ગણના 31
1યહોવાહે મૂસાને કહ્યું,
2“ઇઝરાયલી લોકોનો બદલો તું મિદ્યાનીઓ પાસેથી લે. તેવું કર્યા પછી તું તારા લોકો સાથે ભળી જઈશ.”
3તેથી મૂસાએ લોકોને કહ્યું, “તમારામાંથી કેટલાક માણસો શસ્ત્રસજજ થઈને યહોવાહ તરફથી મિદ્યાનીઓ પાસેથી બદલો લેવા મિદ્યાનીઓ ઉપર હુમલો કરો.
4ઇઝરાયલના પ્રત્યેક કુળમાંથી એક હજાર સૈનિકોને યુદ્ધમાં મોકલવા.”
5ઇઝરાયલના હજારો પુરુષોમાંથી પ્રત્યેક કુળમાંથી એક હજાર પુરુષ મુજબ મૂસાએ બાર હજાર પુરુષોને શસ્ત્રસજજ કરીને યુદ્ધને માટે મોકલ્યા.
6પછી મૂસાએ દરેક કુળમાંથી હજાર પુરુષોને યુદ્ધમાં મોકલ્યા, એલાઝાર યાજકના દીકરા ફીનહાસને પવિત્રસ્થાનનાં પાત્રો તથા યુદ્ધનાદ કરવાના રણશિંગડાં લઈને યુદ્ધમાં મોકલ્યો.
7યહોવાહે જેમ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ મિદ્યાનીઓ વિરુદ્ધ લડાઈ કરી. તેઓએ તમામ માણસોને મારી નાખ્યા.
8યુદ્ધમાં માર્યા ગયેલા ઉપરાંત તેઓએ મિદ્યાનીઓના રાજા અવી, રેકેમ, સૂર, હૂર તથા રેબા એ પાંચ મિદ્યાની રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બેઓરના દીકરા બલામને પણ તલવારથી મારી નાખ્યો.
9ઇઝરાયલના સૈન્યએ મિદ્યાની સ્ત્રીઓને તથા તેઓનાં બાળકોને કેદ કરી લીધાં, તેઓનાં ઘેટાંબકરાં સહિત તમામ જાનવરોને તથા તેઓના બધા સરસામાનને લૂંટી લીધાં. આ બધું તેઓએ લૂંટ તરીકે આંચકી લીધું.
10જ્યાં તેઓ રહેતા હતા તે બધાં નગરોને તથા તેઓની બધી છાવણીઓને તેઓએ બાળી નાખ્યાં.
11તેઓએ કેદીઓ એટલે માણસ તથા પશુઓ બન્નેની લૂંટફાટ લીધી.
12તેઓ કેદીઓને તથા લૂંટ કરેલી વસ્તુઓને મૂસા, એલાઝાર યાજક તથા ઇઝરાયલ લોકોની જમાત પાસે લાવ્યા. આ બધું તેઓ મોઆબના મેદાનમાં યરીખોની સામે યર્દન નદીને કિનારે આવેલી છાવણીમાં લાવ્યા.
13મૂસા, એલાઝાર યાજક તથા જમાતના આગેવાનો તેઓને મળવા માટે છાવણી બહાર આવ્યા.
14પણ મૂસા સૈન્યના અધિકારી, સહસ્રાધિપતિ તથા શતાધિપતિ જેઓ યુદ્ધમાંથી આવ્યા હતા તેઓ પર ગુસ્સે હતો.
15મૂસાએ તેઓને કહ્યું, “શું તમે બધી સ્ત્રીઓને જીવતી રહેવા દીધી છે?
16જુઓ, આ સ્ત્રીઓએ બલામની સલાહથી ઇઝરાયલી લોકો પાસે, પેઓરની બાબતમાં યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું, તેથી યહોવાહની જમાત મધ્યે મરકી ચાલી.
17તો હવે, બાળકો મધ્યેથી દરેક પુરુષને મારી નાખો, દરેક સ્ત્રી જે પુરુષ સાથે સૂઈ ગઈ હોય તેને મારી નાખો.
18પણ તમારા માટે દરેક જુવાન કન્યાઓ લો જે ક્યારેય કોઈ માણસ સાથે સૂઈ ગઈ ના હોય.
19તમે સાત દિવસ સુધી છાવણીની બહાર એટલે ઇઝરાયલની છાવણીની બહાર રહો. તમારામાંના જે કોઈએ કોઈને મારી નાખ્યો હોય કે કોઈએ મરણ પામેલાનો સ્પર્શ કર્યો હોય, ત્રીજા દિવસે તથા સાતમા દિવસે તું તથા તારા કેદીઓ પોતાને શુદ્ધ કરો.
20તમારાં બધાં વસ્ત્ર, ચામડાની તથા બકરાના વાળથી બનેલી દરેક વસ્તુ તથા લાકડાની બનાવેલી દરેક વસ્તુથી પોતાને શુદ્ધ કરો.”
21જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓને એલાઝાર યાજકે કહ્યું, “યહોવાહે મૂસાને જે નિયમ આપ્યો તે આ છે:
22સોનું, ચાંદી, કાંસું, લોખંડ, કલાઈ અને સીસું,
23જે દરેક વસ્તુ અગ્નિનો સામનો કરી શકે, તે તમે અગ્નિમાં નાખો અને તે શુદ્ધ થશે. શુદ્ધિના પાણી વડે તે વસ્તુઓ શુદ્ધ કરવામાં આવે. જે કંઈ અગ્નિમાં ટકી ન શકે તેને તમે પાણીથી શુદ્ધ કરો.
24અને સાતમા દિવસે તમે તમારા વસ્ત્રો ધોઈ નાખો, ત્યાર પછી તમે શુદ્ધ થશો. ત્યાર પછી તમે ઇઝરાયલની છાવણીમાં પાછા આવો.”
25યહોવાહે મૂસાને કહ્યું,
26“તું, એલાઝાર યાજક, જમાતના પિતૃઓના કુળના આગેવાનો મળીને, જે માણસો તથા પશુઓ કે જેઓની લૂંટ કરવામાં આવી તેઓની ગણતરી કરો.
27લૂંટના બે ભાગ પાડો. તેને જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓ તથા બાકીની આખી જમાત વચ્ચે વહેંચો.
28જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓ પાસેથી કર લઈને મને આપો. દરેક પાંચસો પશુઓમાંથી એક પશુ, એટલે માણસોમાંથી તથા જાનવરોમાંથી, ગધેડામાંથી, ઘેટાં કે બકરામાંથી લેવાં.
29તેઓના અડધામાંથી તે લો અને મારા માટે ઉચ્છાલીયાર્પણ તરીકે એલાઝાર યાજકને તે આપો.
30ઇઝરાયલી લોકોના અડધામાંથી, દર પચાસ વ્યક્તિમાંથી, ગધેડાંમાંથી, ઘેટા તથા બકરામાંથી તથા અન્ય જાનવરોમાંથી લેવાં. જે લેવીઓ યહોવાહના મંડપની સંભાળ લે છે તેઓને આપો.”
31તેથી યહોવાહે આજ્ઞા કરી હતી તે પ્રમાણે મૂસાએ તથા યાજક એલાઝારે કર્યું.
32સૈનિકોએ જે લૂંટ લીધી હતી તેની યાદી: છ લાખ પંચોતેર હજાર ઘેટાં,
33બોતેર હજાર બળદો,
34એકસઠ હજાર ગધેડાં,
35બત્રીસ હજાર સ્ત્રીઓ જે ક્યારેય કોઈ માણસ સાથે સૂઈ ગઈ ન હતી.
36યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ મળ્યો તે ત્રણ લાખ સાડત્રીસ હજાર ઘેટાં હતાં.
37ઘેટાંમાંથી યહોવાહનો ભાગ છસો પંચોતેર હતો.
38છત્રીસ હજાર બસો બળદમાંથી યહોવાહનો કર બોતેર હતો.
39ત્રીસ હજારને પાંચસો ગધેડાં; જેમાંથી યહોવાહનો ભાગ એકસઠ હતો.
40જે માણસો સોળ હજાર હતા જેમાંથી યહોવાહનો કર બત્રીસ માણસોનો હતો.
41યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ એ કર એટલે યહોવાહનું ઉચ્છાલીયાર્પણ એલાઝાર યાજકને આપ્યું.
42ઇઝરાયલી લોકોનો જે અડધો ભાગ મૂસાએ યુદ્ધમાં ગયેલા સૈનિકો પાસેથી લીધો હતો તે,
43જમાતનો અડધા ભાગમાં ત્રણ લાખ સાડત્રીસ હજાર પાંચસો ઘેટાં,
44છત્રીસ હજાર બળદો,
45ત્રીસ હજાર પાંચસો ગધેડાં,
46સોળ હજાર માણસો હતાં.
47જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ મૂસાએ ઇઝરાયલી લોકોના અડધા ભાગમાંથી દરેક પચાસ માણસમાંથી તથા પશુઓમાંથી એક લઈને યહોવાહના મંડપની સંભાળ રાખનાર લેવીઓને તે આપ્યાં.
48પછી સૈન્યના સેનાપતિઓ, સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ મૂસા પાસે આવ્યા.
49તેઓએ મૂસાને કહ્યું, “જે સૈનિકો અમારા હાથ નીચે છે તેઓની તારા દાસોએ ગણતરી કરી છે, એક પણ માણસ ઓછો થયો નથી.
50અમારા માટે યહોવાહની આગળ પ્રાયશ્ચિત કરવાને સારુ દરેક માણસને જે મળ્યું તે અમે યહોવાહને સારુ અર્પણ કરવાને લાવ્યા છીએ, એટલે સોનાનાં ઘરેણાં, સાંકળા, બંગડીઓ, વીંટીઓ, બુટીઓ તથા હારો લાવ્યા છીએ.”
51મૂસાએ તથા યાજક એલાઝાર યાજકે તેઓની પાસેથી સોનું તથા હાથે ઘડેલાં સર્વ પાત્રો લીધાં.
52ઉચ્છાલીયાર્પણનું સોનું સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ પાસેથી યહોવાહને ચઢાવ્યું તેનું વજન સોળ હજાર સાતસો પચાસ શેકેલ હતું.
53દરેક સૈનિકે પોતપોતાને માટે લૂંટ લઈ લીધી હતી.
54મૂસા તથા એલાઝાર યાજક સહસ્રાધિપતિ તથા શતાધિપતિઓ પાસેથી સોનું લઈને યહોવાહ માટે ઇઝરાયલ લોકોના સ્મરણાર્થે મુલાકાતમંડપમાં લાવ્યા.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath