ખ્રિસ્તી ધર્મ
પાછા

માર્ક 2

1થોડા દિવસો પછી, ઈસુ ફરી કપરનાહૂમમાં ગયા, ત્યારે એવી વાત ફેલાઈ કે ‘તેઓ ઘરમાં છે.’”

2તેથી એટલા બધા લોકો એકઠા થયા કે, દરવાજા પાસે પણ જગ્યા નહોતી; ઈસુ તેઓને ઉપદેશ આપતા હતા.

3ત્યારે ચાર માણસોએ ઊંચકેલા એક લકવાગ્રસ્ત માણસને તેઓ તેમની પાસે લાવ્યા.

4ભીડને કારણે તેઓ તેમની નજદીક તેને લાવી ન શક્યા, ત્યારે જ્યાં તે હતા ત્યાં તેમના ઉપર છાપરામાં બકોરું પાડ્યું અને ખાટલા પર તે લકવાગ્રસ્ત માણસને નીચે ઉતાર્યો.

5ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને લકવાગ્રસ્તને કહે છે કે, ‘દીકરા, તારાં પાપ માફ થયાં છે.’”

6પણ કેટલાક શાસ્ત્રીઓ જેઓ ત્યાં બેઠા હતા, તેઓ પોતાના મનમાં વિચારતા હતા કે,

7‘આ માણસ આવી રીતે કેમ બોલે છે? એ તો દુર્ભાષણ કરે છે. એક, એટલે ઈશ્વર, તેમના વગર કોણ પાપોની માફી આપી શકે?’”

8તેઓ પોતાના મનમાં એમ વિચારે છે, એ ઈસુએ પોતાના આત્મામાં જાણીને તેઓને કહ્યું કે, ‘તમે તમારાં હૃદયોમાં એવા વિચાર કેમ કરો છો?

9આ બેમાંથી વધારે સહેલું કયું છે, એટલે લકવાગ્રસ્તને એ કહેવું, કે તારાં પાપ તને માફ થયાં છે, અથવા એ કહેવું કે, ઊઠ અને તારો ખાટલો ઊંચકીને ચાલ?’”

10પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો માટે, લકવાગ્રસ્તને ઈસુ કહે છે

11‘હું તને કહું છું કે ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.’”

12તે ઊઠ્યો અને તરત ખાટલો ઊંચકીને ચાલ્યો ગયો; બધા તેને જોઈ રહ્યા. આથી લોકોએ આશ્ચર્ય પામીને તથા ઈશ્વરને મહિમા આપીને કહ્યું કે, ‘અમે કદી આવું જોયું નથી.’”

13ફરી ઈસુ સમુદ્રને કિનારે ગયા; બધા લોકો તેમની પાસે આવ્યા; અને તેમણે તેઓને બોધ કર્યો.

14રસ્તે જતા તેમણે અલ્ફીના દીકરા લેવીને કર ઉઘરાવવાની ચોકી પર બેઠેલો જોયો; અને તેઓ તેને કહે છે કે, ‘મારી પાછળ આવ;’ તે ઊઠીને તેમની પાછળ ગયો.

15એમ થયું કે ઈસુ લેવીના ઘરમાં જમવા બેઠા અને ઘણાં દાણીઓ તથા પાપીઓ ઈસુની અને તેમના શિષ્યોની સાથે બેઠા હતા, કેમ કે તેઓ ઘણાં હતા જે તેમની પાછળ ચાલ્યા હતા.

16શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ ઈસુને દાણીઓ તથા પાપીઓની સાથે જમતા જોઈને તેમના શિષ્યોને પૂછ્યું કે, ‘તે શા માટે દાણીઓની તથા પાપીઓની સાથે ખાય છે?’”

17ઈસુ તે સાંભળીને તેઓને કહે છે કે, ‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની જરૂર નથી; પણ જેઓ બીમાર છે, તેઓને છે. ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.’”

18યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતાં હતા; અને તેઓ આવીને તેમને કહે છે કે, ‘યોહાનના તથા ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરે છે, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, એનું કારણ શું?’”

19ઈસુએ તેઓને કહ્યું કે, ‘વરરાજા જાનૈયાની સાથે હોય, ત્યાં સુધી શું તેઓ ઉપવાસ કરી શકે? વરરાજા તેઓની સાથે છે તેટલાં વખત સુધી તેઓ ઉપવાસ કરી શકતા નથી.

20પણ એવા દિવસો આવશે કે જયારે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તે દિવસે તેઓ ઉપવાસ કરશે.’”

21નવા વસ્ત્રનું થીંગડું જૂના વસ્ત્રને કોઈ મારતું નથી; જો મારે તો નવું થીંગડું જૂનાને સાંધવાને બદલે ખેંચી કાઢે છે અને તે વસ્ત્ર વધારે ફાટી જાય છે.

22નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખે છે અને દ્રાક્ષારસ તથા મશકો એ બન્નેનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે.

23એમ થયું કે વિશ્રામવારે ઈસુ અનાજના ખેતરોમાં થઈને જતા હતા; અને તેમના શિષ્યો ચાલતાં ચાલતાં કણસલાં તોડવા લાગ્યા.

24ફરોશીઓએ તેમને કહ્યું કે, ‘જુઓ, વિશ્રામવારે જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે?’”

25તેમણે તેઓને કહ્યું કે, ‘દાઉદને જરૂર હતી અને તે તથા તેના સાથીઓ ભૂખ્યા થયા હતા, ત્યારે તેણે શું કર્યું, એ તમે કદી વાંચ્યું નથી?

26એટલે કે અબ્યાથાર પ્રમુખ યાજક હતો, ત્યારે ઈશ્વરના ઘરમાં જઈને, અર્પેલી રોટલીઓ જે માત્ર યાજકો સિવાય કોઈને ખાવાની છૂટ ન હતી તે તેણે ખાધી, અને તેના સાથીઓને પણ આપી.’”

27તેમણે તેઓને કહ્યું કે, ‘વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહિ;

28માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.’”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath