ખ્રિસ્તી ધર્મ
પાછા

માર્ક 8

1તે દિવસોમાં જયારે ફરી અતિ ઘણાં લોકો હતા અને તેઓની પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે ઈસુ પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે કે,

2‘લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે અને તેઓની પાસે કશું ખાવાનું નથી;

3અને જો હું તેઓને ભૂખ્યા ઘરે મોકલું તો રસ્તામાં તેઓ થાકીને પડી જશે; વળી તેઓમાંના કેટલાક તો દૂરથી આવ્યા છે.’”

4શિષ્યોએ ઈસુને જવાબ આપ્યો કે, ‘અહીં અરણ્યમાં ક્યાંથી કોઈ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે?’”

5ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તમારી પાસે કેટલી રોટલીઓ છે?’ તેઓએ કહ્યું, ‘સાત.’”

6ઈસુએ લોકોને જમીન પર બેસવાનો આદેશ આપ્યો; અને સાત રોટલીઓ લઈને તેમણે સ્તુતિ કરીને ભાંગી અને વહેંચવા સારુ પોતાના શિષ્યોને આપી; અને તેઓએ તે લોકોને પીરસી.

7તેઓની પાસે થોડી નાની માછલીઓ પણ હતી; અને ઈસુએ તેના પર આશીર્વાદ માગીને તે પણ લોકોને પીરસવાનું કહ્યું.

8લોકો ખાઈને તૃપ્ત થયા; અને બાકી વધેલા ટુકડાંઓથી સાત ટોપલીઓ ભરાઈ. તે તેઓએ ઉઠાવી.

9જમનારાં આશરે ચાર હજાર લોકો હતા; અને ઈસુએ તેઓને વિદાય કર્યાં.

10તરત પોતાના શિષ્યો સાથે હોડી પર ચઢીને ઈસુ દલમાનુથાની પ્રદેશમાં આવ્યા.

11ત્યારે ત્યાં ફરોશીઓ આવી પહોંચ્યા અને ઈસુની કસોટી કરતાં તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માગીને તેમની સાથે વિવાદ કરવા લાગ્યા.

12પોતાના આત્મામાં ઊંડો નિસાસો નાખીને ઈસુ કહે છે કે, ‘આ પેઢી ચમત્કારિક ચિહ્ન કેમ માગે છે? હું તેમને નિશ્ચે કહું છું કે, આ પેઢીને કંઈ જ ચમત્કારિક ચિહ્ન અપાશે નહિ.’”

13તેઓને ત્યાં જ રહેવા દઈને ઈસુ પાછા હોડીમાં બેસીને સામે કિનારે ગયા.

14તેઓ રોટલી લાવવાનું ભૂલી ગયા હતા; અને તેઓની પાસે હોડીમાં એક કરતાં વધારે રોટલી નહોતી.

15ઈસુએ તેઓને આજ્ઞા આપીને કહ્યું કે, ‘જોજો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહેજો.’”

16તેઓએ અંદરોઅંદર વાતો કરીને કહ્યું કે, ‘આપણી પાસે રોટલી નથી.’”

17તે જાણીને ઈસુ તેઓને કહે છે કે, ‘તમારી પાસે રોટલી નથી તે માટે તમે કેમ વિવાદ કરો છો? હજી સુધી શું તમે જોતા કે સમજતા નથી? શું તમારાં મન કઠણ થયાં છે?

18તમને આંખો હોવા છતાં શું તમે દેખતા નથી? અને કાનો છતાં, શું તમે સાંભળતાં નથી? અને શું યાદ રાખતાં નથી?

19જયારે પાંચ હજારને સારુ પાંચ રોટલી મેં ભાંગી, ત્યારે તમે ટુકડાંઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી?’ તેઓ ઈસુને કહે છે કે, ‘બાર ટોપલીઓ.’”

20‘જયારે ચાર હજારને સારુ સાત રોટલી પીરસી ત્યારે તમે ટુકડાંઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી? તેઓએ કહ્યું કે ‘સાત ટોપલી.’”

21ઈસુએ તેઓને કહ્યું ‘શું તમે હજી નથી સમજતા?’”

22તે બેથસાઈદામાં આવે છે. તેઓ ઈસુની પાસે એક આંધળાને લાવે છે, અને તેને સ્પર્શવા સારુ તેમને વિનંતી કરી.

23આંધળાનો હાથ પકડીને ઈસુ તેને ગામમાંથી બહાર લઈ ગયા અને તેની આંખોમાં થૂંકીને તથા તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું કે, ‘તને કશું દેખાય છે?’”

24ઊંચું જોઈને તેણે કહ્યું કે, ‘હું માણસોને જોઉં છું; તેઓ ચાલતા વૃક્ષ જેવા દેખાય છે’.

25પછી ઈસુએ ફરી તેની આંખો પર હાથ મૂક્યો. ત્યારે તેણે એક નજરે જોયું, તે સાજો થયો અને સઘળું સ્પષ્ટ રીતે જોતો થયો.

26ઈસુએ તેને ઘરે મોકલતાં કહ્યું કે, ‘ગામમાં પણ જઈશ નહિ.’”

27ઈસુ તથા તેમના શિષ્યો કાઈસારિયા ફિલિપ્પીના ગામોમાં ગયા; અને માર્ગમાં તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું કે ‘હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?’”

28તેઓએ ઈસુને કહ્યું કે, ‘કોઈ કહે છે કે તમે બાપ્તિસ્મા કરનાર યોહાન છો; અને કોઈ કહે છે કે તમે એલિયા છો, વળી કોઈ એવું કહે છે કે ‘તમે પ્રબોધકોમાંના એક છો.’”

29ઈસુએ તેઓને પૂછ્યું, ‘પણ હું કોણ છું, એ વિષે તમે શું કહો છો?’ પિતરે જવાબ આપતાં તેમને કહ્યું કે, ‘તમે તો ખ્રિસ્ત છો.’”

30તેમણે તેઓને તાકીદ કરી કે, ‘મારે વિષે તમારે કોઈને કશું કહેવું નહિ.’”

31ઈસુ તેઓને શીખવવા લાગ્યા કે, ‘માણસના દીકરાએ ઘણું સહેવું, અને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, માર્યા જવું અને ત્રણ દિવસ પછી પાછા ઊઠવું એ જરૂરી છે.’”

32ઈસુ એ વાત ઉઘાડી રીતે બોલ્યા. પછી પિતર તેમને એક બાજુએ લઈને તેમને ઠપકો આપવા લાગ્યો.

33પણ તેમણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિતરને ઠપકો આપ્યો કે, ‘શેતાન, તું મારી પાછળ જા; કેમ કે તું ઈશ્વરની બાબતો પર નહિ, પણ માણસોની બાબતો પર મન લગાડે છે.’”

34ઈસુએ પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે છે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.

35કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે, તે તેને ગુમાવશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.

36કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે પણ તેના જીવને ગુમાવશે, તો તેથી તેને શો લાભ થાય?

37વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે?

38કેમ કે આ બેવફા તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જયારે પોતાના બાપના મહિમામાં પવિત્ર સ્વર્ગદૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે.’”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath