ઇસ્લામ
પાછા

19. મરિયમ

1કાફ્-હા-યા-ઐન્-સાદ્

2આ તારા પાલનહારની તે કૃપાનું વર્ણન છે જે તેણે પોતાના બંદા ઝકરિયા (અ.સ.) પર કરી હતી

3જ્યારે તેણે પોતાના પાલનહારની સામે એકાંતમાં દુઆ કરી

4કે હે મારા પાલનહાર ! મારા હાડકા નબળા પડી ગયા છે અને માથું વૃદ્ધા વસ્થામાં (વાળની સફેદીના) કારણે ભડકી ગયું છે, પરંતુ હું ક્યારેય તારી સામે દુઆ કરી નિરાશ નથી થયો

5મને મારા મૃત્યુ પછી પોતાના સગાસંબંધીઓનો ભય છે, મારી પત્ની પણ વાંઝ છે, બસ તું મને તારી પાસેથી વારસદાર આપ

6જે મારો પણ વારસદાર બને અને યાકૂબ અ.સ. ના કુંટુંબનો પણ નાયબ બને અને મારા પાલનહાર, તું તેને નિકટનો બંદો બનાવી લે

7હે ઝકરિયા! અમે તને એક બાળકની ખુશખબર આપીએ છીએ, જેનું નામ યહ્યા છે, અમે આ પહેલા કોઈને તેના જેવું નામ પણ નથી આપ્યું

8ઝકરિયા (અ.સ.) કહેવા લાગ્યા, હે મારા પાલનહાર ! મારે ત્યાં બાળક કેવી રીતે થશે, જ્યારે કે મારી પત્ની વાંઝ અને હું પોતે વૃદ્વાવસ્થાએ પહોંચી ગયો છું

9કહ્યું કે વચન આવી જ રીતે થઇ ગયું, તારા પાલનહારે કહી દીધું છે કે મારા માટે તો આ ખૂબ જ સરળ છે અને મેં તારું સર્જન કર્યું, તે પહેલા તમે કંઇ ન હતાં

10કહેવા લાગ્યા કે મારા પાલનહાર મારા માટે કોઈ નિશાની નક્કી કરી દે, કહેવામાં આવ્યું કે તારા માટે નિશાની એ છે કે, સ્વસ્થ હોવા છતાં તમે ત્રણ રાતો સુધી કોઈ વ્યક્તિ સાથે વાત નહીં કરી શકો

11હવે ઝકરિયા (અ.સ.) પોતાની ઓરડી માંથી નીકળી, પોતાની કોમ પાસે આવી, તેમને ઇશારો કરે છે કે તમે સવાર-સાંજ અલ્લાહ તઆલાના નામનું સ્મરણ કરો

12હે યહ્યા ! મારી કિતાબને મજબૂતાઇથી પકડી લો અને અમે તેમને બાળપણથી જ સમજદારી આપી હતી

13અને પોતાની પાસેથી દયા અને પવિત્રતા પણ, તે ડરવાવાળો હતો

14અને પોતાના માતાપિતા સાથે સદવર્તન કરનારો હતો, તે વિદ્રોહી અને પાપી ન હતો

15તેના પર સલામતી છે, જે દિવસે તે પેદા થયો અને જે દિવસે મૃત્યુ પામશે અને જે દિવસે તે જીવિત કરી ઉઠાવવામાં આવશે

16આ કિતાબમાં મરયમના કિસ્સા નું પણ વર્ણન કરો, જ્યારે તે પોતાના ઘરવાળાઓથી અલગ થઇ, પશ્ચિમ તરફ આવી

17અને તે લોકો તરફ પરદો કરી લીધો, પછી અમે તેની પાસે રૂહ (જિબ્રઇલ અ.સ.) ને મોકલ્યા, બસ ! તે તેમની સામે સંપૂર્ણ વ્યક્તિ બની પ્રગટ થયા

18તે (મરયમ) કહેવા લાગી, હું તારાથી રહમાનનું શરણ માંગું છું જો તું થોડોક પણ અલ્લાહથી ડરવાવાળો હોય

19તેણે જવાબ આપ્યો કે હું તો અલ્લાહએ મોકલેલો સંદેશવાહક છું, તને એક પવિત્ર બાળક આપવા આવ્યો છું

20કહેવા લાગી, મારે ત્યાં બાળક કેવી રીતે થઇ શકે છે ? મને તો કોઈ મનુષ્યનો હાથ પણ નથી અડ્યો અને ન તો હું દુરાચારી છું

21તેણે (જિબ્રઇલે) કહ્યું, વાત તો આવી જ છે, પરંતુ તારા પાલનહારનું કહેવું છે કે તે મારા માટે ખૂબ જ સરળ છે, અમે તો આને લોકો માટે એક નિશાની બનાવીશું. અને પોતાની ખાસ કૃપા, આ તો એક નક્કી થયેલી વાત છે

22બસ ! તે ગર્ભવતી થઇ ગઇ અને આના જ કારણે તે દૂરના સ્થળે જતી રહી

23પછી પીડા તેને એક ખજૂરના વૃક્ષ નીચે લઇ આવી કહ્યું, કાશ ! હું આ પહેલા જ મૃત્યુ પામી હોત અને લોકોની યાદથી પણ ભૂલાઇ જતી

24એટલા માંજ તેને નીચેથી પોકારવામાં આવી અને કહ્યું કે નિરાશ ન થા, તારા પાલનહારે તારા પગ નીચે એક ઝરણું વહાવ્યું છે

25અને તે ખજૂરની ડાળીને પોતાની તરફ હલાવ, ડાળી તારા માટે તાજી ખજૂર પાડશે

26હવે શાંતિ થી ખા અને પી અને આંખો ઠંડી રાખ, જો તને કોઈ વ્યક્તિ મળે, તો કહી દે જે કે મેં દયાળુ અલ્લાહના નામનો રોઝો રાખ્યો છે, હું આજે કોઈ વ્યક્તિ સાથે વાત નહીં કરું

27હવે ઈસા (અ.સ.)ને લઇ તે પોતાની કોમ સમક્ષ આવી, સૌ કહેવા લાગ્યા, મરયમ તેં ઘણું અધમ કૃત્ય કર્યું

28હે હારૂનની બહેન ! ન તો તારા પિતા ખરાબ વ્યક્તિ હતાં અને ન તો તારી માતા દુરાચારી હતી

29મરયમે પોતાના બાળક તરફ ઇશારો કર્યો, સૌ કહેવા લાગ્યા કે જુઓ, અમે આ નવજાત બાળક સાથે વાત કેવી રીતે કરીએ

30બાળક કહેવા લાગ્યું, કે હું અલ્લાહનો બંદો છું તેણે મને કિતાબ આપી અને મને પોતાનો પયગંબર બનાવ્યો

31અને તેણે મને પવિત્ર કર્યો છે, જ્યાં પણ હું છું અને તેણે મને નમાઝ અને ઝકાતનો આદેશ આપ્યો છે જ્યાં સુધી હું જીવિત રહું

32અને તેણે મને પોતાની માતાની સેવા કરનાર બનાવ્યો છે અને મને વિદ્રોહી અને દુરાચારી નથી બનાવ્યો

33અને મારા પર મારા જન્મ વખતે અને મારા મૃત્યુના સમયે અને તે દિવસે, કે જ્યારે હું બીજી વાર જીવિત કરવામાં આવીશ, સલામતી જ સલામતી છે

34આ છે સત્ય કિસ્સો મરયમના પુત્ર ઈસાનો, આ જ છે તે સત્ય વાત જેના વિશે લોકો શંકા કરે છે

35અલ્લાહ તઆલાને સંતાન હોવું અશક્ય છે, તે તો અત્યંત પવિત્ર છે, તેને તો જ્યારે કોઈ કાર્ય કરવાની ઇચ્છા થાય છે, તો તેને કહી દે છે કે થઇ જા, તો તે જ સમયે તે થઇ જાય છે

36મારો અને તમારા સૌનો પાલનહાર ફક્ત અલ્લાહ છે, તમે સૌ તેની જ બંદગી કરો, આ જ સત્ય માર્ગ છે

37પછી આ જૂથો અંદરોઅંદર વિવાદ કરવા લાગ્યા, બસ ! ઇન્કાર કરનારાઓ માટે “વૈલ” છે, એક મોટા દિવસની હાજરી વખતે

38કેટલા જોનાર અને સાંભળનાર હશે, તે દિવસે જ્યારે અમારી સમક્ષ હાજર થશે, પરંતુ આજે તો આ અત્યાચારી લોકો સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છે

39તમે તેમને આ હતાશા અને નિરાશાના દિવસના ભયની જાણ આપી દો, જ્યારે કાર્યનો નિર્ણય કરી દેવામાં આવશે અને આ લોકો બેદરકારી અને ઇન્કારમાં જ રહી જશે

40અમે પોતે જ ધરતી અને ધરતીની દરેક વસ્તુના વારસદાર હોઇશું અને દરેક લોકો અમારી તરફ જ પાછા ફેરાવવામાં આવશે

41આ કિતાબમાં ઇબ્રાહીમ (અ.સ.)ના કિસ્સાનું વર્ણન કરો, નિ:શંક તેઓ અત્યંત સાચા પયગંબર હતાં

42જ્યારે તેઓએ પોતાના પિતાને કહ્યું કે, પિતાજી ! તમે તેમની બંદગી કેમ કરી રહ્યા છો જે ન સાંભળે ન જુએ ? ન તમને કંઇ ફાયદો પહોંચાડી શકે

43મારા પિતાજી, તમે જુઓ મારી પાસે એવું જ્ઞાન આવ્યું છે જે તમારી પાસે પહોંચ્યું જ નથી, તો તમે મારું જ માનો, હું તદ્દન સત્ય માર્ગ તરફ તમને માર્ગદર્શન આપીશ

44મારા પિતાજી ! તમે શેતાનની બંદગી છોડી દો, શેતાન તો દયાળુ અને કૃપાળુ અલ્લાહનો અવજ્ઞાકાર છે

45મારા પિતાજી ! મને ભય છે કે ક્યાંક તમારા પર અલ્લાહનો કોઈ પ્રકોપ ન આવી પહોંચે કે તમે શેતાનના મિત્ર બની જાવ

46તેણે જવાબ આપ્યો કે, હે ઇબ્રાહીમ ! શું તું અમારા પૂજ્યોની અવગણના કરે છે, સાંભળ ! જો તું છેટો ન રહ્યો તો હું તને પથ્થરો વડે મારી નાખીશ, જા એક સમયગાળા સુધી મારાથી અલગ થઇ જા

47કહ્યું કે, સારું તમારા પર સલામતી થાય, હું તો મારા પાલનહાર સામે તમારી માફીની દુઆ કરતો રહીશ તે મારા પર ઘણો જ કૃપાળુ છે

48હું તો તમને પણ અને જેમની પણ તમે અલ્લાહને છોડીને બંદગી કરો છો તેમને પણ, સૌને છોડી રહ્યો છું, ફક્ત પોતાના પાલનહારને જ પોકારતો રહીશ, મને આશા છે કે હું મારા પાલનહાર સામે દુઆ માંગી , વંચિત નહીં રહું

49જ્યારે ઇબ્રાહીમ (અ.સ.) તે સૌને અને અલ્લાહ સિવાયના તેમના દરેક પૂજ્યોને છોડી ચૂક્યા, તો અમે તેમને ઇસ્હાક અને યાકૂબ (અ.સ.) આપ્યા. અને બન્નેને પયગંબર બનાવ્યા

50અને તે સૌને અમે પોતાની ઘણી કૃપા આપી અને અમે તેમના સારા નામોને ઉચ્ચ કરી દીધા

51આ કુરઆનમાં મૂસા અ.સ.ના કિસ્સાનું વર્ણન પણ કર, જે પસંદ કરેલા અને પયગંબર તથા નબી હતાં

52અમે તેને તૂર (પર્વતનું નામ) ની જમણી બાજુથી પોકાર્યા અને ભેદની વાતો જણાવતા તેમને નજીક લાવી દીધા

53અને પોતાની ખાસ કૃપા વડે તેમના ભાઇને પયગંબર બનાવ્યા

54આ કુરઆનમાં ઇસ્માઇલ અ.સ.ના કિસ્સાનું પણ વર્ણન કર, તે વચનના ખૂબ જ સાચા હતાં અને પયગંબર તથા નબી હતાં

55તે પોતાના ઘરવાળાઓને સતત નમાઝ અને ઝકાતનો આદેશ આપતા હતાં અને પોતાના પાલનહારની સામે પસંદગી પામેલા અને માન્ય પણ હતાં

56અને આ કિતાબમાં ઇદરિસ અ.સ.ના કિસ્સાનું પણ વર્ણન કર, તે પણ સદાચારી પયગંબર હતાં

57અમે તેમને ઊંચા દરજ્જાવાળા બનાવી દીધા

58આ જ તે પયગંબરો છે જેમના પર અલ્લાહ તઆલાએ કૃપા કરી અને જેઓ આદમના સંતાન માંથી છે અને તે લોકોના ખાનદાન માંથી છે જેમને અમે નૂહ અ.સ.ની સાથે હોડીમાં સવાર કરી દીધા હતાં. અને ઇબ્રાહીમ અને યાકૂબ અ.સ.ની સંતાન માંથી અને અમારા તરફથી સત્ય માર્ગ ઉપર અને અમારા નિકટના લોકો માંથી. તેમની સામે જ્યારે દયાળુ અલ્લાહની આયતો પઢવામાં આવતી તો આ લોકો રડતા રડતા સિજદામાં પડી જતા હતાં

59તેમના પછી એવા વિદ્રોહી લોકો આવ્યા, કે તે લોકોએ નમાઝ છોડી દીધી અને મનેચ્છાઓની પાછળ પડી ગયા, તો તેમનું નુકસાન તેમનાથી આગળ આવશે

60તે લોકો સિવાય, જેઓ તૌબા કરી લે અને ઈમાન લાવી દે અને સત્કાર્યો કરે. આવા લોકો જન્નતમાં પ્રવેશશે અને તેમનો થોડોક પણ અધિકાર ઝૂંટવી લેવામાં નહીં આવે

61હંમેશાવાળી જન્નતોમાં, જેનું અદૃશ્ય વચન કૃપાળુ અલ્લાહએ પોતાના બંદાઓને કર્યું છે, નિ:શંક તેનું વચન પૂરું થઇને જ રહેશે

62તે લોકો ત્યાં કોઈ નિરર્થક વાતો નહીં સાંભળે, ફક્ત સલામ જ સલામ સાંભળશે, તેમના માટે ત્યાં સવાર-સાંજ તેમની રોજી હશે

63આ છે તે જન્નત, જેના વારસદાર અમે અમારા બંદાઓ માંથી તેમને બનાવીએ છીએ, જેઓ ડરે છે

64અમે તારા પાલનહારના આદેશ વગર ઉતરી નથી શકતા, અમારી આગળ-પાછળ અને તેમની વચ્ચેની સંપૂર્ણ વસ્તુઓ તેની જ માલિકી હેઠળની છે. તમારો પાલનહાર ભૂલી જનાર નથી

65આકાશો, ધરતી અને જે કંઇ પણ તે બન્ને વચ્ચે છે સૌનો પાલનહાર તે જ છે, તમે તેની જ બંદગી કરો અને તેની બંદગી પર અડગ રહો, શું તમારા જ્ઞાનમાં તેના જેવું બીજું નામ તથા તેના જેવો બીજો કોઈ છે

66માનવી કહે છે કે, જ્યારે હું મૃત્યુ પામીશ તો શું ફરી જીવિત કરી ઉઠાવવામાં આવીશ

67શું આ માનવી એટલું પણ યાદ નથી રાખતો કે અમે તેનું સર્જન આ પહેલા કર્યું, જ્યારે તે કંઇ પણ ન હતો

68તમારા પાલનહારના સોગંદ ! અમે તેમને અને શેતાનોને ભેગા કરી જરૂર જહન્નમની આસ-પાસ, ઘૂંટણે પડેલા હાજર કરીશું

69અમે પછી દરેક જૂથ માંથી તેમને છેટા ઊભા કરી દઇશું, જેઓ દયાળુ અલ્લાહથી ઘણા ઇતરાઇને ચાલતા હતાં

70પછી અમે તેમને પણ સારી રીતે જાણીએ છીએ, જેઓ જહન્નમમાં પ્રવેશ માટે વધારે હક ધરાવે છે

71તમારા માંથી દરેક ત્યાંથી જરૂર પસાર થશે, આ તમારા પાલનહારનો અત્યંત સચોટ નિર્ણય છે

72પછી અમે ડરવાવાળાઓને બચાવી લઇશું અને અવજ્ઞાકાર લોકોને તેમાં જ ઘૂંટણે પડેલા છોડી દઇશું

73જ્યારે તેમની સમક્ષ અમારી પ્રકાશિત આયતોનું વર્ણન કરવામાં આવે છે તો ઇન્કાર કરનાર, મુસલમાનોને કહે છે કે જણાવો, અમારા અને તમારા જૂથ માંથી કોણ પ્રતિષ્ઠિત છે અને કોની સભા ઉત્કૃષ્ટ છે

74અમે તો આ પહેલા પણ ઘણા જૂથોને નષ્ટ કરી ચૂક્યા છે, જે સામાન તથા ખ્યાતિમાં તેમના કરતા વધારે હતાં

75કહી દો જેઓ પથભ્રષ્ટ હોય છે, દયાળુ અલ્લાહ તેને ઘણી મહેતલ આપે છે, ત્યાં સુધી કે તે, તે વસ્તુઓને જોઇ લે જેનું વચન કરવામાં આવે છે, એટલે યાતના અથવા કયામતને. તે સમયે તે લોકો સત્ય જાણી લેશે કે કોણ ખરાબ છે અને કોનું જૂથ અશક્ત છે

76અને સત્ય માર્ગદર્શનવાળાઓને અલ્લાહ તઆલા સત્ય માર્ગ તરફ આગળ વધારે છે અને બાકી રહેવાવાળા સત્કર્મો તમારા પાલનહારની નજીક વળતર રૂપે અને પરિણામ સ્વરૂપે ખૂબ જ ઉત્તમ છે

77શું તમે તેને પણ જોયો, જેણે અમારી આયતોનો ઇન્કાર કર્યો અને કહ્યું કે મને તો ધન તથા સંતાન જરૂરથી આપવામાં આવશે

78શું તે લોકો અદૃશ્યના જ્ઞાનને જાણે છે ? અથવા અલ્લાહ પાસેથી કોઈ વચન લઇ લીધું છે

79ક્યારેય નહીં, આ જે કંઇ પણ કહી રહ્યો છે અમે તેને જરૂર લખી લઇશું અને તેના માટે યાતના વધારતા રહીશું

80આ જે વસ્તુને કહી રહ્યો છે, તેને અમે આ પછી, પાછી લઇ લઇશું અને આ તો તદ્દન એકલો જ અમારી સમક્ષ હાજર થશે

81તેમણે અલ્લાહ સિવાય બીજાને પૂજ્યો બનાવી રાખ્યા છે કે તે તેમના માટે ઇજજતનું કારણ બને

82પરંતુ આવું ક્યારેય નહીં થાય, તે તો તેમની બંદગીનો ઇન્કાર કરશે અને તેમના શત્રુ બની જશે

83શું તમે નથી જોયું કે અમે ઇન્કાર કરનારાઓ પાસે શેતાનોને મોકલીએ છીએ, જે તેમને ખૂબ ઉશ્કેરે છે

84તમે તેમના વિશે ઉતાવળ ન કરો, અમે તો પોતે જ તેમના મહેતલના દિવસો ગણી રહ્યા છે

85જે દિવસે અમે ડરવાવાળાઓને દયાળુ અલ્લાહ તરફ, મહેમાન બનાવી ભેગા કરીશું

86અને પાપીઓને સખત તરસની સ્થિતિમાં જહન્નમ તરફ હાંકી કાઢીશું

87કોઈને પણ ભલામણનો અધિકાર નહીં હોય, સિવાય તે લોકોના, જેમણે અલ્લાહ તઆલા પાસેથી કોઈ પરવાનગી લીધી હોય

88તેમની વાત તો એવી છે કે દયાળુ અલ્લાહએ પણ સંતાન રાખ્યું છે

89નિ:શંક તમે ખૂબ જ ખરાબ અને અત્યંત ભારે વસ્તુ લઇ આવ્યા છો

90નજીક છે કે આ વાતના કારણે આકાશ ફાટી જાય અને ધરતી પણ ફાટી જાય અને પર્વત ચૂરેચૂરા થઇ જાય

91કે તેઓ રહમાન (અલ્લાહ) માટે સંતાનને સાબિત કરે છે

92રહમાનની શાન નથી કે તે સંતાન રાખે

93આકાશ અને ધરતીમાં જે કંઇ પણ છે બધા જ અલ્લાહના દાસ બનીને જ આવશે

94તે સૌને તેણે ઘેરાવમાં લઇ લીધા છે અને સૌની ગણતરી પણ કરી રાખી છે

95આ બધા જ કયામતના દિવસે એકલા તેની પાસે હાજર થશે

96નિ:શંક જે લોકો ઈમાન લાવ્યા છે અને જે લોકોએ સત્કર્મો કર્યા છે, તેમના માટે અલ્લાહ રહમાન (દયાળુ) મોહબ્બત નાંખી દેશે

97અમે આ કુરઆનને તમારી ભાષામાં ખૂબ જ સરળ કરી દીધું છે કે તમે તેના દ્વારા ડરવાવાળાઓને ખુશખબર આપી દો અને ઝઘડો કરનારને સચેત કરી દો

98અમે આ લોકો પહેલા ઘણા જૂથોને નષ્ટ કરી દીધા છે, શું તેમના માંથી એકની પણ આહટ તમે અનુભવો છો ? અથવા તેમના અવાજના ભણકારા પણ તમારા કાનમાં પડે છે

સ્ત્રોત: Rabila Al Omari

WEBREATH · 11:11

«If you are thankful, I will give you more» — Quran 14:7

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath