ખ્રિસ્તી ધર્મ
પાછા

નીતિવચનો 25

1આ પણ સુલેમાનનાં નીતિવચનો છે કે, જેનો ઉતારો યહૂદિયાના રાજા હિઝકિયાના માણસોએ કર્યો હતો.

2કોઈ બાબત ગુપ્ત રાખવી તેમાં ઈશ્વરનો મહિમા છે, પણ કોઈ બાબત શોધી કાઢવી એમાં રાજાનું ગૌરવ છે.

3જેમ આકાશની ઊંચાઈ તથા પૃથ્વીનું ઊંડાણ હોય છે, તેમ રાજાઓનું મન અગાધ છે.

4ચાંદીમાંથી નકામો ભાગ કાઢી નાખો, એટલે ચાંદીનો કારીગર તેમાંથી વાસણ બનાવી શકશે.

5તેમ રાજા પાસેથી દુષ્ટોને દૂર કરો, એટલે તેનું સિંહાસન ન્યાય વડે સ્થિર થશે.

6રાજાની હાજરીમાં પોતાની બડાઈ ન કર અને મોટા માણસોની જગ્યાએ ઊભા ન રહે.

7ઉમરાવના દેખતાં તને નીચે ઉતારવામાં આવે તેના કરતાં, “આમ આવો” કહીને ઉપર બેસાડવામાં આવે એ વધારે સારું છે.

8દાવામાં જલદી ઊતરી ન પડ. કેમ કે આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ?

9તારા દાવા વિષે તારા પ્રતિવાદી સાથે જ વિવાદ કર અને બીજાની ગુપ્ત વાત ઉઘાડી ન કર,

10રખેને તે સાંભળનાર તારી નિંદા કરે અને તારા પરનો બટ્ટો દૂર થાય નહિ.

11પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ ચાંદીની ટોપલીમાંનાં સોનાનાં સફરજન જેવો છે.

12જ્ઞાની વ્યક્તિએ આપેલો ઠપકો આજ્ઞાંકિતના કાનમાં સોનાની કડીઓ તથા સોનાના ઘરેણાં જેવો છે.

13ફસલના સમયમાં બરફની શીતળતા જેવી લાગે છે તેવી જ વિશ્વાસુ સંદેશાવાહક તેના મોકલનારાઓને લાગે છે; તે પોતાના માલિકના આત્માને તાજો કરે છે.

14જે કોઈ ભેટો આપવાની વ્યર્થ ડંફાસો મારે છે, પણ કંઈ આપતો નથી, તે વરસાદ વગરનાં વાદળાં તથા પવન જેવો છે.

15લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છે અને કોમળ જીભ હાડકાને ભાંગે છે.

16જો તને મધ મળ્યું હોય, તો જોઈએ તેટલું જ ખા રખેને તે તારા ગળા સુધી આવે અને તારે તે ઓકી કાઢવું પડે.

17તું તારા પડોશીના ઘરમાં કવચિત જ જા, નહિ તો તે તારાથી કંટાળીને તારો ધિક્કાર કરશે.

18પોતાના પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરનાર માણસ હથોડા, તલવાર તથા તીક્ષ્ણ તીર જેવો છે.

19સંકટસમયે અવિશ્વાસુ માણસ પર મૂકેલો વિશ્વાસ સડેલા દાંત અને ઊતરી ગયેલા પગ જેવો છે.

20જે દુઃખી દિલવાળા માણસ આગળ ગીતો ગાય છે, તે ઠંડીમાં અંગ પરથી વસ્ત્ર કાઢી લેનાર જેવો અથવા ઘા પર સરકો રેડનાર જેવો છે.

21જો તારો શત્રુ ભૂખ્યો હોય, તો તેને ખાવા માટે રોટલો આપ; અને જો તે તરસ્યો હોય, તો પીવા માટે પાણી આપ.

22કેમ કે એમ કરવાથી તું તેના માથા પર અંગારાનો ઢગલો કરશે અને યહોવાહ તને તેનો બદલો આપશે.

23ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમ જ ચાડીકરનારી જીભ ક્રોધિત ચહેરો ઉપજાવે છે.

24કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવું, તે કરતાં અગાશીના ખૂણામાં રહેવું સારું છે.

25જેવું તરસ્યા જીવને માટે ઠંડુ પાણી છે, તેવી જ દૂર દેશથી મળેલી સારી ખબર છે.

26જેવો ડહોળાયેલો ઝરો અથવા વિનાશક કૂવો છે, તેવો જ દુશ્મનોની આગળથી ખસી જનાર નેક પુરુષ છે.

27વધુ પડતું મધ ખાવું સારું નથી, તેમ જ પોતાનું મહત્વ શોધવું એ કંઈ પ્રતિષ્ઠા નથી.

28જે માણસ પોતાના પર કાબુ રાખી શકતો નથી તે ખંડિયેર જેવો તથા કોટ વગરના નગર જેવો છે.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath