ઇસ્લામ
પાછા

32. અસ-સજદા

1અલિફ-લામ્-મિમ્

2નિ:શંક આ કિતાબનું અવતરણ સમગ્ર સૃષ્ટિના પાલનહાર તરફથી છે

3શું આ લોકો કહે છે કે તેણે (મુહમ્મદ) આ કુરઆનને ઘડી કાઢ્યું છે ? (ના) પરંતુ આ તમારા પાલનહાર તરફથી સત્ય છે. જેથી તમે તે લોકોને સચેત કરો, જેમની તરફ તમારા પહેલા કોઇ સચેત કરનાર નથી આવ્યા, જેથી તેઓ સત્ય માર્ગ પર આવી જાય

4અલ્લાહ તઆલા તે છે, જેણે આકાશ અને ધરતીને અને જે કંઈ તે બન્ને વચ્ચે છે સૌનું સર્જન છ દિવસમાં કર્યું, પછી અર્શ પર બિરાજમાન થયો, તમારા માટે તેના સિવાય કોઇ મદદ કરનાર અને ભલામણ કરનાર નથી, તો પણ તમે શિખામણ પ્રાપ્ત નથી કરતા

5તે આકાશથી ધરતી સુધી (બધા) કાર્યની વ્યવસ્થા કરે છે, પછી એક એવા દિવસમાં તેની તરફ ચઢી જાય છે જેની ગણતરી તમારા પ્રમાણે એક હજાર વર્ષ જેટલી છે

6તે જ છે છૂપું અને જાહેર જાણનાર, જબરદસ્ત, વિજયી, ઘણો જ દયાળુ

7જેણે દરેક વસ્તુ ખૂબ સારી રીતે બનાવી અને માનવીની બનાવટ માટી વડે શરૂ કરી

8પછી તેની પેઢી એક તુચ્છ પાણીના ટીપાં વડે ચલાવી

9જેને વ્યવસ્થિત કરી, તેમાં પોતાની રૂહ ફૂંકી, તેણે જ તમારા કાન, આંખો અને હૃદય બનાવ્યા. તમે ઘણો ઓછો આભાર વ્યક્ત કરો છો

10અને તેમણે કહ્યું, શું જ્યારે અમે ધરતીમાં સમાઇ જઇશું, શું ફરીવાર જીવિત કરવામાં આવીશું ? (વાત એવી છે) કે, તે લોકો પોતાના પાલનહારની મુલાકાતને જુઠલાવે છે

11કહી દો કે તમને મૃત્યુનો ફરિશ્તો મૃત્યુ આપશે, જે તમારા પર નક્કી કરવામાં આવ્યો છે, પછી તમે સૌ પોતાના પાલનહાર તરફ પાછા ફેરવવામાં આવશો

12કદાચ કે તમે જોતા, જ્યારે કે અપરાધી લોકો પોતાના પાલનહાર સામે માથા ઝુકાવી ઊભા હશે, કહેશે, હે અમારા પાલનહાર ! અમે જોઇ લીધું અને સાંભળી લીધું, હવે તું અમને પાછા મોકલી દે, અમે સત્કાર્યો કરીશું અમે ઈમાન લાવવાવાળા છે

13જો અમે ઇચ્છતા તો દરેક વ્યક્તિને સત્યમાર્ગે લાવી દેતા, પરંતુ મારી આ વાત સાચી છે કે હું જરૂર જહન્નમને માનવીઓ અને જિન્નાતોથી ભરી દઇશ

14હવે તમે પોતાના આ દિવસને ભૂલી જવાનો સ્વાદ ચાખો. અમે પણ તમને ભૂલાવી દીધા અને પોતાના કરેલા કાર્યોના કારણે હંમેશા રહેવાવાળી યાતના ચાખો

15અમારી આયતો પર તે જ લોકો ઈમાન લાવે છે જેમની સમક્ષ જ્યારે પણ શિખામણ આપવામાં આવે છે, તો તેઓ સિજદામાં પડી જાય છે અને પોતાના પાલનહારની પ્રશંસા સાથે તેના નામનું સ્મરણ કરે છે અને ઘમંડ નથી કરતા

16તેમના પડખા પોતાની પથારીથી અલગ રહે છે, પોતાના પાલનહારને ડર અને આશા સાથે પોકારે છે અને જે કંઈ અમે તેમને આપી રાખ્યું છે તેઓ ખર્ચ કરે છે

17કોઇ જીવ નથી જાણતો, જે કંઈ અમે તેમની આંખોની ઠંડક તેમના માટે છુપી રાખી છે, જે કંઈ આ લોકો કરતા હતા, આ તેનો બદલો છે

18શું તે લોકો, જેઓ ઈમાન લાવ્યા, વિદ્રોહીઓ જેવા હોઇ શકે છે ? આ સરખા નથી

19જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો પણ કર્યા, તેમના માટે હંમેશાવાળી જન્નતો છે, મહેમાન નવાજી છે, તેમના તે કાર્યોના કારણે જે તેઓ કરતા હતા

20પરંતુ જે લોકોએ આજ્ઞાનું પાલન ન કર્યું તેમનું ઠેકાણું જહન્નમ છે, જ્યારે પણ તેમાંથી બહાર નીકળવા ઇચ્છશે, તેમાંજ પાછા ફેરવવામાં આવશે અને કહી દેવામાં આવશે કે પોતાના જુઠલાવવાના કારણે આગની યાતના ચાખો

21નિ:શંક અમે તેમને કેટલીક નાની યાતના બતાવીએ છીએ મોટી યાતનાને બદલે, જેથી તેઓ પાછા આવી જાય

22તેના કરતા વધારે અત્યાચારી કોણ છે ? જેને અલ્લાહની આયતો દ્વારા શિખામણ આપવામાં આવી હોય, તો પણ તે લોકોએ આનાથી મોઢું ફેરવી લીધું. નિ:શંક અમે પણ પાપીઓ સાથે બદલો લેવાવાળા છે

23નિ:શંક અમે મૂસા અ.સ.ને કિતાબ આપી, બસ ! તમારે ક્યારેય તેની મુલાકાત વિશે શંકા ન કરવી જોઇએ અને અમે તેમને ઇસ્રાઇલના સંતાન માટે સત્ય માર્ગનું કારણ બનાવ્યા

24અને જ્યારે તે લોકોએ ધીરજ રાખી, તો અમે તે લોકો માંથી એવા નાયબ બનાવ્યા જેઓ અમારા આદેશ દ્વારા લોકોને સત્ય માર્ગ પર બોલાવતા હતા અને તેઓ અમારી આયતો પર ઈમાન ધરાવતા હતા

25તમારો પાલનહાર તેમની વચ્ચે, તે વાતોનો નિર્ણય કયામતના દિવસે કરી દેશે, જેમાં તેઓ વિવાદ કરી રહ્યા છે

26શું તે વાતથી પણ તેઓ સત્યમાર્ગે ન આવ્યા કે અમે તેમનાથી પહેલા ઘણી કોમોને નષ્ટ કરી દીધી, જેમના ઘરોમાં આ લોકો હરીફરી રહ્યા છે. આમાં તો મોટી નિશાનીઓ છે. શું તો પણ આ લોકો નથી સાંભળતા

27શું આ લોકો નથી જોતા કે અમે પાણીને ઉજ્જડ ધરતી તરફ લઇ જઇએ છીએ, પછી તેના વડે અમે ખેતીઓ ઊપજાવીએ છીએ, જેનાથી તેમના ઢોરો અને તે પોતે ખાય છે. શું તો પણ આ લોકો નથી જોતા

28અને કહે છે કે આ ફેંસલો ક્યારે આવશે ? જો તમે સાચા છો, (તો જણાવો)

29જવાબ આપી દો કે ફેંસલાના દિવસે ઇન્કાર કરનારાઓનું ઈમાન લાવવું કંઈ કામ નહીં આવે અને ન તો તેમને મહેતલ આપવામાં આવશે

30હવે તમે તેમના વિશે વિચારવાનું છોડી દો અને રાહ જુઓ, આ લોકો પણ રાહ જુએ

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath