માર્ક 6
1ત્યાંથી નીકળીને ઈસુ પોતાના પ્રદેશ નાસરેથમાં આવ્યા; અને તેમના શિષ્યો તેમની પાછળ આવ્યા.
2વિશ્રામવાર આવ્યો ત્યારે તે સભાસ્થાનમાં બોધ કરવા લાગ્યા; અને ઘણાંએ તે સાંભળીને આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘આ સઘળું તેમની પાસે ક્યાંથી? તેમને જે બુદ્ધિ અપાઈ તે કેવી છે! તેમના હાથથી આવાં પરાક્રમો કેવી રીતે થાય છે એ શું છે?
3શું તે સુથાર નથી? શું એ મરિયમનો દીકરો નથી? યાકૂબ, યોસે, યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એની બહેનો અહીં આપણી પાસે નથી?’ અને તેઓએ તેમને સ્વીકાર કર્યો નહિ.
4પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘પ્રબોધક પોતાના દેશ, પોતાનાં સગાં તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી.’”
5તેમણે થોડાંક માંદાઓ પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં; તે વિના તેઓ ત્યાં કોઈ પરાક્રમી કામ કરી શક્યા નહિ.
6તેઓના અવિશ્વાસને લીધે તે આશ્ચર્ય પામ્યા અને આસપાસ ગામેગામ તેઓ બોધ કરતા ફર્યા.
7બાર શિષ્યોને પોતાની પાસે બોલાવીને તે તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યા; અને તેમણે તેઓને અશુદ્ધ આત્માઓ પર અધિકાર આપ્યો;
8તેઓને ફરમાવ્યું કે, ‘મુસાફરીને સારું કેવળ એક લાકડી વિના બીજું કંઈ લેવું નહિ; રોટલી નહિ, ઝોળી પણ નહિ, પોતાના કમરબંધમાં નાણાં પણ નહિ;
9પણ ચંપલ પહેરજો પણ વધારાનું અંગરખું રાખશો નહિ.’”
10વળી તેમણે તેઓને કહ્યું કે, ‘જ્યારે તમે કોઈ ઘરમાં જાઓ અને ત્યાંથી નીકળો ત્યાં સુધી તેમાં જ રહો.
11જ્યાં કહીં તેઓ તમારો આવકાર ના કરે અને તમારું ના સાંભળે, તો તેઓની વિરુદ્ધ સાક્ષીરૂપ થવાને માટે ત્યાંથી નીકળતાં તમારા પગ તળેની ધૂળ ખંખેરી નાખજો.
12તેઓએ નીકળીને એવું પ્રગટ કર્યો કે, ‘પસ્તાવો કરો.’”
13તેઓએ ઘણાં દુષ્ટાત્માઓ કાઢ્યાં, ઘણાં માદાંઓને તેલ લગાવીને તેઓને સાજાં કર્યાં.
14હેરોદ રાજાએ તે વિષે સાંભળ્યું, કેમ કે ઈસુનું નામ પ્રસિદ્ધ થયું હતું અને તેઓ કહેતાં હતા કે ‘યોહાન બાપ્તિસ્મા કરનાર મૃત્યુમાંથી ઊઠ્યો છે અને તેનાથી આવાં પરાક્રમી કામો કરાય છે.’”
15પણ બીજાઓએ કહ્યું કે, ‘તે એલિયા છે;’ અને અન્ય કેટલાકે કહ્યું કે, ‘તે પ્રબોધકોમાંના કોઈ એકના જેવા પ્રબોધક છે.’”
16પણ હેરોદે તે સાંભળીને કહ્યું કે, ‘એ તો યોહાન છે જેનું માથું મેં કાપી નંખાવ્યું તે મૃત્યુમાંથી ઊઠ્યો છે.’”
17કેમ કે હેરોદે પોતે યોહાનને પકડાવ્યો હતો અને પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે તેને જેલમાં પૂર્યો હતો; કેમ કે હેરોદે હેરોદિયાને પત્ની કરી હતી.
18તેથી યોહાને હેરોદને કહ્યું હતું કે, ‘તારા ભાઈની પત્નીને રાખવી તે તને ઉચિત નથી.’”
19એને લીધે હેરોદિયા યોહાન પર અદાવત રાખતી અને તેને મારી નાખવા ચાહતી હતી, પણ તે એમ કરી શકતી ન હતી.
20કેમ કે હેરોદ યોહાનને ન્યાયી તથા પવિત્ર માણસ જાણીને તેનાથી ડરતો, તેને સુરક્ષિત રાખતો હતો. તે તેને સાંભળતો અને તેનું સાંભળીને બહુ ગૂંચવણમાં પડતો હતો, તોપણ ખુશીથી તેનું સાંભળતો હતો.
21આખરે હેરોદિયાને અનુકૂળ દિવસ મળ્યો. હેરોદે પોતાના જન્મદિવસે પોતાના અમીરોને, સેનાપતિઓને તથા ગાલીલના સરદારોને સારુ ભોજન સમારંભ યોજ્યો;
22તે સમયે હેરોદિયાની દીકરી અંદર આવીને નાચી. જેથી હેરોદ તથા તેની સાથે જમવા બેઠેલાઓ ખુશ થયા; અને રાજાએ છોકરીને કહ્યું કે, ‘તું જે ચાહે તે મારી પાસે માગ અને હું તને તે આપીશ.’”
23તેણે સમ ખાઈને તેને કહ્યું કે, ‘જે કંઈ તું મારી પાસે માગે તે મારા અડધા રાજ્ય સુધી હું તને આપીશ.’”
24તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું કે, ‘હું શું માગું?’ તેણે કહ્યું, ‘યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું માગ’.
25તરત રાજાની પાસે ઉતાવળથી અંદર આવીને તેણે કહ્યું કે, ‘હું ચાહું છું કે, યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું થાળમાં હમણાં જ તું મને આપ.’”
26રાજા ખૂબ જ દુ:ખી થયો, પણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા પોતાની સાથે બેસનારાઓને લીધે તે તેને ના પાડી શક્યો નહિ.
27તરત રાજાએ સિપાઈને મોકલીને તેનું માથું લાવવાનો હુકમ કર્યો. સિપાઈએ જેલમાં જઈને તેનું માથું કાપી નાખ્યું;
28અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું.
29તેના શિષ્યો તે સાંભળીને આવ્યા અને તેનું ધડ લઈ ગયા અને તેને કબરમાં દફનાવ્યું.
30પ્રેરિતો ઈસુની પાસે એકઠા થયા. અને જે જે તેઓએ કર્યું હતું તથા જે જે તેઓએ શીખવ્યું હતું, તે બધું તેમને કહી સંભળાવ્યું.
31તેમણે તેઓને કહ્યું કે, ‘તમે પોતે ઉજ્જડ જગ્યાએ એકાંતમાં આવો અને થોડો વિસામો લો;’ કેમ કે આવનારા અને જનારાં ઘણાં હતા; અને તેમને ખાવાનો પણ વખત મળતો નહોતો.
32તેઓ હોડીમાં બેસીને ઉજ્જડ જગ્યાએ એકાંતમાં ગયા.
33લોકોએ તેઓને જતા જોયા, ઘણાંએ તેઓને ઓળખ્યા, અને સઘળાં શહેરમાંથી દોડી આવીને ત્યાં ભેગા થયા અને તેઓની આગળ જઈ પહોંચ્યા.
34ઈસુએ બહાર આવીને અતિ ઘણાં લોકોને જોયા; અને તેમને તેઓ પર અનુકંપા આવી; કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાં જેવા હતા; અને તે તેઓને ઘણી વાતો વિષે બોધ કરવા લાગ્યા.
35જયારે દિવસ ઘણો મોડો થઈ ગયો ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, ‘આ જગ્યા ઉજ્જડ છે; અને દિવસ ઘણો ગયો છે;
36તેઓને જવા દો, કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.
37પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘તમે તેઓને ખાવાનું આપો.’” તેઓ તેને કહે છે કે, ‘શું અમે જઈને બસો દીનારની રોટલીઓ લઈને તેઓને ખવડાવીએ?’”
38પણ તે તેઓને કહે છે કે, ‘તમારી પાસે કેટલી રોટલીઓ છે? તે જઈને જુઓ.’” ખબર કાઢ્યાં પછી તેઓ કહે છે કે, ‘પાંચ રોટલી તથા બે માછલી.’”
39તેમણે તેઓને આજ્ઞા કરી કે, ‘સઘળાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.’”
40તેઓ હારબંધ સો સો તથા પચાસ પચાસની પંગતમાં બેઠા.
41ઈસુએ પાંચ રોટલી તથા બે માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો; અને રોટલીઓ ભાંગીને તેઓને પીરસવા સારુ પોતાના શિષ્યોને આપી; અને બે માછલીઓ બધાને વહેંચી આપી.
42બધા લોકો જમ્યાં અને તૃપ્ત થયા;
43અને તેઓએ રોટલીના વધેલા ટુકડાંઓની અને માછલીઓથી ભરેલી બાર ટોપલીઓ ભરી.
44જેઓએ રોટલીઓ ખાધી તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા.
45તત્કાળ તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને હોડીમાં બેસાડ્યા, અને પોતે લોકોને વિદાય કરે એટલામાં તેઓને પોતાની આગળ પેલે પાર બેથસાઈદામાં મોકલ્યા.
46તેઓને વિદાય કરીને ઈસુ પહાડ પર પ્રાર્થના કરવા ગયા.
47સાંજ પડી ત્યારે હોડી સમુદ્ર મધ્યે હતી; અને ઈસુ એકલા બહાર જમીન પર હતા.
48તેઓ હલેસાં મારતાં હેરાન થયા. કેમ કે પવન તેઓની સામો હતો, તે જોઈને, સવારે ત્રણ થી છ કલાકના સમયે ઈસુ સમુદ્ર પર ચાલતાં તેઓની પાસે આવ્યા અને જાણે તેઓથી આગળ જવાના હતા.
49તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોઈને વિચાર્યું કે, એ તો ભૂત છે અને બૂમ પાડી;
50કેમ કે બધા તેમને જોઈને ગભરાયા. પણ તરત તે તેઓની સાથે બોલ્યા અને તેઓને કહ્યું કે, ‘હિંમત રાખો, એ તો હું છું, બીશો નહિ.’”
51તે તેઓની પાસે હોડી પર ગયા અને પવન બંધ થયો; અને તેઓ અતિશય વિસ્મિત થયા;
52કેમ કે તેઓ રોટલીના ચમત્કાર સંબંધી સમજ્યા નહિ. તેઓનાં મન કઠોર રહ્યાં.
53તેઓ પાર જઈને ગન્નેસારેત દેશમાં આવ્યા અને કિનારે લંગર નાખ્યું.
54તેઓ હોડી પરથી ઊતર્યા ત્યારે તરત લોકોએ ઈસુને ઓળખ્યા,
55અને ચારેબાજુ તેઓ આખા પ્રદેશમાં દોડી જઈને ઈસુ ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માંદાઓને ખાટલામાં તેમની પાસે લાવ્યાં.
56જે જે ગામો, શહેરો કે પરાંઓમાં ઈસુ ગયા, ત્યાં તેઓએ માંદાઓને ચોકમાં રાખ્યા અને તેમને વિનંતી કરી કે, ‘તેઓને માત્ર તમારા વસ્ત્રની કોરને અડકવા દો;’ જેટલાંએ તેમને સ્પર્શ કર્યો તેઓ સાજાં થયા.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath