ગણના 14
1અને સમગ્ર સમાજે મોટે સાદે પોક મૂકી અને તે આખી રાત લોક રડ્યા.
2અને સર્વ ઇઝરાયલીઓએ મૂસા અને હારુનની વિરુદ્ધ કચકચ કરી. સમગ્ર સમુદાયે તેઓને કહ્યું “આ અરણ્ય કરતાં તો અમે મિસરમાં જ મૃત્યુ પામ્યા હોત તો કેવું સારું થાત.!
3તલવારથી મરવાને યહોવાહ અમને આ દેશમાં શા માટે લાવ્યા છે? અમારી સ્ત્રીઓ તથા બાળકોને તેઓ પકડી લેશે. આના કરતાં તો મિસર પાછા જવું એ અમારે માટે વધારે સારું ન હોય?!”
4અને તેઓએ એકબીજાને કહ્યું કે, “ચાલો, આપણે કોઈને આગેવાન તરીકે પસંદ કરીએ અને પાછા મિસર જઈએ.”
5ત્યારે મૂસા તથા હારુન ઇઝરાયલ લોકોના ભેગા મળેલા સમગ્ર સમુદાય આગળ ઊંધા પડયા.
6અને નૂનનો દીકરો યહોશુઆ તથા યફૂન્નેનો દીકરો કાલેબ જેઓ દેશની જાસૂસી કરનારાઓમાંનાં હતા. તેઓએ પોતાનાં વસ્ત્ર ફાડ્યાં.
7અને તેઓએ ઇઝરાયલપુત્રોના સમગ્ર સમુદાયને કહ્યું કે, “અમે જે દેશની જાસૂસી કરવા ગયા હતા તે ખૂબ ઉતમ દેશ છે.
8જો યહોવાહ આપણા પર પ્રસન્ન હશે, તો તે આપણને તે દેશમાં લઈ જશે અને તે આપણને આપશે. તે તો દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ છે.
9પણ યહોવાહની વિરુદ્ધ તમે દંગો ન કરશો, તેમ જ દેશના લોકોથી તમે ડરશો નહિ, કેમ કે તેઓને આપણે ખોરાકની પેઠે ખાઈ જઈશું. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે, કેમ કે યહોવાહ આપણી સાથે છે તેઓથી ડરશો નહિ.”
10પણ સમગ્ર સમાજે કહ્યું કે, તેઓને પથ્થરે મારો. અને મુલાકાતમંડપમાં સર્વ ઇઝરાયલપુત્રોને યહોવાહનું ગૌરવ દેખાયું.
11અને યહોવાહે મૂસાને કહ્યું કે, “આ લોકો કયાં સુધી મને ધિક્કારશે? તેઓ મધ્યે જે સર્વ ચિહ્નો મેં કર્યા છે તે છતાં પણ તેઓ કયા સુધી મારા પર વિશ્વાસ રાખશે નહિ?
12હું મરકી ફેલાવીને તેમનો નાશ કરીશ અને તેઓને વતન વિનાના કરી નાખીશ. અને તેઓના કરતાં એક મોટી તથા બળવાન દેશજાતિ તારાથી ઉત્પન્ન કરીશ.”
13પણ મૂસાએ યહોવાહને કહ્યું કે, જો તમે આમ કરશો, તો મિસરીઓ તે વાત સાંભળશે. કેમ કે, તમે તમારા પરાક્રમથી તેઓ મધ્યેથી આ લોકોને બહાર લાવ્યા છો.
14તેઓ આ દેશના રહેવાસીઓને કહેશે કે, તેઓએ સાભળ્યું છે કે, તમે યહોવાહ આ લોક મધ્યે છો. કેમ કે યહોવાહ તેઓને મુખ સમક્ષ દેખાય છે. અને તમારો મેઘ તમારા લોકની ઉપર થોભે છે. અને દિવસે મેઘસ્થંભમાં અને રાત્રે અગ્નિસ્થંભમાં તેઓની આગળ તમે ચાલો છો.
15હવે જો તમે આ લોકોને એક માણસની જેમ મારી નાખશો તો જે દેશજાતિઓએ તમારી કીર્તિ સાંભળી છે તેઓ કહેશે કે,
16‘યહોવાહે આ લોકોને જે દેશ આપવાના સોગન ખાધા હતા તેમાં તે તેઓને લાવી શક્યા નહિ, એટલે તેમણે તેઓને અરણ્યમાં મારી નાખ્યા.’”
17માટે હવે હું તમને વિનંતી કરું છું કે, તમારું સામર્થ્ય બતાવો. જેમ તમે કહ્યું છે કે,
18યહોવાહ ક્રોધ કરવામાં ધીમા તથા પુષ્કળ દયાળુ છો. અને અન્યાય તથા અપરાધોની ક્ષમા આપનાર છે. તથા કોઈ પણ પ્રકારે દોષિતને નિર્દોષ નહિ ઠરાવનાર અને પિતાઓના અન્યાયનો બદલો ત્રીજી તથા ચોથી પેઢીનાં બાળકો પાસેથી લેનાર છે.
19હું તમને વિનંતી કરું છું કે, તમારી દયાના માહાત્મય પ્રમાણે અને જેમ તમે મિસરથી માંડીને આજ પર્યંત તેઓને પાપની માફી આપી છે, તે પ્રમાણે તેઓને ક્ષમા કરો.”
20યહોવાહે કહ્યું કે, “તારા કહેવા મુજબ મેં તેઓને ક્ષમા કરી છે,
21પણ નિશ્ચે હું જીવતો છું. અને આખી પૃથ્વી યહોવાહના ગૌરવથી ભરપૂર થશે,
22જે સર્વ લોકોએ મારું ગૌરવ અને મિસરમાં તથા અરણ્યમાં મારા ચમત્કારો જોયા છતાં દસ વખત મારું પારખું કર્યું છે અને મારી વાણી સાંભળી નથી.
23મેં તેઓના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે તેઓ નહિ જ જોશે. તેમ જ મને તુચ્છકારનાર કોઈ પણ તે દેશને જોવા પામશે નહિ.
24સિવાય મારો સેવક કાલેબ કેમ કે તેને જુદો આત્મા હતો. અને તે મારા માર્ગમાં સંપૂર્ણપણે ચાલ્યો છે. તે માટે જે દેશમાં એ ગયો છે તે દેશમાં હું તેને લઈ જઈશ અને તેના સંતાન તેનું વતન પ્રાપ્ત કરશે.
25હાલ અમાલેકીઓ અને કનાનીઓ મેદાનમાં વસે છે. તેથી કાલે તમે પાછા ફરો અને સૂફ સમુદ્રને રસ્તે પાછા અરણ્યમાં જાઓ.”
26યહોવાહ મૂસા અને હારુનની સાથે બોલ્યા. તેમણે કહ્યું,
27“આ દુષ્ટ લોકો જે મારી વિરુદ્ધ કચકચ કરે છે તેઓનું હું ક્યાં સુધી સહન કરું? ઇઝરાયલી લોકોની કચકચ જે તેઓ મારી વિરુદ્ધ કરે છે તે સર્વ મેં સાંભળી છે.
28યહોવાહ કહે છે કે, તેઓને કહે કે, ‘હું જીવિત છું,’ જેમ તમે મારા કાનોમાં બોલ્યા તેમ હું નક્કી કરીશ;
29અને તમારા મૃતદેહ આ અરણ્યમાં પડશે. જેઓએ મારા વિરુદ્ધ કચકચ કરી છે અને તમારામાંના જેઓની ગણતરી થઈ છે એટલે વીસ વર્ષની ઉંમરના અને તેથી વધારે ઉપરના તેઓની સંખ્યામાંના તમારા લોકો.
30મેં તમને જે દેશમાં વસાવવાનું વચન આપ્યું હતું તેમાં જવા નહિ જ પામશે. ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ અને નૂનનો દીકરો યહોશુઆ જ તેમાં પ્રવેશ કરશે.
31પણ તમારાં સંતાનો જેઓના વિષે તમે કહ્યું કે, તેઓ લૂંટરૂપ થઈ જશે. તેઓને હું અંદર લાવીશ. જે દેશનો તમે અસ્વીકાર કર્યો છે. તેનો તેઓ અનુભવ કરશે!
32પણ તમારા મૃતદેહો તો આ અરણ્યમાં પડશે.
33અને ચાળીશ વર્ષ સુધી તમારા સંતાનો અરણ્યમાં ભટકશે. અને તમારા ગુનાઓનું ફળ ભોગવશે જ્યાં સુધી કે અરણ્યમાં તમારા મૃતદેહો નાશ પામે.
34જેટલા દિવસમાં તમે તે દેશની જાસૂસી કરી એટલે ચાળીસ દિવસ તેઓની સંખ્યા મુજબ એક એક દિવસને બદલે એક એક વર્ષ લેખે એટલે ચાળીસ વર્ષ સુધી તમે તમારાં વ્યભિચારનું ફળ ભોગવશો.
35હું યહોવાહ બોલ્યો છું કે, નિશ્ચે આ દુષ્ટ પ્રજા જે મારી આગળ એકઠી થઈ છે તેઓને હું આ પ્રમાણે કરીશ. આ અરણ્યમાં તેઓનો અંત થશે અને અહીં તેઓ મૃત્યુ પામશે.
36અને જે માણસોને મૂસાએ દેશની જાસૂસી કરવા માટે મોકલ્યા હતા. તેમાંના જેઓ પાછા આવ્યા અને દેશ વિષે ખરાબ સંદેશો લાવીને આખી પ્રજાની પાસે તેની વિરુદ્ધ કચકચ કરાવી.
37જે લોકો દેશ વિષે ખરાબ સંદેશો લાવ્યા તેઓ યહોવાહની આગળ મરકીથી માર્યા ગયા.
38પણ જેઓ દેશની જાસૂસી કરવા ગયા હતા તેઓમાંનો નૂનનો દીકરો યહોશુઆ તથા યફૂન્નેનો દીકરો કાલેબ જીવતા રહ્યા.
39જ્યારે મૂસાએ આ સર્વ વાતો ઇઝરાયલી લોકોને કહી અને ત્યારે તેઓએ બહુ શોક કર્યો.
40અને તેઓ વહેલી સવારે ઊઠયા અને પર્વતના શિખર પર જઈને કહ્યું કે, “જુઓ, આપણે અહીં છીએ. અને જે જગ્યા વિષે યહોવાહે વચન આપ્યું હતું ત્યાં આપણે જઈએ, કેમ કે આપણે પાપ કર્યું છે.”
41પણ મૂસાએ કહ્યું, તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો? તમે સફળ થશો નહિ.
42આગળ જશો નહિ, કેમ કે યહોવાહ તમારી મધ્યે નથી રખેને તમારા શત્રુઓ તમને હરાવે.
43પણ અમાલેકીઓ અને કનાનીઓ ત્યાં તમારી આગળ છે અને તમે તલવારથી મરશો કેમ કે તમે યહોવાહને અનુસરવાથી પાછા ફર્યા છો. તેથી તેઓ તમારી સાથે નહિ રહે.”
44હવે તેઓ પર્વતના શિખર પર ચઢી ગયા. પરંતુ યહોવાહનો કરારકોશ અને મૂસા છાવણીમાંથી બહાર ન ગયા.
45પછી અમાલેકીઓ અને કનાનીઓ જેઓ તે પર્વતોમાં રહેતા હતા તેઓ નીચે ઊતરી આવ્યા. અને તેઓએ ઇઝરાયલીઓ પર હુમલો કર્યો અને તેઓને હોર્મા સુધી નસાડ્યા.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath