ખ્રિસ્તી ધર્મ
પાછા

ગણના 35

1મોઆબના મેદાનમાં યર્દનને કિનારે યરીખો પાસે યહોવાહે મૂસાને કહ્યું,

2“તું ઇઝરાયલ લોકોને આજ્ઞા કર કે, તેઓના દેશનો કેટલોક ભાગ લેવીઓને આપે. તેઓ તેમને કેટલાંક નગરો અને આસપાસની ગૌચર જમીન આપે.

3આ નગરો લેવીઓને રહેવા માટે મળે. ગૌચરની જમીન તો તેમનાં અન્ય જાનવરો, ઉપરાંત ઘેટાંબકરાં માટે હશે.

4તમે લેવીઓને જે નગરો આપો તેની ગૌચરની જમીન નગરના કોટની ચારે બાજુએ એક હજાર હાથ હોય.

5તમારે નગરની બહાર બે હજાર હાથ પૂર્વ તરફ, બે હજાર હાથ દક્ષિણ તરફ, બે હજાર હાથ પશ્ચિમ તરફ અને બે હજાર હાથ ઉત્તર તરફ માપવું. તેઓનાં નગરોનાં ગૌચર આ પ્રમાણે હોય. તે નગર મધ્યમાં રહે.

6જે છ નગરો તમે લેવીઓને આપો તે આશ્રયનગરો તરીકે હોય. જેણે હત્યા કરી હોય તે ત્યાં નાસી જઈ શકે માટે તારે તેઓને આપવાં. ઉપરાંત બીજાં બેતાળીસ નગરો પણ આપવાં.

7આમ, કુલ અડતાળીસ નગરો અને તેની આસપાસની ગૌચરની જમીન લેવીઓને આપવી.

8ઇઝરાયલી લોકોનાં મોટા કુળો કે, જે કુળોની પાસે વધારે જમીન છે તે વધારે નગરો આપે. નાનાં કુળો થોડા નગરો આપે. દરેક કુળને જે ભાગ પ્રાપ્ત થયો છે તે પ્રમાણે લેવીઓને આપે.”

9પછી યહોવાહે મૂસાને કહ્યું,

10“તું ઇઝરાયલી લોકોને કહે, ‘જયારે તમે યર્દન પાર કરીને કનાન દેશમાં પ્રવેશ કરો.

11ત્યારે તમારે અમુક નગરોને તમારા માટે આશ્રયના નગરો તરીકે પસંદ કરવાં, જેમાં જે માણસે કોઈને અજાણતાં મારી નાખ્યો હોય તે આશ્રય લઈ શકે.

12આ નગરો તમારા માટે બદલો લેનારના હાથમાંથી રક્ષણાર્થે થાય, મનુષ્યઘાતકને ઇનસાફને સારુ જમાતની આગળ ખડો કરવામાં ન આવે ત્યાં સુધી તે દોષી ન ઠરે.

13તેથી તમારે આશ્રયનાં નગરો તરીકે છ નગરો પસંદ કરવાં.

14ત્રણ નગરો યર્દન નદીની પાર આપવાં અને ત્રણ નગરો કનાન દેશમાં આપવાં.

15આ છ નગરો ઇઝરાયલી લોકો માટે, પરદેશીઓ માટે તથા તમારી મધ્યે રહેતા લોકો માટે આશ્રયનગરો ગણાશે. જેણે અજાણતા કોઈને મારી નાખ્યો હોય તે ત્યાં નાસી જાય.

16પણ જો તે કોઈને લોખંડના સાધનથી એવી રીતે મારે કે તે મરી જાય, તો તે ખૂની ગણાશે, તે ખૂનીને દેહાંતદંડની સજા આપવામાં આવે.

17જેથી મોત નીપજવાનો સંભવ હોય, એવો પથ્થર લઈને તે તેને મારે કે, જેથી જો પેલાનું મોત નીપજે, તો તે ખૂની છે, તે ખૂનીને દેહાતદંડની સજા થશે.

18જો દોષી માણસ તેના શિકારને મારી નાખવા માટે લાકડાંના હથિયારથી મારે, જો તે શિકાર મરી જાય, તો તે ખૂની ગણાય. તે ખૂનીને દેહાંતદંડની સજા થશે.

19લોહીનો બદલો લેનાર, પોતે જ ખૂનીને મારી નાખે.

20તેથી જો તેણે તેને દ્વેષથી ધક્કો માર્યો હોય અથવા છુપાઇને તેના પર કંઈ ફેંક્યું હોય અને જો તે વ્યક્તિ મરી જાય,

21અથવા દ્વેષથી તેને તેના હાથથી મારીને નીચે ફેંકી દે અને જો તે વ્યક્તિ મરી જાય, તો જેણે તેને માર્યો છે તેને દેહાંતદંડની સજા મળે. લોહીનો બદલો લેનાર માણસ જ્યારે તે ખૂનીને મળે ત્યારે તે તેને મારી નાખે.

22પણ જો કોઈ માણસ દુશ્મનાવટ વગર તેની પર પ્રહાર કરે અથવા તેને રાહ જોયા વગર તેને મારી નાખવાના ઇરાદાથી તેના ઉપર કોઈ હથિયાર ફેંકે,

23અથવા કોઈ માણસનું મોત થાય એવો પથ્થર તેને ન દેખતાં તેણે તેના પર ફેંક્યો હોય, તેથી તેનું મોત નીપજ્યું હોય, પણ તે તેનો દુશ્મન ન હોય, તેમ જ તેનું નુકશાન કરવાનો તેનો ઇરાદો ન હોય. પણ કદાચ તે મરી જાય.

24તો જમાત મારનાર તથા લોહીનું વેર લેનાર બન્ને વચ્ચે કાનૂનો પ્રમાણે ન્યાય કરે.

25જમાત મારનારને લોહીનો બદલો લેનારના હાથથી રક્ષણ કરે, જમાત તેને જે આશ્રયનગરમાં તે નાસી ગયો હોય ત્યાં પાછો લાવે. પવિત્ર તેલથી જે યાજકનો અભિષિક્ત થયો હોય તેનું મૃત્યુ થાય ત્યાં સુધી તે ત્યાં રહે.

26પણ જે આશ્રયનગરમાં દોષી માણસ નાસી ગયો હોય, તેની સરહદની બહાર તે સમયે તે જાય,

27લોહીનો બદલો લેનાર તેને આશ્રયનગરની સરહદ બહાર મળે, જો તે તેને મારી નાખે, તો લોહીનો બદલો લેનારને માથે ખૂનનો દોષ ગણાય નહિ.

28કેમ કે મુખ્ય યાજકનું મૃત્યુ થાય ત્યાં સુધી દોષી માણસે આશ્રયનગરમાં જ રહેવું. મુખ્ય યાજકના મૃત્યુ પછી તે વ્યક્તિ પોતાના વતનના દેશમાં પાછો જાય.

29આ કાનૂનો તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં તમારો ઇનસાફ કરવાનો કાયદો થાય.

30જે કોઈ વ્યક્તિનું ખૂન કરે, ખૂની સાક્ષીઓને આધારે દેહાંતદંડ ભોગવે. ફક્ત એક જ સાક્ષીનો પુરાવો દેહાંતદંડ આપવા માટે પૂરતો ગણાય નહિ.

31જે મનુષ્યઘાતકને ખૂનનો દોષ લાગ્યો હોય, તે ખૂનીનો જીવ તમારે કંઈ પણ મૂલ્ય આપીને લેવો નહિ. તેને મૃત્યુની સજા થવી જ જોઈએ.

32મુખ્ય યાજકનું મરણ થાય ત્યાં સુધી આશ્રયનગરમાં રક્ષણ લેનાર મનુષ્યઘાતક પાસેથી કોઈ પણ પ્રકારની રકમ લઈને તેને ઘરે પાછા ફરવા માટેની રજા આપી શકાય નહિ.

33એ પ્રમાણે તમે જે દેશમાં રહો છો તેને ભ્રષ્ટ ન કરશો, કેમ કે રક્ત એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત તે રક્ત વહેવડારના રક્ત સિવાય થઈ શકતું નથી.

34તમે જે દેશમાં રહો છો તેને તમે અશુદ્ધ ન કરો, કેમ કે હું તેમાં રહું છું. હું યહોવાહ, ઇઝરાયલી લોકો મધ્યે રહું છું.’”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath