ઇસ્લામ
પાછા

20. તા-હા

1તા-હા

2અમે આ કુરઆન તમારા પર એટલા માટે અવતરિત નથી કર્યુ કે તમે સંકટમાં પડી જાવ

3પરંતુ તેને શિખામણ આપવા માટે જે અલ્લાહથી ડરતો રહે

4આનું અવતરણ તેની તરફથી છે, જેણે ધરતીનું અને ઊંચા આકાશોનું સર્જન કર્યુ

5જે દયાળુ છે, અર્શ પર બિરાજમાન છે

6જેની માલિકી હેઠળ આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની અને ધરતી નીચેની પણ દરેક વસ્તુઓ છે

7જો તમે ઊંચા અવાજે વાત કહો તો, તે તો દરેક છૂપી પરંતુ તેના કરતા પણ ઝીણવટ ભરી વસ્તુને પણ જાણે છે

8તે જ અલ્લાહ છે, જેના સિવાય કોઈ પૂજ્ય નથી, શ્રેષ્ઠ નામ તેના જ છે

9તમે મૂસા (અ.સ.)ના કિસ્સાને જાણો છો

10જ્યારે તેમણે આગ જોઇ પોતાના ઘરવાળાઓને કહ્યું કે તમે થોડીક વાર ઊભા રહો, મને આગ દેખાઈ છે, શક્ય છે કે હું તેનો કોઈ અંગારો તમારી પાસે લાવું અથવા આગ પાસે જઇ માર્ગ શોધી લાવું

11જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો અવાજ કરવામાં આવ્યો કે, હે મૂસા

12નિ:શંક હું જ તારો પાલનહાર છું. તમે પોતાના પગરખાં ઉતારી દો. કારણકે તમે પવિત્ર “તૂવા” નામના મેદાનમાં છો

13અને મેં તમને પસંદ કરી લીધા, હવે જે વહી કરવામાં આવે તેને ધ્યાનથી સાંભળો

14નિ:શંક હું જ અલ્લાહ છું, મારા સિવાય બંદગીને લાયક બીજો કોઈ નથી. બસ ! તું મારી જ બંદગી કર અને મારી યાદ માટે નમાઝ પઢતો રહે

15નિ:શંક કયામત આવવાની છે, જેની જાણ હું કરવા ઇચ્છતો નથી, જેથી દરેક વ્યક્તિને તે બદલો આપવામાં આવે, જે પ્રયત્ન તેણે કર્યો હોય

16બસ ! હવે આ વિશે ચોક્કસ જાણ થયા પછી તમને કોઈ એવો વ્યક્તિ રોકી ન લે જે આના પર ઈમાન ન ધરાવતો હોય અને પોતાની મનેચ્છાઓની પાછળ લાગેલો હોય. નહિતો તમે નષ્ટ થઇ જશો

17હે મૂસા ! તારા જમણા હાથમાં શું છે

18જવાબ આપ્યો કે આ મારી લાકડી છે. જેના પર હું ટેકો લઉ છું અને જેનાથી હું મારી બકરીઓ માટે પાંદડા તોડું છું અને બીજા ઘણા ફાયદા છે

19કહ્યું હે મૂસા ! આને હાથ માંથી નીચે નાંખી દે

20નાંખતાની સાથે જ તે સાંપ બની દોડવા લાગી

21કહ્યું કે નીડર થઇ આને પકડી લો, અમે તેને તે જ મૂળ સ્થિતિમાં ફરીવાર લાવી દઇશું

22અને તારો હાથ પોતાની બગલમાં નાખ તો તે સફેદ પ્રકાશિત થઇને નીકળશે. પરંતુ કોઈ ખામી વગર આ બીજો ચમત્કાર છે

23આ એટલા માટે કે અમે તમને અમારી મોટી મોટી નિશાનીઓ બતાવવા ઇચ્છીએ છીએ

24હવે તમે ફિરઔન પાસે જાઓ, તેણે ઘણો વિદ્રોહ ફેલાવી રાખ્યો છે

25મૂસા અ.સ.એ કહ્યું હે મારા પાલનહાર ! મારું હૃદય મારા માટે ખોલી નાંખ

26અને મારા કાર્યને મારા માટે સરળ બનાવી દે

27અને મારી જબાનની ગાંઠ ખોલી નાંખ

28જેથી લોકો મારી વાત સારી રીતે સમજી શકે

29અને મારો નાયબ મારા કબીલા માંથી કરી દે

30એટલે કે મારા ભાઇ હારૂનને

31તું તેનાથી મારી કમર મજબૂત કરી દે

32અને તેને મારો ભાગીદાર બનાવ

33જેથી અમે બન્ને વધુમાં વધુ તારા નામનું સ્મરણ કરીએ

34અને વધારેમાં વધારે તને યાદ કરીએ

35નિ:શંક તું અમને ખૂબ સારી રીતે જોનાર છે

36અલ્લાહ તઆલાએ કહ્યું, મૂસા તારી બધી જ માંગણી પૂરી કરવામાં આવી

37અમે તો તમારા પર એકવાર આના કરતા મોટો ઉપકાર કર્યો હતો

38જ્યારે અમે તમારી માતાના દિલમાં તે વિચાર મૂકી દીધો, જેની વાત હવે કરવામાં આવી રહી છે

39કે તું તેને પેટીમાં બંધ કરી દરિયામાં છોડી દે, બસ ! દરિયો તેને કિનારા પર લાવી દેશે અને મારો અને તેનો શત્રુ તેને લઇ લેશે અને મારા તરફથી ખાસ કૃપા તમારા પર અવતરિત કરી દીધી, જેથી તમારો ઉછેર મારી સામે કરવામાં આવે

40(યાદ કરો) જ્યારે કે તમારી બહેન ચાલી રહી હતી અને કહેતી હતી કે જો તમે કહો તો હું તેને જણાવી દઉં, જે તેની દેખરેખ રાખે, આ ઉપાયથી અમે તમને ફરી તમારી માતા પાસે પહોંચાડ્યા જેથી તેની આંખો ઠંડી રહે અને તે નિરાશ ન થાય અને તમે એક વ્યક્તિને મારી નાંખ્યો હતો, તેનાથી પણ અમે તમને નિરાશ થવાથી બચાવી લીધા, છેવટે અમે તમારી કસોટી ખૂબ સારી રીતે કરી લીધી, પછી તમે કેટલાય વર્ષ સુધી “મદયન” શહેરના લોકો સાથે રહ્યા, પછી અલ્લાહની ઇચ્છા પ્રમાણે હે મૂસા ! તમે આવ્યા

41અને મેં તમને ખાસ પોતાના માટે પસંદ કરી લીધા

42હવે તમે પોતાના ભાઇને અને મારી નિશાનીઓને સાથે લઇ જાવ. અને ખબરદાર મારી યાદમાં સુસ્તી ન કરશો

43તમે બન્ને ફિરઔન પાસે જાઓ, તેણે ઘણો વિદ્રોહ કર્યો છે

44તેને નમ્રતાપૂર્વક સમજાવો કે કદાચ તે સમજી જાય અથવા ડરી જાય

45બન્નેએ કહ્યું કે હે અમારા પાલનહાર ! અમને ભય છે કે ક્યાંક ફિરઔન અમારા પર કોઈ અત્યાચાર ન કરે, અથવા પોતાના વિદ્રોહમાં વધી ન જાય

46કહ્યું કે તમે ભયભીત ન થાવ, હું તમારી સાથે છું અને હું સાંભળતો, જોતો રહીશ

47તમે તેની પાસે જઇને કહો કે અમે તારા પાલનહારના પયગંબરો છીએ, તું અમારી સાથે ઇસ્રાઇલના સંતાનને મોકલી દે, તેમની સજાને ટાળી દે, અમે તો તારી પાસે તારા પાલનહાર તરફથી નિશાની લઇને આવ્યા છે અને સલામતી તેના જ માટે છે જે સત્ય માર્ગદર્શન સ્વીકારી લે

48અમારી તરફ વહી કરવામાં આવી છે કે જે જુઠલાવે અને અવજ્ઞા કરે તેના માટે યાતના છે

49ફિરઔને પ્રશ્ન કર્યો કે હે મૂસા ! તમારા બન્નેન્નો પાલનહાર કોણ છે

50જવાબ આપ્યો કે અમારો પાલનહાર તે છે જેણે દરેકને તેનો ખાસ ચહેરો આપ્યો. પછી માર્ગ બતાવ્યો

51તેણે કહ્યું કે સારું, જણાવો કે આગળના લોકોની દશા શું થવાની છે

52જવાબ આપ્યો કે તેનું જ્ઞાન મારા પાલનહારની પાસે કિતાબમાં છે. ન તો મારો પાલનહાર ભૂલ કરે છે અને ન તો ભૂલી જાય છે

53તેણે જ તમારા માટે ધરતીને પાથરણું બનાવ્યું અને તેણે તેમાં ચાલવા માટે માર્ગો બનાવ્યા અને આકાશ માંથી પાણી પણ તે જ વરસાવે છે, પછી તે વરસાદના કારણે અલગ-અલગ પ્રકારની ઊપજો અમે જ ઊપજાવીએ છીએ

54૫૪ તમે પોતે ખાઓ અને પોતાના ઢોરોને પણ ચરાવો, કોઈ શંકા નથી કે આમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે

55તે જ ધરતી માંથી અમે તમારું સર્જન કર્યું અને તેમાં જ પાછા ફેરવીશું અને તેમાંથી જ ફરીવાર તમને સૌને બહાર કાઢીશું

56અમે તેને અમારી દરેક નિશાનીઓ બતાવી, પરંતુ તો પણ તેણે અવજ્ઞા કરી અને ઇન્કાર કર્યો

57કહેવા લાગ્યો, હે મૂસા ! શું એટલા માટે આવ્યો છે કે પોતાના જાદુના જોરથી અમારા શહેર માંથી અમને બહાર કાઢી મૂકો

58સારું, અમે પણ તારી વિરુદ્ધ તેના જેવું જ જાદુ જરૂર લાવીશું, બસ તું અમારી અને તારી વચ્ચે એક સમય નક્કી કરી દે, કે ન તો અમે તેની વિરુદ્ધ કરીએ અને ન તું, સમથળ મેદાનમાં સ્પર્ધા થાય

59મૂસા અ.સ.એ જવાબ આપ્યો કે શણગાર અને જલસાનો દિવસ નક્કી છે અને એ કે લોકો સવાર માંજ ભેગા થઇ જાય

60બસ ! ફિરઔન પાછો ફર્યો અને તેણે પોતાની યુક્તિઓ ભેગી કરી, આવી ગયો

61મૂસા અ.સ.એ તેને કહ્યું તમારી હાર આવી ગઇ, અલ્લાહ તઆલા પર જૂઠાણું ન બાંધો કે જેથી તે તમને યાતના આપી નષ્ટ કરી દે, યાદ રાખો તે ક્યારેય સફળ નહીં થાય, જેણે ખોટી વાત ઊપજાવી

62બસ ! આ લોકોને અંદરોઅંદર સલાહ સૂચન કરવામાં વિરોધાભાસી થઇ ગયા અને છૂપાઇને ધીરેધીરે સલાહસૂચન કરવા લાગ્યા

63કહેવા લાગ્યા કે આ બન્ને ફક્ત જાદુગર છે અને તેમની ઇચ્છા એ છે કે પોતાના જાદુના જોરથી તમને તમારા શહેર માંથી કાઢી મૂકે અને તમારા શ્રેષ્ઠ ધર્મને બરબાદ કરી દે

64તો તમે પણ પોતાની કોઈ યુક્તિ ન છોડશો, પછી સીધા લાઇનબંધ આવો, જે આજે વિજય પામ્યો તે જ બાજી લઇ ગયો

65કહેવા લાગ્યા કે, હે મૂસા ! તું પહેલા નાંખ અથવા અમે પહેલા નાંખીએ

66જવાબ આપ્યો કે નહીં, તમે જ પહેલા નાંખો, હવે તો મૂસા અ.સ. એવું વિચારવા લાગ્યા કે તેમની દોરીઓ અને લાકડીઓ તેમના જાદુના જોરથી દોડી રહી છે

67બસ ! મૂસા અ.સ. મનમાં ને મનમાં ભયભીત થયા

68અમે કહ્યું ભયભીત ન થાઓ, તમે જ વિજય મેળવશો અને ચઢિયાતા રહેશો

69અને તમારા જમણા હાથમાં જે છે તેને નાંખી દો, કે તેમની દરેક કારીગરીને ગળી જાય. તેઓએ જે કંઇ પણ બનાવ્યું છે આ તો ફક્ત જાદુગરોની યુક્તિઓ છે અને જાદુગરો ગમે ત્યાંથી આવે, સફળ નથી થતા

70હવે તો દરેક જાદુગરો સિજદામાં પડી ગયા અને પોકારવા લાગ્યા કે અમે તો હારૂન અને મૂસાના પાલનહાર પર ઈમાન લાવ્યા

71ફિરઔન કહેવા લાગ્યો કે શું મારી પરવાનગી પહેલા જ તમે તેના પર ઈમાન લઇ આવ્યા ? નિ:શંક આ જ તમારો વડીલ છે જેણે તમને જાદુ શિખવાડ્યું છે. (સાંભળો) હું તમારા હાથ-પગ વિરુદ્ધ દિશામાં કપાવી તમને સૌને ખજૂરની ડાળીઓ પર ઊંધા લટકાવી દઇશ અને તમે સંપૂર્ણ રીતે જાણી લેશો કે અમારા માંથી કોનો માર વધારે સખત અને બાકી રહેનારો છે

72તે લોકોએ જવાબ આપ્યો કે અશક્ય છે કે અમે તને પ્રોત્સાહન આપીએ આ પુરાવા પર, જે અમારી સમક્ષ આવી પહોંચ્યા અને તે અલ્લાહ પર જેણે અમારું સર્જન કર્યું છે, હવે તો તું જે કંઇ કરવાનો છે કરી લે. તું જે કંઇ પણ આદેશ આપી શકતો હોય તે ફક્ત દુનિયાના જીવન માટે જ છે

73અમે પોતાના પાલનહાર પર ઈમાન લાવ્યા કે જેથી તે અમારી ભૂલોને માફ કરે અને જાદુગરી (નો પાપ) જેના માટે તે અમને ઉભાર્યા છે. અલ્લાહ જ શ્રેષ્ઠ અને હંમેશા રહેવાવાળો છે

74વાત એવી છે કે જે પણ પાપી બની અલ્લાહ પાસે આવશે, તેના માટે જહન્નમ છે, જ્યાં ન મૃત્યુ હશે અને ન જીવન હશે

75અને જે પણ તેની પાસે ઈમાનની સ્થિતિમાં આવશે અને તેણે સત્કાર્યો કર્યા હશે, તેના માટે ઉચ્ચ અને પ્રતિષ્ઠિત દરજ્જા છે

76હંમેશાવાળી જન્નતો, જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેઓ હંમેશા રહેશે. આ જ ઇનામ (બક્ષિસ) છે તે દરેક વ્યક્તિ માટે, જે (પાપોથી) પવિત્ર થયો

77અમે મૂસા અ.સ. તરફ વહી અવતરિત કરી કે તમે રાતના સમયે મારા બંદાઓને લઇને નીકળી જાવ અને તેમના માટે દરિયામાં સૂકો માર્ગ બનાવ, પછી તમને કોઈનાથી પકડાઇ જવાનો ન ભય હશે, ન ડર

78ફિરઔને પોતાના લશ્કર સાથે તેમનો પીછો કર્યો, પછી તો દરિયો તે સૌના પર છવાઇ ગયો, જેવો છવાઇ જવાનો હતો

79ફિરઔને પોતાની કોમને પથભ્રષ્ટતામાં નાંખી દીધી અને સત્ય માર્ગ ન બતાવ્યો

80હે ઇસ્રાઇલના સંતાનો ! જુઓ, અમે તમને તમારા શત્રુઓથી છુટકારો આપ્યો અને તમારી સાથે તૂર નામના પર્વતની જમણી બાજુનું વચન કર્યું. અને તમારા માટે “મન્ અને સલ્વા” ઉતાર્યું

81તમે અમારી આપેલી પવિત્ર રોજી ખાઓ અને તેમાં હદ ન વટાવો, નહિતર તમારા પર મારો ગુસ્સો ઊતરશે. અને જેના પર મારો ગુસ્સો ઊતરી જાય, તે ખરેખર નષ્ટ થઇ ગયો

82હાં ! નિ:શંક હું તેમને માફ કરી દેવાનો છું જેઓ તૌબા કરશે, ઈમાન લાવશે અને સત્કાર્ય કરશે અને સત્ય માર્ગ પર જ રહેશે

83હે મૂસા ! તમને પોતાની કોમ પાસેથી (બેદરકાર થઇ) કેવી વસ્તુ ઝડપથી લઇ આવી

84કહ્યું કે તે લોકો મારી પાછળ જ છે અને હે પાલનહાર ! હું તારા તરફ જલ્દી એટલા માટે આવ્યો કે તું પ્રસન્ન થઇ જાવ

85કહ્યું, અમે તારી કોમને તારી પાછળ કસોટીમાં નાંખી દીધી અને તે લોકોને “સામરી” એ પથભ્રષ્ટ કરી દીધા

86બસ ! મૂસા અ.સ. સખત ગુસ્સે થઇ, દુ:ખી થઇ પાછા ફર્યા અને કહેવા લાગ્યા કે હે મારી કોમના લોકો ! શું તમારી સાથે તમારા પાલનહારે સદાચારનું વચન ન હતું લીધું ? શું આ સમયગાળો તમને લાંબો લાગ્યો ? પરંતુ તમારી ઇચ્છા એ જ છે કે તમારા પર તમારો પાલનહાર ગુસ્સે થાય, કે તમે મારા વચનનો ભંગ કર્યો

87તે લોકોએ જવાબ આપ્યો કે, અમે પોતાના અધિકારથી તમારી સાથે વચન ભંગ નથી કર્યું, પરંતુ અમે જે ઘરેણાં ઉઠાવ્યા હતા, તેને અમે નાંખી દીધા અને આવી રીતે સામરીએ પણ નાંખી દીધા

88પછી તેણે લોકો માટે એક વાછરડું બનાવ્યું એટલે કે વાછરડાની મૂર્તિ, જેનો ગાય જેવો અવાજ પણ હતો, પછી કહેવા લાગ્યા કે આ તમારો પણ પાલનહાર છે અને મૂસાનો પણ, પરંતુ મૂસા ભૂલી ગયો છે

89શું આ પથભ્રષ્ટ લોકો એ પણ નથી જોતા કે તે તો તેમની વાતોનો જવાબ પણ નથી આપી શકતો અને તેમના કોઈ સારાંનરસાંનો અધિકાર પણ નથી રાખતો

90અને હારૂન અ.સ.એ આ પહેલા જ તેમને કહી દીધું હતું, હે મારી કોમના લોકો ! આ વાછરડા દ્વારા તો ફક્ત તમારી કસોટી કરવામાં આવી છે, તમારો સાચો પાલનહાર તો અલ્લાહ, રહમાન જ છે. બસ ! તમે સૌ મારું અનુસરણ કરો અને મારી વાત માનો

91તે લોકોએ જવાબ આપ્યો કે મૂસા અ.સ.ના પાછા ફરવા સુધી તો અમે આની જ પૂજાપાઠ કરતા રહીશું

92મૂસા અ.સ. કહેવા લાગ્યા, હે હારૂન ! આ લોકોને પથભ્રષ્ટતામાં જોઇ તને કેવી વસ્તુએ રોક્યો હતો

93કે તું મારી પાછળ ન આવ્યો, શું તેં પણ મારા આદેશને ન માન્યો

94હારૂન અ.સ.એ કહ્યું, હે મારા ભાઇ ! મારી દાઢી ન પકડો અને માથાના વાળ ન ખેંચશો, મને તો ફક્ત એ વિચાર આવ્યો ક્યાંક તમે એવું કહેશો કે તેં ઇસ્રાઇલના સંતાન વચ્ચે વિવાદ કરી દીધો. અને મારા આદેશની રાહ ન જોઇ

95મૂસા અ.સ.એ પુછ્યું, સામરી ! તારી શું સ્થિતિ છે

96તેણે જવાબ આપ્યો કે મેં તે વસ્તુ જોઇ જેને તે લોકોએ ન જોઇ. તો મેં ફરિશ્તાની નીચેની માટીની મુઠ્ઠી ભરી લીધી, તેને તેની અંદર નાંખી દીધી, આવી જ રીતે મારા મનમાં આ વાત સત્ય લાગી

97કહ્યું કે સારું જા દુનિયાના જીવનમાં તારી સજા એ જ છે કે તું કહેતો રહીશ કે મને અડશો નહીં અને એક બીજું વચન તારા માટે છે જે તારાથી ક્યારેય હટશે નહીં અને હવે તું પોતાના આ પૂજ્યને પણ જોઇ લે, જેને તે બનાવ્યો હતો કે અમે તેને બાળી નાખીને દરિયામાં ભૂકો કરી ઉડાવી દઇશું

98ખરી વાત એ જ છે કે તમારા સૌનો સાચો પૂજ્ય ફક્ત અલ્લાહ જ છે, તેના સિવાય કોઈ પૂજ્ય નથી. તેનું જ્ઞાન દરેક વસ્તુ પર છે

99આવી જ રીતે અમે તમારી સમક્ષ પહેલા થઇ ગયેલા કિસ્સાઓનું વર્ણન કરીએ છીએ અને નિ:શંક અમે તમને પોતાની પાસેથી શિખામણ આપી ચૂક્યા છે

100આનાથી જે મોઢું ફેરવશે તે ખરેખર કયામતના દિવસે પોતાનો ભારે બોજ ઉઠાવશે

101જેમાં હંમેશા રહેશે અને તેમના માટે કયામતના દિવસે (મોટો) ખરાબ ભાર છે

102જે દિવસે સૂર ફૂંકવામાં આવશે અને પાપીઓને અમે તે દિવસે (ભય ના કારણે) ભૂરી અને પીળી આંખો સાથે લાવીશું

103તેઓ અંદરોઅંદર ધીરેધીરે વાત કરી રહ્યા હશે કે અમે તો ફક્ત દસ દિવસ જ રહ્યા (દુનિયામાં)

104જે કંઇ તેઓ કહી રહ્યા છે, તેની સત્યતાને અમે જાણીએ છીએ. તે લોકો કરતા વધારે સત્ય માર્ગવાળો કહી રહ્યો હશે કે તમે તો ફક્ત એક જ દિવસ રહ્યા

105તે તમને પર્વતો વિશે સવાલ કરે છે, તો તમે કહી દો કે તેમને મારો પાલનહાર કણો બનાવી ઉડાવી દેશે

106અને ધરતીને સપાટ મેદાન કરી દેશે

107જેમાં ન તો તમે વળાંક જોશો અને ન તો ખાડા

108જે દિવસે લોકો પોકારવાવાળાની પાછળ ચાલશે, જેમાં કંઇ પણ ખામી નહીં હોય અને કૃપાળુ અલ્લાહ સમક્ષ દરેકનો અવાજ નીચો થઇ જશે. તમને બણબણાટ સિવાય કંઇ પણ નહીં સંભળાય

109તે દિવસે ભલામણ કંઇ કામ નહીં આવે, પરંતુ જેને રહમાન (અલ્લાહ) પરવાનગી આપે અને તેની વાતને પસંદ કરે

110જે કંઇ તેમની આગળ-પાછળ છે તેને અલ્લાહ જ જાણે છે, સર્જનોનું જ્ઞાન તેનાથી ઉચ્ચ નથી થઇ શકતું

111દરેક ચહેરા, તે જીવિત અને બાકી રહેનાર, વ્યવસ્થાપક અલ્લાહની સમક્ષ સંપૂર્ણ આજીજી સાથે ઝૂકેલા હશે, નિ:શંક તે બરબાદ થઇ ગયો જેણે અત્યાચાર કર્યો

112અને જે સત્કાર્ય કરશે અને સાથે સાથે ઈમાન પણ ધરાવતો હશે, તો તેને ન તો અન્યાય થવાનો ભય હશે અને ન તો તેનો અધિકાર છીનવાઇ જવાનો

113એવી જ રીતે અમે તમારા પર અરબી ભાષામાં કુરઆન અવતરિત કર્યું અને દરેક રીતે ભયની વાતો સંભળાવી, જેથી લોકો ડરવા લાગે. અથવા તેમના હૃદયમાં ચિંતન-મનન થાય

114બસ ! અલ્લાહ, પ્રતિષ્ઠિત, ઉચ્ચ અને સાચો બાદશાહ છે. તમે કુરઆન પઢવામાં ઉતાવળ ન કરો, તે પહેલા કે તમારા તરફ જે વહી કરવામાં આવે છે તે પૂરી ન થઇ જાય, હાં આ દુઆ કરો કે પાલનહાર મારું જ્ઞાન વધાર

115અમે આદમ અ.સ.ને પહેલેથી જ નિશ્ચિત આદેશ આપ્યો હતો પરંતુ તે ભૂલી ગયા અને અમે તેમનામાં કોઈ મજબૂતાઇ ન જોઇ

116અને જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું, કે આદમ અ.સ.ને સિજદો કરો તો ઇબ્લીસ સિવાય સૌએ કર્યો, તેણે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો

117તો અમે કહ્યું હે આદમ ! આ તારો અને તમારી પત્નીનો શત્રુ છે, એવું ન થાય કે તે તમને બન્નેને જન્નત માંથી કઢાવી દે, કે જેથી તમે મુસીબતમાં પડી જાવ

118અહીંયા તો તમને એવો આરામ છે કે ન તો તમે ભૂખ્યાં છો અને ન તો નિર્વસ્ત્ર

119અને ન તો તમે તરસ્યા છો અને ન તડકાના કારણે તમને તકલીફ પહોંચે છે

120પરંતુ શેતાને તેમના હૃદયમાં એ વાત નાંખી કે તે કહેવા લાગ્યો કે શું હું તમને હંમેશા રહેનાર વૃક્ષ અને બાદશાહ બનવા માટે જણાવું કે જે ક્યારેય જૂનું નહીં થાય

121છેવટે તે બન્નેએ તે વૃક્ષ માંથી કંઇક ખાઇ લીધું, બસ ! બન્નેના ગુપ્તાંગ ખુલ્લા થઇ ગયા અને જન્નતના પાંદડાથી ઢાંકવા લાગ્યા. આદમ અ.સ.એ પોતાના પાલનહારની અવજ્ઞા કરી, બસ ! ભટકી ગયા

122પછી તેના પાલનહારે ખૂબ આપ્યું, તેની તૌબા કબૂલ થઇ અને તેને માર્ગદર્શન આપ્યું

123કહ્યું કે તમે બન્ને અહીંયાથી ઊતરી જાવ, તમે એકબીજાના શત્રુ છો, હવે તમારી પાસે ક્યારેય મારા તરફથી માર્ગદર્શન આવે તો, જે મારા માર્ગદર્શનનું અનુસરણ કરશે તો ન તો તે પથભ્રષ્ટ થશે , ન તેના પર તકલીફ આવશે

124અને જે મારી યાદથી મોઢું ફેરવશે તેનું જીવન તંગીમાં રહેશે. અને અમે તેને કયામતના દિવસે આંધળો કરી ઉઠાવીશું

125તે કહેશે, હે પાલનહાર ! મને તે આંધળો કરી કેમ ઊભો કર્યો, જો કે હું જોતો હતો

126(જવાબ આપવામાં આવશે કે) આવી જ રીતે થવું જોઇતું હતું, તું મારી અવતરિત કરેલી આયતોને ભૂલી ગયો, તો આજે તને પણ ભૂલી જવામાં આવે છે

127અમે આવો જ બદલો તે દરેક વ્યક્તિને આપીએ છીએ, જે હદ વટાવી દે અને પોતાના પાલનહારની આયતો પર ઈમાન ન લાવે અને નિ:શંક આખેરતની યાતના ઘણી સખત અને બાકી રહેનાર છે

128શું તેનું માર્ગદર્શન એ વાતે પણ ન કર્યું કે, અમે તેમના પહેલાં ઘણી જ વસ્તીઓને નષ્ટ કરી દીધી છે.જેમની રહેવાની જગ્યાએ આ લોકો હરીફરી રહ્યા છે, નિ:શંક આમાં બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે

129જો તમારા પાલનહારનીએ વાત પહેલાથી જ નક્કી કરેલ અને નક્કી કરેલ સમય ન હોત તો, તે જ સમયે યાતના આવી જાત

130બસ ! તેમની વાતો પર ધીરજ રાખો અને પોતાના પાલનહારની તસ્બીહ અને તેની પ્રશંસાનું વર્ણન કરતા રહો. સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પહેલાં. રાત્રિના અમુક સમયે પણ અને દિવસના અમુક ભાગમાં પણ તસ્બીહ પઢતા રહો. શક્ય છે કે તમે પ્રસન્ન થઇ જાવ

131અને પોતાની નજર ક્યારેય તે વસ્તુ પાછળ ન નાંખશો, જે અમે તેમના માંથી કેટલાક લોકોને દુનિયાનો શણગાર આપી રાખ્યો છે, જેથી તેમની કસોટી તેના વડે કરીએ, તમારા પાલનહારનું આપેલું ઉત્તમ અને ખૂબ જ બાકી રહેનાર છે

132પોતાના ઘરવાળાને નમાઝનું કહેતા રહો અને પોતે પણ કાયમ પઢતા રહો, અમે તમારી પાસે રોજી નથી માંગતા પરંતુ અમે પોતે તમને રોજી આપીએ છીએ. છેવટે વિજય ડરવાવાળા માટે જ છે

133તેમણે કહ્યું કે આ પયગંબર અમારી પાસે તેના પાલનહાર તરફથી કોઈ નિશાની કેમ નથી લાવ્યો ? શું તેમની પાસે આગળની કિતાબોના સ્પષ્ટ પુરાવા નથી આવ્યા

134અને જો અમે આ પહેલા જ તેમને યાતના આપી નષ્ટ કરી દેતા તો ખરેખર આ લોકો કહેતા કે, હે અમારા પાલનહાર ! તે અમારી પાસે પોતાનો પયગંબર કેમ ન મોકલ્યો ? કે અમે તારી આયતોનું અનુસરણ કરીએ તે પહેલા કે અમને અપમાનિત કરવામાં આવતા

135કહી દો દરેક પરિણામની રાહ જુએ છે, બસ ! તમે પણ રાહ જુઓ, નજીકમાં જ જાણી લેશો કે સત્ય માર્ગ તથા સીધા રસ્તાવાળાઓ કોણ છે

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath