ઇસ્લામ
પાછા

31. લુકમાન

1અલિફ-લામ્-મીમ્

2આ હિકમતવાળી કિતાબની આયતો છે

3જે સદાચારી લોકો માટે માર્ગદર્શક અને રહમત છે

4જે લોકો નમાઝ પઢે છે અને ઝકાત આપે છે અને આખેરત પર ઈમાન ધરાવે છે

5આ જ તે લોકો છે, જેઓ પોતાના પાલનહાર તરફથી સત્ય માર્ગ પર છે. અને આ લોકો જ છુટકારો મેળવશે

6અને કેટલાક લોકો એવા પણ છે જેઓ બેકાર વાતોને ખરીદે છે, જેથી અજ્ઞાનતાના કારણે લોકોને અલ્લાહના માર્ગથી ભટકાવે અને તેને હાસ્યનું કારણ બનાવે, આ જ તે લોકો છે જેમના માટે અપમાનિત કરી દેનારી યાતના છે

7જ્યારે તેમની સામે અમારી આયતોનું વર્ણન કરવામાં આવે છે તો ઘમંડ કરી એવી રીતે મોઢું ફેરવી લે છે, જાણે કે તેણે સાંભળ્યું જ નથી, જાણે કે તેના બન્ને કાનોમાં ડાટા લાગેલા છે, તમે તેમને દુ:ખદાયી યાતનાની સૂચના આપી દો

8નિ:શંક જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા તેમના માટે નેઅમતોવાળી જન્નતો છે

9જ્યાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહનું વચન સાચું છે, તે ઘણો જ પ્રભુત્વશાળી અને વિજયી છે અને સંપૂર્ણ હિકમતવાળો છે

10તેણે જ આકાશોનું સર્જન વગર સ્તંભે કર્યું, તમે તેને જોઇ રહ્યા છો અને તેણે ધરતીમાં પર્વતોને જકડી દીધા, જેથી તે તમને હલાવી ન શકે અને દરેક પ્રકારના સજીવોને ધરતીમાં ફેલાવી દીધા અને અમે આકાશ માંથી પાણી વરસાવી ધરતીમાં દરેક પ્રકારની સુંદર જોડીઓ ઊપજાવી

11આ છે અલ્લાહનું સર્જન, હવે તમે મને તેના સિવાય બીજા કોઇનું સર્જન તો બતાવો ? પરંતુ આ અત્યાચારી લોકો સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છે

12અને અમે ખરેખર લૂકમાનને હિકમત આપી હતી, કે તું અલ્લાહ તઆલાનો આભાર વ્યક્ત કર, દરેક આભાર વ્યકત કરનાર પોતાના માટે જ આભાર વ્યક્ત કરે છે, જે પણ કૃતઘ્નતા કરે, તે જાણી લે કે અલ્લાહ તઆલા બેનિયાઝ અને પ્રશંસાવાળો છે

13અને જ્યારે લૂકમાને પોતાના દીકરાને શિખામણ આપતા કહ્યું કે મારા વ્હાલા દીકરા ! અલ્લાહનો ભાગીદાર ન ઠેરવતો, નિ:શંક શિર્ક ખૂબ જ મોટો અત્યાચાર છે

14અમે માનવીને તેના માતા-પિતા બાબતે શિખામણ આપી, તેની માતાએ દુ:ખ પર દુ:ખ વેઠી તેને ગર્ભમાં રાખ્યો અને તેનો દૂધ છોડાવવાનો સમય બે વર્ષનો છે, કે તું મારો અને પોતાના માતા-પિતાનો આભાર વ્યક્ત કર, (તમને સૌને) મારી જ તરફ પાછું આવવાનું છે

15અને જો તે બન્ને તારા પર એ વાતની બળજબરી કરે, કે તું મારો ભાગીદાર બનાવ, જેનું જ્ઞાન તારી પાસે ન હોય, તો તું તેમનું કહ્યું ન માન, હાં ! દુનિયામાં તેમની સાથે સારી રીતે રહેજે અને તેના માર્ગે ચાલજે, જે મારી તરફ ઝૂકેલો હોય. તમારા સૌનું પાછું ફરવું મારી તરફ જ છે. તમે જે કંઈ કરો છો તે તમને જણાવી દઇશ

16વ્હાલા દીકરા ! જો કોઇ વસ્તુ રાઈના દાણા જેટલી હોય, પછી ભલે ને તે કોઇ સખત પથ્થરમાં હોય અથવા આકાશોમાં હોય અથવા ધરતીમાં હોય તેને અલ્લાહ તઆલા જરૂર લાવશે, અલ્લાહ તઆલા ઘણો જ સૂક્ષ્મ દૃષ્ટિવાળો અને બધું જ જાણનાર છે

17હે મારા વ્હાલા દીકરા ! તું નમાઝ પઢતો રહેજે, સારા કાર્યોની શિખામણ આપતો રહેજે, દુષ્કર્મોથી રોકજે અને જે મુસીબત તારા પર આવી જાય, તેના પર ધીરજ રાખજે. ખરેખર આ કાર્યો ખૂબ તાકીદનાં કાર્યો માંથી છે

18લોકોની સામે પોતાના ગાલ ન ફુલાવ અને ધરતી પર ઇતરાઇને ન ચાલ, અલ્લાહ તઆલા ઘમંડ કરનારને પસંદ નથી કરતો

19પોતાની ચાલ દરમિયાની રાખ, અને પોતાનો અવાજ નીચો રાખ, ખરેખર અવાજો માં સૌથી ખરાબ અવાજ ગધેડાનો છે

20શું તમે નથી જોતા કે અલ્લાહ તઆલાએ ધરતી અને આકાશની દરેક વસ્તુને તમારા કામમાં લગાડી છે અને તમને પોતાની જાહેર અને છુપી નેઅમતો પુષ્કળ આપી રાખી છે, કેટલાક લોકો અલ્લાહ વિશે જ્ઞાન વગર અને સત્ય માર્ગદર્શન વગર અને કોઇ સ્પષ્ટ કિતાબ વગર ઝઘડો કરે છે

21અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે અલ્લાહએ અવતરિત કરેલી વહીનું અનુસરણ કરો તો કહે છે કે અમે તો જે તરીકા પર અમારા પૂર્વજોને જોયા છે, તેનું જ અનુસરણ કરીશું, ભલેને શેતાન તેમના પૂર્વજોને જહન્નમની યાતના તરફ બોલાવતો હોય

22અને જે (વ્યક્તિ) પોતાને અલ્લાહને સોંપી દે અને સદાચારી હોય, ખરેખર તેણે મજબૂત કડું પકડી લીધું. દરેક કાર્યોનું પરિણામ અલ્લાહ તરફથી છે

23ઇન્કાર કરનારાઓના ઇન્કારના કારણે તમે નિરાશ ન થશો, છેવટે તે બધાને અમારી તરફ જ પાછા ફરવાનું છે, પછી અમે તેમને બતાવીશું જે તેમણે કર્યું છે, નિ:શંક અલ્લાહ હૃદયોના ભેદોને પણ જાણે છે

24અમે તેમને અમસ્તો જ કંઈક ફાયદો આપી દઇએ, પરંતુ અમે તેમને અત્યંત લાચારીની સ્થિતિમાં જહન્નમની યાતના તરફ હાંકી લઇ જઇશું

25જો તમે તેમને પૂછો કે આકાશ અને ધરતીનું સર્જન કરનાર કોણ છે ? તો તેઓ જરૂર જવાબ આપશે કે “અલ્લાહ”, તો કહી દો કે દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, પરંતુ તેમાં ઘણા લોકો અજ્ઞાની છે

26આકાશો અને ધરતીમાં જે કંઈ છે, તે બધું અલ્લાહનું જ છે, ખરેખર અલ્લાહ તઆલા બેનિયાઝ અને પ્રશંસાને લાયક છે

27ધરતીના દરેક વૃક્ષ, જો કલમ (પેન) બની જાય અને દરેક સમુદ્ર શાહી બની જાય અને ત્યાર પછી સાત સમુદ્રો વધારે હોય તો પણ અલ્લાહના કલેમા પૂર્ણ નહીં થઇ શકે. નિ:શંક અલ્લાહ તઆલા વિજયી અને હિકમતવાળો છે

28તમારા સૌનું સર્જન અને મૃત્યુ પછી ફરી જીવિત કરવું એવું જ છે જેવું કે એક પ્રાણનું (સર્જન). નિ:શંક અલ્લાહ તઆલા સાંભળનાર, જોનાર છે

29શું તમે નથી જોતા કે અલ્લાહ તઆલા રાતને દિવસમાં અને દિવસને રાતમાં ફેરવી નાખે છે, સૂર્ય અને ચંદ્રને તેણે જ આજ્ઞાકારી બનાવી રાખ્યા છે, દરેક નક્કી કરેલ સમય સુધી ચાલશે. અલ્લાહ તઆલા દરેક વસ્તુની જાણ રાખે છે જે તમે કરો છો

30આ બધું એટલા માટે કે અલ્લાહ તઆલા જ સત્ય છે અને તેના સિવાય જેને પણ લોકો પોકારે છે, બધા ખોટા છે અને નિ:શંક અલ્લાહ તઆલા ઘણો ઉચ્ચ અને પ્રતિષ્ઠિત છે

31શું તમે તેના પર વિચાર નથી કરતા કે દરિયામાં હોડીઓ અલ્લાહની કૃપાથી ચાલી રહી છે, એટલા માટે કે તે તમને પોતાની નિશાનીઓ બતાવી દે, ખરેખર આમાં દરેક ધીરજ રાખનાર અને આભાર વ્યક્ત કરનાર માટે ઘણી નિશાનીઓ છે

32અને જ્યારે તેમના પર મોજા છાંયડાની જેમ આવી જાય છે, તો તે નિખાલસતાથી શ્રદ્ધા ધરાવી, અલ્લાહ તઆલાને જ પોકારે છે, પછી જ્યારે તે (અલ્લાહ તઆલા) તેમને છુટકારો આપી ધરતી તરફ લાવે છે તો કેટલાક તેમના માંથી સત્ય માર્ગ પર રહે છે અને અમારી આયતોનો ઇન્કાર ફક્ત તે જ લોકો કરે છે જે વચન ભંગ કરનાર અને કૃતધ્ની છે

33લોકો ! પોતાના પાલનહારથી ડરો અને તે દિવસથી પણ ડરો જે દિવસે પિતા પોતાના દીકરાને કંઈ ફાયદો પહોંચાડી નહીં શકે અને ન દીકરો પોતાના પિતાને કંઈ ફાયદો પહોંચાડી શકશે, અલ્લાહનું વચન સાચું છે, (જુઓ) તમને દુનિયાનું જીવન ધોકામાં ન નાખે. અને ન ધોકો આપનાર તમને ધોકામાં નાંખી દે

34નિ:શંક અલ્લાહ તઆલાની પાસે જ કયામતનું જ્ઞાન છે, તે જ વરસાદ વરસાવે છે અને માતાના પેટમાં જે કંઈ છે, તેને જાણે છે, કોઇ નથી જાણતું કે આવતીકાલે શું કરશે, ન કોઇને જાણ છે કે કેવી ધરતી પર મૃત્યુ પામશે, (યાદ રાખો) અલ્લાહ તઆલા જ સંપૂર્ણ જ્ઞાનવાળો અને સાચી ખબર રાખનારો છે

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath