17. અલ-ઈસરા
1પવિત્ર છે તે અલ્લાહ તઆલા, જે પોતાના બંદાને (એક જ) રાત્રિમાં મસ્જિદે હરામ થી મસ્જિદે અકસા સુધી લઇ ગયો, જેની આજુબાજુ અમે બરકત આપી રાખી છે, એટલા માટે કે અમે તેને અમારી કુદરતના થોડાંક નમૂનાઓ બતાવીએ. નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ સાંભળનાર, જોનાર છે
2અમે મૂસા (અ.સ.)ને કિતાબ આપી અને તેમને ઇસ્રાઇલના સંતાન માટે માર્ગદર્શક બનાવી દીધા કે તમે મારા સિવાય કોઈને પોતાનો વ્યવસ્થાપક ન બનાવશો
3હે તે લોકોના સંતાનો ! જેમને અમે નૂહ (અ.સ.) સાથે સવાર કરી દીધા હતા, તે અમારો ખૂબ જ આભારી બંદો હતો
4અમે ઇસ્રાઇલના સંતાન માટે તેમની કિતાબમાં સ્પષ્ટ રીતે નિર્ણય કરી દીધો હતો કે તમે ધરતી પર બે વાર વિદ્રોહ કરશો અને તમે ખૂબ જ અતિરેક કરશો
5તે બન્ને વચનો માંથી પહેલું વચન આવતા જ અમે તમારી વિરુદ્ધ અમારા બંદાઓ મોકલી દીધા જે બહાદુર યોદ્વા હતા, બસ ! તે તમારા ઘરમાં પણ આવી પહોંચ્યા અને અલ્લાહનું આ વચન પૂરું થવાનું જ હતું
6પછી અમે તેમના પર તમને વિજય અપાવ્યો અને તરત જ ધન અને સંતાન દ્વારા તમારી મદદ કરી અને તમારું ખૂબ જ મોટું જૂથ બનાવી દીધું
7જો તમે સારા કર્મો કર્યા તો તે તમારા પોતાના જ ફાયદા માટે છે અને જો તમે ખોટાં કર્મો કર્યા તો તે પણ તમારા પોતાના માટે જ છે. ફરી જ્યારે બીજા વચનનો સમય આવ્યો, (તો અમે બીજા બંદાઓને મોકલી દીધા જેથી) તે તમારા ચહેરા બગાડી નાખે અને પ્રથમ વખતની જેમજ તે જ મસ્જિદમાં ઘૂસી જાય અને જે જે વસ્તુ હાથ લાગે તેને તોડી ફોડી નાખે
8આશા છે કે તમારો પાલનહાર તમારા પર કૃપા કરે, હાં જો તમે પાછા તેવું જ કરવા લાગો તો અમે પણ બીજી વખત આવું જ કરીશું. અને અમે ઇન્કાર કરનારાઓ માટે કેદખાનું, જહન્નમને બનાવી રાખી છે
9નિ:શંક આ કુરઆન તે માર્ગ બતાવે છે જે તદ્દન સાચો છે અને ઇમાનવાળાઓ તથા જે લોકો સત્કાર્ય કરે છે, તે વાતની ખુશખબર આપે છે કે તેમના માટે ખૂબ જ મોટું વળતર છે
10અને એ કે, જે લોકો આખેરત પર ઇમાન નથી ધરાવતા તેમના માટે અમે દુ:ખદાયી યાતના તૈયાર કરી રાખી છે
11અને માનવી બૂરાઈની દુઆ કરે છે, પોતાની ભલાઇની દુઆ માંગવા જેવી જ, માનવી ખૂબ જ ઉતાવળીયો છે
12અમે રાત અને દિવસને પોતાની કુદરતની નિશાનીઓ બનાવી, રાતની નિશાનીને તો અમે અંધકારમય બનાવી દીધી છે અને દિવસની નિશાનીને પ્રકાશિત કરી દીધી છે, જેથી તમે પોતાના પાલનહારની કૃપા શોધી શકો અને એટલા માટે પણ કે વર્ષોની ગણતરી અને હિસાબ કરી શકો અને દરેક વસ્તુનું વર્ણન અમે ખૂબ જ સ્પષ્ટ રીતે કર્યું છે
13અમે દરેક વ્યક્તિની બૂરાઈ અને ભલાઇને તેના ગળામાં લટકાવી દીધી છે અને કયામતના દિવસે અમે તેની સામે તેની કર્મનોંધ કાઢીશું, જેને તે પોતાના માટે સ્પષ્ટ જોઇ લેશે
14લે, પોતે જ પોતાની કિતાબ વાંચી લે, આજે તો તું પોતે જ પોતાનો હિસાબ લેવા માટે પૂરતો છે
15જે સત્યમાર્ગ પ્રાપ્ત કરી લે તે પોતે પોતાના જ ભલા માટે સત્યમાર્ગ પર હોય છે અને જે ભટકી જાય તેનો ભાર તેના પર જ છે, કોઈ ભાર ઉઠાવનાર બીજાનો ભાર પોતાના પર નહીં ઉઠાવે અને અમારો એ નિયમ નથી કે પયગંબર અવતરિત કર્યા પહેલા યાતના ઉતારીએ
16અને જ્યારે અમે કોઈ વસ્તીને નષ્ટ કરવાનો નિર્ણય કરી લઇએ છીએ તો ત્યાંના સુખી લોકોને આદેશ આપીએ છે અને તે વસ્તીમાં સ્પષ્ટ રીતે અવજ્ઞા કરવા લાગે છે તો તેમના પર (યાતનાની) વાત નક્કી થઇ જાય છે. પછી અમે તે વસ્તીને નષ્ટ કરી દઇએ છીએ
17અમે નૂહ (અ.સ.) પછી પણ ઘણી કોમોને નષ્ટ કરી ચૂક્યા છીએ અને તમારો પાલનહાર પોતાના બંદાઓના પાપોને ખૂબ જ જાણનાર અને ધ્યાન રાખનાર છે
18જેની ઇચ્છા ફક્ત આ ઝડપથી પ્રાપ્ત થનારી દુનિયાની જ હોય તેને અમે આ દુનિયામાં જેના માટે જેટલું ઇચ્છીએ પૂરેપૂરું આપીએ છીએ, છેવટે અમે તેના માટે જહન્નમ નક્કી કરી દઇએ છીએ, જ્યાં તે ધૃત્કારેલ બનીને પ્રવેશ પામશે
19અને જેની ઇચ્છા આખેરત પ્રાપ્ત કરવાની હોય અને જેવો પ્રયત્ન તેના માટે કરવો જોઇએ તે કરે પણ છે અને તે ઇમાનવાળો પણ હોય, બસ! આ લોકો જ છે જેમના પ્રયત્નોને અલ્લાહને ત્યાં સન્માન મળશે
20અમે દરેકને અમારી કૃપા માંથી (રોજી) આપીએ છીએ, આ લોકોને પણ અને તેમને પણ, તમારા પાલનહારની કૃપા રોકાઇ ગઇ નથી
21જોઇ લો કે તેમને એકબીજા પર કેવી રીતે અમે પ્રાથમિકતા આપી છે અને આખેરત તો હોદ્દા માટે વધારે ઉત્તમ છે અને પ્રભુત્વ માટે પણ ખૂબ જ ઉત્તમ છે
22અલ્લાહની સાથે બીજા કોઈને પૂજ્ય ન બનાવ, નહીં તો લાચાર અને નિરાશ બની બેસી રહીશ
23અને તમારો પાલનહાર સ્પષ્ટ રીતે આદેશ આપી ચૂકયો છે કે તમે તેને છોડીને અન્યની બંદગી ન કરશો અને માતા-પિતા સાથે સદવર્તન કરજો જો તમારી હાજરીમાં તેમના માંથી એક અથવા બન્ને વૃદ્ધાવસ્થામાં પહોંચી જાય તો તેમને “ઉફ” પણ ન કહેશો, ન તો તેમને ઠપકો આપશો, પરંતુ તેમની સાથે સભ્યતાથી વાત કરજો
24અને વિનમ્રતા તથા પ્યારભર્યા અંદાજથી તેમની સામે પોતાના બાજુ ઝુકાયેલા રાખજો અને દુઆ કરતા રહેજો કે હે મારા પાલનહાર ! તેમના પર તેવી જ રીતે દયા કર જેવી રીતે તેમણે મારા બાળપણમાં મારું ભરણપોષણ કર્યું
25જે કંઈ પણ તમારા હૃદયોમાં છે તેને તમારો પાલનહાર ખૂબ સારી રીતે જાણે છે, જો તમે સદાચારી છો તો તે ઝૂકવાવાળાને માફ કરવાવાળો છે
26અને સગાંસંબંધીઓ તથા લાચારો અને મુસાફરોના હક્ક પૂરા કરતા રહો અને ઇસ્રાફ (ખોટા ખર્ચા)થી બચો
27ખોટા ખર્ચ કરનાર શેતાનના ભાઇ છે અને શેતાન પોતાના પાલનહારનો ઘણો જ કૃતઘ્ન છે
28અને જો તમને તે લોકોથી મોઢું ફેરવવું પડે, પોતાના પાલનહારની તે કૃપાની શોધમાં જેની આશા તમે રાખો છો, તો પણ તમે સારી રીતે અને નમ્રતા પૂર્વક તેઓને સમજાવી દો
29પોતાનો હાથ પોતાના ગળા સાથે બાંધેલો ન રાખ અને ન તો તેને તદ્દન ખોલી નાખ, જેથી તારા પર આરોપ મૂકી તને બેસાડી દેવામાં આવે
30નિ:શંક તમારો પાલનહાર જેના માટે ઇચ્છે તેને પુષ્કળ રોજી આપે છે અને જેના માટે ઇચ્છે, તેની રોજી તંગ કરી દે છે, નિ:શંક તે પોતાના બંદાઓને ખૂબ સારી રીતે જાણે છે અને જુએ છે
31અને લાચારીના ભયથી પોતાના સંતાનને ન મારી નાખો, તેમને અને તમને અમે જ રોજી આપીએ છીએ, નિ:શંક તેમને કતલ કરી દેવા, ખૂબ જ મોટું પાપ છે
32ખબરદાર ! અશ્લીલતાની નજીક પણ ન જશો, કારણકે તે સ્પષ્ટ નિર્લજ્જ્તા છે અને ખૂબ જ ખોટો માર્ગ છે
33અને કોઈને પણ, જેને કતલ કરવું અલ્લાહએ હરામ ઠેરવ્યું છે, ક્યારેય ખોટી રીતે કતલ ન કરશો અને જે વ્યક્તિને પીડા આપી મારી નાખવામાં આવે, અમે તેના વારસદારને અધિકાર આપી રાખ્યો છે, બસ ! તેણે બદલો લેવામાં અતિરેક ન કરવો જોઇએ, નિ:શંક તેની મદદ કરવામાં આવી છે
34અને અનાથના ધનની નજીક પણ ન જાઓ, સિવાય ઉત્તમ રીતે, ત્યાં સુધી કે તે પોતાની પુખ્તવયે પહોંચી જાય અને વચનો પૂરા કરો, કારણકે વચનો વિશે પૂછપરછ કરવામાં આવશે
35અને જ્યારે તોલો તો પૂરેપૂરું તોલીને આપો, અને સીધા ત્રાજવાથી તોલો, આ જ ઉત્તમ છે અને પરિણામ સ્વરૂપે પણ ખૂબ જ ઉત્તમ છે
36જે વાતની તમને ખબર પણ ન હોય તેની પાછળ ન પડી જશો, કારણ કે કાન તથા આંખ અને હૃદય-દરેકની પૂછતાછ કરવામાં આવશે
37અને ધરતી પર ઇતરાઇને ન ચાલ, ન તો તું ધરતીને ફાડી શકે છે અને ન તો લંબાઇમાં પર્વતો સુધી પહોંચી શકે છે
38આ બધાં કાર્યોની બૂરાઈ તમારા પાલનહારની નજીક નાપસંદ છે
39આ બધું પણ વહી દ્વારા તમારી તરફ તમારા પાલનહારે હિકમત સાથે અવતરિત કર્યું છે, તમે અલ્લાહ સાથે બીજા કોઈને પૂજ્ય ન બનાવશો, ક્યાંક નિંદાનો ભોગી અને હાંકી કાઢી જહન્નમમાં નાખી દેવામાં આવે
40શું પુત્રો માટે તો અલ્લાહએ તમને પસંદ કરી લીધા અને પોતાના માટે ફરિશ્તાઓને દીકરીઓ બનાવી દીધી ? નિ:શંક તમે ખૂબ જ મોટી વાત કહી રહ્યા છો
41અમે તો આ કુરઆનમાં દરેક રીતે વર્ણન કરી દીધું જેથી લોકો સમજી જાય, પરંતુ તેનાથી તે લોકોની નફરત વધે જ છે
42કહી દો કે જો અલ્લાહ સાથે બીજા પૂજ્ય હોત, જેવી રીતે આ લોકો કહે છે તો જરૂર અત્યાર સુધી અર્શના માલિક સુધીનો માર્ગ શોધી કાઢતા
43જે કંઈ આ લોકો કહે છે, તેનાથી તે પવિત્ર અને ઉચ્ચ છે, ઘણો જ દૂર અને ઘણો જ ઉચ્ચ છે
44સાત આકાશો અને ધરતી અને જે કંઈ પણ તેમાં છે તેના જ નામનું સ્મરણ કરી રહ્યા છે, એવી કોઈ વસ્તુ નથી જે તેને પવિત્રતા અને પ્રશંસા સાથે યાદ ન કરતી હોય, હાં આ સાચું છે કે તમે તેમના સ્મરણની રીતને સમજી નથી શકતા, તે ખૂબ જ પ્રતિષ્ઠિત અને માફ કરનાર છે
45તમે જ્યારે કુરઆન પઢો છો, અમે તમારી અને તે લોકોની વચ્ચે, જે આખેરત પર વિશ્વાસ નથી ધરાવતા, એક છૂપો પરદો નાખી દઇએ છીએ
46અને તેમના હૃદયો ઉપર અમે પરદા નાંખી દીધા છે કે તેઓ તેને સમજે અને તેમના કાનમાં બોજ અને જ્યારે તમે ફકત અલ્લાહના જ નામનું સ્મરણ તેના એકેશ્વરવાદ સાથે, આ કુરઆનમાં કરો છે, તો તે લોકો ધમંડ કરતા પીઠ ફેરવી પાછા ફરી જાય છે
47જે હેતુ સાથે તે લોકો આ સાંભળે છે, તેને અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ, જ્યારે આ લોકો તમારી તરફ કાન ધરે છે ત્યારે પણ અને જ્યારે આ લોકો સલાહ-સૂચન કરે છે ત્યારે પણ, આ અત્યાચારીઓ કહે છે કે તમે તેનું અનુસરણ કરી રહ્યા છો જેની ઉપર જાદુ કરી દેવામાં આવ્યું છે
48જુઓ તો ખરા, તમારા માટે કેવા કેવા ઉદાહરણ આપે છે, બસ ! તે લોકો ભટકી ગયા છે હવે તો સત્યમાર્ગ પર આવવું તેમના હાથમાં નથી
49તે લોકોએ કહ્યું કે અમે જ્યારે હાડકાંઓ અને કણ કણ થઇ જઇશું તો શું અમારું સર્જન ફરીથી કરવામાં આવશે
50જવાબ આપી દો કે તમે પથ્થર બની જાવો અથવા લોખંડ
51અથવા બીજું કોઈ એવું સર્જન, જે તમારા મતે ઘણું જ સખત હોય, પછી તે લોકો એમ પૂછે, કે કોણ છે જે બીજીવાર અમને જીવન આપે ? તમે જવાબ આપી દો કે તે જ અલ્લાહ, જેણે તમારું સર્જન પ્રથમ વખત કર્યું, તેના પર તે લોકો પોતાના માથા હલાવી તમને પૂછશે કે, સારું તો આ છે ક્યારે ? તમે જવાબ આપી દો કે શું ખબર કે તે નજીકમાં જ હોય
52જે દિવસે તે તમને બોલાવશે, તમે તેની પ્રશંસા કરતા, તેના આદેશોનું અનુસરણ કરશો અને વિચારશો કે અમે (ધરતી પર) ઘણું જ ઓછું રોકાયા
53અને મારા બંદાઓને કહી દો કે તે ઘણી જ સારી વાત કહેતા રહે, કારણકે શેતાન અંદરોઅંદર વિવાદ કરાવે છે. નિ:શંક શેતાન માનવીનો ખુલ્લો શત્રુ છે
54તમારો પાલનહાર તમારા કરતા વધારે જાણવાવાળો છે, તે ઇચ્છે તો તમારા પર કૃપા કરે અથવા તો તે ઇચ્છે તો તમને યાતના આપે, અમે તમને તેઓના જવાબદાર બનાવી અવતરિત નથી કર્યા
55આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે તે બધું જ તમારો પાલનહાર ખૂબ જ સારી રીતે જાણે છે, અમે કેટલાક પયગંબરોને કેટલાક પર પ્રાથમિકતા આપી છે અને દાઉદને ઝબુર અમે આપી
56કહી દો કે તમે અલ્લાહ સિવાય જેને પૂજ્ય સમજો છો તેમને પોકારો, પરંતુ ન તો તે તમારી કોઈ તકલીફને દૂર કરી શકે છે અને ન તો બદલી શકે છે
57જેમને આ લોકો પોકારે છે તે પોતે જ પોતાના પાલનહારની નિકટતા શોધે છે, કે તેઓ માંથી કોણ વધારે નજીક થઇ જાય, તે પોતે અલ્લાહની કૃપાની આશા રાખે છે અને તેની યાતનાથી ભયભીત રહે છે. (વાત આવી જ છે) કે તમારા પાલનહારની યાતના ભયભીત કરી દેનારી છે
58જેટલી પણ વસ્તીઓ છે અમે કયામતના દિવસ પહેલા તેમને નષ્ટ કરી દઇશું અથવા સખત સજા આપીશું, આ તો કિતાબમાં લખી દેવામાં આવ્યું છે
59અમે નિશાનીઓને અવતરિત કરતા નથી એટલા માટે કે, પહેલાના લોકો તેને જુઠલાવી ચૂક્યા છે, અમે ષમૂદના લોકોને નિશાની રૂપે ઊંટડી આપી, પરંતુ તે લોકોએ તેના પર અત્યાચાર કર્યો, અમે લોકોને ડરાવવા માટે જ નિશાનીઓ અવતરિત કરીએ છીએ
60અને યાદ કરો, જ્યારે અમે તમને કહી દીધું કે તમારા પાલનહારે લોકોને ઘેરાવમાં લઇ લીધા છે, જે અમે તમને નરી આંખે બતાવ્યું હતું, તે લોકો માટે સ્પષ્ટ કસોટી હતી અને એવી જ રીતે, તે વૃક્ષ પણ, જેને કુરઆનમાં નફરતનું કારણ બતાવ્યું છે, અમે તે લોકોને ડરાવી રહ્યા છીએ, પરંતુ આ લોકો તે વૃક્ષને લઇ વિદ્રોહ કરવામાં લાગેલા છે
61જ્યારે અમે ફરિશ્તાઓને આદેશ આપ્યો કે આદમ (અ.સ.)ને સિજદો કરો, તો ઇબ્લિસ સિવાય દરેકે સિજદો કર્યો, તેણે કહ્યું કે શું હું તેને સિજદો કરું જેને તેં માટીથી બનાવ્યો છે
62સારું જોઇ લે, તેં તેને મારા પર પ્રભુત્વ તો આપ્યું છે પરંતુ જો તેં મને પણ કયામત સુધી ઢીલ આપી તો હું તેના સંતાનને થોડાંક લોકો સિવાય, (ઘણા લોકોને) પોતાના વશમાં કરી દઇશ
63કહેવામાં આવ્યું કે જા તે લોકો માંથી જેઓ પણ તારું અનુસરણ કરવા લાગશે તો તમારા સૌની સજા જહન્નમ છે, જે પૂરેપૂરો બદલો છે
64તે લોકો માંથી તું જે લોકોને પણ પોતાના અવાજ વડે પથભ્રષ્ટ કરી શકે કરી લે અને તેમના પર પોતાના સવાર અને મદદ કરનારાઓને ચઢાવી દે અને તેમનું ધન અને સંતાન માંથી પોતાનો પણ ભાગ ઠેરાવ અને તે લોકોને (જુઠ્ઠા) વચનો આપ, તે લોકોને જેટલા વચનો શેતાન કરે છે, સ્પષ્ટ ધોકો છે
65મારા સાચા બંદાઓ પર તારો કોઈ વશ નહીં ચાલે, તારો પાલનહાર પૂરતો વ્યવસ્થાપક છે
66તમારો પાલનહાર તે છે, જે તમારા માટે દરિયામાં જહાજો ચલાવે છે, જેથી તમે તેની કૃપા શોધો, તે તમારા પર ખૂબ જ દયા કરનાર છે
67અને દરિયાઓમાં તકલીફ પડતાની સાથે જ જેમને તમે પોકારતા હતા સૌ અદૃશ્ય થઇ જાય છે, ફકત તે અલ્લાહ જ બાકી રહે છે. પછી જ્યારે તે તમને બચાવી કિનારા પર લાવે છે તો તમે મોઢું ફેરવી લો છો અને માનવી ખૂબ જ કૃતઘ્ન છે
68તો શું તમે તે વાતથી નીડર થઇ ગયા છો કે તમને કિનારા તરફ (લાવી ધરતી)માં ધસાવી દે, અથવા તમારા પર પથ્થરોનું વાવાઝોડું મોકલી દે, પછી તમે પોતાના માટે કોઈને પણ નિરીક્ષક નહીં જુઓ
69શું તમે તે વાતથી નીડર થઇ ગયા છો કે અલ્લાહ તઆલા ફરી તમને બીજી વખત દરિયાની મુસાફરી કરાવે અને તમારા પર સખત હવા મોકલે અને તમારા ઇન્કારના કારણે તમને ડુબાડી દે, પછી તમે પોતાના માટે અમારા પર તેનો અધિકાર જતાવનાર કોઈને નહીં જુઓ
70નિ:શંક અમે આદમના સંતાનને ખૂબ જ ઇજજત આપી અને તેમને ધરતી અને દરિયાના વાહનો પણ આપ્યા, અને તેમને પવિત્ર વસ્તુઓની રોજી આપી અને અમારા કેટલાય સર્જન પર તેમને પ્રાથમિકતા આપી
71જે દિવસે અમે દરેક જૂથને તેમના સરદારો સાથે બોલાવીશું, પછી જેમનું પણ કર્મપત્ર જમણા હાથમાં આપવામાં આવ્યું તે તો ખુશીથી પોતાનું કર્મપત્ર વાંચવા લાગશે અને દોરા બરાબર પણ અત્યાચાર કરવામાં નહીં આવે
72અને જે પણ આ દુનિયામાં આંધળો બનીને રહ્યો, તે આખેરતમાં પણ આંધળો અને માર્ગથી ખૂબ જ ભટકેલો હશે
73આ લોકો તમને પથભ્રષ્ટ કરવા ઇચ્છે છે તે વસ્તુથી, જેને અમે તમારા પર અવતરિત કરી, કે તમે તેના સિવાય બીજું જ અમારા નામથી ઘડી કાઢો, ત્યારે આ લોકો તમને પોતાના મિત્ર બનાવી લે
74જો અમે તમને અડગ ન રાખતા તો ઘણું જ શક્ય હતું કે તમે તેમની તરફ થોડાંક ઝૂકી જતા
75પછી અમે પણ દુનિયામાં અને મૃત્યુની બમણી સજા આપતા, પછી તમે તો પોતાના માટે અમારી વિરુદ્ધ કોઈને મદદ કરનાર પણ ન જોતા
76આ લોકો તો તમારા ડગલા આ ધરતી પરથી ઉખાડી નાખવા માંગતા હતા કે તમને અહીંયાથી કાઢી મૂકે, પછી આ લોકો પણ તમારા પછી થોડોક જ સમય રોકાઇ શકતા
77આવો જ નિયમ તે લોકોનો હતો જેમને તમારા પહેલા પયગંબર બનાવી અમે મોકલ્યા અને તમે અમારા નિયમમાં ક્યારેય ફેરફાર નહીં જુઓ
78નમાઝ પઢતા રહો, સૂર્યાસ્તથી લઇ રાત્રિના અંધકાર સુધી અને ફજરના સમયે કુરઆન પઢવું પણ, ખરેખર ફજરના સમયે કુરઆન પઢવાની (ફરિશ્તાઓ) સાક્ષી આપે છે
79રાત્રિના થોડાંક સમયે તહજ્જુદની નમાઝમાં કુરઆન પઢો, આ વધારો તમારા માટે છે, નજીક માંજ તમારો પાલનહાર "મહમૂદ" નામી જગ્યા પર ઊભા કરશે
80અને દુઆ કરતા રહો કે હે મારા પાલનહાર ! મને જ્યાં પણ લઇ જા સારી રીતે લઇ જા અને જ્યાંથી પણ કાઢે સારી રીતે કાઢ અને મારા માટે તારી પાસેથી વિજય અને મદદ નક્કી કરી દે
81અને જાહેર કરી દો કે સત્ય આવી ગયું અને અસત્ય નષ્ટ થઇ ગયું, નિ:શંક અસત્ય નષ્ટ થવાનું જ હતું
82આ કુરઆન જે અમે અવતરિત કરી રહ્યા છે, ઇમાનવાળાઓ માટે તો સ્પષ્ટ ઇલાજ અને કૃપા છે, હાં અત્યાચારીઓ માટે નુકસાન સિવાય બીજો કોઈ અતિરેક નહીં કરવામાં આવે
83અને અમે માનવીને જ્યારે ઇનામ આપીએ છીએ તો તે મોઢું ફેરવી લે છે અને પડખું ફેરવી લે છે અને જ્યારે તેને કોઈ તકલીફ પહોંચે છે તો તે નિરાશ થઇ જાય છે
84કહી દો કે દરેક વ્યક્તિ પોતાની રીતે કર્મ કરી રહ્યો છે, જે લોકો સંપૂર્ણ સત્યમાર્ગ પર છે તેમને તમારો પાલનહાર ખૂબ જ સારી રીતે જાણે છે
85અને આ લોકો તમને “રૂહ” વિશે સવાલ કરે છે તમે જવાબ આપી દો કે, “રૂહ” મારા પાલનહારના આદેશથી છે અને તમને ખૂબ જ ઓછું જ્ઞાન આપવામાં આવ્યું છે
86અને જો અમે ઇચ્છીએ તો જે વહી તમારી તરફ અવતરિત કરી છે બધું જ છીનવી લઇએ, પછી તમને તેના માટે અમારી વિરુદ્ધ કોઈ મદદ કરનાર નહીં મળી શકે
87તમારા પાલનહારની કૃપા સિવાય, નિ:શંક તમારા પર તેની ઘણી જ કૃપા છે
88કહી દો કે જો દરેક માનવી અને દરેક જિન્નાતો મળી આ કુરઆન જેવું લાવવા ઇચ્છે તો, તે દરેક માટે ભેગા મળીને પણ આના જેવું લાવવું અશક્ય છે, ભલેને તેઓ એક બીજાની મદદ કરનારા બની જાય
89અમે તો આ કુરઆનમાં લોકોને સમજવા માટે દરેક રીતે ઘણા ઉદાહરણોનું વર્ણન કરી દીધું છે, પરંતુ વધારે પડતા લોકો ઇન્કાર કરવાનું છોડતા નથી
90તે લોકોએ કહ્યું કે અમે તમારા પર ક્યારેય ઇમાન નહીં લાવીએ, ત્યાં સુધી કે તમે અમારા માટે ધરતી માંથી કોઈ ઝરણું વહેતું ન કરી દો
91અથવા તમારા માટે કોઈ બગીચો હોય ખજૂર અને દ્રાક્ષનો અને તેની વચ્ચે તમે ઘણી નહેરો વહાવી બતાવો
92અથવા તમે આકાશને અમારા પર ટુકડે ટુકડા કરી પાડી દો, જેવું કે તમારો વિચાર છે અથવા તમે પોતે અલ્લાહ તઆલાને અને ફરિશ્તાઓને અમારી સમક્ષ ઊભા કરી બતાવો
93અથવા તમારા માટે કોઈ સોનાનું ઘર બની જાય, અથવા તમે આકાશ પર ચઢી બતાવો, અને અમે તો તમારું ચઢી જવું પણ તે સમય સુધી ક્યારેય નહીં માનીએ, જ્યાં સુધી કે તમે અમારા માટે કોઈ કિતાબ ન લઇ આવો, જેને અમે પોતે પઢી લઇએ, તમે જવાબ આપી દો કે મારો પાલનહાર પવિત્ર છે, હું તો ફક્ત એક મનુષ્ય જ છું, જેને પયગંબર બનાવવામાં આવ્યો છે
94લોકો પાસે સત્યમાર્ગ આવી ગયા પછી ઇમાનથી દૂર થવા માટે ફકત આ જ વાત રહી ગઇ કે, તે લોકોએ આવું કહ્યું કે શું અલ્લાહએ મનુષ્ય ને જ પયગંબર બનાવી મોકલ્યા
95તમે કહી દો કે જો ધરતી પર ફરિશ્તાઓ હરતા-ફરતા, અને રહેતા હોત તો અમે પણ તેમની પાસે કોઈ આકાશના ફરિશ્તાને જ પયગંબર બનાવી મોકલતા
96કહી દો કે મારી અને તમારી વચ્ચે અલ્લાહ સાક્ષી માટે પૂરતો છે, તે પોતાના બંદાઓને ખૂબ સારી રીતે જાણે છે અને ખૂબ જ સારી રીતે જોનાર છે
97અલ્લાહ જેને સત્યમાર્ગ બતાવે તે તો સત્યમાર્ગ પર છે અને જેને તે માર્ગથી પથભ્રષ્ટ કરી દે, અશક્ય છે કે તમે તેની મદદ કરનાર તેના સિવાય બીજા કોઈને જુઓ, આવા લોકોને અમે કયામતના દિવસે ઊંધા મોઢે કરી દઇશું, તે લોકો આંધળા, મૂંગા અને બહેરા હશે, તેમનું ઠેકાણું જહન્નમ હશે, જ્યારે પણ તે (આગ) ઠંડી પડવા લાગશે, અમે તેમના માટે તે (આગ)ને વધું ભડકાવી દઇશું
98આ બધું અમારી આયતોનો ઇન્કાર કરવાનો અને એવું કહેવાનો બદલો છે કે શું અમે જ્યારે હાડકા અને કણ કણ થઇ જઇશું, પછી અમારું સર્જન નવી રીતે કરવામાં આવશે
99શું તે લોકોએ તે વાત વિશે વિચાર ન કર્યો કે જે અલ્લાહએ આકાશ અને ધરતીનું સર્જન કર્યું છે તે તેમના જેવાનું સર્જન કરવા પર સંપૂર્ણ શક્તિ ધરાવે છે. તેણે જ તેમના માટે એક એવો સમય નક્કી કરી રાખ્યો છે જેમાં કોઇ શંકા નથી, પરંતુ અત્યાચારી લોકો ઇન્કાર જ કરતા રહે છે
100કહી દો કે જો કદાચ તમે મારા પાલનહારના ખજાનાના માલિક બની જાવ તો તમે તે સમયે પણ તે ખર્ચ થઇ જવાના ભયથી, તેને રોકી રાખતા અને માનવી તંગ દીલનો છે
101અમે મૂસા (અ.સ.)ને નવ ચમત્કાર સ્પષ્ટ આપ્યા, તમે પોતે જ ઇસ્રાઇલના સંતાનોને પૂછી લો કે જ્યારે તે તેમની પાસે પહોંચ્યા તો ફિરઔને કહ્યું કે, હે મૂસા ! મારા મત મુજબ તો તારા પર જાદુ કરવામાં આવ્યું છે
102મૂસા (અ.સ.)એ જવાબ આપ્યો કે આ તો તમને જાણ થઇ ચૂકી છે કે આકાશ અને ધરતીના પાલનહારે જ આ ચમત્કારો બતાવવા, સમજાવવા માટે અવતરિત કર્યા છે, હે ફિરઔન ! હું તો સમજી રહ્યો છું કે તું ખરેખર બરબાદ અને નષ્ટ કરી દેવામાં આવ્યો છે
103છેવટે ફિરઔને પાકો ઇરાદો કરી લીધો કે તેમને ધરતી માંથી ઉખાડી દઇએ તો અમે ફિરઔનને અને તેના સાથીઓને ડુબાડી દીધા
104ત્યાર પછી અમે ઇસ્રાઇલના સંતાનને કહી દીધું કે આ ધરતી પર તમે રહો, હાં જ્યારે આખેરતનું વચન આવશે તો અમે તમને સૌને ભેગા કરીને લઇ આવીશું
105અને અમે આ કુરઆનને સત્ય સાથે અવતરિત કર્યું અને આ પણ સત્ય સાથે જ અવતરિત થયું, અમે તમને ફક્ત ખુશખબર આપનાર અને સચેત કરનાર બનાવી મોકલ્યા છે
106કુરઆનને અમે થોડું થોડું કરીને એટલા માટે અવતરિત કર્યું છે કે તમે કુરઆનને સમયાંતરે લોકોને સંભળાવો અને અમે પોતે પણ આને સમયાંતરે અવતરિત કર્યું છે
107કહી દો તમે આના પર ઇમાન લાવો અથવા ન લાવો, જેમને પહેલાથી જ જ્ઞાન આપવામાં આવ્યું છે તેમની પાસે જ્યારે પણ કુરઆન પઢવામાં આવે છે તો તે ઘુંટણના બળે સિજદામાં પડી જાય છે
108અને કહે છે કે અમારો પાલનહાર પવિત્ર છે અમારા પાલનહારનું વચન કોઈ શંકા વગર પૂરું થઇને જ રહેશે
109તેઓ પોતાના ઘુંટણ વડે રડતા રડતા સિજદામાં પડી જાય છે અને આ કુરઆન દ્વારા તેમની નમ્રતા ખૂબ વધી જાય છે
110કહી દો કે અલ્લાહને અલ્લાહ કહીને પોકારો, અથવા રહમાન કહી, જે નામથી પણ પોકારો દરેક સારા નામ તેના જ છે, તમે પોતાની નમાઝ ન તો મોટા અવાજે પઢો અને ન તો તદ્દન ધીમે, પરંતુ મધ્યમ અવાજે પઢો
111અને એવું કહી દો કે દરેક પ્રશંસા અલ્લાહ માટે જ છે જે ન સંતાન રાખે છે અને ન પોતાના સામ્રાજ્યમાં કોઈને ભાગીદાર ઠેરવે છે અને ન તે અશક્ત છે કે જેથી તેને કોઈની મદદની જરૂર પડે અને તમે તેની ઉચ્ચતાનું ખૂબ જ વર્ણન કરતા રહો
સ્ત્રોત: Rabila Al Omari
WEBREATH · 11:11
«If you are thankful, I will give you more» — Quran 14:7
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath