નીતિવચનો 6
1મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઈ પારકાને બદલે વચન આપ્યું હોય,
2તો તું તારા મુખના વચનોથી ફસાઈ ગયો છે, તું તારા મુખના શબ્દોને લીધે સપડાયો છે.
3મારા દીકરા, એ બાબતમાં તું આટલું કરીને છૂટો થઈ જજે, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કરજે.
4તારી આંખોને નિદ્રા લેવા ન દે અને તારી પાંપણોને ઢળવા દઈશ નહિ.
5જેમ હરણ શિકારીના હાથમાંથી છટકી જાય; પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.
6હે આળસુ માણસ, તું કીડી પાસે જા, તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિવાન થા.
7તેના પર કોઈ આગેવાન નથી, કોઈ આજ્ઞા કરનાર નથી, કે કોઈ માલિક નથી.
8છતાંપણ તે ઉનાળાંમાં પોતાનાં અનાજનો, અને કાપણીની ઋતુમાં પોતાના ખોરાકનો સંગ્રહ કરે છે.
9ઓ આળસુ માણસ, તું ક્યાં સુધી સૂઈ રહેશે? તું ક્યારે તારી ઊંઘમાંથી ઊઠશે?
10તું કહે છે કે “હજી થોડોક આરામ, થોડીક ઊંઘ, અને પગ વાળીને થોડોક વિશ્રામ લેવા દો.”
11તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ લૂંટારાની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.
12નકામો માણસ અને દુષ્ટ માણસ ગેરમાર્ગે દોરનારી વાતોથી જીવન જીવે છે,
13તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે, અને આંગળીથી ઇશારો કરશે.
14તેના મનમાં કપટ છે, તે ખોટાં તરકટ રચ્યા કરે છે; અને તે હંમેશા કુસંપના બીજ રોપે છે.
15તેથી અચાનક તેના પર વિપત્તિનાં વાદળ ઘેરાય છે; અને તે એકાએક ભાંગીને ભૂક્કો થઈ જાય છે, તે ફરી બેઠો થઈ શકતો નથી.
16છ વાનાં યહોવાહ ધિક્કારે છે, હા સાત વાનાં તેમને કંટાળો ઉપજાવે છે:
17એટલે ગર્વિષ્ઠની આંખો, જૂઠું બોલનારની જીભ, નિર્દોષનું લોહી વહેવડાવનાર હાથ,
18દુષ્ટ યોજનાઓ રચનાર હૃદય, દુષ્ટતા કરવા માટે તરત દોડી જતા પગ,
19અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી, અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.
20મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓનું પાલન કરજે અને તારી માતાની શિખામણો ભૂલીશ નહિ.
21એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે; તેમને તારે ગળે બાંધ.
22જ્યારે તું ચાલતો હોઈશ ત્યારે તેઓ તને માર્ગદર્શન આપશે; જ્યારે તું ઊંઘતો હશે ત્યારે તેઓ તારી ચોકી કરશે; અને જ્યારે તું જાગતો હશે ત્યારે તેઓ તારી સાથે વાતચીત કરશે.
23કેમ કે આજ્ઞા તે દીપક છે, અને નિયમ તે પ્રકાશ છે; અને ઠપકો તથા શિક્ષણ તે જીવનના માર્ગદર્શક છે.
24તે તને ખરાબ સ્ત્રીથી રક્ષણ આપશે, પરસ્ત્રીની લોભામણી વાણીથી તને બચાવશે.
25તારું અંતઃકરણ તેના સૌંદર્ય પર મોહિત ન થાય, અને તેની આંખનાં પોપચાંથી તું સપડાઈશ નહિ.
26કારણ કે ગણિકાને ચૂકવવાનું મુલ્ય રોટલીના ટુકડા જેવું નજીવું છે, પણ વ્યભિચારિણી સ્ત્રી પુરુષના મૂલ્યવાન જીવનનો શિકાર કરશે.
27જો કોઈ માણસ અગ્નિ પોતાને છાતીએ રાખે તો તેનું વસ્ત્ર સળગ્યા વિના ન રહે?
28જો કોઈ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝયા વગર રહે?
29એટલે કોઈ તેના પાડોશીની પત્ની પાસે જાય છે અને તેને સ્પર્શ કરે છે; તેને શિક્ષા થયા વિના રહેતી નથી.
30જો કોઈ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો એવા માણસને ધિક્કારતા નથી.
31પણ જો તે પકડાય છે તો તેણે ચોરી કરી હોય તેના કરતાં સાતગણું પાછું આપવું પડે છે; તેણે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે છે.
32જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલહીન છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે.
33તેને ઘા તથા અપમાન જ મળશે, અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ.
34કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે; અને તે વૈર વાળતી વખતે જરાય દયા રાખશે નહિ.
35તે કોઈ બદલો સ્વીકારશે નહિ, તું તેને ઘણી ભેટો આપશે, તો પણ તે સંતોષ પામશે નહિ.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath