ખ્રિસ્તી ધર્મ
પાછા

માર્ક 15

1સવાર થઈ કે મુખ્ય યાજકોએ, વડીલો, શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભાએ સાથે મળીને કાવતરું રચ્યું. પછી તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધાં.

2પિલાતે ઈસુને પૂછ્યું કે, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’ તેમણે જવાબ આપતાં તેને કહ્યું કે, ‘તું કહે છે તે જ હું છું.’”

3મુખ્ય યાજકોએ તેમના પર ઘણાં આક્ષેપો મૂક્યા.

4પિલાતે ફરી તેમને પૂછતાં કહ્યું કે, ‘શું તું કંઈ જ જવાબ આપતો નથી? જો, તેઓ તારા પર કેટલા બધા આક્ષેપો મૂકે છે!’

5પણ ઈસુએ બીજો કોઈ જવાબ આપ્યો નહિ, જેથી પિલાતને આશ્ચર્ય થયું.

6આ પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે તેને તે છોડી દેતો હતો.

7કેટલાક દંગો કરનારાઓએ હુલ્લડમાં ખૂન કર્યું હતું તેઓની સાથે કેદમાં પડેલો એવો બરાબાસ નામનો એક માણસ હતો.

8લોકો ઉપર ચઢીને પિલાતને વિનંતી કરવા લાગ્યા કે, ‘જેમ તમે અમારે સારુ દર વખતે કરતા હતા તે પ્રમાણે કરો.’”

9પિલાતે તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘શું તમારી મરજી એવી છે કે, હું તમારે સારુ યહૂદીઓના રાજાને મુક્ત કરું?’”

10કેમ કે તે જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે તેમને સોંપી દીધાં હતા.

11પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા, એ સારુ કે ઈસુને બદલે તે તેઓને માટે બરાબાસને મુક્ત કરે.

12પણ પિલાતે ફરી તેઓને કહ્યું કે, ‘જેને તમે યહૂદીઓનો રાજા કહો છો, તેનું હું શું કરું?’”

13તેઓએ ફરી બૂમ પાડી કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”

14પિલાતે તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખરાબ કર્યું છે?’ પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘ઈસુને વધસ્તંભે જડાવો.’”

15ત્યારે પિલાતે લોકોને રાજી કરવા તેઓને સારુ બરાબાસને જતો કર્યો. અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા સારુ સોંપ્યાં.

16સિપાઈઓ ઈસુને પ્રૈતોર્યુમ નામે કચેરીમાં લઈ ગયા; અને તેઓએ ચોકીદારોની આખી ટુકડીને બોલાવ્યા.

17તેઓએ તેમને જાંબુડિયો ઝભ્ભો પહેરાવ્યો અને કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો;

18અને ‘હે યહૂદીઓના રાજા, સલામ!’ એમ કહીને મશ્કરીમાં તેમને નમસ્કાર કરવા લાગ્યા.

19તેઓએ તેમના માથામાં સોટી મારી, ઈસુના પર થૂંક્યાં અને ઘૂંટણ ટેકીને તેમની આગળ નમ્યાં.

20તેમની મશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમના અંગ પરથી જાંબુડિયો ઝભ્ભો ઉતારી લીધો અને તેમના પોતાનાં વસ્ત્રો તેમને પહેરાવ્યાં; પછી વધસ્તંભે જડવા સારુ તેમને લઈ જવામાં આવ્યા.

21સિમોન નામે કુરેનીનો એક માણસ જે આલેકસાંદરનો તથા રૂફસનો પિતા હતો, તે ખેતરથી આવતાં ત્યાં થઈને જતો હતો. તેની પાસે સિપાઈઓએ બળજબરીથી ઈસુનો વધસ્તંભ ઊંચકાવ્યો.

22ગલગથા નામની જગ્યા, જેનો અર્થ ‘ખોપરીની જગ્યા’ છે, ત્યાં તેઓ તેમને લાવ્યા.

23તેઓએ બોળ મિશ્રિત દ્રાક્ષારસ તેમને આપ્યો; પણ ઈસુએ તે પીવાની ના પાડી.

24સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં અને તેઓમાંના પ્રત્યેકે ઈસુના વસ્ત્રનો કયો ભાગ લેવો, તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખી. તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધાં.

25સવારમાં લગભગ નવ વાગ્યે તેઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં.

26તેના ઉપર ઈસુનું એવું તહોમતનામું લખ્યું હતું કે “યહૂદીઓનો રાજા.”

27ઈસુની સાથે તેઓએ બે ચોરોને વધસ્તંભે જડ્યાં, એકને તેમની જમણી તરફ અને બીજાને ડાબી તરફ.

28“તે અપરાધીઓમાં ગણાયો,” એવું જે શાસ્ત્રવચન હતું તે પૂરું થયું.

29પાસે થઈને જનારાંઓએ ઈસુનું અપમાન કર્યું તથા માથાં હલાવતાં કહ્યું કે, ‘વાહ રે! મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર,

30તું પોતાને બચાવ અને વધસ્તંભ પરથી ઊતરી આવ.’”

31એ જ પ્રમાણે મુખ્ય યાજકોએ અંદરોઅંદર શાસ્ત્રીઓ સહિત મશ્કરી કરીને કહ્યું કે, ‘તેણે બીજાઓને બચાવ્યા, પણ પોતાને બચાવી શકતો નથી.

32ઇઝરાયલના રાજા, ખ્રિસ્ત, હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવ, કે અમે જોઈને વિશ્વાસ કરીએ.’” વળી જેઓ ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેમની નિંદા કરી.

33બપોરના લગભગ બારથી ત્રણ વાગ્યા સુધી આખા દેશમાં અંધારપટ છવાયો.

34બપોરે લગભગ ત્રણ વાગ્યે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી કે, ‘એલોઈ, એલોઈ લમા શબક્થની, એટલે, મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?’”

35જેઓ પાસે ઊભા રહેલા હતા તેઓમાંના કેટલાકે તે સાંભળીને કહ્યું કે, ‘જુઓ, તે એલિયાને બોલાવે છે.’”

36એક માણસે દોડીને સિરકામાં પલાળેલી વાદળી લાકડાની ટોચે બાંધીને તેમને ચૂસવા આપીને કહ્યું કે, ‘રહેવા દો, આપણે જોઈએ કે, એલિયા તેને ઉતારવાને આવે છે કે નહિ?’”

37ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો.

38મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થયા.

39જે સૂબેદાર તેમની સામે ઊભો હતો, તેણે જયારે જોયું કે તેમણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું કે, ‘ખરેખર આ માણસ ઈશ્વરના દીકરા હતા.’”

40કેટલીક સ્ત્રીઓ પણ દૂરથી જોતી હતી; તેઓમાં મગ્દલાની મરિયમ, નાના યાકૂબ તથા યોસેની મા મરિયમ અને શાલોમી હતી.

41જયારે ઈસુ ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની પાછળ ચાલીને તેમની સેવા કરતી હતી; અને તેમની સાથે યરુશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી.

42સાંજ પડી ત્યારે સિદ્ધીકરણનો દિવસ, એટલે વિશ્રામવારની આગળનો દિવસ હતો, માટે,

43ન્યાયસભાનો એક માનવંતો સભાસદ, એટલે અરિમથાઈનો યૂસફ આવ્યો. તે પોતે પણ ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો; તેણે હિંમત રાખીને પિલાતની પાસે જઈને ઈસુનો દેહ માગ્યો.

44પિલાત આશ્ચર્ય પામ્યો કે, ‘શું તે એટલો જલદી મૃત્યુ પામ્યો હોય!’ તેણે સૂબેદારને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે, ‘ઈસુને મૃત્યુ પામ્યાને કેટલો વખત થયો?’”

45સૂબેદાર પાસેથી તે વિષે ખબર મળી ત્યારે પિલાતે યૂસફને એ દેહ અપાવ્યો.

46યૂસફે શણનું વસ્ત્ર વેચાતું લીધું, મૃતદેહને ઉતારીને તેને શણના વસ્ત્રમાં વીંટાળ્યો અને ખડકમાં ખોદેલી એક કબરમાં દફનાવ્યો. અને તે કબર પર પથ્થર ગબડાવી મૂક્યોં.

47તેમને ક્યાં મૂક્યા એ મગ્દલાની મરિયમ તથા યોસેની મા મરિયમે જોયું.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath