ખ્રિસ્તી ધર્મ
પાછા

પ્રકટીકરણ 9

1જયારે પાંચમા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે મેં એક તારો આકાશથી પૃથ્વી પર પડેલો જોયો; તેને અનંતઊંડાણની ખાઈની ચાવી અપાઈ.

2તેણે અનંતઊંડાણની ખાઈને ખોલી. તો તેમાંથી મોટી ભઠ્ઠીમાંથી નીકળતો હોય તેવો ધુમાડો નીકળ્યો તેનાથી સૂર્ય તથા હવા અંધકારમય થઈ ગયા.

3એ ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યાં, અને પૃથ્વી પરના વીંછીઓની શક્તિ જેવી શક્તિ તેઓને આપવામાં આવી.

4અને તેઓને એવું ફરમાવ્યું કે, પૃથ્વીના ઘાસને, કોઈ છોડને તથા કોઈ ઝાડને નુકસાન કરો નહિ પણ જે માણસોના કપાળ પર ઈશ્વરની મહોર નથી તેઓને ઉપદ્રવ કરો.

5તેઓને તે લોકોને મારી નાખવાની પરવાનગી આપી નહિ, પણ પાંચ મહિના સુધી પીડા પમાડે. વીંછુ જયારે માણસને ડંખ મારે છે ત્યારની પીડા જેવી એ પીડા હતી.

6તે દિવસોમાં માણસો મરણ માટે તળપશે પણ તે તેમને મળશે જ નહિ, તેઓ મરણ ઇચ્છશે પણ મરણ તેઓ પાસેથી જતું રહેશે.

7તે તીડોનાં સ્વરૂપ લડાઈને માટે તૈયાર કરેલા ઘોડાઓનાં જેવા હતાં, અને તેઓનાં માથાં પર જાણે કે સોનાનાં હોય એવા મુગટો હતા તેઓના ચહેરા માણસોના ચહેરા જેવા હતા;

8અને તેઓના વાળ સ્ત્રીનાં વાળ જેવા અને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા;

9અને તેઓનાં અંગે લોખંડનાં બખતર જેવા બખતર હતાં; અને તેઓની પાંખોનો અવાજ યુદ્ધમાં દોડતા ઘણાં ઘોડાના રથોના અવાજ જેવો હતો.

10તેઓને વીંછુઓના જેવી પૂંછડી હતી, અને ડંખ પણ હતો, તેઓની પૂંછડીઓમાં માણસોને પાંચ માસ સુધી પીડા પમાડવાની શક્તિ હતી.

11અનંતઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે; તેનું નામ હિબ્રૂ ભાષામાં અબેદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન એટલે વિનાશક છે.

12પહેલી આફત પૂરી થઈ છે, જુઓ, હવે પછી બીજી બે આફતો આવવાની છે.

13પછી છઠ્ઠા સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડું દૂતે વગાડ્યું ત્યારે ઈશ્વરની સન્મુંખની સોનાની યજ્ઞવેદીનાં શિંગડાંમાંથી નીકળતી હોય એવી એક વાણી મેં સાંભળી;

14તેણે જે છઠ્ઠા સ્વર્ગદૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું કે, ‘મહાનદી યુફ્રેતિસ પર જે ચાર નર્કદૂતો બાંધેલા છે તેઓને મુક્ત કરે.

15આ ચાર દૂતો માણસોના ત્રીજા ભાગને મારી નાખે તે ઘડી, દિવસ, મહિના તથા વર્ષને માટે તૈયાર કરાયા હતા તેઓને છૂટા કરાયા.

16તેઓના લશ્કરના ઘોડેસવારોની સંખ્યા વીસ કરોડ હતી તે મારા સાંભળવામાં આવી.

17આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા; તેઓનાં બખતર આગ જેવા રાતાં, જાંબલી તથા ગંધકના રંગના હતાં. એ ઘોડાઓનાં માથાં સિંહોનાં માથાં જેવા હતાં, અને તેઓનાં મોંમાંથી આગ તથા ધુમાડા તથા ગંધક નીકળતાં હતાં.

18એ ત્રણ આફતોથી, એટલે તેઓના મુખમાંથી નીકળતી આગથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોનો ત્રીજો ભાગ મારી નંખાયો;

19કેમ કે ઘોડાઓની શક્તિ તેઓનાં મોંમાં તથા તેઓની પૂંછડીઓમાં છે; કારણ કે તેઓનાં પૂંછડાં સાપના જેવા છે, અને તેઓને માથાં હોય છે જેથી તેઓ ઉપદ્રવ કરે છે.

20બાકીના જે માણસો તે આફતોથી મારી નંખાયા નહિ, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી એટલે કે દુષ્ટાત્માઓની, સોનાની, રૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની તથા સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની ઉપાસના કરવાનો પસ્તાવો કર્યો નહિ.

21વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, જાદુક્રિયા, વ્યભિચારના પાપો તથા ચોરીઓ વિષે પસ્તાવો કર્યો નહિ.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath