નીતિવચનો 28
1કોઈ માણસ પાછળ પડ્યું ન હોય તો પણ દુષ્ટ વ્યક્તિ નાસી જાય છે, પણ નેકીવાનો સિંહના જેવા નીડર હોય છે.
2દેશના અપરાધને લીધે તેના પર ઘણા હાકેમો થાય છે; પણ બુદ્ધિમાન તથા જ્ઞાની માણસોથી તે ટકી રહે છે.
3જે માણસ પોતે નિર્ધન હોવા છતાં ગરીબ માણસો પર જુલમ ગુજારે છે તે અનાજનો તદ્દન નાશ કરનાર વરસાદની હેલી જેવો છે.
4જેઓ નિયમ પાળતા નથી, તેઓ દુર્જનને વખાણે છે, પણ જેઓ નિયમનું પાલન કરે છે તેઓની સામે વિરોધ કરે છે.
5દુષ્ટ માણસો ન્યાય સમજતા નથી, પણ જેઓ યહોવાહને શોધે છે તેઓ આ સઘળી બાબતો સમજે છે.
6જે માણસો પોતે ધનવાન હોવા છતાં અવળે માર્ગે ચાલે છે, તેના કરતાં પ્રામાણિકપણે ચાલનારો ગરીબ વધારે સારો છે.
7જે દીકરો નિયમને અનુસરે છે તે ડાહ્યો છે, પણ નકામા લોકોની સોબત રાખનાર દીકરો પોતાના પિતાના નામને બટ્ટો લગાડે છે.
8જે કોઈ ભારે વ્યાજ તથા નફો લઈને પોતાની સંપત્તિની વૃદ્ધિ કરે છે તે દરિદ્રી પર દયા રાખનારને માટે તેનો સંગ્રહ કરે છે.
9જે માણસ નીતિનિયમ પાળતો નથી અને પોતાના કાન અવળા ફેરવી નાખે છે, તેની પ્રાર્થના પણ કંટાળાજનક છે.
10જે કોઈ પ્રામાણિકને કુમાર્ગે ભટકાવી દે છે, તે પોતે પોતાના જ ખાડામાં પડે છે, પણ નિર્દોષ માણસનું ભલું થાય છે અને તેને વારસો મળશે.
11ધનવાન પોતાને પોતાની નજરમાં ડાહ્યો માને છે, પણ શાણો ગરીબ તેની પાસેથી સત્ય સમજી લે છે.
12જ્યારે ન્યાયી વિજયી થાય છે, ત્યારે આનંદોત્સવ થાય છે, પણ જ્યારે દુર્જનોની ચઢતી થાય છે, ત્યારે લોકો સંતાઈ જાય છે.
13જે માણસ પોતાના અપરાધોને છુપાવે છે, તેની આબાદી થશે નહિ, પણ જે કોઈ તેઓને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.
14જે હંમેશા સાવધ રહે છે તે સુખી છે , પણ જે માણસ પોતાનું હૃદય કઠોર કરે છે તે વિપત્તિમાં પડશે.
15ગરીબ લોકોને માથે દુષ્ટ અધિકારી હોય તો તે ગર્જતા સિંહ તથા ભટકતા રીંછ જેવો છે.
16સમજણ વગરનો શાસનકર્તા જુલમો વધારે છે, પણ જે લોભને તિરસ્કારે છે તે લાંબો સમય રાજ્ય કરશે.
17જે માણસે કોઈ પુરુષનું ખૂન કર્યું હશે, તે નાસીને ખાડામાં પડશે, કોઈએ તેને મદદ કરવી નહિ.
18જે પ્રામાણિકતાથી ચાલે છે તે સુરક્ષિત છે, પણ જે પોતાના માર્ગોથી ફંટાય છે તેની અચાનક પડતી થશે.
19જે માણસ પોતાની જમીન ખેડે છે, તેને પુષ્કળ અનાજ મળશે, પણ જેઓ નકામી વસ્તુઓની પાછળ દોડે છે તેઓ ખૂબ ગરીબ રહેશે.
20વિશ્વાસુ માણસ આશીર્વાદથી ભરપૂર થશે, પણ જે માણસ ધનવાન થવાને ઉતાવળ કરે છે તેને શિક્ષા થયા વગર રહેશે નહિ.
21પક્ષપાત કરવો એ યોગ્ય નથી, તેમ જ કોઈ માણસ રોટલીના ટુકડાને માટે ગુનો કરે તે પણ સારું નથી.
22લોભી વ્યક્તિ પૈસાદાર થવા માટે દોડે છે, પણ તેને ખબર નથી કે તેના પર દરિદ્રતા આવી પડશે.
23જે માણસ પ્રશંસા કરે છે તેના કરતાં જે માણસ ઠપકો આપે છે તેને વધારે પ્રશંસા પ્રાપ્ત થશે.
24જે પોતાના માતાપિતાને લૂંટે છે અને કહે કે, “એ પાપ નથી,” તે નાશ કરનારનો સોબતી છે.
25જે વ્યક્તિ લોભી મનની હોય છે, તે ઝઘડા ઊભા કરે છે, પણ જે યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે સફળ થશે.
26જે માણસ પોતાની જાત પર વિશ્વાસ રાખે છે તે મૂર્ખ છે, પણ જે કોઈ ડહાપણથી વર્તે છે તેનો બચાવ થશે.
27જે માણસ ગરીબને ધન આપે છે, તેના ઘરમાંથી ધન ખૂટવાનું નથી, પણ જે માણસ ગરીબો પ્રત્યે આંખ આડા કાન કરે છે તે શાપિત થશે .
28જ્યારે દુષ્ટોની ઉન્નતિ થાય છે, ત્યારે માણસો સંતાઈ જાય છે, પણ જ્યારે તેઓની પડતી આવે છે, ત્યારે સજ્જનોની વૃદ્ધિ થાય છે.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath