ખ્રિસ્તી ધર્મ
પાછા

રોમનોને પત્ર 12

1તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, ઈશ્વરની દયા પ્રાપ્ત કરવા તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે તેવું, અર્પણ કરો; તે તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે.

2આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે પરિવર્તન પામો, જેથી ઈશ્વરની સારી, માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે જાણી શકો.

3વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે, પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો; પણ જે પ્રમાણે ઈશ્વરે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં દરેકે પોતાને યોગ્ય ગણવો.

4કેમ કે જેમ આપણા શરીરનાં ઘણાં અંગો છે અને તેઓને બધાને એક જ કામ કરવાનું હોતું નથી;

5તેમ આપણે ઘણાં હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ અને અરસપરસ એકબીજાનાં અંગો છીએ.

6આપણને જે કૃપા આપવામાં આવી છે, તે પ્રમાણે આપણને જુદાં જુદાં કૃપાદાન મળ્યાં છે; તેથી જો બોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય, તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે બોધ કરવો;

7અથવા જો સેવાનું, તો સેવામાં લાગુ રહેવું; વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં લાગુ રહેવું;

8જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં વ્યસ્ત રહેવું; જે દાન આપે છે, તેણે ઉદારતાથી આપવું; જે અધિકારી છે, તેણે ખંતથી અધિકાર ચલાવવો; અને જે દયા રાખે છે તેણે હર્ખથી દયા રાખવી.

9તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. જે ખરાબ છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો.

10ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો; માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.

11ઉદ્યોગમાં આળસુ ન થાઓ; આત્મામાં ઉત્સાહી થાઓ; પ્રભુની સેવા કરો;

12આશામાં આનંદ કરો; સંકટમાં ધીરજ રાખો; પ્રાર્થનામાં લાગુ રહો;

13સંતોની જરૂરિયાતો પૂરી પાડો; પરોણાગત કરવામાં તત્પર રહો.

14તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો અને શ્રાપ આપતા નહિ.

15આનંદ કરનારાઓની સાથે આનંદ કરો; રડનારાઓની સાથે રડો.

16અરસપરસ એક મનના થાઓ; તમારું મન મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દીનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો.

17દુષ્ટતાની સામે દુષ્ટતા ન આચરો. બધા માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો.

18જો શક્ય હોય, તો ગમે તેમ કરીને બધાં માણસોની સાથે હળીમળીને રહો.

19ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ ઈશ્વરના કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહે છે કે, ‘વૈર વાળવું એ મારું કામ છે; હું બદલો લઈશ.’”

20પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ.

21દુષ્ટતાથી તું હારી ન જા, પણ ભલાઈથી દુષ્ટતાનો પરાજય કર.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath