ઇસ્લામ
પાછા

26. અશ-શુઆરા

1તૉ-સીન્-મીમ્

2આ આયતો પ્રકાશિત કિતાબની છે

3તે લોકોના ઈમાન ન લાવવા પર કદાચ તમે તમારા પ્રાણ ગુમાવી દેશો

4જો અમે ઇચ્છતા તો તેમના માટે આકાશ માંથી કોઈ એવી નિશાની ઉતારતા, કે જેની સામે તે લોકોની ગરદનો ઝૂકી પડતી

5અને તેમની પાસે રહમાન (અલ્લાહ) તરફથી જે પણ નવી શિખામણ આવી, આ લોકો તેના વિરોધ કરનારા બની ગયા

6તે લોકોએ જુઠલાવ્યું છે, હવે તેમના માટે નજીકમાં જ તેમની જાણકારી આવી પહોંચશે, જેની સાથે તેઓ મશ્કરી કરી રહ્યા છે

7શું તે લોકોએ ધરતી પર જોયું નથી કે, અમે તેમાં દરેક પ્રકારની ઉત્તમ જોડીઓ કેવી રીતે ઊપજાવી છે

8નિ:શંક તેમાં નિશાની છે અને તે લોકો માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા

9અને ખરેખર તમારો પાલનહાર તે (અલ્લાહ) જ વિજયી અને દયાળુ છે

10અને જ્યારે તમારા પાલનહારે મૂસા અ.સ.ને પોકાર્યા, કે તમે અત્યાચારી કોમ તરફ જાઓ

11ફિરઔનની કોમ પાસે, શું તે ડરવાવાળા નહીં બને

12મૂસા અ.સ.એ કહ્યું, મારા પાલનહાર ! મને તો ડર લાગે છે કે ક્યાંક તેઓ મને જુઠલાવી (ન) દે

13અને મારું હૃદય તંગ થઇ રહ્યું છે, મારી જબાન ચાલતી નથી, બસ ! તું હારૂન તરફ પણ (વહી) ઉતાર

14અને મારા પર તેમનો એક ભૂલનો (દાવો) પણ છે, મને ડર લાગે છે કે ક્યાંક તેઓ મને મારી ન નાંખે

15અલ્લાહએ કહ્યું, આવું ક્યારેય નહીં થાય, તમે બન્ને અમારી નિશાનીઓ લઇને જાઓ, અમે પોતે સાંભળનાર, તમારી સાથે છે

16તમે બન્ને ફિરઔન પાસે જઇને કહો, કે ખરેખર અમે અલ્લાહ તરફથી મોકલવામાં આવ્યા છે

17કે તું અમારી સાથે ઇસ્રાઇલના સંતાનોને મોકલી દે

18ફિરઔને કહ્યું, કે શું અમે અમારે ત્યાં તારું બાળપણમાં પાલન-પોષણ ન કર્યું ? અને તારો ઘણો સમય અમારી સાથે ન વિતાવ્યો

19પછી તેં કામ કર્યું (અને) કરી ચૂક્યો, અને તું કૃતઘ્ની છે

20મૂસા અ.સ.એ જવાબ આપ્યો કે મેં તે કામને તે સમયે કર્યું હતું, જ્યારે કે મને સત્યમાર્ગનું જ્ઞાન ન હતું

21પછી તમારા ભયથી હું તમારી પાસેથી ભાગી ગયો, પછી મને મારા પાલનહારે આદેશ અને જ્ઞાન આપ્યું. અને મને તેના પયગંબરો માંથી કરી દીધો

22તારો ઉપકાર મારા પર શું આ જ છે, જે તું જણાવી રહ્યો છે કે તેં ઇસ્રાઇલના સંતાનોને દાસ બનાવી રાખ્યા છે

23ફિરઔને કહ્યું “રબ્બુલ્ આલમીન્” (સૃષ્ટિનો પાલનહાર) શું છે

24મૂસા અ.સ.એ કહ્યું, તે આકાશો, ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓનો પાલનહાર છે. જો તમે વિશ્વાસ કરતા હોય

25ફિરઔને પોતાના આજુ-બાજુના લોકોને કહ્યું કે શું તમે સાંભળતા નથી

26મૂસા અ.સ.એ કહ્યું, તે તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે

27ફિરઔને કહ્યું, (લોકો) તમારો આ પયગંબર, જે તમારી તરફ મોકલવામાં આવ્યો છે, તે તો ખરેખર પાગલ છે

28મૂસા અ.સ.એ કહ્યું, તે જ પૂર્વ અને પશ્ચિમ અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનો પાલનહાર છે, જો તમે બુદ્ધિ ધરાવતા હોવ

29ફિરઔન કહેવા લાગ્યો, સાંભળ ! જો તેં મને છોડીને બીજા કોઈને પૂજ્ય બનાવ્યો તો, હું તને કેદીઓ સાથે નાખી દઇશ

30મૂસા અ.સ.એ કહ્યું, જો હું તારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લઇ આવું

31ફિરઔને કહ્યું, જો તું સાચા લોકો માંથી હોવ, તો તેને લાવ

32મૂસા અ.સ.એ (તે જ સમયે) પોતાની લાકડી નાખી દીધી, જે અચાનક ખુલ્લો અજગર બની ગઇ

33અને પોતાનો હાથ ખેંચ્યો તો, તે પણ તે જ સમયે દરેક જોનારા માટે સફેદ ચમકદાર દેખાવા લાગ્યો

34ફિરઔન પોતાની આજુબાજુ સરદારોને કહેવા લાગ્યો, ભાઇ આ તો ખૂબ જ જાણકાર જાદુગર છે

35આ તો ઇચ્છે છે કે પોતાના જાદુ વડે તમને તમારી ધરતી પરથી કાઢી મૂકે, કહો ! હવે તમે શું આદેશ આપો છો

36તે સૌએ કહ્યું, કે તમે તેને અને તેના ભાઇને મહેતલ આપો અને દરેક શહેરોમાં પોતાના લોકોને મોકલી દો

37જે તમારી પાસે જાણકાર જાદુગરોને લઇ આવે

38પછી એક નક્કી કરેલ દિવસે, દરેક જાદુગરોને ભેગા કરવામાં આવ્યા

39અને દરેક લોકોને કહી દેવામાં આવ્યું કે તમે પણ સભામાં હાજર રહેજો

40જેથી જો જાદુગરો વિજય પ્રાપ્ત કરે, તો અમે તેમનું જ અનુસરણ કરીશું

41જાદુગરો આવી ફિરઔનને કહેવા લાગ્યા, કે જો અમે વિજય મેળવી લઇએ તો શું અમને કંઇ ઇનામ મળશે

42ફિરઔને કહ્યું, હાં, જો એવું થયું તો તમે મારા ખાસ લોકો બની જશો

43મૂસા અ.સ.એ જાદુગરોને કહ્યું, જે કંઇ તમારે નાંખવું હોય, નાખી દો

44તેઓએ પોતાના દોરડા અને લાકડીઓ નાખી દીધી અને કહેવા લાગ્યા કે, ફિરઔનના ઇજજતના સોગંદ ! ખરેખર અમે જ વિજય મેળવીશું

45હવે મૂસા અ.સ.એ પણ પોતાની લાકડી મેદાનમાં નાખી દીધી, જેણે તે જ સમયે તેમના જુઠ્ઠા કરતબને ગળી જવાનું શરું કર્યું

46આ જોતાજ જાદુગર તરત જ સિજદામાં પડી ગયા

47અને તેઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે તો અલ્લાહ સમગ્રસૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા

48એટલે કે મૂસા અ.સ. અને હારૂન અ.સ.ના પાલનહાર પર

49ફિરઔને કહ્યું, કે મારી પરવાનગી પહેલા જ આના પર ઈમાન લઇ આવ્યા ? ખરેખર આ જ તમારો મોટો (સરદાર) છે, જેણે તમને સૌને જાદુ શિખવાડ્યું છે, તમને હમણા જ ખબર પડી જશે. સોગંદ છે, હું હમણાં જ તમારા હાથ અને પગને વિરુદ્ધ દિશા માંથી કાપી નાખીશ. અને તમને સૌને ફાંસીએ લટકાવી દઇશ

50તેમણે કહ્યું, કંઇ વાંધો નથી, અમે તો અમારા પાલનહાર તરફ પાછા ફરવાવાળા જ છે

51એટલા માટે કે અમે સૌ પ્રથમ ઈમાન લાવનારા બન્યા, અમને આશા છે કે અમારો પાલનહાર અમારા બધા જ પાપોને માફ કરી દેશે

52અને અમે મૂસાને વહી કરી કે રાતની રાતમાં જ મારા બંદાઓને કાઢીને લઇ જા, તમારો સૌનો પીછો કરવામાં આવશે

53ફિરઔને શહેરોમાં પોતાના લોકોને મોકલી દીધા

54કે નિ:શંક આ જૂથના લોકો થોડાંક જ છે

55અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે

56અને ખરેખર અમારું જૂથ મોટું છે, તેમનાથી ચેતીને રહેનારા

57છેવટે અમે તેઓને બગીચા અને ઝરણા વડે

58અને ખજાના વડે ઉત્તમ જગ્યાઓથી કાઢી મુક્યા

59આવી જ રીતે થયું અને અમે તે વસ્તુઓના વારસદાર ઇસ્રાઇલના સંતાનને બનાવ્યા

60બસ ! ફિરઔનના લોકો સૂર્ય ઉગતાની સાથે જ તેમનો પીછો કરવા લાગ્યા

61બસ ! જ્યારે બન્નેએ એકબીજાને જોઇ લીધા, તો મૂસાના મિત્રોએ કહ્યું, ખરેખર અમે તો પકડાઇ ગયા

62મૂસાએ કહ્યું, ક્યારેય નહીં, ખરેખર મારો પાલનહાર મારી સાથે છે, જે જરૂર મને માર્ગ બતાવશે

63અમે મૂસા તરફ વહી ઉતારી કે દરીયા પર પોતાની લાકડી માર, બસ ! તે જ સમયે દરીયો ફાટી ગયો અને પાણીનો દરેક ભાગ મોટા પર્વતો જેવો થઇ ગયો

64અને અમે તે જ જગ્યાએ બીજાને નજીક લાવી દીધા

65અને મૂસા અ.સ.ને અને તેમના દરેક મિત્રોને છૂટકારો આપ્યો

66પછી બીજા લોકોને ડુબાડી દીધા

67ખરેખર આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા નથી

68અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ પ્રતિષ્ઠિત અને દયાળુ છે

69તે લોકોને ઇબ્રાહીમ અ.સ.નો કિસ્સો પણ સંભળાવી દો

70જ્યારે તેમણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે તમે કોની બંદગી કરો છો

71તેમણે જવાબ આપ્યો કે મૂર્તિઓની બંદગી કરી રહ્યા છે, અમે તો તેમની ખૂબ જ બંદગી કરનારા છે

72તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે

73અથવા તમને ફાયદો અને નુકસાન પણ પહોંચાડી શકે છે

74તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો અમારા પૂર્વજોને આવી રીતે કરતા જોયા

75તેમણે કહ્યું, કંઇ ખબર છે જેઓની બંદગી તમે કરી રહ્યા છો

76તમે અને તમારા પૂર્વજો તે સૌ મારા શત્રુ છે

77અલ્લાહ તઆલા સિવાય, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર છે

78જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે

79તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે

80અને જ્યારે હું બિમાર પડું તો મને તંદુરસ્ત પણ તે જ કરે છે

81અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે

82અને જેનાથી આશા છે કે બદલાના દિવસે તે મારા પાપોને માફ કરી દેશે

83હે મારા પાલનહાર ! મને ફેંસલો કરવાની શક્તિ આપ અને મને સદાચારી લોકો માંથી કરી દે

84અને મારું સન્માન પાછળના લોકોમાં બાકી રાખ

85મને નેઅમતોવાળી જન્નતના વારસદારો માંથી બનાવ

86અને મારા પિતાને માફ કરી દે, ખરેખર તે પથભ્રષ્ટ લોકો માંથી હતાં

87અને તે દિવસે, જ્યારે લોકો ફરી વાર જીવિત કરવામાં આવશે, મને અપમાનિત ન કર

88જે દિવસે ધન અને સંતાન કંઇ કામ નહીં આવે

89પરંતુ ફાયદાવાળો તે જ હશે, જે અલ્લાહ તઆલાની સામે સલામતીવાળું દિલ લઇને આવશે

90અને ડરવાવાળાઓ માટે જન્નત અત્યંત નજીક કરી દેવામાં આવશે

91અને પથભ્રષ્ટ લોકો માટે જહન્નમ જાહેર કરી દેવામાં આવશે

92અને તેમને સવાલ કરવામાં આવશે કે જેમની તમે બંદગી કરતા રહ્યા તે લોકો ક્યાં છે

93જે અલ્લાહ સિવાય બીજા લોકો હતાં, શું તેઓ તમારી મદદ કરે છે ? અથવા કોઈ બદલો લઇ શકે છે

94બસ ! તે સૌ અને બધા પથભ્રષ્ટ લોકો જહન્નમમાં ઊંધા નાખવામાં આવશે

95અને ઇબ્લિસના લશ્કરો પણ ત્યાં

96અંદરોઅંદર ઝઘડો કરતા કહેશે

97કે અલ્લાહના નામના સોગંદ ! ખરેખર અમે તો સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ હતાં

98જ્યારે તમને અલ્લાહ-સમગ્રસૃષ્ટિના પાલનહારના ભાગીદાર સમજી બેઠા હતાં

99અને અમને તો, તે વિદ્રોહી સિવાય બીજા કોઈએ પણ પથભ્રષ્ટ નહતાં કર્યા

100હવે તો અમારા માટે કોઈ ભલામણ કરનાર પણ નથી

101અને ન તો શુભેચ્છુક મિત્ર

102જો કદાચ એક વાર ફરી અમને જવાનું મળતું તો, અમે સાચા ઈમાનવાળા બની જતાં

103આ દૃશ્ય ખરેખર એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે લોકો ઈમાન લાવવાવાળા નથી

104નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે

105નૂહની કોમના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા

106જ્યારે કે તેમના ભાઇ નૂહ અ.સ.એ કહ્યું, કે શું તમને અલ્લાહનો ભય નથી

107સાંભળો ! હું તમારી તરફ અલ્લાહનો નિષ્ઠાવાન પયગંબર છું

108બસ ! તમારે અલ્લાહનો ડર રાખવો જોઇએ અને મારી વાત માનવી જોઇએ

109હું તમારી પાસે તેના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે

110બસ ! તમે અલ્લાહનો ડર રાખો અને મારું આજ્ઞાપાલન કરો

111કૌમે જવાબ આપ્યો, કે શું અમે તારા પર ઈમાન લાવીએ તારું આજ્ઞાપાલન તો નબળા લોકોએ કર્યું છે

112પયગંબરે જવાબ આપ્યો, મને શું ખબર કે તેઓ પહેલા શું કરતા હતાં

113તેમનો હિસાબ તો મારા પાલનહારના શિરે છે, જો તમને સમજણ હોય

114હું ઈમાનવાળાઓને ધક્કા મારનારો નથી

115હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું

116તે લોકોએ જવાબ આપ્યો, કે હે નૂહ ! જો તું છેટો ન રહ્યો તો ખરેખર તને પથ્થરો વડે મારી નાખીશું

117નૂહ અ.સ.એ કહ્યું કે હે મારા પાલનહાર ! મારી કોમના લોકોએ મને જુઠલાવી દીધો

118બસ ! તું મારી અને તેમની વચ્ચે સચોટ નિર્ણય કરી દે અને મને અને ઈમાનવાળાઓને છૂટકારો આપ

119છેવટે અમે તેને અને તેના સાથીઓને ભરેલી હોડીમાં (સવારી કરાવી) છૂટકારો આપી દીધો

120બીજા દરેક લોકોને અમે ડુબાડી દીધા

121નિ:શંક આમાં મોટી શિખામણ છે, તેમાંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં

122અને નિ:શંક તમારો પાલનહાર તે જ છે, અત્યંત દયાળુ

123આદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા

124જ્યારે તેમને તેમના ભાઇ હૂદ અ.સ.એ કહ્યું, કે શું તમે ડરતા નથી

125હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું

126બસ ! અલ્લાહથી ડરો અને મારી વાત માનો

127હું તેના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો. મારો બદલો તો સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે જ છે

128શું તમે એક ટેકરી પર રમત-ગમત માટે આલીશાન (ઇમારતો) બનાવી રહ્યા છો

129અને ઘણા મજબૂત મહેલો બનાવી રહ્યા છો, જાણે કે તમે હંમેશા અહીંયા જ રહેશો

130અને જ્યારે કોઈને સજા આપો છો તો સખત અને અત્યાચાર સાથે આપો છો

131અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો

132તેનાથી ડરો, જેણે તે વસ્તુ દ્વારા તમારી મદદ કરી જેને તમે જાણો છો

133તેણે તમારી મદદ કરી, ધન અને સંતાન દ્વારા

134બગીચા અને ઝરણાં દ્વારા

135મને તો તમારી બાબતે મોટા દિવસની યાતનાનો ભય છે

136તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો અમારા માટે સરખું છે

137આ તો જૂના લોકોની આદત છે

138અને અમને ક્યારેય યાતના આપવામાં નહીં આવે

139જો કે આદના લોકોએ હૂદ અ.સ.ને જુઠલાવ્યા, એટલા માટે અમે તે લોકોને નષ્ટ કરી દીધા, ખરેખર આમાં નિશાની છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઇન્કાર કરનારા હતાં

140નિ:શંક તમારો પાલનહાર વિજયી, દયાળુ છે

141ષમૂદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા

142તેમના ભાઇ સાલિહ અ.સ.એ તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા

143હું તમારી તરફ અવતરિત કરેલો નિષ્ઠાવાન પયગંબર છું

144તો તમે અલ્લાહથી ડરો અને મારી વાત માનો

145હું આના માટે તમારી પાસે કોઈ વળતર નથી ઇચ્છતો. મારું વળતર તો ફક્ત સમગ્ર સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે છે

146શું આ વસ્તુઓમાં, જે અહીંયા છે, તમને અમસ્તા જ છોડી દેવામાં આવશે

147એટલે કે આ બગીચાઓ અને ઝરણા

148અને આ ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે

149અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો

150બસ ! અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો

151નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો

152જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી કરતા

153તેમણે કહ્યું કે બસ ! તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યું

154તમે તો અમારા જેવા જ માનવી છો, જો તમે સાચા છો, તો કોઈ ચમત્કાર બતાવો

155પયગંબરે કહ્યું છે. આ છે ઊંટડી, પાણી પીવા માટે એક વારો તેનો અને એક નક્કી કરેલ દિવસે પીવાનો વારો તમારો

156(ખબરદાર) તેને ખરાબ ઇરાદા સાથે હાથ પણ ન લગાવશો, નહિતો એક મોટા દિવસની યાતના તમારી પકડ કરી લેશે

157તો પણ તેઓએ તેના પગ કાપી નાંખ્યા, બસ ! તેઓએ દિલગીરી વ્યક્ત કરી

158અને યાતનાએ તેમની પકડ કરી લીધી, નિ:શંક આમાં શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં

159અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ જબરદસ્ત અને દયાળુ છે

160લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા

161તેમને તેમના ભાઇ લૂત અ.સ.એ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા

162હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું

163બસ ! તમે અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો

164હું તમારી પાસેથી આના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારું વળતર તો ફક્ત અલ્લાહ પાસે છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે

165શું તમે દુનિયાના લોકો માંથી પુરુષો સાથે (સંભોગ) કરો છો

166અને તમારી જે સ્ત્રીઓને અલ્લાહએ તમારા જોડકા બનાવ્યા છે, તેમને છોડી દો છો, પરંતુ તમે હદ વટાવી જનારા જ છો

167તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત ! જો તુ આનાથી વંચિત ન રહ્યો તો ખરેખર તારો દેશનિકાલ કરવામાં આવશે

168લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું

169મારા પાલનહાર ! મને અને મારા ઘરને આનાથી બચાવી લે જે આ લોકો કરે છે

170બસ ! અમે તેને અને તેના (જૂથને) બચાવી લીધા

171એક વૃદ્વ સ્ત્રી સિવાય, તે પાછળ રહી જનારા લોકો માંથી થઇ ગઇ

172પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા

173અને અમે તેમના પર એક ખાસ પ્રકારનો વરસાદ વરસાવ્યો. બસ ! ઘણો જ ખરાબ વરસાદ હતો, જે સચેત કરવામાં આવેલ લોકો પર વરસ્યો

174આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તેમના માંથી પણ વધારે પડતા લોકો મુસલમાન ન હતાં

175નિ:શંક તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ

176અયકહવાળાઓએ પણ પયગંબરને જુઠલાવ્યા

177જ્યારે તેમને શુઐબ અ.સ.એ કહ્યું, કે શું તમને ડર નથી

178હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું

179અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો

180હું આના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો, મારું વળતર સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે છે

181માપ-તોલ પૂરેપૂરું આપો, ઓછું આપનારા ન બનો

182અને સાચા ત્રાજવા વડે તોલો

183લોકોને તેમની વસ્તુ ઓછી કરીને ન આપો. નીડરતા સાથે ધરતીમાં વિદ્રોહ કરતા ન ફરો

184તે અલ્લાહનો ડર રાખો, જેણે તમારું અને તમારા પૂર્વજોનું સર્જન કર્યું

185તે લોકોએ કહ્યું, તમે તે લોકો માંથી છો જેમના પર જાદુ કરી દેવામાં આવે છે

186અને તું તો અમારા જેવો જ એક માનવી છે. અને અમે તો તને જુઠ બોલનારાઓ માંથી સમજીએ છીએ

187જો તું સાચા લોકો માંથી હોય તો અમારા પર આકાશના ટુકડા ફેંકી બતાવ

188કહ્યું કે મારો પાલનહાર ખૂબ સારી રીતે જાણે છે જે કંઇ તમે કરી રહ્યા છો

189કારણકે તે લોકોએ તેમને જુઠલાવ્યા તો, તેમને છાંયડાના દિવસના પ્રકોપે પકડી લીધા, તે ભારે દિવસનો પ્રકોપે હતો

190નિ:શંક આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો મુસલમાન ન હતાં

191અને ખરેખર તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ

192અને નિ:શંક આ (કુરઆન) સમગ્ર સૃષ્ટિના પાલનહારે અવતરિત કરેલ છે

193આને નિષ્ઠાવાન ફરિશ્તો લઇને આવ્યો છે

194તમારા હૃદય પર અવતરિત થયું છે, કે તમે સચેત કરનારાઓ માંથી થઇ જાવ

195સ્પષ્ટ અરબી ભાષામાં છે

196આગળના પયગંબરોની કિતાબોમાં પણ આ કુરઆનનું વર્ણન છે

197શું તે લોકો માટે આ નિશાની પૂરતી નથી કે કુરઆનની સત્યતાને તો ઇસ્રાઇલના વિદ્વાનો પણ જાણે છે

198અને જો અમે આ (કુરઆન)ને કોઈ ગેરઅરબ પર અવતરિત કરતા

199બસ ! તે તેમની સામે આ કુરઆન પઢતો તો તેને ન સમજતા

200આવી જ રીતે અમે પાપીઓના હૃદયમાં આ ઇન્કારને નાંખી દીધું

201તે લોકો જ્યાં સુધી દુ:ખદાયી યાતનાને જોઇ ન લે, ત્યાં સુધી ઈમાન નહીં લાવે

202બસ ! તે યાતના તેમની પાસે અચાનક આવી જશે, તેમને આના વિશે ભાન પણ નહીં હોય

203તે સમયે કહેશે કે શું અમને થોડીક મહેતલ આપવામાં આવશે

204બસ ! શું આ લોકો અમારી યાતના માટે ઉતાવળ કરે છે

205સારું, એ પણ જણાવો કે જો અમે તે લોકોને કેટલાય વર્ષ સુધી લાભ લેવા દઇએ

206પછી તેમને તે યાતના આવશે, જેની ધમકી આપવામાં આવતી હતી

207તો જે કંઇ પણ આ લોકો કરતા રહ્યા, તે માંથી કંઇ પણ ફાયદો નહીં પહોંચે

208અમે સચેત કરનારાને મોકલ્યા વગર કોઈ વસ્તીવાળાઓને નષ્ટ નથી કર્યા

209શિખામણ માટે. અને અમે અત્યાચાર કરવાવાળા નથી

210આ કુરઆનને શેતાન નથી લાવ્યા

211તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે

212પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા

213બસ ! તમે અલ્લાહ સિવાય કોઈને ન પોકારો, જેથી તમે પણ સજા પામનારા બની જાવ

214પોતાના સંબંધીઓને સચેત કરી દો

215જે પણ ઈમાન લાવી તમારું અનુસરણ કરે, તેમની સાથે નમ્રતાભર્યું વર્તન કરો

216જો આ લોકો તમારી અવજ્ઞા કરે તો તમે જાહેર કરી દો કે, હું તે કાર્યોથી અળગો છું જે તમે કરી રહ્યા છો

217પોતાનો સંપૂર્ણ ભરોસો વિજયી, દયાળુ અલ્લાહ પર રાખ

218જે તમને જોતો રહે છે, જ્યારે તમે ઊભા થાવ છો

219અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારું ફરવું પણ

220તે ખૂબ જ સાંભળનાર અને ખૂબ જાણકાર છે

221શું તમને હું જણાવું કે શેતાન કોની તરફ આવે છે

222તે દરેક જુઠ્ઠા અને પાપીઓ તરફ આવે છે

223અફવાઓ સંભળાવી દે છે અને તેમના માંથી વધારે પડતા લોકો જુઠ્ઠા છે

224કવિઓનું અનુસરણ તે લોકો કરે છે, જે પથભ્રષ્ટ છે

225શું તમે નથી જોયું કે કવિ જંગલોમાં માથા પછાડતા ફરે છે

226અને તે લોકો જે કહે છે તે કરતા નથી

227ઈમાનવાળા અને સત્કાર્ય કરનારા સિવાય અને અલ્લાહના નામનું સ્મરણ વધારે કર્યું અને પોતાના પર થયેલ અત્યાચાર પછી બદલો લીધો, જે લોકોએ અત્યાચાર કર્યો છે, તે લોકો પણ નજીકમાં જાણી લેશે કે કેવા પડખે પલટશે

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath