પ્રકટીકરણ 18
1એ પછી મેં બીજા એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો; તેને મોટો અધિકાર મળેલો હતો; અને તેના ગૌરવથી પૃથ્વી પ્રકાશિત થઈ.
2તેણે ઊંચા અવાજે કહ્યું કે, ‘પડ્યું રે, પડ્યું, મોટું બાબિલોન પડ્યું. અને તે દુષ્ટાત્માઓનું નિવાસસ્થાન તથા દરેક અશુદ્ધ આત્માનું અને અશુદ્ધ તથા ધિક્કારપાત્ર પક્ષીનું વાસો થયું છે.
3કેમ કે તેના વ્યભિચારને લીધે રેડાયેલો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશના લોકોએ પીધો છે; દુનિયાના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે, અને વેપારીઓ તેના પુષ્કળ મોજશોખથી ધનવાન થયા છે.
4સ્વર્ગમાંથી બીજી એક વાણી એવું કહેતી મેં સાંભળી કે, ‘હે મારા લોકો, તેનાથી બહાર આવો, તમે તેના પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારી આફતોમાંની કોઈ પણ તમારા પર ન આવે.
5કેમ કે તેનાં પાપ સ્વર્ગ સુધી ભેગા થયા છે, અને ઈશ્વરે તેના દુરાચારોને યાદ કર્યા છે.
6જેમ તેણે બીજાઓને ભરી આપ્યું તેમ તેને પાછું ભરી આપો, અને તેની કરણીઓ પ્રમાણે તેને બમણું જ આપો; જે પ્યાલો તેણે મેળવીને ભર્યો છે તેમાં તેને માટે બમણું મેળવીને ભરો.
7તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોજશોખ કર્યો તેટલો ત્રાસ તથા પીડા તેને આપો; કેમ કે તે પોતાના મનમાં કહે છે કે, હું રાણી થઈને બેઠી છું. હું વિધવા નથી, અને હું રુદન કરનારી નથી;
8એ માટે એક દિવસમાં તેના પર આફતો એટલે મરણ, રુદન તથા દુકાળ આવશે, અને તેને અગ્નિથી બાળી નંખાશે; કેમ કે પ્રભુ ઈશ્વર કે જેમણે તેનો ન્યાય કર્યો, તે સમર્થ છે.
9દુનિયાના જે રાજાઓએ તેની સાથે વ્યભિચાર તથા વિલાસ કર્યો, તેઓ જયારે તેમાં લાગેલી આગનો ધુમાડો જોશે, ત્યારે તેઓ તેને માટે રડશે, અને વિલાપ કરશે,
10અને તેની પીડાની બીકને લીધે દૂર ઊભા રહીને કહેશે કે, હાય! હાય! મોટું બાબિલોન નગર! બળવાન નગર! એક ઘડીમાં તને કેવી શિક્ષા થઈ છે.’”
11પૃથ્વી પરના વેપારીઓ પણ તેને માટે રડે છે અને વિલાપ કરે છે, કેમ કે હવેથી કોઈ તેમનો સામાન ખરીદનાર નથી;
12સોનું, ચાંદી, કિંમતી રત્નો, મોતીઓ, બારીક શણનું કાપડ, જાંબુડા રંગનાં, રેશમી અને કિરમજી રંગનાં વસ્ત્ર; તથા સર્વ જાતનાં સુગંધી કાષ્ટ, હાથીદાંતની, મૂલ્યવાન કાષ્ટની, પિત્તળની, લોખંડની તથા સંગેમરમરની સર્વ જાતની વસ્તુઓ;
13વળી તજ, તેજાના, ધૂપદ્રવ્યો, અત્તર, લોબાન, દ્રાક્ષારસ, તેલ, ઝીણો મેંદો, અનાજ તથા ઢોરઢાંક, ઘેટાં, ઘોડા, રથો, ચાકરો તથા માણસોના પ્રાણ, એ તેમનો માલ હતો.
14તારા જીવનાં ઇચ્છિત ફળ તારી પાસેથી જતા રહ્યાં છે, અને સર્વ સુંદર તથા કિંમતી પદાર્થો તારી પાસેથી નાશ પામ્યા છે, અને હવેથી તે કદી મળશે જ નહિ.
15એ વસ્તુઓના વેપારી કે જેઓ તેનાથી ધનવાન થયા, તેઓ તેની પીડાની બીકને લીધે રડતા તથા શોક કરતા દૂર ઊભા રહીને,
16કહેશે કે, હાય! હાય! બારીક શણનાં, જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્રથી વેષ્ટિત, અને સોનાથી, રત્નોથી તથા મોતીઓથી અલંકૃત મહાન નગરને હાયહાય!’
17કેમ કે એક પળમાં એટલી મોટી સંપત્તિ નષ્ટ થઈ છે. અને સર્વ કપ્તાન, સર્વ મુસાફરો, ખલાસીઓ અને દરિયાઈ માર્ગે વેપાર કરનારા દૂર ઊભા રહ્યા છે.
18અને તેઓએ તેમાં લાગેલી આગનો ધુમાડો જોઈને બૂમ પાડતાં કહ્યું કે, આ મોટા નગર જેવું બીજું કયું નગર છે?’
19હાય! હાય! તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી, અને રડતાં તથા વિલાપ કરતાં મોટે સાદે કહ્યું કે, ‘હાય! જે મોટા નગરની સંપત્તિથી સમુદ્રમાંનાં સર્વ વહાણના માલિકો ધનવાન થયા, એક ક્ષણમાં ઉજ્જડ થયું છે.’”
20ઓ સ્વર્ગ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે તમે આનંદ કરો, કેમ કે ઈશ્વરે તમારો ન્યાય તેના પર લાવ્યો છે.’”
21પછી એક બળવાન સ્વર્ગદૂતે મોટી ઘંટીના પડ જેવો એક પથ્થર ઊંચકી લીધો અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું કે, ‘તે મોટા નગર બાબિલોનને એ જ રીતે નિર્દયતાપૂર્વક નાખી દેવામાં આવશે. અને તે ફરી કદી પણ જોવામાં નહિ આવે.
22તથા વીણા વગાડનારા, ગાનારા, વાંસળી વગાડનારા તથા રણશિંગડું વગાડનારાઓનો સાદ ફરી તારા નગરમાં સંભળાશે નહિ; અને કોઈ પણ વ્યવસાયનો કોઈ કારીગર ફરી તારામાં દેખાશે નહિ અને ઘંટીનો અવાજ તારામાં ફરી સંભળાશે નહીં.
23દીવાનું અજવાળું તારામાં ફરી પ્રકાશશે નહિ અને વર તથા કન્યાનો અવાજ તારામાં ફરી સંભળાશે નહીં! કેમ કે તારા વેપારીઓ પૃથ્વીના મહાન પુરુષો હતા. તારી જાદુ ક્રિયાથી સર્વ દેશમાંના લોકો ભુલાવામાં પડ્યા.
24અને પ્રબોધકોનું, સંતોનું તથા પૃથ્વી પર જેઓ મારી નંખાયા છે, તે સઘળાનું લોહી પણ તેમાંથી જડ્યું હતું.’”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath