ખ્રિસ્તી ધર્મ
પાછા

નીતિવચનો 3

1મારા દીકરા, મારી આજ્ઞાઓ ભૂલી ન જા અને તારા હૃદયમાં મારા શિક્ષણને સંઘરી રાખજે;

2કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાના વર્ષો અને શાંતિની વૃદ્ધિ આપશે.

3કૃપા તથા સત્યતા તારો ત્યાગ ન કરો, તેઓને તું તારા ગળે બાંધી રાખજે, તેઓને તારા હૃદયપટ પર લખી રાખજે.

4તેથી તું ઈશ્વર તથા માણસની દૃષ્ટિમાં કૃપા તથા સુકીર્તિ પામશે.

5તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.

6તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર અને તે તારા માર્ગો સીધા કરશે.

7તું તારી પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાહનો ભય રાખીને દુષ્ટતાથી દૂર થા.

8તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે અને તારું શરીર તાજગીમાં રહેશે.

9તારા ધનથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર.

10એમ કરવાથી તારા અન્નના ભંડાર ભરપૂર થશે અને તારા દ્રાક્ષકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે.

11મારા દીકરા, યહોવાહની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેમના ઠપકાથી કંટાળી ન જા.

12કેમ કે જેમ પિતા પોતાના પુત્રને ઠપકો આપે છે તેમ યહોવાહ જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે.

13જે માણસને ડહાપણ મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તે આશીર્વાદિત છે.

14કેમ કે તેનો વેપાર ચાંદીના વેપાર કરતાં અને તેનો વળતર ચોખ્ખા સોનાના વળતર કરતાં શ્રેષ્ઠ છે.

15ડહાપણ માણેક કરતાં વધારે મૂલ્યવાન છે અને તારી મનગમતી કોઈપણ વસ્તુ તેની બરાબરી કરી શકે તેમ નથી.

16તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે, તેના ડાબા હાથમાં સમૃદ્ધિ અને સન્માન છે.

17તેના માર્ગો સુખદાયક અને તેના બધા રસ્તા શાંતિપૂર્ણ છે.

18જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે, જેઓ તેને દૃઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે.

19યહોવાહે પૃથ્વીને ડહાપણથી અને આકાશોને સમજશક્તિથી ભરીને સ્થાપન કર્યા છે.

20તેમના ડહાપણને પ્રતાપે ઊંડાણમાંથી પાણીનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને વાદળોમાંથી ઝાકળ ટપકે છે.

21મારા દીકરા, સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ, તેઓને તારી નજર આગળથી દૂર થવા ન દે.

22તો તેઓ તારા આત્માનું જીવન અને તારા ગળાની શોભા થશે.

23પછી તું તારા માર્ગમાં સુરક્ષિત જઈ શકીશ અને તારો પગ ઠોકર ખાઈને લથડશે નહિ.

24જ્યારે તું ઊંઘી જશે, ત્યારે તને કોઈ ડર લાગશે નહિ; જ્યારે તું સૂઈ જશે, ત્યારે તને મીઠી ઊંઘ આવશે.

25જ્યારે આકસ્મિક ભય આવી પડે અથવા દુષ્ટ માણસોની પાયમાલી થાય ત્યારે તું ગભરાઈશ નહિ.

26કેમ કે યહોવાહ તારી સાથે રહેશે અને તારા પગને સપડાઈ જતાં બચાવશે.

27હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનું હિત કરવામાં પાછો ન પડ.

28જ્યારે તારી પાસે પૈસા હોય, ત્યારે તારા પડોશીને એમ ન કહે, “જા અને ફરીથી આવજે, આવતીકાલે હું આપીશ.”

29જે વ્યક્તિ તારી પડોશમાં નિર્ભય રહે છે, તેવા તારા પડોશીનું ભૂંડું કરવાનો પ્રયત્ન ન કર.

30કોઈ માણસે તારું કંઈ નુકસાન કર્યું ન હોય, તો તેની સાથે કારણ વગર તકરાર ન કર.

31દુષ્ટ માણસની અદેખાઈ ન કર, અથવા તેનો એક પણ માર્ગ પસંદ ન કર.

32કેમ કે આડા માણસોને યહોવાહ ધિક્કારે છે; પણ પ્રામાણિક માણસો તેનો મર્મ સમજે છે.

33યહોવાહ દુષ્ટ માણસોના ઘર પર શાપ ઉતારે છે; પણ તે ન્યાયી માણસોના ઘરને આશીર્વાદ આપે છે.

34તે તિરસ્કાર કરનારાનો તિરસ્કાર કરે છે, પણ તે નમ્ર જનોને કૃપા આપે છે.

35જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે, પણ મૂર્ખોને બદનામી જ મળશે.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath