પ્રકટીકરણ 3
1સાર્દિસમાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે. જેમને ઈશ્વરના સાત આત્મા તથા સાત તારા છે, તેઓ આ વાતો કહે છે તારાં કામ હું જાણું છું કે “તું જીવંત તરીકે જાણીતો છે, પણ ખરેખર તું મૃત છે.”
2તું જાગૃત થા અને બાકીના જે કાર્યો તારામાં બચી ગયો છે તે મરણ પામવાની તૈયારીમાં છે, તેઓને બળવાન કર; કેમ કે મેં તારાં કામ મારા ઈશ્વરની આગળ સંપૂર્ણ થયેલાં જોયાં નથી.
3માટે તને જે મળ્યું, તેં જે સાંભળ્યું છે, તેને યાદ કર અને ધ્યાનમાં રાખ, અને પસ્તાવો કર. કેમ કે જો તું જાગૃત નહિ રહે તો હું ચોરની માફક આવીશ, અને કઈ ઘડીએ હું તારા પર આવીશ તેની તને ખબર નહિ પડે.
4તોપણ જેઓએ પોતાનાં વસ્ત્રો અશુદ્ધ કર્યાં નથી, એવાં થોડા લોકો તારી પાસે સાર્દિસમાં છે; તેઓ સફેદ વસ્ત્ર પહેરીને મારી સાથે ફરશે; કેમ કે તેઓ લાયક છે.
5જે જીતે છે તેને એ જ પ્રમાણે સફેદ વસ્ત્ર પહેરાવાશે; જીવનનાં પુસ્તકમાંથી તેનું નામ હું ભૂંસી નાખીશ નહિ. પણ મારા પિતાની આગળ તથા તેમના સ્વર્ગદૂતોની આગળ હું તેનું નામ સ્વીકારીશ.
6આત્મા મંડળીને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે.
7ફિલાડેલ્ફિયામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જે પવિત્ર છે, જે સત્ય છે, જેની પાસે દાઉદની ચાવી છે, જે તે ઉઘાડે છે એને કોઈ બંધ કરશે નહિ, તથા જે તે બંધ કરશે એને કોઈ ઉઘાડી શકશે નથી, તે આ વાતો કહે છે.
8તારાં કામ હું જાણું છું. જુઓ, તારી આગળ મેં બારણું ખુલ્લું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી. તારામાં થોડી શક્તિ છે, તોપણ તેં મારી વાત માની છે અને મારા નામનો ઇનકાર કર્યો નથી.
9જુઓ, જેઓ શેતાનની સભામાંના છે, જેઓ કહે છે કે અમે યહૂદી છીએ, તોપણ એવા નથી, તેઓ જૂઠું બોલે છે. હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ આવીને તારા પગ આગળ નમશે, અને મેં તારા પર પ્રેમ રાખ્યો છે એવું તેઓ જાણશે.
10તેં ધીરજપૂર્વક મારા વચન પાળ્યું છે, તેથી પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારુ કસોટીનો જે સમય આખા માનવજગત પર આવનાર છે, તેનાથી હું પણ તને બચાવીશ.
11હું વહેલો આવું છું; તારું જે છે તેને તું વળગી રહે કે, કોઈ તારો મુગટ લઈ લે નહિ.
12જે જીતે છે તેને હું મારા ઈશ્વરના ભક્તિસ્થાનમાં સ્તંભ કરીશ, તે ફરી ત્યાંથી બહાર જશે નહિ; વળી તેના પર ઈશ્વરનું નામ તથા મારા ઈશ્વરના શહેરનું નામ, એટલે જે નવું યરુશાલેમ મારા ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરે છે તેનું, તથા મારું પોતાનું નવું નામ લખીશ.
13આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.
14લાઓદિકિયામાંના મંડળીના સ્વર્ગદૂતને લખ કે, જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરા સાક્ષી છે, જે ઈશ્વરની સૃષ્ટિના મૂળરૂપ છે, તે આ વાતો કહે છે.
15તારાં કામ હું જાણું છું, કે તું ઠંડો નથી, તેમ જ ગરમ પણ નથી; તું ઠંડો અથવા ગરમ થાય એમ હું ચાહું છું!
16પણ તું હૂંફાળો છે, એટલે ગરમ નથી તેમ જ ઠંડો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ.
17તું કહે છે કે, હું શ્રીમંત છું, મેં સંપત્તિ મેળવી છે, મને કશાની ખોટ નથી; પણ તું જાણતો નથી કે, તું કંગાળ, દયાજનક, ગરીબ, અંધ તથા નિર્વસ્ત્ર છે.
18માટે હું તને એવી સલાહ આપું છું કે તું શ્રીમંત થાય, માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે; તું વસ્ત્ર પહેર, કે તારી નિર્વસ્ત્ર હોવાની શરમ પ્રગટ ન થાય, માટે સફેદ વસ્ત્ર વેચાતાં લે; તું દેખતો થાય, માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ.
19હું જેટલાં પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શીખવવું છું; માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.
20જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવવું છું; જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ, તે પણ મારી સાથે જમશે.
21જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી પાસે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની પાસે તેમના રાજ્યાસન પર બેઠેલો છું.
22આત્મા મંડળીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath