ખ્રિસ્તી ધર્મ
પાછા

ગીતશાસ્ત્ર 37

1દુષ્ટતા આચરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ; અન્યાય કરનારાઓની ઈર્ષ્યા કરીશ નહિ.

2કારણ કે તેઓ તો જલ્દી ઘાસની માફક કપાઈ જશે લીલા વનસ્પતિની માફક ચીમળાઈ જશે.

3યહોવાહ પર ભરોસો રાખ અને ભલું કર; દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ.

4પછી તું યહોવાહમાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.

5તારા માર્ગો યહોવાહને સોંપ; તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે.

6તે તારું ન્યાયીપણું અજવાળાની માફક અને તારા પ્રામાણિકપણાને બપોરની માફક તેજસ્વી કરશે.

7યહોવાહની આગળ શાંત થા અને ધીરજથી તેમની રાહ જો. જે પોતાના માર્ગે આબાદ થાય છે અને કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.

8ખીજવાવાનું બંધ કર અને ગુસ્સો કરીશ નહિ. ચિંતા ન કર; તેથી દુષ્કર્મ જ નીપજે છે.

9દુષ્કર્મીઓનો વિનાશ થશે, પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ દેશનું વતન પામશે.

10થોડા સમયમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના ઘરને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન મળશે નહિ.

11પણ નમ્ર લોકો દેશનું વતન પામશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.

12દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુક્તિઓ રચે છે અને તેની સામે પોતાના દાંત પીસે છે.

13પ્રભુ તેની હાંસી કરશે, કેમ કે તે જુએ છે કે તેના દિવસો નજીક છે.

14નિર્વસ્ત્ર દરિદ્રીને પાડી નાખવાને તથા યથાર્થીને મારી નાખવાને માટે દુષ્ટોએ તલવાર તાણી છે અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે.

15તેઓની પોતાની જ તલવાર તેઓના પોતાના જ હૃદયને વીંધશે અને તેઓના ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.

16નીતિમાન લોકો પાસે જે કંઈ થોડું છે, તે ઘણા દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં ઘણું વધારે છે.

17કારણ કે દુષ્ટ લોકોના હાથોની શક્તિનો નાશ કરવામાં આવશે, પણ યહોવાહ નીતિમાન લોકોની કાળજી લેશે અને તેઓને ધરી રાખશે.

18યહોવાહ ન્યાયીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે અને તેઓનો વારસો સર્વ કાળ ટકી રહેશે

19જ્યારે તેઓનો સમય ખરાબ હોય છે, ત્યારે પણ તેઓ શરમાતા નથી. જ્યારે દુકાળ આવે, ત્યારે પણ તેઓ તૃપ્ત થશે.

20પણ દુષ્ટો નાશ પામશે. યહોવાહના શત્રુઓ જેમ બળતણનો ધુમાડો થઈ જાય છે; તેમ નાશ પામશે.

21દુષ્ટ ઉછીનું લે છે ખરો પણ પાછું આપતો નથી, પણ ન્યાયી કરુણાથી વર્તે છે અને દાન આપે છે.

22જેઓ ઈશ્વરથી આશીર્વાદિત છે, તેઓ દેશનો વારસો પામશે, જેઓ તેમનાથી શાપિત છે તેઓનો સંપૂર્ણ વિનાશ થશે.

23માણસનો માર્ગ યહોવાહને પસંદ પડે છે અને તે ઈશ્વર તરફના તેના માર્ગો સ્થિર કરે છે.

24જો કે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ, કેમ કે યહોવાહ તેનો હાથ પકડીને તેને નિભાવશે.

25હું જુવાન હતો અને હવે હું વૃદ્ધ થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં કદી જોયાં નથી.

26આખો દિવસ તે કરુણાથી વર્તે છે અને ઉછીનું આપે છે અને તેનાં સંતાન આશીર્વાદ પામેલા હોય છે.

27બુરાઈથી દૂર થા અને ભલું કર; અને સદાકાળ દેશમાં રહે.

28કારણ કે યહોવાહ ન્યાયને ચાહે છે અને તે પોતાના વિશ્વાસુ ભક્તોને છોડી દેતા નથી. તે સદા તેઓનું રક્ષણ કરે છે, પણ દુષ્ટોનાં સંતાનનો વિનાશ કરશે.

29ન્યાયીઓ વતનનો વારસો પામશે અને તેમાં તેઓ સદાકાળ રહેશે.

30ન્યાયી પોતાને મુખે ડહાપણ ભરેલી વાત કરે છે અને તેની જીભે તે સદા ન્યાયની બાબત બોલે છે.

31તેના પોતાના હૃદયમાં ઈશ્વરનો નિયમ છે; તેના પગ લપસી જશે નહિ.

32દુષ્ટો સદા ન્યાયી માણસો પર નજર રાખે છે અને તેઓને મારી નાખવાના લાગ શોધતા ફરે છે.

33યહોવાહ ન્યાયીઓને દુષ્ટ માણસોના હાથમાં પડવા દેશે નહિ જ્યારે તેનો ન્યાય થશે, ત્યારે તે તેને દોષિત ઠરાવશે નહિ.

34યહોવાહની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે. જ્યારે દુષ્ટ લોકોનો નાશ થતો હશે, ત્યારે તું તે જોશે.

35અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ મેં દુષ્ટને મોટા સામર્થ્યમાં ફેલાતો જોયો.

36પણ જ્યારે હું ફરીથી ત્યાં થઈને પસાર થયો, ત્યારે તે ત્યાં નહોતો. મેં તેને શોધ્યો, પણ તેનો પત્તો લાગ્યો નહિ.

37નિર્દોષ માણસનો વિચાર કર અને જે પ્રામાણિક છે તેને જો; શાંતિપ્રિય માણસને બદલો મળશે.

38દુષ્ટો સમૂળગા વિનાશ પામશે; અંતે તેઓના વંશજોનો અંત આવશે.

39યહોવાહ ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે; સંકટ સમયે તે તેઓનું રક્ષણ કરે છે.

40યહોવાહ તેઓને મદદ કરે છે અને તેમને છોડાવે છે. તે તેઓને દુષ્ટોથી છોડાવીને બચાવે છે કેમ કે તેઓએ તેમનો આશરો લીધો છે.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath