ખ્રિસ્તી ધર્મ
પાછા

માર્ક 7

1ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ યરુશાલેમથી આવીને ઈસુની આસપાસ ભેગા થયા.

2અને તેમના શિષ્યોમાંના અમુકને ધોયા વગરના અશુદ્ધ હાથે, રોટલી ખાતા જોયાં.

3કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોના રિવાજ પ્રમાણે હાથ ધોયા વિના ખાતા ન હતા.

4બજારમાંથી આવીને નાહ્યા વિના તેઓ જમતા નહોતા; અને વાટકા, ગાગરો, તાંબાનાં વાસણ ધોવા અને બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું.

5પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેમને પૂછે છે કે, ‘તમારા શિષ્યો વડીલોના રિવાજો પ્રમાણે ન ચાલતાં અશુદ્ધ હાથે રોટલી કેમ ખાય છે?’”

6ઈસુએ તેઓને કહ્યું કે, ‘ઓ ઢોંગીઓ તમારા સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે, જેમ લખ્યું છે કે, આ લોકો હોઠોએ મને માને છે, પણ તેઓનાં હૃદયો મારાથી વેગળાં રહે છે.

7પણ તેઓ પોતાના રિવાજો મુજબ માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે.

8ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને તમે માણસોના રિવાજોને પાળો છો.’”

9તેણે તેઓને કહ્યું કે, ‘તમે પોતાના રિવાજોને પાળવા સારુ ઈશ્વરની આજ્ઞાઓનો નકાર કરો છો.

10કેમ કે મૂસાએ કહ્યું કે, “તારાં માતાપિતાને માન આપ” અને “જે કોઈ પોતાનાં માતાપિતાની નિંદા કરે તે માર્યો જાય.”

11પણ તમે કહો છો કે, જો કોઈ માણસ પોતાનાં માતાપિતાને કહે કે, મારાથી તમને જે કંઈ લાભ થાત તે તો કુરબાન, એટલે ઈશ્વરને દાન તરીકે અર્પિત કરેલું છે.

12તો તમે તેને તેનાં માતાપિતાને સારુ ત્યાર પછી કંઈ કરવા દેતાં નથી,

13અને એમ કરીને તમારા શીખવેલા રિવાજો વડે તમે ઈશ્વરની આજ્ઞા રદ કરો છો; અને એવાં ઘણાં કામો તમે કરો છો.’”

14લોકોને ફરી પોતાની પાસે બોલાવીને ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે બધા મારું સાંભળો તથા સમજો.

15માણસની બહારથી તેનામાં પ્રવેશીને તેને ભ્રષ્ટ કરી શકે, એવું કંઈ નથી; પણ માણસમાંથી જે નીકળે છે, તે જ માણસને ભ્રષ્ટ કરે છે.

16જો કોઈને સાંભળવાને કાન છે તો તે સાંભળે.

17જયારે લોકોની પાસેથી જઈને ઈસુ ઘરમાં ગયા, ત્યારે તેમના શિષ્યોએ એ દ્રષ્ટાંત સંબંધી ઈસુને પૂછ્યું.

18ઈસુ તેઓને કહે છે કે, ‘તમે પણ શું એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, બહારથી માણસમાં જે કંઈ પેસે છે તે તેને ભ્રષ્ટ કરી શકતું નથી?

19કેમ કે તેના હૃદયમાં તે પેસતું નથી, પણ પેટમાં; અને તે નીકળીને શરીરની બહાર જાય છે;’ એવું કહીને ઈસુએ સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યાં.

20વળી તેમણે કહ્યું કે, ‘માણસમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.

21કેમ કે અંદરથી, એટલે માણસોના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે અનૈતિકપણા, ચોરીઓ, હત્યાઓ,

22વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, ભોગવિલાસ, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ.

23એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને ભ્રષ્ટ કરે છે.

24પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા. અને તેઓ એક ઘરમાં પ્રવેશ્યા અને કોઈ ન જાણે તેવું તેઓ ઇચ્છતા હતા; પણ તે ગુપ્ત રહી શક્યા નહિ.

25કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે ઈસુ વિષે સાંભળીને આવી અને તેમના પગે પડી.

26તે સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાનાં ફિનીકિયા કુળની હતી. તેણે પોતાની દીકરીમાંથી દુષ્ટાત્માને કાઢવાને તેમને વિનંતી કરી.

27પણ ઈસુએ તેને કહ્યું કે, ‘છોકરાંને પહેલાં ખાવા દે; કેમ કે છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે સારું નથી.’”

28પણ સ્ત્રીએ તેમને ઉત્તર આપ્યો કે, ‘હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચેથી છોકરાંનાં પડેલા ખોરાકના કકડામાંથી ખાય છે’.

29ઈસુએ તેને કહ્યું કે, ‘આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.’”

30તેણે પોતાને ઘરે આવીને જોયું કે, ‘છોકરી ખાટલા પર સૂતેલી હતી અને દુષ્ટાત્મા નીકળી ગયો હતો.’”

31ફરી તૂરની સીમોમાંથી નીકળીને, સિદોનમાં થઈને દસનગરની સીમોની મધ્યે થઈને ઈસુ ગાલીલના સમુદ્રની પાસે આવ્યા.

32લોકો એક મૂક બધિરને તેમની પાસે લાવ્યા અને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરી.

33ઈસુએ લોકો પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી નાખી અને તેની જીભ પર પોતાનું થૂંક લગાડ્યું;

34અને સ્વર્ગ તરફ જોઈને તેમણે નિસાસો નાખ્યો અને કહ્યું કે, ‘એફફથા,’ એટલે ‘ઊઘડી જા.’”

35તરત તેના કાનો ઊઘડી ગયા, તેની જીભનું બંધન છૂટ્યું. તે સ્પષ્ટ રીતે બોલતો થયો.

36ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, ‘તમારે કોઈને કહેવું નહિ;’ પણ જેમ જેમ તેમણે વધારે આજ્ઞા કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું.

37લોકો વધારે અચંબો પામ્યા અને બોલ્યા કે, ‘તેમણે બધું સારું જ કર્યું છે; તેઓ બધિરોને સાંભળતાં અને મૂકજનોને બોલતાં કરે છે.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath