ગણના 4
1યહોવાહે મૂસા અને હારુનને કહ્યું,
2લેવીના દીકરાઓમાંથી કહાથના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓના પિતાઓના ઘર મુજબ કરો.
3ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના બધા પુરુષો મુલાકાતમંડપનું કામ કરવા માટે સેવકપદમાં દાખલ થાય છે. તે સર્વની ગણતરી કરો.
4મુલાકાતમંડપમાં પરમપવિત્ર વસ્તુઓના સંબંધમાં કહાથના દીકરાઓનું કામ આ છે.
5જ્યારે છાવણીનો મુકામ ઉપાડવાનો સમય આવે ત્યારે હારુન અને તેના દીકરાઓએ અંદર જઈને પવિત્ર કરારકોશ આગળનો પડદો ઉતારી લઈને તેનાથી સાક્ષ્યકોશને ઢાંકી દેવો.
6તે પર તેઓ સમુદ્ર ગાયના ચામડાનું આવરણ કરે અને તેને નીલ રંગનાં વસ્ત્રોથી ઢાંકે અને પવિત્રકોશને ઉપાડવાના દાંડા તેની કડીઓમાં નાખે.
7પછી તેઓએ અર્પેલી રોટલીની મેજ પર નીલ રંગનું વસ્ત્ર પાથરી દેવું, અને તેના પર થાળીઓ, ચમચા, તર્પણને માટે વાટકા મૂકવા; નિત્યની રોટલી તેના પર રહે.
8તેના પર કિરમજી રંગનું વસ્ત્ર પાથરવું. અને સીલના ચામડાના આવરણથી તેને ઢાંકી દઈને તેને ઊચકવા માટેના દાંડા તેમાં નાખવા.
9અને તેઓએ નીલ રંગનું વસ્ત્ર લઈને તેના વડે દીપવૃક્ષ, દીવાઓ, ચીપિયા, તાસકો અને દીવામાં વપરાતા તેલપાત્રોને ઢાંકે.
10તે પછી આ સર્વ સામગ્રી સીલનાં ચામડાંનાં આવરણમાં નાખીને પાટિયા પર મૂકે.
11પછી તેઓએ સોનાની વેદી નીલ રંગના વસ્ત્રોથી ઢાંકવી અને સીલના ચામડાના આવરણથી તેને ઢાંકે દઈને તેને ઊચકવાના દાંડાં તેમાં નાખે.
12પછી તેઓ સેવાની સર્વ સામગ્રી કે જે વડે તેઓ પવિત્રસ્થાનમાં સેવા કરે છે તે લે અને નીલ રંગનાં વસ્ત્રોમાં તે મૂકે. અને સીલનાં ચામડાંનું આવરણ કરીને ભૂંગળ તે પર મૂકે.
13અને તેઓએ વેદી પરથી રાખ કાઢી નાખવી અને તેના પર જાંબુડિયા રંગનું વસ્ત્ર ઢાંકવું.
14અને તેના પર તેઓ તેને માટે વપરાતી સર્વ સામગ્રી એટલે સગડીઓ, ત્રિપાંખિયાં તથા પાવડા, તપેલીઓ એટલે વેદીનાં સર્વ પાત્રો મૂકે; અને તેના પર તેઓ સીલ ચામડાનું આવરણ મૂકે. અને તેના ઉપાડવાના દાંડા તેમાં નાખે.
15હારુન અને તેના દીકરાઓ જ્યારે છાવણી ઉપાડવાની હોય તે સમયે પવિત્રસ્થાનને અને પવિત્રસ્થાનની સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના દીકરાઓ તે ઊંચકવા માટે આવે; પરંતુ તેઓએ કોઈ પણ પવિત્ર વસ્તુઓને સ્પર્શ કરવો નહિ, રખેને તેઓ મૃત્યુ પામે. મુલાકાતમંડપના સંબંધમાં કહાથના દીકરાઓને ઊંચકવાનું તે એ છે.
16અને હારુન યાજકના દીકરા એલાઝારનુ કામ આ છે; એટલે રોશનીને માટે તેલ, સુગંધી દ્રવ્ય નિત્યનું ખાદ્યાર્પણ તથા અભિષેક માટેનું તેલ તથા પવિત્રમંડપ અને તેમાંની સર્વ વસ્તુઓની સંભાળ તેઓએ રાખવાની છે.”
17યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું કે,
18“લેવીઓમાંથી કહાથના કુટુંબોના કુળને કાઢી નાખવાં નહિ.
19પણ તેઓ પરમપવિત્ર વસ્તુઓની પાસે જઈ મૃત્યુ ન પામે પણ જીવતા રહે, તે માટે તમારે આ મુજબ કરવું.
20તેઓ પવિત્ર વસ્તુઓને જોવાને માટે બિલકુલ અંદર ન જાય, કેવળ હારુન અને તેના દીકરાઓ અંદર પ્રવેશ કરે હારુન તેના દીકરા કહાથીઓને પોતપોતાની જવાબદારી ઠરાવી આપે.”
21યહોવાહે ફરી મૂસાને કહ્યું કે,
22ગેર્શોનના દીકરાના પિતૃઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ કુલ સંખ્યાની ગણતરી કર.
23મુલાકાતમંડપમાં સેવા કરવાના કામમાં હાજર હોય તેવા ત્રીસથી પચાસ વર્ષની ઉંમરના જે પુરુષો હોય તે સર્વની ગણતરી કરવી.
24સેવા કરવામાં તથા વસ્તુઓ ઊંચકવામાં ગેર્શોનીઓના કુટુંબોનું કામ એ છે.
25તેઓ મંડપના પડદા તથા મુલાકાતમંડપનું આચ્છાદાન તથા તેની ઉપર સીલ ચામડાનું આચ્છાદન તથા મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો
26તથા આંગણાના પડદા, મંડપની પાસેના તથા વેદીની આસપાસના આંગણાના દરવાજાના બારણાનો પડદો, તેઓની દોરીઓ, તેના કામને લગતાં સર્વ ઓજારો તથા જે કંઈ તેઓથી બને તે તેઓ ઊંચકી લે અને તેના સંબંધમાં તેઓ સેવા કરે.
27ગેર્શોનીઓના દીકરાઓનું ભાર ઊંચકવાનું તથા સર્વ સેવાનું સઘળું કામ હારુન તથા તેના દીકરાઓની આજ્ઞા મુજબ થાય. અને તમે તેઓને ભાર ઊંચકવાનું તથા સેવાનું કામ ઠરાવી આપો.
28મુલાકાતમંડપમાં ગેર્શોનના દીકરાઓના કુટુંબોની સેવા આ છે. અને હારુન યાજકના દીકરા ઈથામારે તેઓના કામ પર દેખરેખ રાખવાની છે.
29અને મરારીના દીકરાઓની તેઓનાં પિતાઓના ઘર મુજબ તેઓનાં કુટુંબો મુજબ ગણતરી કરવાની છે.
30ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે સઘળા અંદર જઈને મુલાકાતમંડપમાં કામ કરવાને સેવામાં હાજર રહે છે તેઓની ગણતરી કર.
31અને મુલાકાતમંડપમાં તેઓની સર્વ સેવાના સંબંધમાં તેઓને સોંપેલું ભાર ઊંચકવાનું કામ એ છે. એટલે મંડપનાં પાટિયાં તથા તેના સ્થંભો તથા તેની કૂંભીઓ,
32અને આંગણાની ચારે બાજુના સ્તંભો તેની કૂંભીઓ તથા તેઓની ખીલીઓ તથા તેઓની દોરીઓ અને તેઓના ઓજારો સુદ્ધાં તથા તેની સાધનસામગ્રી અને તેઓને સોંપેલા ભારના ઓજારોના નામ દઈને તેઓને ગણીને સોંપો.
33મરારીના દીકરાઓનાં કુટુંબોનું કામ એટલે તેઓની સઘળી સેવા મુજબ મુલાકાતમંડપમાં હારુન યાજકના પુત્ર ઈથામારે દેખરેખ રાખવાની ફરજ બજાવવાની છે.”
34અને મૂસા તથા હારુને અને જમાતના અન્ય આગેવાનોએ કહાથના દીકરાઓની ગણતરી તેઓનાં કુટુંબો મુજબ તથા તેઓના પિતાઓનાં ઘર મુજબ કરી.
35એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે દરેક મુલાકાતમંડપમાં કામ કરવાને સેવામાં દાખલ થયા
36તેઓની ગણતરી તેઓનાં કુટુંબો મુજબ બે હજાર સાતસો પચાસ પુરુષોની થઈ.
37કહાથીઓના કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ એટલે કે જે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા તથા મૂસાની મારફતે અપાયેલી યહોવાહની આજ્ઞા અનુસાર જેઓની ગણતરી મૂસા અને હારુને કરી તેઓ એ છે.
38એ જ રીતે ગેર્શોનના દીકરાઓની ગણતરી તેઓના કુટુંબો મુજબ તથા તેઓનાં પિતાઓનાં કુટુંબો મુજબ કરી.
39એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરના જે દરેક મુલાકાતમંડપની સેવાના કામમાં દાખલ થયા હતા.
40તેઓની ગણતરી તેઓનાં કુટુંબ મુજબ તેઓના પિતાઓના ઘર મુજબ બે હજાર છસો ત્રીસ થઈ.
41ગેર્શોનના દીકરાઓનાં કુટુંબોમાં જેઓની ગણતરી થઈ એટલે કે સર્વ મુલાકાતમંડપમાં સેવા કરતા હતા તથા જેઓની ગણતરી યહોવાહે આપેલી આજ્ઞા મુજબ મૂસા અને હારુને કરી તેઓ એ છે.
42મરારીના દીકરાઓનાં કુટુંબોમાંના જેઓની ગણતરી તેઓના પિતાઓનાં ઘર મુજબ થઈ,
43એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરના જે દરેક મુલાકાતમંડપમાં સેવા કરવાના કામમાં દાખલ થયા હતા,
44તેઓની ગણતરી તેઓના કુટુંબ મુજબ ત્રણ હજાર બસોની થઈ.
45મરારીના દીકરાઓનાં કુટુંબોમાંના જેઓની ગણતરી થઈ એટલે જેઓની ગણતરી મૂસાની હસ્તક અપાયેલી યહોવાહની આજ્ઞા મુજબ મૂસાએ અને હારુને કરી તેઓ એ છે.
46લેવીઓમાં જે સર્વની ગણતરી મૂસાએ તથા હારુને તથા ઇઝરાયલના આગેવાનોએ તેઓના કુટુંબો મુજબ, તેઓનાં પિતૃઓનાં ઘર મુજબ કરી.
47એટલે કે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે દરેક મુલાકાતમંડપની સેવાના કામમાં તથા વસ્તુઓ ઊંચકવાનું કામ કરવા માટે દાખલ થયા હતા
48તેઓની ગણતરી આઠ હજાર પાંચસો એંસી પુરુષોની થઈ.
49જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓની ગણતરી કરી. તેઓમાંના દરેકની ગણતરી તેઓનાં કામ મુજબ તથા તેઓના ઊંચકવાના બોજા મુજબ મૂસાની મારફતે યહોવાહની આજ્ઞા મુજબ કરવામાં આવી.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath