રોમનોને પત્ર 9
1હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, હું અસત્ય બોલતો નથી, મારું અંતઃકરણ પણ પવિત્ર આત્મામાં મારી સાક્ષી છે કે,
2મને ભારે શોક તથા મારા અંતઃકરણમાં ખૂબ જ વેદના થાય છે.
3કેમ કે મારા ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારા સગાં સંબંધીઓને બદલે હું પોતે જ શાપિત થઈને ખ્રિસ્તથી બહિષ્કૃત થાઉં, એવી જાણે કે મને ઇચ્છા થાય છે.
4તેઓ ઇઝરાયલી છે અને દત્તકપુત્રપણું, મહિમા, કરારો, નિયમશાસ્ત્રદાન, ભજનક્રિયા તથા વચનો તેઓનાં જ છે.
5પૂર્વજો તેઓના છે અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંના છે; તેઓ સર્વોપરી સદાકાળ સ્તુત્ય ઈશ્વર છે. આમીન.
6પણ ઈશ્વરનાં આશાવચનો જાણે કે વ્યર્થ ગયા હોય તેમ નથી. કેમ કે જેઓ ઇઝરાયલના વંશજો છે તેઓ બધા જ ઇઝરાયલી નથી.
7તેમ જ તેઓ ઇબ્રાહિમનાં વંશજો છે માટે બધાં જ તેનાં સંતાનો છે, એવું પણ નથી; પણ એવું લખેલું છે કે, ‘ઇસહાકથી તારો વંશ ગણાશે.’”
8એટલે જેઓ દૈહિક સંતાનો છે, તેઓ ઈશ્વરનાં સંતાનો છે એમ નહિ; પણ જેઓ વચનનાં સંતાનો છે, તેઓ જ વંશ ગણાય છે.
9કેમ કે વચન આ પ્રમાણે છે કે, ‘આ સમયે હું આવીશ અને સારાને દીકરો થશે.’”
10માત્ર એટલું જ નહિ, પરંતુ રિબકાએ પણ એકથી એટલે આપણા પિતા ઇસહાકથી ગર્ભ ધર્યો
11અને સંતાનોના જન્મ અગાઉ જયારે તેઓએ કંઈ પણ સારું કે ખરાબ કર્યું ન હતું, ત્યારે ઈશ્વરનો હેતુ જે તેમની પસંદગી પ્રમાણે છે તે, કરણીઓ પર નહિ, પણ તેડનારની ઇચ્છા પર આધાર રાખે,
12માટે રિબકાને એમ કહેવામાં આવ્યું કે, ‘મોટો દીકરો નાનાની ચાકરી કરશે.’”
13જે પ્રમાણે લખેલું છે કે, ‘મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો, પણ એસાવ પર દ્વેષ કર્યો.
14ત્યારે આપણે શું અનુમાન કરીએ? શું ઈશ્વરને ત્યાં અન્યાય છે? ના, તેવું ન થાઓ;
15કેમ કે તે મૂસાને કહે છે કે, ‘જેનાં ઉપર હું દયા કરવા ચાહું, તેના ઉપર હું દયા કરીશ; અને જેનાં ઉપર હું કરુણા કરવા ચાહું, તેના ઉપર હું કરુણા કરીશ.’”
16માટે તે તો ઇચ્છનારથી નહિ અને દોડનારથી નહિ, પણ દયા કરનાર ઈશ્વરથી થાય છે.
17વળી શાસ્ત્રવચન ફારુનને કહે છે કે, ‘તારા દ્વારા હું મારું સામર્થ્ય બતાવું, અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય એ કામ માટે મેં તને ઊભો કર્યો છે.’”
18તે માટે તે ચાહે તેના પર દયા કરે છે; અને ચાહે તેને હઠીલો કરે છે.
19ત્યારે તું મને કહેશે કે, ‘એવું છે તો તે કેમ દોષ કાઢે છે? કેમ કે તેમની ઇચ્છાની વિરુદ્ધ કોણ થઈ શકે છે?’
20પણ ભલા માણસ, તું વળી કોણ છે કે ઈશ્વરને સામો સવાલ કરે છે? જે ઘડાયેલું છે, તે શું પોતાના ઘડનારને પૂછશે કે, ‘તેં મને આવું કેમ બનાવ્યું?’
21શું કુંભારને એક જ માટીના એક ભાગનું ખાસ વપરાશ માટે તથા બીજાનું સામાન્ય વપરાશ માટે પાત્ર બનાવવાને માટી ઉપર અધિકાર નથી?
22જો ઈશ્વરે પોતાનો કોપ બતાવવાની તથા પોતાનું સામર્થ્ય પ્રગટ કરવાની ઇચ્છા રાખીને નાશને પાત્ર થયેલાં કોપના પાત્રોનું ઘણી ધીરજથી સહન કર્યું;
23અને જો મહિમાને માટે અગાઉથી તૈયાર કરેલાં દયાના પાત્રો પર.
24એટલે આપણા પર જેઓને તેમણે ફક્ત યહૂદીઓમાંથી નહિ, પણ બિનયહૂદીઓમાંથી પણ તેડ્યાં છે તેઓ પર, પોતાના મહિમાની સંપત્તિ જણાવવાં તેમની મરજી હતી તો તેમાં ખોટું શું?
25જેમ કે તેઓ હોશિયાના પુસ્તકમાં પણ કહે છે કે, ‘જેઓ મારા લોક ન હતા તેઓને હું મારા લોક અને જે પ્રિય ન હતી તેને હું પ્રિય કહીશ.
26અને એમ થશે કે જે સ્થળે તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે તમે મારા લોકો નથી, ત્યાં તેઓ ‘જીવતા ઈશ્વરના દીકરાઓ’ કહેવાશે.”
27વળી યશાયા ઇઝરાયલ સંબંધી ઘાંટો પાડીને કહે છે કે, જોકે ‘ઇઝરાયલના સંતાનોની સંખ્યા સમુદ્રની રેતીના જેટલી હોય, તોપણ તેનો શેષ જ ઉદ્ધાર પામશે’
28કેમ કે પ્રભુ પોતાનું વચન જલદીથી અને સંપૂર્ણપણે પૃથ્વી પર અમલમાં લાવશે.’”
29એમ જ યશાયાએ અગાઉ પણ કહ્યું હતું કે, ‘જો સૈન્યોના પ્રભુએ આપણે સારુ બીજ રહેવા દીધું ન હોત, તો આપણા હાલ સદોમ તથા ગમોરાના જેવા થઈ ગયા હોત.’”
30ત્યારે આપણે શું અનુમાન કરીએ? કે બિનયહૂદીઓ ન્યાયીપણાની શોધ કરતા ન હતા, તોપણ તેઓને ન્યાયીપણું, એટલે જે ન્યાયીપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે તે, પ્રાપ્ત થયું.’”
31પણ ઇઝરાયલ ન્યાયીપણું આપનાર નિયમશાસ્ત્રને અનુસર્યા છતાં તે ન્યાયીપણાને પહોંચી શક્યા નહિ.
32કેમ નહિ? કેમ કે તેઓ વિશ્વાસથી નહિ, પણ જાણે કે કરણીઓથી તેને શોધતાં હતા. તેઓએ ઠેસ ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી;
33જેમ લખેલું છે કે ‘જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થર અને ઠોકરરૂપ ખડક મૂકું છું, જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath