27. એન-નમ્લ
1તૉ- સીન્, આ આયતો કુરઆનની છે અને પ્રકાશિત કિતાબની
2સત્ય માર્ગદર્શન અને ખુશખબર ઈમાનવાળાઓ માટે
3જે નમાઝ (કાયમ) પઢે છે અને ઝકાત આપે છે અને આખેરત પર ઈમાન ધરાવે છે
4જે લોકો કયામતના દિવસ પર ઈમાન નથી લાવતા અમે તેમના કાર્યો શણગારીને બતાવ્યા, બસ ! તેઓ ભટકતા ફરે છે
5આ જ તે લોકો છે, જેમના માટે ખરાબ યાતના છે અને આખેરતમાં પણ તેઓ ખૂબ જ નુકસાન ઉઠાવશે
6નિ:શંક તમને હિકમતવાળા અને જ્ઞાનવાળા અલ્લાહ તરફથી કુરઆન શિખવાડવામાં આવે છે
7(યાદ હશે) જ્યારે મૂસા અ.સ.એ પોતાના ઘરવાળાઓને કહ્યું કે મેં આગ જોઇ છે, હું ત્યાં જઇ કોઈ જાણકારી લઇ અથવા આગનો કોઈ સળગતો અંગારો લઇને હમણાં તમારી તરફ આવી જઇશ, જેથી તમે તાપણી કરી લો
8જ્યારે ત્યાં પહોંચ્યા તો અવાજ આપવામાં આવી કે બરકતવાળો છે તે, જે આ આગમાં છે, અને તેની આજુબાજુની વસ્તુને બરકતવાળી બનાવવામાં આવી છે અને પવિત્ર છે તે અલ્લાહ જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે
9મૂસા ! સાંભળો, વાત એવી છે કે હું જ વિજયી, હિકમતવાળો અલ્લાહ છું
10તમે પોતાની લાકડી નાખી દો, મૂસાએ જ્યારે લાકડીને હલનચલન કરતી જોઇ, એવી રીતે જાણે કે તે એક સાંપ છે, તો મોઢું ફેરવી ભાગ્વા લાગ્યા અને પાછું વળીને જોયું પણ નહીં. હે મૂસા ! ડરો નહીં, મારી સામે પયગંબર ડરતા નથી
11પરંતુ જે લોકો અત્યાચાર કર્યા પછી સત્કાર્ય કરે, તો તે બૂરાઇ પછી (સત્યના કારણે) હું માફ કરનાર, દયાળુ છું
12અને પોતાનો હાથ પોતાના કોલરમાં નાખ, તે સફેદ પ્રકાશિત થઇ કોઈ ખામી વગર નીકળશે, તમે નવ નિશાની લઇને ફિરઔન અને તેમની કોમ તરફ જાઓ, ખરેખર તે વિદ્રોહીઓનું જૂથ છે
13બસ ! જ્યારે તેમની પાસે આંખો ખોલી દેનારા અમારા ચમત્કારો પહોંચ્યા તો તેઓ કહેવા લાગ્યા કે આતો સ્પષ્ટ જાદુ છે
14તે લોકોએ ઇન્કાર કરી દીધો, જો કે તેમના હૃદય માની ગયા હતાં, ફક્ત અત્યાચાર અને અહંકારના કારણે. બસ ! જોઇ લો કે તે વિદ્રોહીઓની દશા કેવી થઇ
15અને અમે ખરેખર દાઉદ અને સુલૈમાનને જ્ઞાન આપી રાખ્યું હતું અને બન્નેએ કહ્યું, પ્રશંસા તે અલ્લાહ માટે છે, જેણે અમને પોતાના ઘણા ઈમાનવાળા બંદાઓ પર મહત્વત્તા આપી
16અને દાઉદના વારસદાર સુલૈમાન બન્યા, અને કહેવા લાગ્યા, લોકો ! અમને પક્ષીઓની ભાષા શિખવાડવામાં આવી છે અને અમને બધી જ વસ્તુ માંથી આપવામાં આવ્યું છે, નિ:શંક આ સ્પષ્ટ અલ્લાહની કૃપા છે
17સુલૈમાનની સામે તેમનું લશ્કર, માનવી અને જિન્નાત તથા પક્ષીઓને ભેગા કરવામાં આવ્યા, (દરેકને હોદ્દા પ્રમાણે) અલગ અલગ કરી દેવામાં આવ્યા
18જ્યારે તેઓ કીડીઓના મેદાનમાં પહોંચ્યા, તો એક કીડીએ કહ્યું, હે કીડીઓ ! પોતાના દરમાં જતી રહો, એવું ન થાય કે અજાણતામાં સુલૈમાન અને તેનું લશ્કર તમને કચડી નાખે
19તેની આ વાતથી સુલૈમાન હસી પડ્યા અને દુઆ કરવા લાગ્યા કે, હે પાલનહાર ! તું મને તૌફીક આપ કે હું તારી તે નેઅમતોનો આભાર માનું, જે તેં મારા પર અને મારા માતાપિતા પર કરી છે. અને હું એવા સત્કાર્યો કરતો રહું જેના કારણે તું રાજી થઇ જાય, મને પોતાની કૃપાથી સદાચારી લોકોમાં કરી દે
20તેમણે પક્ષીઓનું નિરીક્ષણ કર્યું અને કહેવા લાગ્યા કે શું વાત છે કે હું હુદહુદને નથી જોઇ રહ્યો, શું ખરેખર તે ગેરહાજર છે
21નિ:શંક હું તેને સખત સજા આપીશ અથવા તેને ઝબહ કરી દઇશ અથવા મારી સામે કોઈ સ્પષ્ટ કારણ જણાવે
22થોડીક જ વારમાં તેણે (હુદહુદે) આવીને કહ્યું, હું એક એવી વસ્તુની જાણકારી લાવ્યો છું. કે તમને તેના વિશે જાણ નથી, હું સબાની એક સાચી ખબર તમારી પાસે લાવ્યો છું
23મેં જોયું કે તેમની બાદશાહત એક સ્ત્રી કરી રહી છે, જેને દરેક પ્રકારની વસ્તુઓ માંથી કંઇક આપવામાં આવ્યું છે અને તેનું સિંહાસન પણ ખૂબ જ જબરદસ્ત છે
24મેં, તેને અને તેની કોમના લોકોને અલ્લાહ તઆલાને છોડીને સૂર્યને સિજદો કરતા જોયા, શેતાને તેમના કાર્યો તેમને સુંદર દેખાડી, સત્ય માર્ગથી વંચિત કરી દીધા, બસ ! તેઓ સત્ય માર્ગ પર નથી આવતા
25કે તે અલ્લાહ માટે જ સિજદો કરે, જે આકાશો અને ધરતીની છુપી વસ્તુઓને બહાર કાઢે છે અને જે કંઇ તમે છુપાવો છો અને જાહેર કરો છો તે બધું જ જાણે છે
26તેના સિવાય કોઈ પૂજ્ય નથી, તે જ પ્રતિષ્ઠિત અર્શનો માલિક છે
27સુલૈમાને કહ્યું, હવે અમે જોઇ લઇશું કે તું સાચો છે અથવા જુઠ્ઠો છે
28મારા આ પત્રને લઇ તેમને આપી દે, પછી પાછો આવી જા અને જો, કે તેઓ શું જવાબ આપે છે
29તે કહેવા લાગી, હે સરદાર ! મારી સામે એક પ્રભાવશાળી પત્ર આવ્યો છે
30જે સુલૈમાન તરફથી છે અને જે માફ કરનાર, દયાળુ અલ્લાહના નામથી છે
31એ કે તમે મારી સામે વિદ્રોહ ન કરો અને મુસલમાન બની મારી પાસે આવી જાઓ
32તેણીએ કહ્યું, હે મારા સરદાર ! તમે મારી આ બાબતે મને સલાહ આપો, હું ત્યાં સુધી કોઈ આદેશ આપતી નથી, જ્યાં સુધી તમારી કોઈ સલાહ ન મળે
33તે સૌએ જવાબ આપ્યો કે અમે તાકાતવર અને પ્રભુત્વશાળી બળવાન યોદ્ધા છે, આગળ તમારા હાથમાં છે. તમે પોતે વિચારી લો કે અમને તમે શું આદેશ આપો છો
34તેણીએ કહ્યું કે બાદશાહ જ્યારે કોઈ વસ્તીમાં પ્રવેશ કરે છે, તો તેને વેરાન કરી નાખે છે અને ત્યાંના ઇજજતવાળાઓને અપમાનિત કરે છે અને આ લોકો પણ આવું જ કરશે
35હું તેમને એક ભેટ આપીશ, પછી જોઇ લઇશ કે સંદેશવાહક શું જવાબ લઇ પરત ફરે છે
36બસ ! જ્યારે સંદેશવાહક સુલૈમાન પાસે પહોંચ્યો તો, તેમણે કહ્યું, શું તમે માલ વડે મારી મદદ કરવા ઇચ્છો છો ? મને તો મારા પાલનહારે આના કરતા વધારે શ્રેષ્ઠ આપી રાખ્યું છે, જે વસ્તું તેણીએ તમને આપી છે, બસ ! તમે જ પોતાની ભેટથી ખુશ થાવ
37જા ! તેની પાસે પાછો જા, અમે તેમના માટે તે લશ્કર લાવીશું, જેમનો સામનો કરવાની શક્તિ તેઓમાં નથી. અમે તેમને અપમાનિત કરી ત્યાંથી કાઢી મૂકીશું
38સુલૈમાને કહ્યું કે હે સરદાર ! તમારા માંથી કોઈ છે, જે તેમના મુસલમાન થઇ, પહોંચ્યા પહેલા જ તેનું સિંહાસન મારી પાસે લાવી બતાવે
39એક શક્તિશાળી જિન્ને કહ્યું, તમે તમારી આ સભા માંથી ઊભા થાવ તે પહેલા જ તેને હું તમારી સામે હાજર કરી દઇશ, નિ:શંક હું આના માટે શક્તિ ધરાવું છું અને નિષ્ઠાવાન પણ છું
40જેની પાસે કિતાબનું જ્ઞાન હતું, તેણે કહ્યું કે તમારું પલક ઝબકાવતા પહેલા જ હું તમારી સામે તેને લાવી શકું છું, જ્યારે સુલૈમાને તે સિંહાસનને પોતાની સમક્ષ જોયું, તો કહેવા લાગ્યા, આ જ મારા પાલનહારની કૃપા છે, જેથી તે મારી કસોટી કરે કે હું આભારી બનું છું કે કૃતઘ્ની. આભારી પોતાના ફાયદા માટે જ આભાર વ્યક્ત કરે છે અને જે આભાર વ્યક્ત ન કરે તો મારો પાલનહાર (બેપરવાહ) ધનવાન અને ઉદાર છે
41આદેશ આપ્યો કે તેના સિંહાસનમાં થોડો ફેરફાર કરી દો, જેથી ખબર પડી જાય કે, તેણી સત્યમાર્ગ મેળવે છે અથવા નથી મેળવતી
42પછી જ્યારે તે આવી ગઇ તો તેને કહેવામાં આવ્યું કે આવું જ તારું (પણ) સિંહાસન છે ? તેણીએ જવાબ આપ્યો કે આ તે જ છે, અમને આની જાણ પહેલાથી જ કરી દેવામાં આવી હતી અને અમે મુસલમાન હતાં
43જે લોકોની બંદગી તેણી અલ્લાહ સિવાય કરતી હતી, તેઓએ તેણીને રોકી રાખી હતી, (અલ્લાહની બંદગી કરવાથી) નિ:શંક તે ઇન્કાર કરનારાઓ માંથી હતી
44તેણીને કહેવામાં આવ્યું કે મહેલમાં ચાલતા રહો, જ્યારે તેણીએ મહેલ જોયો તો તેણીને હોજ લાગ્યો જેથી તેણી પોતાના કપડા સમેટવા લાગી, કહ્યું કે આ તો કાચથી બનેલી ઇમારત છે, કહેવા લાગી, મારા પાલનહાર ! મેં પોતાના પર અત્યાચાર કર્યો, હવે હું સુલૈમાનની જેમ સમગ્ર સૃષ્ટિના પાલનહાર અલ્લાહની આજ્ઞાકારી બનું છું
45નિ:શંક અમે ષમૂદના લોકો તરફ તેમના ભાઇ સાલિહ અ.સ.ને મોકલ્યા કે તમે સૌ અલ્લાહની બંદગી કરો, તો પણ તેઓ બે જૂથ બની અંદરોઅંદર ઝઘડો કરવા લાગ્યા
46સાલિહ અ.સ.એ કહ્યું, કે હે મારી કોમના લોકો ! તમે સત્કાર્ય પહેલા જ દુષ્કર્મોની ઉતાવળ કેમ કરો છો ? તમે અલ્લાહ પાસે માફી કેમ નથી માંગતા જેથી તમારા પર દયા કરવામાં આવે
47તે કહેવા લાગ્યા કે અમે તો તારાથી અને તારા અનુયાયીઓથી છેતરામણીનો આભાસ કરી રહ્યા છે. સાલિહએ કહ્યું, તમારો આભાસ અલ્લાહ પાસે છે, પરંતુ તમે વિદ્રોહી છો
48આ શહેરમાં નવ સરદાર હતાં, જેઓ ધરતી પર વિદ્રોહ ફેલાવતા હતાં અને સુધારો ન હતા કરતા
49તેઓએ અંદરોઅંદર સોગંદો ખાઇ વચન લીધું કે રાત્રિના સમયે જ આપણે સાલિહ અને તેના ઘરવાળાઓ પર છાપો મારીશું અને તેના વારસદારોને સ્પષ્ટ કહી દઇશું કે આના ઘરવાળાઓના મૃત્યુના સમયે હાજર ન હતાં અને અમે ખરેખર સાચા છે
50તેઓએ યુક્તિ કરી અને અમે પણ એક યુક્તિ કરી, તેઓ તેને સમજતા ન હતાં
51(હવે) જોઇ લો, તેમની યુક્તિઓની દશા કેવી થઇ ? કે અમે તેમને અને તેમની કોમના લોકોને દરેકને નષ્ટ કરી દીધા
52આ છે તેમના ઘરો, જે તેમના અત્યાચારના કારણે વેરાન પડ્યા છે, જે લોકો જ્ઞાન ધરાવે છે તેમના માટે આમાં મોટી શિખામણ છે
53અમે જેઓ ઈમાન લાવ્યા છે અને ડરવાવાળા છે, તેઓને બચાવી લીધા
54અને લૂતને (યાદ કર), જ્યારે તેણે પોતાની કોમના લોકોને કહ્યું કે શું જાણવા છતાં તમે અશ્લીલ કાર્ય કરી રહ્યા છો
55આ કેવી વાત છે કે તમે સ્ત્રીઓને છોડીને પુરૂષો સાથે કામવાસના કરો છો, ખરેખર તમે ખૂબ જ અજાણ બની રહ્યા છો
56કોમના લોકોનો જવાબ, એ સિવાય કંઇ ન હતો કે લૂતના ખાનદાનને દેશનિકાલ કરી દો, આ તો ખૂબ જ પવિત્ર બની રહ્યા છે
57બસ ! અમે તેમને અને તેમના ખાનદાનને, તેમની પત્ની સિવાય, સૌને બચાવી લીધા, તેના વિશે અનુમાન કરી રાખ્યું હતું કે તે બાકી રહેવાવાળા લોકો માંથી છે
58અને તેમના પર એક (ખાસ) વરસાદ વરસાવી દીધો, બસ ! તે ધમકી આપનારા પર ખરાબ વરસાદ પડ્યો
59તમે કહી દો કે દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે અને તેના નિકટના લોકો પર સલામ છે, શું અલ્લાહ શ્રેષ્ઠ છે કે તે લોકો, જેમને આ લોકો ભાગીદાર ઠેરવી રહ્યા છે
60જણાવો તો ખરા ! કે આકાશો અને ધરતીનું સર્જન કોણે કર્યું ? આકાશ માંથી પાણી કોણે વરસાવ્યું ? પછી તેનાથી હર્યા-ભર્યા, સુંદર બગીચા બનાવ્યા, તે બગીચાઓના વૃક્ષોને તમે ક્યારેય ઊપજાવી શક્તા ન હતાં, શું અલ્લાહની સાથે બીજો કોઈ પૂજ્ય છે ? જો કે આ લોકો પથભ્રષ્ટ થઇ જાય છે (સત્ય માર્ગથી)
61શું તે, જેણે ધરતીને રહેવા માટેનું કારણ બનાવ્યું અને તેની વચ્ચે નહેરો વહાવી દીધી અને તેના માટે પર્વતો બનાવ્યા અને બે સમુદ્રોની વચ્ચે પરદો બનાવ્યો, શું અલ્લાહની સાથે બીજો કોઈ પૂજ્ય છે ? પરંતુ તેમના માંથી ઘણા લોકો જાણતા જ નથી
62પરેશાન વ્યક્તિની પોકાર, જ્યારે તે પોકારે, કોણ કબૂલ કરી તકલીફને દૂર કરે છે ? અને તમને ધરતીનો નાયબ બનાવે છે, શું અલ્લાહની સાથે બીજો કોઈ પૂજ્ય છે ? તમે થોડીક જ શીખામણ પ્રાપ્ત કરો છો
63શું તે, જે તમને સૂકી અને ભીની (ધરતી)ના અંધકારમાં રસ્તો બતાવે છે અને જે પોતાની કૃપા પહેલા જ ખુશખબર આપનારી હવાઓને ચલાવે છે, શું અલ્લાહ સિવાય બીજો કોઈ પૂજ્ય પણ છે જેને આ લોકો અલ્લાહનો ભાગીદાર ઠેરવે છે ? અલ્લાહ તે બધાથી ઉચ્ચ અને ઘણો જ પ્રતિષ્ઠિત છે
64શું તે, જે પ્રથમ વખત સર્જન કરે છે, પછી તેને પાછો ફેરવશે અને જે તમને આકાશ અને ધરતી માંથી રોજી આપી રહ્યો છે, શું અલ્લાહ સાથે બીજો કોઈ પૂજ્ય છે ? કહી દો કે જો તમે સાચા હોવ, તો પોતાના પુરાવા રજુ કરો
65કહી દો કે આકાશો અને ધરતીવાળાઓ માંથી અલ્લાહ સિવાય કોઈ અદૃશ્યની વાતો નથી જાણતો, તેઓ એ પણ નથી જાણતા કે ક્યારે તેમને ફરીવાર જીવિત કરવામાં આવશે
66પરંતુ આખેરતના વિશે તેમનું જ્ઞાન પૂરું થઇ ગયું છે. પરંતુ આ લોકો તેના વિશે શંકા કરે છે, પરંતુ આ લોકો તેનાથી આંધળા છે
67ઇન્કાર કરનારાઓએ કહ્યું કે જ્યારે અમે માટી થઇ જઇશું અને અમારા પૂર્વજો પણ, શું અમને ફરી જીવિત કરવામાં આવશે
68અમને અને અમારા પૂર્વજોને પહેલાથી જ આવા વચનો આપવામાં આવી રહ્યા છે. આ તો ફક્ત આગળના લોકોની વાર્તાઓ સિવાય કંઈ નથી
69કહી દો, કે ધરતીમાં હરીફરીને જુઓ તો ખરા કે અપરાધીઓની દશા કેવી થઇ
70તમે તેમના માટે નિરાશ ન થશો અને તેમની યુક્તિઓથી પોતાના હૃદયને તંગ ન કરશો
71કહે છે કે આ વચનો ક્યારે પૂરા થશે ? જો સાચા હોવ તો જણાવો
72જવાબ આપી દો કે કદાચ કેટલીક તે વસ્તુ, જેના માટે તમે ઉતાવળ કરી રહ્યા છો, તમારાથી ઘણી નજીક હોય
73નિ:શંક તમારો પાલનહાર દરેક લોકો માટે ખૂબ જ કૃપાળુ છે, પરંતુ ઘણા લોકો કૃતઘ્નતા કરે છે
74નિ:શંક તમારો પાલનહાર તે વસ્તુઓને પણ જાણે છે, જે વાતોને તેઓના હૃદય છુપાવી રહ્યા છે અને જેને જાહેર કરે છે
75આકાશ અને ધરતીની કોઈ છૂપી વસ્તુ એવી નથી, જે સ્પષ્ટ ખુલ્લી કિતાબમાં ન હોય
76નિ:શંક આ કુરઆન, ઇસ્રાઇલના સંતાન સામે તે ઘણી વાતોનું વર્ણન કરે છે, જેમાં આ લોકો વિવાદ કરે છે
77અને આ કુરઆન, ઈમાનવાળાઓ માટે ખરેખર સત્ય માર્ગદર્શન અને કૃપા છે
78તમારો પાલનહાર તેમની વચ્ચે પોતાના આદેશ વડે બધા ફેંસલા કરી દેશે, તે ઘણો જ પ્રતિષ્ઠિત, જ્ઞાનવાળો છે
79બસ ! તમે અલ્લાહ પર જ ભરોસો રાખો, નિ:શંક તમે સાચા અને સ્પષ્ટ દીન પર છો
80નિ:શંક તમે ન તો મૃતકોને સંભળાવી શકો છો અને ન તો બહેરાઓને પોતાનો અવાજ સંભળાવી શકો છો, જ્યારે તે લોકો પીઠ ફેરવી પાછા ફરે છે
81અને ન તમે આંધળાઓને તેમની પથભ્રષ્ટતાથી હટાવી માર્ગદર્શન આપી શકો છો, તમે તો તે લોકોને જ સંભળાવી શકો છો, જે અમારી આયતો પર ઈમાન લાવ્યા છે, પછી તે લોકો આજ્ઞાકારી બની જાય છે
82જ્યારે તેમના પર યાતના નક્કી થઇ જશે, અમે ધરતી માંથી તેમના માટે એક જાનવર કાઢીશું, જે તેમની સાથે વાતો કરતું હશે, કે લોકો અમારી આયતો પર વિશ્વાસ કરતા ન હતાં
83અને જે દિવસે અમે દરેક કોમ માંથી તે લોકોના જૂથને, જે અમારી આયતોને જુઠલાવતા હતાં, તેઓને ધેરાવમાં લઇશું, પછી તે બધાને અલગ કરી દેવામાં આવશે
84જ્યારે બધા આવી જશે તો અલ્લાહ તઆલા કહેશે કે તમે મારી આયતોને કેમ જુઠલાવી ? જ્યારે તમને તેનું જ્ઞાન ન હતું અને એ પણ જણાવો કે તમે શું કરતા રહ્યા
85તે લોકોના અત્યાચાર કરવાના કારણે, તેમના પર વાત નક્કી થઇ જશે અને તે લોકો કંઇ બોલી નહીં શકે
86શું તે જોતા નથી કે અમે રાતને એટલા માટે બનાવી કે તે તેમાં આરામ કરી લે અને દિવસને અમે પ્રકાશિત બનાવ્યો, ખરેખર આમાં તે લોકો માટે શિખામણ છે જેઓ ઈમાન ધરાવે છે
87જે દિવસે સૂર ફૂંકવામાં આવશે, તો બધા જ આકાશો અને ધરતીવાળાઓ ગભરાઇ જશે, સિવાય જેને અલ્લાહ તઆલા ઇચ્છે, બધા જ અલ્લાહ સામે અસમર્થ થઇ હાજર થશે
88અને તમે પર્વતોને જોઇ, પોતાની જગ્યાએ ઊભા રહેલા સમજો છો, પરંતુ તે પણ વાદળોની જેમ ઉડશે, આ અલ્લાહની બનાવટ છે, જેણે દરેક વસ્તુને મજબૂત બનાવી, જે કંઇ તમે કરો છો, તેને તે સારી રીતે જાણે છે
89જે લોકો સત્કાર્ય લાવશે તેને ઉત્તમ વળતર મળશે અને તેઓ તે દિવસે નીડર હશે
90અને જે દુષ્કર્મો લાવશે, તે ઊંધા કરી આગમાં ફેંકી દેવામાં આવશે, ફક્ત તે જ વળતર આપવામાં આવશે જેને તમે કરતા રહ્યા
91મને તો બસ ! એ જ આદેશ આપવામાં આવ્યો છે કે હું તે શહેરના પાલનહારની બંદગી કરતો રહું જેને તેણે પવિત્ર બનાવ્યું છે, જેની માલિકી હેઠળ દરેક વસ્તુ છે અને મને એ પણ આદેશ આપવામાં આવ્યો છે કે હું આજ્ઞાકારી લોકો માંથી બની જઉં
92અને હું કુરઆન પઢતો રહું, જે સત્ય માર્ગ પર આવી જાય તે પોતાના ફાયદા માટે સત્ય માર્ગ પર આવશે અને જે પથભ્રષ્ટ થઇ જાય તો કહી દો, કે હું તો સચેત કરનારાઓ માંથી છું
93કહી દો કે દરેક પ્રશંસા અલ્લાહ માટે જ છે, તે નજીકમાં જ પોતાની નિશાનીઓ બતાવશે, જેને તમે ઓળખી જશો અને જે કંઇ તમે કરો છો તેનાથી તમારો પાલનહાર અજાણ નથી
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath