શકે છે અને બધા જ આકાશોમાં તરે છે

41અને તે લોકો માટે એક નિશાની (આ પણ) છે કે અમે તેમની પેઢીને ભરેલી હોડીમાં મુસાફરી કરાવી

42અને તેમના માટે તેના જેવી જ બીજી વસ્તુઓ બનાવી જેના પર આ લોકો મુસાફરી કરે છે

43અને જો અમે ઇચ્છતા, તો તેમને ડુબાડી દેતા, પછી ન તો કોઇ તેમની ફરિયાદ કરવાવાળો હોત અને ન તે લોકોને બચાવવામાં આવતા

44પરંતુ અમે પોતાના તરફથી કૃપા કરીએ છીએ અને એક મુદ્દત સુધી તેમને ફાયદો પહોંચાડી રહ્યા છીએ

45અને તેમને જ્યારે કહેવામાં આવે છે કે આગળ-પાછળના (પાપ)થી બચીને રહો, જેથી તમારા પર કૃપા કરવામાં આવે

46અને તેમની પાસે તેમના પાલનહારની નિશાનીઓ માંથી કોઇ નિશાની એવી નથી, જેનાથી આ લોકો છેટા ન રહેતા હોય

47અને જ્યારે તે લોકોને કહેવામાં આવે છે કે અલ્લાહએ આપેલ (ધન) માંથી ખર્ચ કરો, તો ઇન્કાર કરનારાઓ ઈમાનવાળાને જવાબ આપે છે કે અમે તેમને કેમ ખવડાવીએ, જેમને જો અલ્લાહ ઇચ્છતો તો પોતે જ ખવડાવી દેતો, તમે સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છો

48તેઓ કહે છે કે આ વચન કયારે આવશે, સાચા હોય તો જણાવો

49તે લોકો તો ફક્ત એક સખત ચીસની રાહ જોઇ રહ્યા છીએ, જે ચીસ તેમને પકડી લેશે અને આ લોકો અંદરોઅંદર ઝઘડતા હશે

50તે સમયે ન તો આ લોકો વસિયત કરી શકશે અને ન પોતાના ઘરવાળાઓ તરફ પાછા આવી શક્શે

51સૂર ફૂંકતાની સાથે જ દરેક પોતાની કબરો માંથી (ઉઠી) પોતાના પાલનહાર તરફ ચાલવા લાગશે

52કહેવા લાગશે, હાય અફસોસ ! અમને અમારા સપનાના સ્થળેથી કોણે જગાડ્યા? આ જ છે, જેનું વચન રહમાને આપ્યું હતું અને પયગંબરોએ સાચું કહી દીધું હતું

53આ એક ચીસ સિવાય કંઈ નથી, અચાનક દરેકે દરેક અમારી સમક્ષ હાજર કરી દેવામાં આવશે

54બસ ! આજના દિવસે કોઇ વ્યક્તિ ઉપર, થોડોક પણ અત્યાચાર કરવામાં નહીં આવે અને તમને તમારા કર્મોનો જ બદલો આપવામાં આવશે

55જન્નતી લોકો આજ ના દિવસે પોતાના કાર્યોમાં ખુશ છે

56તે અને તેમની પત્નીઓ છાંયડામાં આસનો પર તકિયા લગાવીને બેઠા હશે

57તેમના માટે જન્નતમાં દરેક પ્રકારના ફળો હશે, ઉપરાંત તેઓ જે પણ ઇચ્છશે, (તે બધું જ મળશે)

58દયાળુ પાલનહાર તરફથી તેમને "સલામ" કહેવામાં આવશે

59હે અપરાધીઓ ! આજે તમે અલગ થઇ જાવ

60હે આદમના સંતાનો ! શું મેં તમારી પાસેથી વચન ન લીધું હતું ? કે તમે શેતાનની બંદગી ન કરશો, તે તમારો ખુલ્લો શત્રુ છે

61અને મારી જ બંદગી કરજો, સત્ય માર્ગ આ જ છે

62શેતાને તમારા માંથી ઘણા લોકોને પથભ્રષ્ટ કરી દીધા, શું તમે સમજતા નથી

63આ જ તે જહન્નમ છે, જેનું વચન તમને આપવામાં આવતુ હતું

64પોતાના ઇન્કારનો બદલો મેળવવા માટે આજે આમાં દાખલ થઇ જાવ

65અમે આજના દિવસે તેમના મોઢા ઉપર મહોર લગાવી દઇશું અને તેમના હાથ અમારી સાથે વાત-ચીત કરશે અને તેમના પગ સાક્ષી આપશે, તે કાર્યોની, જે તેઓ કરતા હતાં

66જો અમે ઇચ્છતા તો તેમને દૃષ્ટિહિન કરી દેતા, પછી આ લોકો માર્ગ મેળવવા માટે ભાગદોડ કરતા, પરંતુ તે લોકો કેવી રીતે જોઇ શકે

67અને જો અમે ઇચ્છતા તો તેમની જગ્યા પર જ તેમના મોઢા બદલી દેતા, પછી ન તો તેઓ ચાલી શકતા અને ન તો પાછા ફરી શકતા

68અને જેને અમે વૃદ્વાવસ્થાએ લઇ જઇએ છીએ, તેને બાળપણ તરફ પલટાવી દઇએ છીએ, શું તો પણ તેઓ નથી સમજતા

69ન તો અમે તે પયગંબરને શાયરી (કવિતા) શિખવાડી અને ન તો તેમને તે શોભે છે, તે તો ફક્ત શિખામણ અને સ્પષ્ટ કુરઆન (ની આયતો) છે

70જેથી તેઓ, તે દરેક વ્યક્તિને સચેત કરી દે જે જીવિત છે અને ઇન્કાર કરનારાઓ માટે દલીલ સાબિત થઇ જાય

71શું તેઓ જોતા નથી કે અમે અમારા હાથ વડે બનાવેલી વસ્તુઓ માંથી તેમના માટે ઢોરોનું સર્જન કર્યું, જેના તેઓ માલિક થઇ ગયા છે

72અને તે ઢોરોને અમે તેમને આધિન કરી દીધા છે, જેમાંથી કેટલાક તેમની સવારી માટે છે અને કેટલાકનું માંસ ખાય છે

73તેઓને તેનાથી બીજા ઘણા ફાયદા છે અને પીવા માટેની વસ્તુઓ, શું તો (પણ) તેઓ આભાર વ્યક્ત નહીં કરે

74અને તેઓ અલ્લાહને છોડીને બીજાને પૂજ્ય બનાવે છે, જેથી તેઓની મદદ કરવામાં આવે

75(જો કે) તેઓમાં તેમની મદદ કરવાની શક્તિ જ નથી, (પરંતુ) તો પણ (મુશરિક લોકો) તેમના માટે હાજર રહેવાવાળા સૈનિકો બનેલા છે

76બસ ! તમે તેમની વાતોથી નિરાશ ન થશો, અમે તેમની છૂપી અને જાહેર, દરેક વાતોને જાણીએ છીએ

77શું માનવીને એટલી પણ ખબર નથી કે અમે તેનું સર્જન એક ટીપા વડે કર્યું ? પછી તરત જ તે ખુલ્લો ઝઘડો કરવાવાળો બની ગયો

78અને તેણે આપણા માટે ઉદાહરણ આપ્યું અને પોતાની જન્મને ભૂલી ગયો, કહેવા લાગ્યો, આ સડી ગયેલા હાડકાંઓને કોણ જીવિત કરી શકશે

79તમે જવાબ આપી દો કે આ હાડકાને તે જીવિત કરશે, જેણે તેમનું સર્જન પ્રથમ વાર કર્યું હતું, જે દરેક પ્રકારના સર્જનને ખૂબ સારી રીતે જાણે છે

80તે જ છે, જેણે તમારાં માટે લીલાંછમ વૃક્ષો માંથી આગ ઉત્પન્ન કરી, જેનાથી તમે તરત જ આગ સળગાવો છો

81જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું, શું તે આ લોકો જેવાનું સર્જન નથી કરી શક્તો ? નિ:શંક કરી શકે છે અને તે જ તો, હિકમતવાળો, સર્જક (અલ્લાહ) છે

82તે જ્યારે પણ કોઇ વસ્તુની ઇચ્છા કરે છે, તેને એટલું જ કહી દે છે કે, થઇ જા, તો તે, તે જ સમયે થઇ જાય છે

83બસ ! પવિત્ર છે તે અલ્લાહ, જેના હાથમાં દરેક વસ્તુની સંપૂર્ણ સત્તા છે અને જેની તરફ તમે બધા પાછા ફેરવવામાં આવશો

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath