ખ્રિસ્તી ધર્મ
પાછા

મીખાહ 7

1મને અફસોસ છે! કેમ કે ઉનાળાંનાં ફળ વીણી લીધા પછીની જેવી સ્થિતિ, એટલે દ્રાક્ષો વીણી લીધા પછી બચી ગયેલી દ્રાક્ષો જેવી મારી સ્થિતિ છે: ત્યાં ફળની ગુચ્છાઓ મળશે નહિ, પ્રથમ અંજીર જેને માટે હું તલસું છું તે પણ નહિ મળે.

2પૃથ્વી પરથી ભલા માણસો નાશ પામ્યા છે, મનુષ્યોમાં કોઈ પ્રામાણિક રહ્યો નથી; તેઓ બીજાનું લોહી વહેવડાવવા માટે તલપી રહ્યા છે, તેઓ જાળ નાખીને પોતાના ભાઈઓનો શિકાર કરે છે.

3તેઓના હાથો નુકસાન કરવામાં ઘણાં કુશળ છે. સરદારો પૈસા માગે છે, ન્યાયાધીશો લાંચ માટે તૈયાર છે, બળવાન માણસ પોતાના મનનો દુષ્ટ ભાવ પ્રગટ કરે છે. તેઓ ભેગા મળીને ષડ્યંત્ર રચે છે.

4તેઓમાંનો જે શ્રેષ્ઠ છે તે કાંટા ઝાંખરા જેવો છે; જે સૌથી વધારે પ્રામાણિક છે તે કાંટાની વાડ જેવો છે, તારા ચોકીદારે જણાવેલો દિવસ એટલે, તારી શિક્ષાનો દિવસ આવી ગયો છે. હવે તેઓની ગૂંચવણનો દિવસ આવી પહોંચ્યો છે.

5કોઈ પડોશીનો વિશ્વાસ કરીશ નહિ, કોઈ મિત્ર ઉપર આધાર રાખીશ નહિ, તું જે બોલે તે વિષે સાવધાન રહે એટલે જે સ્ત્રી તારી સાથે સૂએ છે તેનાથી પણ સંભાળ.

6કેમ કે દીકરો પોતાના પિતાનો આદર કરતો નથી. દીકરી પોતાની માની સામે થાય છે, વહુ પોતાની સાસુની સામે થાય છે; માણસનાં શત્રુઓ તેના પોતાના જ ઘરનાં માણસો છે.

7પણ હું તો યહોવાહ તરફ જોઈશ, હું મારા ઉદ્ધાર કરનાર ઈશ્વરની રાહ જોઈશ; મારા ઈશ્વર મારું સાંભળશે.

8હે મારા દુશ્મન, મારી દુર્દશામાં આનંદ ન કર; જો હું પડી જાઉં, તો પણ હું પાછો ઊઠીશ; જો હું અંધકારમાં બેસું, તો પણ યહોવાહ મને અજવાળારૂપ થશે.

9તેઓ મારી તરફદારી કરશે અને મને ન્યાય આપશે ત્યાં સુધી, હું યહોવાહનો ક્રોધ સહન કરીશ, કેમ કે મેં યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે. તે મને બહાર અજવાળામાં લાવશે, હું તેમનું ન્યાયીપણું જોઈશ.

10ત્યારે મારા દુશ્મન કે જેઓએ મને કહ્યું કે, “તારા ઈશ્વર યહોવાહ કયાં છે?” એવું કહેનારાઓ શરમથી ઢંકાઈ જશે, મારી આંખો તેઓને જોશે, શેરીઓની માટીની જેમ તે પગ નીચે કચડાશે.

11જે દિવસે તારા કોટ બંધાશે, તે દિવસે તારી સરહદ બહુ દૂર જશે.

12તે દિવસે આશ્શૂરથી તથા મિસરના નગરોથી, મિસરથી તે છેક મોટી નદી સુધીના પ્રદેશમાંથી , તથા સમુદ્રથી સમુદ્ર સુધીના, તથા પર્વતથી પર્વત સુધીના પ્રદેશના, લોકો તે દિવસે તારી પાસે આવશે.

13તોપણ તેમાં રહેતા લોકોને કારણે, તેઓનાં કર્મોના ફળને કારણે, તે દેશો ઉજ્જડ થઈ જશે.

14તારા વારસાનાં ટોળાં કે, જેઓ એકાંતમાં રહે છે, તેઓને તારી લાકડીથી, કાર્મેલના જંગલમાં ચરાવ. અગાઉના દિવસોની જેમ, બાશાનમાં તથા ગિલ્યાદમાં પણ ચરવા દે.

15મિસર દેશમાંથી તારા બહાર આવવાના દિવસોમાં થયું હતું તેમ, હું તેને અદ્દભુત કૃત્યો બતાવીશ.

16અન્ય પ્રજાઓ તે જોશે, અને પોતાની સર્વ શક્તિને લીધે લજ્જિત થશે. તેઓ પોતાના હાથ પોતાના મુખ પર મૂકશે; તેઓના કાન બહેરા થઈ જશે.

17તેઓ સાપની જેમ ધૂળ ચાટશે, તેઓ પૃથ્વી ઉપર પેટે ચાલતાં સજીવોની માફક, પોતાના ગુપ્ત સ્થાનોમાંથી ધ્રૂજતાં ધ્રૂજતાં બહાર આવશે. તે પ્રજાઓ યહોવાહ આપણા ઈશ્વરની પાસે બીતી બીતી આવશે, તેઓ તારાથી ડરશે.

18તમારા જેવા ઈશ્વર કોણ છે? તમે તો પાપ માફ કરો છો, તમારા વારસાના બચેલા ભાગના અપરાધને, દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ હંમેશા રાખતા નથી, કેમ કે તમે દયા કરવામાં આનંદ માનો છો.

19તમે ફરીથી અમારા ઉપર કૃપા કરશો; તમે અમારા અપરાધોને તમારા પગ નીચે કચડી નાખશો. તમે અમારાં બધાં પાપોને સમુદ્રના ઊંડાણોમાં ફેંકી દેશો.

20જેમ તમે પ્રાચીન કાળમાં અમારા પૂર્વજો આગળ સમ ખાધા હતા તેમ, તમે યાકૂબ પ્રત્યે સત્યતા અને ઇબ્રાહિમ પ્રત્યે કૃપા દર્શાવશો.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath