ખ્રિસ્તી ધર્મ
પાછા

પ્રકટીકરણ 11

1લાકડી જેવી એક માપપટ્ટી મને અપાઈ અને કહેવામાં આવ્યું કે ‘તું ઊઠ, ઈશ્વરના ભક્તિસ્થાન તથા યજ્ઞવેદીનું માપ લે તથા ત્યાંના ભજન કરનારાઓની ગણતરી કર.

2પણ મંદિરની બહાર જે ચોક છે તેનું માપ લઈશ નહિ કેમ કે તે વિદેશીઓને આપેલું છે; તેઓ બેતાળીસ મહિના સુધી પવિત્ર નગરને કચડશે.

3મારા બે સાક્ષીને હું એવો અધિકાર આપીશ કે તેઓ ટાટ પહેરીને એક હજાર બસો સાંઠ દિવસ સુધી પ્રબોધ કરે.

4જૈતૂનનાં જે બે વ્રુક્ષ તથા જે બે દીવી પૃથ્વીના ઈશ્વરની સમક્ષ ઊભા છે તેઓ એ જ તે સાક્ષી છે.

5જો કોઈ તેઓને ઈજા પહોંચાડવા ચાહશે તો તેઓનાં મોંમાંથી આગ નીકળશે અને તેઓના શત્રુઓને નષ્ટ કરશે. અને જો કોઈ તેઓને ઈજા કરવા ઇચ્છશે તો તેને આ રીતે માર્યા જવું પડશે.

6તેઓને આકાશ બંધ કરવાનો અધિકાર છે કે તેઓના પ્રબોધ કરવાના દિવસો દરમિયાન વરસાદ વરસે નહિ. અને પાણીઓ પર તેઓને અધિકાર છે કે તેઓ પાણીને લોહીરૂપે બદલી નાખે અને તેઓ જેટલી વાર ચાહે તેટલી વાર પૃથ્વી પર દરેક પ્રકારની આફત લાવે.

7જયારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે ત્યારે જે હિંસક પશુ અનંતઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરશે અને તેઓને જીતશે તથા તેઓને મારી નાખશે.

8જે મોટું નગર આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવાય છે, જ્યાં તેઓના પ્રભુ વધસ્તંભે જડાયા તે નગરના રસ્તામાં તેઓના મૃતદેહો પડ્યા રહે છે;

9અને સર્વ પ્રજાઓ, કુળો, ભાષાઓ તથા દેશોમાંથી આવેલા કેટલાક માણસો સાડાત્રણ દિવસ સુધી તેઓનાં મૃતદેહ જુએ છે અને એ મૃતદેહોને કબરમાં દફનાવવા દેતાં નથી.

10પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે હર્ષ કરશે અને આનંદિત થશે અને એકબીજા પર ભેટ મોકલશે કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુઃખ દીધું હતું.

11સાડાત્રણ દિવસ પછી ઈશ્વર તરફથી જીવનનો આત્મા તેઓમાં પ્રવેશ્યો. તેથી તેઓ પોતાના પગ પર ઊભા રહ્યા; પછી તેઓને જોનારાઓને ઘણી બીક લાગી.

12તેઓએ સ્વર્ગમાંથી મોટી વાણી પોતાને એમ કહેતાં સાંભળી કે ‘તમે અહીં ઉપર આવો’ અને તેઓ વાદળ પર થઈને સ્વર્ગમાં ચઢી ગયા. અને તેઓના શત્રુઓએ તેઓને ચઢતાં જોયા.

13તે સમયે મોટો ધરતીકંપ થયો અને તે નગરનો દસમો ભાગ નષ્ટ થઈ ગયો. ધરતીકંપથી સાત હજાર માણસો મૃત્યુ પામ્યા અને જે બચી ગયા તેઓ ગભરાયા, તેઓએ સ્વર્ગના ઈશ્વરને મહિમા આપ્યો.

14બીજી આફત આવી ગઈ છે, જુઓ, ત્રીજી આફત વહેલી આવી રહી છે.

15પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે ‘આ દુનિયાનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે, તે સદાસર્વકાળ રાજ્ય કરશે.’”

16જે ચોવીસ વડીલો ઈશ્વરની આગળ પોતાનાં સિંહાસન પર બેઠા હતા તેઓએ દંડવત પ્રણામ કરીને ઈશ્વરનું ભજન કરતાં કહ્યું કે,

17‘ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, જે છે, ને જે હતા, અમે તમારી આભાર માનીએ છીએ કેમ કે તમે પોતાનું મહાન પરાક્રમ ધારણ કરીને શાસન શરુ કર્યું છે.

18દેશોના લોકો ગુસ્સે ભરાયા અને તમારો કોપ પ્રગટ થયો; અને સમય આવ્યો છે કે, મરેલાંઓનો ન્યાય થાય અને તમારા સેવકો એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારાં, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો તથા જેઓ પૃથ્વીને નષ્ટ કરનારા છે તેઓનો સંહાર કરવાનો સમય આવ્યો છે.’”

19પછી સ્વર્ગમાં ઈશ્વરનું જે ભક્તિસ્થાન છે તે ઉઘાડવામાં આવ્યું. અને ભક્તિસ્થાનમાં તેમના કરારનો કોશ દેખાયો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ધરતીકંપ થયાં. અને પુષ્કળ કરા પડ્યા.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath