ખ્રિસ્તી ધર્મ
પાછા

ગણના 3

1સિનાઈ પર્વત પર યહોવાહ મૂસા સાથે બોલ્યા ત્યારે હારુન અને મૂસાની વંશાવળી આ પ્રમાણે હતી.

2હારુનના દીકરાઓનાં નામ આ મુજબ હતાં; જ્યેષ્ઠ દીકરાનું નામ નાદાબ, તથા અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.

3હારુનના દીકરાઓ જેઓને યાજક તરીકે અભિષિક્ત કરવામાં આવ્યા અને તેઓને યાજકની પદવીમાં સેવા કરવાને જુદા કરવામાં આવ્યા તેઓનાં નામ એ હતાં.

4પરંતુ નાદાબ અને અબીહૂ યહોવાહની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાહની આગળ માર્યા ગયા. તેથી તેઓ સિનાઈના રણમાં જ મૃત્યુ પામ્યા. તેઓ નિ:સંતાન હતા. અને એલાઝાર અને ઈથામાર પોતાના પિતા હારુનના જીવનકાળ દરમ્યાન યાજકપદમાં સેવાઓ બજાવતા હતા.

5યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે,

6લેવીના કુળને પાસે લાવ અને તેઓને યાજક હારુનની આગળ ઊભા કર કે, તેઓ તેની સેવા કરે.

7તેઓએ તેની અને મુલાકાતમંડપની આખી જમાતની સંભાળ રાખે અને મંડપને લગતી ફરજો બજાવવાની છે.

8અને તેઓ મુલાકાતમંડપની, સરસામાનની અને ઇઝરાયલપુત્રોની સંભાળ રાખતાં મંડપને લગતી ફરજો બજાવે.

9અને તું હારુનના તથા તેના દીકરાઓના હવાલામાં લેવીઓને સોંપી દે કારણ કે, ઇઝરાયલના લોકો વતી તેઓ તેને સેવા માટે અપાયેલા છે.

10અને તારે હારુનને અને તેના દીકરાઓને યાજકની ફરજો બજાવવા નિયુક્ત કરવા. જો કોઈ પરદેશી એ ફરજ બજાવવા જાય તો તે માર્યો જાય.”

11પછી યહોવાહે મૂસાને કહ્યું કે,

12ઇઝરાયલપુત્રોના સર્વ પ્રથમજનિત એટલે ગર્ભ ઊઘાડનારને બદલે, તેઓમાંથી મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે. અને લેવીઓ મારા થશે.

13કેમ કે, સર્વ પ્રથમજનિત મારા જ છે; જ્યારે મેં મિસરના બધા પ્રથમજનિતને મારી નાખ્યા હતા તે દિવસે મેં ઇઝરાયલપુત્રોના સર્વ પ્રથમજનિત પુરુષો અને જાનવરોને મારે સારુ પવિત્ર કર્યા, તેઓ મારા જ થશે. હું યહોવાહ છું.”

14સિનાઈના અરણ્યમાં યહોવાહે મૂસાને કહ્યું કે,

15લેવીના દીકરાઓની, તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે ગણતરી કર. એક મહિનો અને તેથી વધારે ઉંમરના સર્વ પુરુષોની ગણતરી કર.”

16એટલે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ તેઓની ગણતરી કરી.

17લેવીના દીકરાઓનાં નામ આ મુજબ છે; ગેર્શોન, કહાથ, અને મરારી.

18ગેર્શોનના દીકરાઓના નામ તેઓના કુળ મુજબ, લિબ્ની તથા શિમઈ છે.

19કહાથના દીકરા, તેમના કુટુંબો મુજબ; આમ્રામ તથા યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ.

20મરારીના દીકરા તેઓના કુટુંબો મુજબ, માહલી તથા મુશી છે. લેવીઓનાં કુટુંબો, તેઓનાં પિતાનાં ઘર મુજબ એ છે.

21ગેર્શોનથી લિબ્નીઓનું કુટુંબ અને શિમઈઓનું કુટુંબ થયા. એ ગેર્શોનીઓના કુટુંબો છે.

22તેઓમાંના જેઓની ગણતરી થઈ એટલે તેઓમાંના એક મહિનાના અને તેથી વધારે ઉંમરના સઘળા પુરુષોની ગણતરી થઈ, તેઓની સંખ્યા સાત હજાર પાંચસોની હતી.

23મંડપની પાછળ પશ્ચિમ દિશામાં ગેર્શોનીઓનાં કુટુંબો છાવણી કરે.

24અને લાએલનો દીકરો એલિયાસાફ તે ગેર્શોનીઓના પિતાનાં ઘરનો આગેવાન થાય.

25અને ગેર્શોનનું કુટુંબ મુલાકાતમંડપના પડદા એની અંદરનું આવરણ, બહારનું આવરણ, મુલાકાતમંડપના દ્વારના પડદાની સંભાળ રાખે.

26તેઓ આંગણાના પડદા અને મંડપની પાસે અને વેદીની આસપાસના આંગણાના દ્વારનાં પડદાઓની સંભાળ રાખે. તેના બધા કામ માટે તેની દોરીઓ એ બધાની સંભાળ ગેર્શોનના દીકરાઓ રાખે.

27અને કહાથથી આમ્રામીઓનું કુટુંબ, ઈસહારીઓનું કુટુંબ, હેબ્રોનીઓનું કુટુંબ અને ઉઝિયેલીઓનું કુટુંબ થયાં; કહાથીઓનાં કુટુંબો એ હતાં.

28એક મહિનાના અને તેથી વધારે ઉંમરના પુરુષોની સંખ્યા આઠ હજાર છસો પુરુષોની હતી અને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખનારા હતા.

29કહાથના દીકરાઓનાં કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે.

30ઉઝિયેલનો દીકરો અલિસાફાન તે કહાથીઓનાં કુટુંબોના પિતાના ઘરનો આગેવાન થાય.

31તે લોકોએ પવિત્ર કોશની, મેજની, દીપવૃક્ષ અને વેદીઓની, પવિત્રસ્થાનની સેવા કરવાની સામગ્રી તથા ગર્ભગૃહ આગળના પડદાની તથા એ સર્વ કામકાજની સંભાળ રાખવી.

32અને હારુન યાજકનો દીકરો એલાઝાર લેવીઓના અધિપતિઓનો આગેવાન થાય. પવિત્રસ્થાનની સંભાળ રાખનારાઓની તે દેખરેખ રાખે.

33મરારીથી માહલીઓનું કુટુંબ તથા મુશીઓનું કુટુંબો થયાં; મરારીનાં કુટુંબો એ છે.

34અને તેઓમાંના એક મહિના અને તેથી વધારે ઉંમરના પુરુષોની ગણતરી થઈ તેઓની સંખ્યા છ હજાર બસો પુરુષોની હતી.

35અને અબિહાઈલનો દીકરો સૂરીએલ તે મરારીનાં કુટુંબોના પિતાના ઘરનો આગેવાન હતો. તેઓ ઉત્તર બાજુએ મંડપની પાસે છાવણી કરે.

36અને મંડપનાં પાટિયાં, તેની ભૂંગળો, સ્તંભો, કૂંભીઓ તથા તેનાં સર્વ ઓજારો તથા તેને લગતાં સર્વ કામ

37તદુપરાંત આંગણાની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલીઓ અને દોરીઓને લગતાં સર્વ કામની સંભાળ મરારીના દીકરાઓ રાખે.

38મૂસા, હારુન અને તેના દીકરા મંડપની સામે પૂર્વ દિશામાં, મુલાકાતમંડપની સામે પૂર્વ બાજુએ છાવણી કરે અને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખે, એટલે ઇઝરાયલીઓ માટે તેની સંભાળ રાખે. અને જો કોઈ પરદેશી પાસે આવે તો તે માર્યો જાય.

39લેવીઓમાંના જે સર્વની ગણતરી થઈ, જેઓને મૂસાએ અને હારુને યહોવાહની આજ્ઞા અનુસાર ગણ્યા તેઓ, એટલે એક મહિનાના અને તેની ઉપરની ઉંમરના લેવી પુરુષો પોતાના કુટુંબ મુજબ બાવીસ હજાર હતા.

40યહોવાહે મૂસાને કહ્યું, “એક મહિનાથી ઉપરની ઉંમરના બધા પ્રથમજનિત ઇઝરાયલી પુરુષોની ગણતરી કર અને તેમનાં નામોની સંખ્યા ગણ.

41અને ઇઝરાયલના સર્વ પ્રથમજનિત પુરુષોને બદલે તું મારે માટે લેવીઓને લે. હું યહોવાહ છું, અને ઇઝરાયલીઓના જાનવરો મધ્યે સર્વ પ્રથમજનિતને બદલામાં લેવીઓનાં જાનવરો લે.”

42અને જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ તેણે સર્વ ઇઝરાયલીઓના પ્રથમજનિતની ગણતરી કરી.

43અને સર્વ પ્રથમજનિત પુરુષોની ગણતરી કરી, એક મહિનાથી ઉપરના નામોની સંખ્યા પ્રમાણે ગણતાં બાવીસ હજાર બસો તોંતેરની થઈ.

44ત્યાર પછી, યહોવાહે મૂસાને કહ્યું કે,

45ઇઝરાયલ પ્રજામાં સર્વ પ્રથમજનિતના બદલામાં લેવીઓને લે. તેઓનાં જાનવરોને બદલે લેવીઓનાં જાનવરો લે. અને લેવીઓ મારા થશે, હું યહોવાહ છું.

46અને ઇઝરાયલમાં લેવીઓ ઉપરાંત, જે બસો તોંતેર પ્રથમજનિતને ખંડી લેવાના છે.

47તે દરેકને વાસ્તે, માથાદીઠ પાંચ શેકેલ લે. પવિત્રસ્થાનના શેકેલ એટલે વીસ ગેરાહના શેકેલ મુજબ તું લે.

48અને તે ઉપરાંત નાની સંખ્યાની ખંડણીનાં જે નાણાં આવે તે તું હારુન તથા તેના દીકરાઓને આપ.

49જેઓ લેવીઓને બદલે ખરીદી લેવાયા હતા, તેઓ ઉપરાંત મુક્તિ મૂલ્યનાં ઓછા નાણાં મૂસાએ તેઓની પાસેથી લીધાં;

50ઇઝરાયલના પ્રથમજનિત પાસેથી મૂસાએ તે નાણાં લીધાં; એટલે પવિત્રસ્થાનના શેકેલ મુજબ એક હજાર ત્રણસો પાંસઠ શેકેલ.

51અને મૂસાએ યહોવાહના કહ્યા મુજબ તથા યહોવાહે તેને આજ્ઞા કરી હતી તે મુજબ ખંડણીનાં નાણાં હારુનને અને તેના દીકરાઓને આપ્યા.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath