ખ્રિસ્તી ધર્મ
પાછા

રોમનોને પત્ર 7

1વળી ભાઈઓ, શું તમે એ નથી જાણતા જેઓ નિયમશાસ્ત્ર જાણે છે તેઓને હું કહું છું કે, મનુષ્ય જીવે ત્યાં સુધી તે નિયમશાસ્ત્રના નિયંત્રણમાં હોય છે?

2કેમ કે જે સ્ત્રીને પતિ છે, તે તેના જીવતાં સુધી નિયમથી તેની સાથે બંધાયેલી છે, પણ જો તે મરી જાય તો તેના નિયમથી તે મુક્ત થાય છે.

3તેથી જો પતિ જીવતો હોય અને તે બીજો પતિ કરે, તો તે વ્યભિચારિણી કહેવાશે; પણ જો તેનો પતિ મરી જાય તો તે નિયમથી મુક્ત છે, તેથી જો તે બીજો પતિ કરે તોપણ તે વ્યભિચારિણી નથી.

4તે માટે, મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તનાં શરીરદ્વારા નિયમશાસ્ત્ર સંબંધી મૃત છો, કે જેથી તમે બીજાના, એટલે જે મૃત્યુમાંથી સજીવન થયા છે તેમના થાઓ, કે આપણે ઈશ્વરને અર્થે ફળ ઉત્પન્ન કરીએ.

5કેમ કે જયારે આપણે દૈહિક હતા ત્યારે નિયમશાસ્ત્ર વડે પાપવાસનાઓ આપણાં અંગોમાં મૃત્યુ માટે ફળ ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરતી હતી.

6પણ હમણાં જેમાં આપણે બંધાયા હતા તેમાં આપણું મૃત્યુ થયાથી નિયમશાસ્ત્રથી મુક્ત થયા છીએ. તેથી નિયમશાસ્ત્રની જૂની રીતથી નહિ, પણ આત્માની નવી રીતથી સેવા કરીએ.

7ત્યારે આપણે શું કહીએ? શું નિયમશાસ્ત્ર પાપરૂપ છે? ના, એવું ન થાઓ; પરંતુ નિયમશાસ્ત્ર ન હોત તો મેં પાપ જાણ્યું ન હોત; કેમ કે નિયમશાસ્ત્રે જો કહ્યું ન હોત કે લોભ ન રાખ, તો હું લોભ વિષે સમજ્યો ન હોત.

8પણ પાપે, પ્રસંગ મળવાથી, આજ્ઞાથી મારામાં સઘળા પ્રકારનો લોભ ઉત્પન્ન કર્યો; કેમ કે નિયમશાસ્ત્ર વિના પાપ નિર્જીવ છે.

9હું તો અગાઉ નિયમશાસ્ત્ર વિના જીવતો હતો, પણ આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું અને હું મૃત્યુ પામ્યો;

10જે આજ્ઞા જીવનને અર્થે હતી તે તો મૃત્યુને અર્થે છે તેવું મને માલૂમ પડ્યું.

11કેમ કે પાપે, પ્રસંગ મળવાથી, આજ્ઞાથી મને છેતર્યો અને તે દ્વારા મને મારી નાખ્યો.

12તે માટે નિયમશાસ્ત્ર તો પવિત્ર છે અને આજ્ઞા પવિત્ર, ન્યાયી તથા હિતકારી છે.

13ત્યારે જે હિતકારી છે, તે શું મને મૃત્યુકારક થયું? ના, કદી નહિ; પણ પાપ તે પાપ જ દેખાય અને આજ્ઞા દ્વારા તો પાપનો વ્યાપ વધી જાય, એ માટે જે હિતકારી છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું.

14કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર આત્મિક છે, પણ હું દૈહિક છું અને પાપને વેચાયેલો છું.

15કેમ કે હું જે કરું છું, તે હું સમજથી કરતો નથી, કારણ કે હું જે ઇચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે કરું છું.

16પણ હું જે ઇચ્છતો નથી તે જો કરું છું, તો હું નિયમશાસ્ત્ર વિષે માનું છું કે, નિયમશાસ્ત્ર સારું છે.

17તો હવે જે ન કરવું જોઈએ તે હું નથી કરતો, પણ મારામાં જે પાપ વસે છે તે કરે છે.

18કેમ કે હું જાણું છું કે મારામાં, એટલે મારા દેહમાં, કંઈ જ સારું વસતું નથી; કારણ કે ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી.

19કેમ કે જે સારું કરવાની હું ઇચ્છા રાખું છું તે કરતો નથી; પણ જે દુષ્ટતા હું ઇચ્છતો નથી તે કરું છું.

20હવે જે હું ઇચ્છતો નથી તે હું કરું છું કેમ કે મારામાં જે પાપ વસે છે તે, તે કાર્ય કરે છે.

21તો મને એવો નિયમ માલૂમ પડે છે, કે જયારે સારું કરવા હું ઇચ્છું છું ત્યારે દુષ્ટતા મારામાં હાજર હોય છે.

22કેમ કે હું આંતરિક મનુષ્યત્વ પ્રમાણે ઈશ્વરના નિયમશાસ્ત્રમાં આનંદ કરું છું.

23પણ મારાં અંગોમાં હું એક અલગ નિયમ જોઉં છું, જે મારા મનના નિયમની સામે લડે છે અને મારા અવયવોમાં પાપનો જે નિયમ છે તેના બંધનમાં મને લાવે છે.

24હું કેવો દુઃખિત મનુષ્ય! કે મને આ મરણના શરીરથી કોણ છોડાવશે?

25આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરની આભારસ્તુતિ કરું છું, તે માટે હું પોતે મનથી ઈશ્વરના નિયમશાસ્ત્રની, પણ દેહથી પાપના સિદ્ધાંતની, સેવા કરું છું.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath