ગીતશાસ્ત્ર 118
1યહોવાહનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેમની કૃપા સર્વકાળ ટકે છે.
2ઇઝરાયલ, એમ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
3હારુનનું કુટુંબ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
4યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”
5મેં મારા સંકટમાં યહોવાહને વિનંતી કરી; યહોવાહે ઉત્તર આપીને મને મુક્ત કર્યો.
6યહોવાહ મારા પક્ષમાં છે; હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે?
7મારા મદદગાર તરીકે યહોવાહ મારી પાસે છે; હું મારા શત્રુઓને, કે જેઓ મને ધિક્કારે છે, તેઓને પરાજિત થતાં જોઈશ.
8માણસ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર ભરોસો રાખવો વધારે સારો છે.
9રાજાઓ પર ભરોસો રાખવા કરતાં યહોવાહ પર આધાર રાખવો વધારે સારો છે.
10સર્વ પ્રજાઓએ મને ઘેરી લીધો છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા .
11તેઓએ મને ઘેરી લીધો છે, હા, તેઓએ મને ઘેરી લીધો છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.
12તેઓએ મને મધમાખીઓની જેમ ઘેરી લીધો હતો; તેઓ સળગતા કાંટાની જેમ તરત જ હોલવાઈ ગયા છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા.
13નીચે પાડી નાખવાને માટે તેઓએ મારા પર હુમલો કર્યો, પણ યહોવાહે મને મદદ કરી.
14યહોવાહ મારું સામર્થ્ય તથા મારો આનંદ છે અને તે જ મારા છોડાવનાર થયા છે.
15ન્યાયીઓના તંબુમાં વિજયોત્સવના હર્ષનાદ સંભળાય છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.
16યહોવાહનો જમણો હાથ ઊંચો થયેલો છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે.
17હું મરણ પામીશ નહિ, પણ જીવતો રહીશ અને યહોવાહનાં કૃત્યોને પ્રગટ કરીશ.
18યહોવાહે મને ભારે શિક્ષા કરી છે; પણ તેમણે મને મરણને સ્વાધીન કર્યો નથી.
19મારે માટે ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો; હું તેમાં પ્રવેશ કરીશ અને હું યહોવાહનો આભાર માનીશ.
20યહોવાહનું દ્વાર આ છે; એમાં થઈને ન્યાયીઓ અંદર પ્રવેશ કરશે.
21હું તમારો આભાર માનીશ, કેમ કે તમે મને ઉત્તર આપ્યો છે અને તમે મારો ઉદ્ધાર કર્યો છો.
22જે પથ્થરને ઘર બાંધનારાઓએ નકાર્યો હતો; તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
23આ કાર્ય તો યહોવાહથી થયું છે; આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે.
24આ દિવસ યહોવાહે આપણને આપ્યો છે; તેમાં આપણે આનંદોત્સવ કરીએ.
25હે યહોવાહ, કૃપા કરી હવે અમને વિજય આપો.
26યહોવાહને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; અમે તમને યહોવાહના ઘરમાંથી આશીર્વાદ આપ્યો છે.
27યહોવાહ તે જ ઈશ્વર છે અને તેમણે આપણને અજવાળું આપ્યું છે; વેદીનાં શિંગોની સાથે દોરડાંથી બલિદાનને બાંધો.
28તમે મારા ઈશ્વર છો અને હું તમારો આભાર માનીશ; તમે મારા ઈશ્વર છો; હું તમને મહાન માનીશ.
29યહોવાહનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ ટકે છે.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath