નીતિવચનો 8
1શું ડહાપણ હાંક મારતું નથી? અને બુદ્ધિ પોકારતી નથી?
2તે રસ્તાઓના સંગમ આગળ, માર્ગની એકબાજુ ઊંચા ચબુતરાઓની ટોચ પર ઊભું રહે છે.
3અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ, અને બારણામાં પેસવાની જગ્યાએ, તે મોટે અવાજે પોકારે છે:
4“હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું મારું બોલવું પ્રત્યેક માણસને માટે છે.
5હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો અને હે મૂર્ખા તમે સમજણા થાઓ.
6સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું અને જે સાચું છે તે જ બાબતો વિષે મારું મુખ ઊઘડશે.
7મારું મુખ સત્ય ઉચ્ચારશે, મારા હોઠોને જૂઠાણું ધિક્કારપાત્ર લાગે છે.
8મારા મુખના સઘળા શબ્દો પ્રામાણિક છે, તેઓમાં કશું વાંકુ કે વિપરીત નથી.
9સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે. અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે.
10ચાંદી નહિ પણ મારી સલાહ લો અને ચોખ્ખા સોના કરતાં ડહાપણ પ્રાપ્ત કરો.
11કારણ કે ડહાપણ રત્નો કરતાં વધારે મૂલ્યવાન છે; સર્વ મેળવવા ધારેલી વસ્તુઓ તેની બરાબરી કરી શકે નહિ.
12મેં જ્ઞાને ચતુરાઈને પોતાનું રહેઠાણ બનાવ્યું છે, અને કૌશલ્ય અને વિવેકબુદ્ધિને હું શોધી કાઢું છું.
13યહોવાહનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ઉદ્ધતાઈ, દુષ્ટમાર્ગ અને અવળું બોલાનારાઓને હું ધિક્કારું છું.
14ડહાપણ તથા કૌશલ્ય મારાં છે; મારી પાસે ઊંડી સમજ અને શક્તિ છે.
15મારા દ્વારા જ રાજાઓ રાજ કરે છે અને રાજકર્તાઓ ન્યાય ચૂકવે છે.
16મારે લીધે રાજકુમારો શાસન કરે છે અને ઉમદા લોકો સાચો ચુકાદો આપે છે.
17મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું; અને જેઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.
18દ્રવ્ય તથા ડહાપણ મારી પાસે છે, મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે.
19મારાં ફળ સોના કરતાં ચડિયાતાં છે, ચોખ્ખા સોના કરતાં અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ઠ છે.
20હું સદાચારને માર્ગે ચાલું છું, મારો માર્ગ ન્યાયનો છે,
21જેથી મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપી શકું અને તેઓના ભંડારો ભરપૂર કરી શકું.
22યહોવાહે સૃષ્ટિક્રમના આરંભમાં, આદિકૃત્યો અગાઉ મારું સર્જન કર્યુ.
23સદાકાળથી, આરંભથી, પૃથ્વીનું સર્જન થયા પહેલાં મને સ્થાપન કરવામાં આવ્યું હતું.
24જ્યારે કોઈ જળનિધિઓ ન હતા, જ્યારે પાણીથી ભરપૂર કોઈ ઝરણાંઓ ન હતાં ત્યારે મારો જન્મ થયો હતો.
25પર્વતોના પાયા નંખાયા તે અગાઉ, ડુંગરો સર્જાયા તે પૂર્વે મારો જન્મ થયો હતો.
26ત્યાં સુધી યહોવાહે પૃથ્વી અને ખેતરો પણ સૃજ્યાં નહોતાં. અરે! ધૂળ પણ સૃજી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
27જ્યારે તેમણે આકાશની સ્થાપના કરી, અને સાગર ઉપર ક્ષિતિજની ગોઠવણી કરી ત્યારે મારું અસ્તિત્વ હતું.
28જ્યારે તેમણે ઊંચે અંતરિક્ષને સ્થિર કર્યુ; અને જળનીધિના ઝરણાં વહાવ્યાં.
29જ્યારે તેમણે સાગરની હદ નિયુક્ત કરી અને તેની મર્યાદાનું ઉલ્લંઘન કરવાની તેમણે મના ફરમાવી. અને જ્યારે તેમણે પૃથ્વીના પાયા નાખ્યા.
30ત્યારે કુશળ કારીગર તરીકે હું તેમની સાથે હતું; અને હું દિનપ્રતિદિન તેમને આનંદ આપતું હતું; અને સદા હું તેમની સમક્ષ હર્ષ કરતું હતું.
31તેમની વસતિવાળી પૃથ્વી પર હું હર્ષ પામતું હતું, અને માણસોની સંગતમાં મને આનંદ મળતો હતો.
32મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે મારા માર્ગોનો અમલ કરનાર આશીર્વાદિત છે.
33મારી શિખામણ સાંભળીને જ્ઞાની થા; અને તેની અવગણના કરીશ નહિ.
34જે મારું સાંભળે છે તે વ્યક્તિ આશીર્વાદિત છે, અને હંમેશાં મારા દરવાજા સમક્ષ લક્ષ આપે છે; તથા મારા પ્રવેશદ્વાર આગળ મારી રાહ જુએ છે તે પણ આશીર્વાદિત છે.
35કારણ કે જેઓને હું મળું છું તેઓને જીવન મળે છે, તેઓ યહોવાહની કૃપા પામશે.
36પણ જે મારી સામે પાપ કરે છે, તે પોતાના આત્માને જ નુકશાન પહોંચાડે છે; જેઓ મને ધિક્કારે છે, તેઓ મૃત્યુના ચાહકો છે.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath