ઇસ્લામ
પાછા

68. અલ-કલામ

1નૂન, સોગંદ છે કલમના અને તેના, જે કંઇ પણ તે (ફરિશ્તાઓ) લખે છે

2તમે પોતાના પાલનહારની કૃપાથી પાગલ નથી

3અને નિ:શંક તમારા માટે અનંત બદલો છે

4અને નિ:શંક તમે ખૂબ જ શ્રેષ્ઠ (ઉત્તમ) ચરિત્રવાળા છો

5બસ ! હવે તમે પણ જોઇ લેશો અને તેઓ પણ જોઇ લેશે

6કે તમારામાં થી કોણ પ્રલોભનમાં સપડાયેલુ છે

7નિ:શંક તમારો પાલનહાર પોતાના માર્ગથી ભટકેલાને ખૂબ જ સારી રીતે જાણે છે, અને તે સન્માર્ગીઓ ને પણ ખૂબ જ સારી રીતે જાણે છે

8બસ ! તમે જુઠલાવનારાઓની (વાત) ન માનો

9તેઓ તો ઇચ્છે છે કે તમે થોડાક નરમ પડો તો તેઓ પણ નરમ પડી જાય

10અને તમે કોઇ એવા વ્યક્તિનું પણ કહેવું ન માનશો જે વધારે સોગંદ ખાવાવાળો

11બેઆબરૂ, નીચ, મહેણાંટોણા મારનાર, ચાડી ખાનાર

12ભલાઇથી રોકવાવાળો, અતિરેક કરનાર, પાપી

13અતડા સ્વભાવનો, સાથે સાથે બદનામ પણ છે

14તેનો વિદ્રોહ ફકત એટલા માટે છે કે તે ધન-સંપત્તિ વાળો અને સંતાનોવાળો છે

15જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે તો કહી દે છે કે આ તો અગાઉના લોકોની વાર્તાઓ છે

16અમે પણ તેની સૂંઢ (નાક) પર ડામ આપીશું

17નિ:શંક અમે તેમની તેવી જ રીતે કસોટી કરી જેવી રીતે કે અમે બગીચાવાળાઓ ની કસોટી કરી હતી. જ્યારે કે તેમણે સોગંદ ખાધી કે વહેલી પરોઢ થતા જ આ બગીચાના ફળ તોડી લઇશું

18અને ઇન્ શાઅ અલ્લાહ ન બોલ્યા

19બસ ! તેમના પર તારા પાલનહાર તરફથી એક આફત ચારેય બાજુથી ફરી વળી અને તે સૂઇ જ રહ્યા હતા

20બસ ! તે બગીચો એવો થઇ ગયો જેવી કે વાઢેલી પાક

21હવે સવાર થતા જ તેમણે એકબીજાને પોકાર્યા

22કે અગર તમારે ફળ તોડવા હોય તો પોતાની ખેતી પર વહેલી પરોઢમાં ચાલી નીકળો

23ફરી તે લોકો ધીરે-ધીરે વાતો કરતા નીકળ્યા

24કે આજના દિવસે કોઇ લાચાર તમારી પાસે ન આવી શકે

25અને લપકતા સવાર સવારમાં નીકળ્યા (સમજી રહ્યા હતા) કે અમે સમર્થ છીએ (ફળ તોડવા માટે)

26જ્યારે તેમણે બગીચો જોયો તો કહેવા લાગ્યા, નિ:શંક અમે રસ્તો ભુલી ગયા

27ના ના, પરંતુ આપણું ભાગ્ય ફુટી ગયુ

28તે લોકોમાં જે શ્રેષ્ઠ હતો તેણે કહ્યુ કે હું તમને નહતો કહેતો કે તમે અલ્લાહ ની પવિત્રતાનું વર્ણન કેમ નથી કરતા

29તો બધા જ કહેવા લાગ્યા, આપણો પાલનહાર પવિત્ર છે, નિ:શંક અમે જ અત્યાચારી હતા

30ફરી તેઓ એક-બીજા તરફ ફરીને એક-બીજાને ઠપકો આપવા લાગ્યા

31કહેવા લાગ્યા ખૂબ અફસોસ ! ખરેખર અમે વિદ્રોહી હતા

32ઉમ્મીદ છે કે અમારો પાલનહાર અમને આનાથી સારો બદલો આપશે, અમે તો હવે પોતાના પાલનહારથી જ અપેક્ષા કરીએ છીએ

33આવી જ રીતે મુસીબત આવે છે. અને આખિરત (પરલોક) ની મુસીબત ઘણી જ મોટી છે. કદાચ તેઓ જાણતા હોત

34ડરનારાઓ માટે તેમના પાલનહાર પાસે નેઅમતોવાળી જન્નતો છે

35શું અમે મુસલ્માનોને પાપીઓ જેવા કરી દઇશું

36તમને શું થઇ ગયુ, કેવા નિર્ણયો કરો છો

37શું તમારી પાસે કોઇ કિતાબ છે જે તમે પઢતા હોય

38કે તેમાં તમારી મનચાહી વાતો હોય

39અથવા તો તમે અમારાથી કેટલીક સોગંદો લીધી છે ? જે કયામત (પ્રલય) સૂધી રહે, કે તમારા માટે તે બધુ જ છે જે તમે પોતાની તરફથી નક્કી કરી લો

40તેમને પુછો કે તેમના માંથી કોણ આ વાતનો જવાબદાર (દાવેદાર) છે

41શું તેમના કોઇ ભાગીદાર છે ? તો પોત પોતાના ભાગીદારો લઇ આવે, અગર તેઓ સાચા છે

42જે દિવસે પિંડલી (ઢીચણ નો નીચલો ભાગ) ખોલી નાખવામાં આવશે અને સિજદો કરવા માટે બોલવવામાં આવશે. તો (સિજદો) નહી કરી શકે

43નજરો નીચી હશે અને તેમના પર કલંક છવાઇ રહ્યુ હશે. તેમ છંતા આ સિજદા માટે (તે વખતે પણ) બોલાવવામાં આવતા હતા જ્યારે કે તંદુરસ્ત હતા

44બસ ! મને અને આ કલામને જુઠલાવનારાઓને છોડી દો, અમે તેમને આમ ધીરે ધીરે ખેંચીશું કે તેમને ખબર પણ નહીં પડે

45અને હું તેમને ઢીલ આપીશ, નિ:શંક મારી યોજના સખત સચોટ છે

46શું તમે તેમનાથી કોઇ વળતર ઇચ્છો છો જેના દંડના બોજ હેઠળ દબાઇ રહ્યા હોય

47અથવા તો તેમની પાસે અદ્રશ્યનું જ્ઞાન છે, જેને તેઓ લખી રહ્યા હોય

48બસ ! તમે પોતાના પાલનહારના આદેશની ધીરજ થી (રાહ જુઓ), અને માછલીવાળા (અર્થાત્ મૂરાદ એક પયગંબર છે જેમનું નામ યૂનુસ અ.સ. છે, તેઓ પોતાના લોકો પાસેથી અલ્લાહનો આદેશ આવ્યા પહેલા જ સમુદ્ર તરફ ચાલ્યા ગયા. ત્યાં તેઓને તેમની ભુલનો પસતાવો થયો. પસતાવો થંતા જ તેમણે પોતે સમુદ્રમાં છલાંગ લગાવી અને ત્યાં તેઓને એક માછલીએ લગભગ દિવસ સુધી પોતાના પેટમાં રાખેલા) જેવા ન થઇ જાવ, જ્યારે કે તેણે શોકાતુર થઇ દુઆ કરી

49અગર તેને તેના પાલનહારની મદદ ન આવી હોત તો નિ:શંક તે ખરાબ પરિસ્થિતિમાં સપાટ મેદાન પર નાખી દેવામાં આવત

50તેને તેના પાલનહારે ફરી પસંદ કરી લીધો અને તેને સદાચારી લોકોમાંસામેલ કરી દીધો

51અને નજીક છે કે ઇન્કારીઓ પોતાની ધારદાર નજરથી તમને લપસાવી દે, જ્યારે પણ કુરઆન સાંભળે છે તો કહી દે છે, આ તો પાગલ જ છે

52ખરેખર આ (કુરઆન) તો સમગ્ર માનવજાતિ માટે શિખામણ જ છે

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath