પ્રકટીકરણ 16
1એક મોટી વાણી ભક્તિસ્થાનમાંથી મેં સાંભળી, તેણે સાત સ્વર્ગદૂતોને એમ કહ્યું કે, ‘તમે જાઓ ને ઈશ્વરના કોપના સાત પ્યાલાં પૃથ્વી પર રેડી દો.’”
2પહેલો સ્વર્ગદૂત ગયો, અને તેણે પોતાનો પ્યાલો પૃથ્વી પર રેડયો, અને જે માણસો હિંસક પશુની છાપ રાખતાં હતાં અને તેની મૂર્તિને પૂજતાં હતાં, તેઓ પર ત્રાસદાયક તથા દુઃખદાયક ગૂમડાં ફૂટી નીકળ્યાં.
3બીજા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો સમુદ્ર પર રેડ્યો એટલે સમુદ્ર મૃતદેહના લોહી જેવો થયો, અને જે સઘળા સજીવ પ્રાણી સમુદ્રમાં હતા તે મરણ પામ્યા.
4ત્રીજા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડયો, અને પાણી લોહી થઈ ગયા.
5મેં પાણીના સ્વર્ગદૂતને બોલતાં સાંભળ્યો કે, ‘તમે ન્યાયી છો, તમે જે છો અને જે હતા, પવિત્ર ઈશ્વર, કેમ કે તમે અદલ ન્યાયચુકાદો કર્યા છે;
6કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે; તેઓ તેને માટે લાયક છે.’”
7યજ્ઞવેદીમાંથી એવો અવાજ મેં સાંભળ્યો કે, ‘હા, ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, તમારા ન્યાયચુકાદા સત્ય તથા ન્યાયી છે.’”
8ચોથા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો સૂરજ પર રેડયો; એટલે તેને આગથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી;
9તેથી માણસો આગની આંચથી દાઝ્યાં. ઈશ્વર, જેમને આ આફતો પર અધિકાર છે, તેમના નામની વિરુદ્ધ દુર્ભાષણ કરી તેઓએ તેમને મહિમા આપ્યો નહિ અને પસ્તાવો કર્યો નહિ.
10પાંચમા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો હિંસક પશુના રાજ્યાસન પર રેડયો; અને તેના રાજ્ય પર અંધારપટ છવાયો; અને તેઓ પીડાને લીધે પોતાની જીભોને કરડવા લાગ્યા,
11અને પોતાની પીડાઓને લીધે તથા પોતાનાં ગુમડાંઓને લીધે તેઓએ સ્વર્ગના ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ કર્યું; પણ પોતાનાં કામોનો પસ્તાવો કર્યો નહિ.
12પછી છઠ્ઠા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો મોટી નદી એટલે યુફ્રેતિસ પર રેડ્યો અને તેનું પાણી સુકાઈ ગયું, એ માટે કે પૂર્વેથી જે રાજાઓ આવનાર છે તેઓનો રસ્તો તૈયાર થાય.
13ત્યારે પેલા અજગરના મોંમાંથી, હિંસક પશુના મોંમાંથી તથા જૂઠાં પ્રબોધકના મોંમાંથી નીકળતા દેડકા જેવા ત્રણ અશુદ્ધ આત્મા મેં જોયા;
14કેમ કે તેઓ ચમત્કારિક ચિહ્નો કરનારા દુષ્ટાત્માઓ છે, કે જેઓ આખી દુનિયાના રાજાઓ પાસે જાય છે એ માટે કે સર્વસમર્થ ઈશ્વરના મહાન દિવસની લડાઈને સારુ તેઓ તેઓને એકત્ર કરે.
15જુઓ ચોરની જેમ હું આવું છું, જે જાગૃત રહે છે, અને પોતાનાં વસ્ત્ર એવાં રાખે છે કે પોતાને નિર્વસ્ત્ર જેવા ન ચાલવું પડે, અને તેની શરમજનક પરિસ્થિતિ ન દેખાય, તે આશીર્વાદિત છે.
16ત્યારે હિબ્રૂ ભાષામાં ‘આર્માંગેદન’ કહેવાતી જગ્યાએ, તેઓએ તેઓને એકત્ર કર્યાં.
17પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો વાતાવરણમાં રેડયો, એટલે મંદિરમાંના રાજ્યાસનમાંથી મોટી વાણી એવું બોલી કે, સમાપ્ત થયું;
18અને વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ થયાં; વળી મોટો ધરતીકંપ થયો. તે એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્ન થયાં ત્યારથી એના જેવો કદી થયો નહોતો.
19મોટા નગરના ત્રણ ભાગ થઈ ગયા, અને રાષ્ટ્રોનાં શહેરો નષ્ટ થયાં; અને ઈશ્વરને મોટા બાબિલની યાદ આવી, એ માટે કે તે પોતાના સખત કોપના દ્રાક્ષારસનો પ્યાલો તેને આપે.
20ટાપુઓ અદ્રશ્ય થઈ ગયા, અને પહાડોનો પત્તો લાગ્યો નહિ.
21અને આકાશમાંથી આશરે ચાલીસ કિલોગ્રામનાં કરા માણસો પર પડ્યા અને કરાની આફતને લીધે માણસોએ ઈશ્વરને શ્રાપ આપ્યો કેમ કે તે આફત અતિશય ભારે હતી.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath