ખ્રિસ્તી ધર્મ
પાછા

પ્રકટીકરણ 21

1પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં, કેમ કે પ્રથમનું આકાશ તથા પ્રથમની પૃથ્વી જતા રહ્યાં હતા; અને સમુદ્ર પણ રહ્યો ન હતો.

2મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારુ શણગારેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું.

3રાજ્યાસનમાંથી મોટી વાણી એમ કહેતી મેં સાંભળી કે, ‘જુઓ, ઈશ્વરનું રહેઠાણ માણસોની સાથે છે, અને ઈશ્વર તેઓની સાથે વસશે, અને તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે.

4તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; હવે મરણ, શોક, રુદન કે વેદના ફરીથી થશે નહિ. જૂની વાતો જતી રહી છે.’”

5રાજ્યાસન પર જે બેઠેલા છે, તેમણે કહ્યું કે, ‘જુઓ, હું સઘળું નવું બનાવું છું.’” ફરીથી તે કહે છે કે, ‘તું લખ, કેમ કે આ વાતો વિશ્વસનીય તથા સાચી છે.’”

6તેમણે મને કહ્યું કે, ‘તે પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, શરૂઆત તથા અંત છું. હું તરસ્યાને જીવનનાં પાણીના ઝરામાંથી મફત જળ આપીશ.

7જે જીતે છે તે તેઓનો વારસો પામશે, અને હું તેમનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા બાળકો થશે.

8પણ કાયરો, અવિશ્વાસીઓ, દુર્જનો, હત્યારાઓ, વ્યભિચારીઓ, તાંત્રિકો, મૂર્તિપૂજકો તથા સઘળા જૂઠું બોલનારાઓને, અગ્નિ તથા ગંધકથી બળનારા સરોવરમાં ફેંકવામાં આવશે. એ જ બીજું મરણ છે.”

9જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત પ્યાલા હતા, તે સાત છેલ્લી આફતોથી ભરેલા હતા તેઓમાંનો એક સ્વર્ગદૂત મારી પાસે આવ્યો ને મને કહ્યું કે, ‘અહીં આવ, અને જે કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ.’”

10પછી તે મને આત્મામાં એક મોટા તથા ઊંચા પહાડ પર લઈ ગયો, અને ઈશ્વરની પાસેથી સ્વર્ગથી ઊતરતું પવિત્ર નગર યરુશાલેમ મને બતાવ્યું.

11તેમાં ઈશ્વરનું ગૌરવ હતું, અને તેનું તેજ અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે યાસપિસ પાષાણ જે સ્ફટિક સમાન નિર્મળ હોય, એના જેવું હતું.

12તેની દિવાલ મોટી તથા ઉંચી હતી અને જેને બાર દરવાજા હતા, અને દરવાજા પાસે બાર સ્વર્ગદૂતો ઊભેલા હતા. દરવાજા પર ઇઝરાયલનાં બાર કુળોના નામો લખેલાં હતાં.

13પૂર્વમાં ત્રણ દરવાજા, ઉત્તરમાં ત્રણ દરવાજા, દક્ષિણમાં ત્રણ દરવાજા અને પશ્ચિમમાં ત્રણ દરવાજા હતા.

14નગરની દીવાલના પાયાના બાર પથ્થર હતા, અને તેના પર હલવાનના બાર પ્રેરિતોનાં બાર નામ હતાં.

15મારી સાથે જે સ્વર્ગદૂત બોલતો હતો, તેની પાસે નગર, દરવાજા અને દીવાલનું માપ લેવાની સોનાની લાકડી હતી.

16નગર સમચોરસ હતું તેની જેટલી લંબાઈ હતી તેટલી જ તેની પહોળાઈ હતી. તેણે લાકડીથી નગરનું માપ લીધું. તો તે બે હજાર ચારસો કિલોમિટર થયું. નગરની લંબાઈ, પહોળાઈ ઊંચાઈ સરખી હતી.

17તેણે તેની દીવાલનું માપ લીધું, તે માણસના માપ, એટલે સ્વર્ગદૂતના માપ પ્રમાણે ગણતાં એક્સો ચુંમાળીસ હાથ હતું.

18તેની દીવાલની બાંધણી યાસપિસની હતી; અને નગર સ્વચ્છ કાચનાં જેવું શુદ્ધ સોનાનું હતું.

19નગરની દીવાલના પાયા દરેક પ્રકારના મૂલ્યવાન પાષાણથી સુશોભિત હતા; પહેલો પાયો યાસપિસ, બીજો નીલમ, ત્રીજો માણેક, ચોથો લીલમ,

20પાંચમો ગોમેદ, છઠ્ઠો અકીક, સાતમો તૃણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો શનિ, બારમો યાકૂત.

21તે બાર દરવાજા બાર મોતી હતા, તેઓમાંનો દરેક દરવાજો એક એક મોતીનો બનેલો હતો. નગરનો માર્ગ પારદર્શક કાચ જેવા શુદ્ધ સોનાનો બનેલો હતો.

22મેં તેમાં ભક્તિસ્થાન જોયું નહિ, કેમ કે સર્વસમર્થ પ્રભુ ઈશ્વર તથા હલવાન એ જ ત્યાનું ભક્તિસ્થાન છે.

23નગરમાં સૂર્ય કે ચંદ્ર પ્રકાશ આપે એવી જરૂર નથી. કેમ કે ઈશ્વરના ગૌરવે તેને પ્રકાશિત કર્યું છે, અને હલવાન તેનો દીવો છે.

24પૃથ્વીની સર્વ પ્રજા તેના પ્રકાશમાં ચાલશે. અને દુનિયાના રાજાઓ પોતાનો વૈભવ તેમાં લાવે છે.

25દિવસે તેના દરવાજા કદી બંધ થશે નહિ ત્યાં રાત પડશે નહિ.

26તેઓ સર્વ પ્રજાઓનો વૈભવ તથા કીર્તિ તેમાં લાવશે;

27અને જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર તથા અસત્યનું આચરણ કરે છે તેઓ તેમાં પ્રવેશી શકશે નહિ. જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ પામી શકશે.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath