ખ્રિસ્તી ધર્મ
પાછા

માથ્થી 6

1માણસો તમને જુએ તે હેતુથી તેઓની આગળ તમારાં ન્યાયી કૃત્યો કરવાથી સાવધાન રહો; નહિ તો સ્વર્ગમાંના તમારા પિતાથી તમને બદલો મળશે નહિ.

2માટે જયારે તમે દાનધર્મ કરો, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ પોતાની આગળ રણશિંગડું ન વગાડો. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.

3પણ તમે જયારે દાનધર્મ કરો, ત્યારે જે તમારો જમણો હાથ કરે તે તમારો ડાબો હાથ ન જાણે,

4એ માટે કે તમારા દાનધર્મ ગુપ્તમાં થાય; ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.

5જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે ઢોંગીઓનાં જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ, માટે તેઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ચાહે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.

6પણ જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે તમારી ઓરડીમાં જાઓ, બારણું બંધ કરીને ગુપ્તમાં તમારા પિતાને પ્રાર્થના કરો; અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.

7તમે પ્રાર્થના કરતાં બિનયહૂદીઓની જેમ બકવાસ ન કરો; કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણાં બોલવાથી અમારું સાંભળવામાં આવશે.

8એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને જરૂર છે, તે તેમની પાસે માગ્યા અગાઉ તમારા પિતા જાણે છે.

9માટે તમે આ રીતે પ્રાર્થના કરો: “ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.

10તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.

11દિવસની અમારી રોટલી આજ અમને આપો.

12જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો.

13અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.”

14કેમ કે જો તમે માણસોના અપરાધો તેઓને માફ કરો, તો તમારા સ્વર્ગમાંના પિતા પણ તમને માફ કરશે.

15પણ જો તમે માણસોને તેઓના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધો પણ માફ નહિ કરે.

16વળી જયારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની માફક ઊતરી ગયેલા ચહેરાવાળાં ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાના મોં પડી ગયેલા બતાવે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.

17પણ જયારે તમે ઉપવાસ કરો, ત્યારે તમારા માથા પર તેલ લગાવો અને તમારો ચહેરો ધોઓ,

18એ માટે કે ફક્ત માણસો ન જાણે કે તમે ઉપવાસ કરી રહ્યા છો, પણ તમારા પિતા જે ગુપ્તમાં છે તેમને તમે ઉપવાસી દેખાવ. અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.

19પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકત્ર ન કરો, ત્યાં તો કીડા તથા કાટ નાશ કરે છે અને ચોરો દીવાલ તોડીને ચોરી જાય છે.

20પણ તમે પોતાને સારુ સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા અને જ્યાં ચોરો દીવાલ તોડીને ચોરી જતા નથી.

21કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે, ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.

22શરીરનો દીવો તે આંખ છે. એ માટે જો તમારી દ્રષ્ટિ સારી હોય, તો તમારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે.

23પણ જો તમારી દ્રષ્ટિ ખરાબ હોય, તો તમારું આખું શરીર અંધકારથી ભરેલું થશે. માટે તમારામાં જે અજવાળું છે, તે જો અંધકારરૂપ હોય, તો તે અંધકાર કેટલો મોટો!

24કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.

25એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું અથવા શું પીશું; તેમ જ તમારા શરીરને માટે ચિંતા ન કરો કે, અમે શું પહેરીશું? શું જીવ ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી?

26આકાશના પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, કાપતાં નથી અને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા સ્વર્ગીય પિતા તેઓનું પોષણ કરે છે. તો તેઓ કરતાં તમે અધિક મૂલ્યવાન નથી શું?

27ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળમાં એકાદ પળનો વધારો કરી શકે છે?

28વળી વસ્ત્રો સંબંધી તમે ચિંતા કેમ કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી અને કાંતતાં પણ નથી.

29તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.

30એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં નંખાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું તેથી વિશેષ નહિ પહેરાવે?

31માટે ‘અમે શું ખાઈશું?’, ‘શું પીશું?’ અથવા ‘શું પહેરીશું?’ એમ કહેતાં ચિંતા ન કરો.

32કારણ કે એ સઘળાં વાનાં અવિશ્વાસીઓ શોધે છે; કેમ કે સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે એ બધાની તમને જરૂર છે.

33પણ તમે પ્રથમ તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો અને એ બધાં વાનાં પણ તમને અપાશે.

34તે માટે આવતી કાલને સારુ ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે. દિવસને સારુ તે દિવસનું દુઃખ બસ છે.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath