પ્રકટીકરણ 1
1ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે પોતાના દાસોને કહી બતાવવા સારુ ઈશ્વરે તેમના પુત્ર ઈસુને તે આપ્યું. અને તેમણે પોતાનો સ્વર્ગદૂત મોકલીને તે પોતાના દાસ યોહાનને બતાવ્યું.
2યોહાને ઈશ્વરનાં વચન તથા ઈસુ ખ્રિસ્તની સાક્ષી વિષે જેટલું પોતે જોયું તેની માહિતી આપી.
3ભવિષ્યમાં બનવાની બિનાઓ જેઓ વાંચે છે, આ ભવિષ્યવાણીનું વચન જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓ આશીર્વાદિત છે, કેમ કે સમય પાસે છે.
4જે સાત મંડળીના વિશ્વાસી સમુદાય આસિયામાં છે તેઓને યોહાન લખે છે. જે છે અને જે હતા અને જે આવનાર છે તેમનાંથી, તથા તેમના સિંહાસન આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી,
5તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાક્ષી, અને મરણ પામેલાંમાંથી પ્રથમ ઊઠેલ અને દુનિયાના રાજાઓના અધિકારી છે તેમનાંથી, તમારા પર કૃપા તથા શાંતિ હો. જેમણે આપણા પર પ્રેમ કર્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી બચાવ્યા;
6અને ઈશ્વર પિતાને માટે આપણને રાજ્ય તથા યાજકો બનાવ્યા, તેમનો મહિમા તથા અધિકાર સદાસર્વકાળ સુધી હો; આમીન.
7જુઓ, તે વાદળાંમાં આવે છે અને દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરનાં સઘળાં કુળો તેમને લીધે વિલાપ કરશે; હા, આમીન.
8પ્રભુ ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વસમર્થ છે, તે એમ કહે છે કે, ‘હું આલ્ફા તથા ઓમેગા છું.’”
9હું યોહાન તમારો ભાઈ, અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધીરજમાં તમારા સહભાગી, ઈશ્વરનાં વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે, પાત્મસ ટાપુ પર હતો.
10પ્રભુના દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી એમ કહેતી સાંભળી કે,
11‘તું જે જુએ છે તે પુસ્તકમાં લખ, અને એફેસસમાં, સ્મર્નામાં, પેર્ગામનમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે સાત મંડળી છે તેઓને મોકલ.’”
12જે વાણીએ મારી સાથે વાત કરી, તેને જોવા હું ફર્યો; ત્યારે મેં સોનાની સાત દીવીને જોઈ.
13તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયા, તેમણે પગની નીચે સુધી પહોંચે એવો ઝભ્ભો પહેરેલો હતો અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો.
14તેમનું માથું તથા વાળ સફેદ ઊન અને બરફની માફક શ્વેત હતાં; અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી.
15તેમના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા; અને તેમનો અવાજ ઘણાં પાણીનાં મોજાંના જેવો ગર્જતો હતો.
16તેમના જમણાં હાથમાં સાત તારા હતા; અને તેમના મુખમાંથી બેધારી તીક્ષ્ણ તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય સમાન હતો.
17જયારે મેં તેમને જોયા ત્યારે મૂએલા જેવો થઈને હું તેમના પગ પાસે પડી ગયો. ત્યારે તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે, ‘બીશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું;
18અને જે જીવંત છે તે હું છું. હું મૃત્યુ પામ્યો હતો અને જુઓ, હવે હું સદાકાળ જીવતો છું! મરણ તથા પાતાળની ચાવીઓ મારી પાસે છે.
19તેં જે જોયું છે અને જે થયું છે, અને હવે પછી જે જે થશે, તે સઘળું લખ.
20મારા જમણાં હાથમાં જે સાત તારા તથા સોનાની સાત દીવી તેં જોયાં, એમનો ખુલાસો તું લખ. સાત તારા તો સાત મંડળીના સ્વર્ગદૂત છે, અને સાત દીવી તો સાત મંડળી છે.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath