માથ્થી 3
1તે દિવસોમાં યોહાન બાપ્તિસ્મા કરનાર યહૂદિયાના અરણ્યમાં ઉપદેશ આપતા એમ કહેતો હતો કે,
2“પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”
3કારણ કે તે એ જ છે, જેનાં વિષે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, “અરણ્યમાં પોકારનારની એવી વાણી છે, ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.’”
4યોહાનનાં વસ્ત્રો ઊંટના વાળનાં હતાં, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા રાની મધ તેનો ખોરાક હતા.
5ત્યારે યરુશાલેમના, યહૂદિયાના તથા યર્દનના આસપાસના સર્વ પ્રદેશના લોકો તેની પાસે ગયા.
6તેઓ પોતાનાં પાપો કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.
7પણ ફરોશીઓમાંના તથા સદૂકીઓમાંના ઘણાંને પોતાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને યોહાને તેઓને કહ્યું કે, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં?
8પસ્તાવો કરનારાને શોભે તેવા ફળ આપો.
9તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે, ‘ઇબ્રાહિમ અમારા પિતા છે’, કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાનો ઉત્પન્ન કરી શકે છે.
10વૃક્ષોના મૂળ પર કુહાડો પહેલેથી જ મુકાયો છે. માટે દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે.
11માટે પસ્તાવાને સારુ હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સામર્થ્યવાન છે, હું તેમના ચંપલ ઊંચકવાને યોગ્ય નથી; તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી તથા અગ્નિથી કરશે.
12તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને પોતાના ઘઉં વખારમાં ભરશે, પણ ભૂસું, ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.”
13ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન નદીએ તેની પાસે આવ્યા.
14પણ યોહાને તેમને અટકાવતાં કહ્યું કે, “તમારાથી તો મારે બાપ્તિસ્મા પામવું જોઈએ અને શું તમે મારી પાસે આવો છો?”
15પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, “હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઉચિત છે.” ત્યારે યોહાને તેમને બાપ્તિસ્મા આપ્યું.
16જયારે ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી બહાર આવ્યા, અને જુઓ, તેમને સારુ સ્વર્ગ ઉઘાડાયું અને ઈશ્વરના આત્માને કબૂતર રૂપે ઊતરતા તથા પોતા પર આવતા તેમણે જોયા.
17જુઓ, સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું.”
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath