માથ્થી 27
1હવે સવાર થઈ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ કાવતરું કર્યું.
2પછી તેઓએ ઈસુને બાંધ્યા અને તેમને લઈ જઈને પિલાત રાજ્યપાલને સોંપ્યાં.
3જયારે યહૂદાએ, જેણે તેમને પરાધીન કર્યાં હતા તેણે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે, ત્યારે તેને ખેદ થયો, અને તેણે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે,
4“નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ કહ્યું કે, “તેમાં અમારે શું? તે તારી ચિંતા છે.”
5પછી સિક્કાઓ ભક્તિસ્થાનમાં ફેંકી દઈને તે ગયો; અને જઈને ગળે ફાંસો ખાધો.
6મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે, “એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં મૂકવા ઉચિત નથી.”
7તેઓએ ચર્ચા કરીને પરદેશીઓને દફનાવવા સારું એ રૂપિયાથી કુંભારનું ખેતર વેચાતું લીધું.
8તે માટે આજ સુધી તે ખેતર ‘લોહીનું ખેતર’ કહેવાય છે.
9ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, “જેનું મૂલ્ય ઇઝરાયલપુત્રોએ તેના જીવન માટે ઠરાવ્યું હતું, તે ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા,
10અને જેમ પ્રભુએ મને હુકમ કર્યો, તેમ કુંભારના ખેતરને માટે આપ્યા.”
11અને ઈસુ રાજ્યપાલની આગળ ઊભા રહ્યા અને રાજ્યપાલે તેમને પૂછ્યું કે, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ તેને કહ્યું કે, “તું પોતે કહે છે.”
12મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમના પર આરોપ મૂક્યો છતાં તેમણે કંઈ ઉત્તર આપ્યો નહિ.
13ત્યારે પિલાતે તેમને કહ્યું કે, “તારી વિરુદ્ધ તેઓ કેટલા આરોપો મૂકે છે એ શું તું નથી સાંભળતો?”
14ઈસુએ તેને એક પણ શબ્દનો ઉત્તર આપ્યો નહિ તેથી રાજ્યપાલને ઘણું આશ્ચર્ય લાગ્યું.
15હવે પર્વમાં રાજ્યપાલનો એક રિવાજ હતો કે જે એક બંદીવાનને લોકો માગે, તેને તેઓને માટે છોડી દેતો હતો.
16તે વખતે બરાબાસ નામનો એક પ્રખ્યાત બંદીવાન હતો.
17તેથી તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું કે, “હું તમારે માટે કોને છોડી દઉં, તે વિષે તમારી શી મરજી છે? બરાબાસને, કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?”
18કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઇના કારણે ઈસુને સોંપ્યો હતો.
19જયારે તે ન્યાયાસન પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, “તે નિર્દોષ માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.”
20હવે મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યાં, કે તેઓ બરાબાસને માગે અને ઈસુને મારી નંખાવે.
21પણ રાજ્યપાલે તેઓને કહ્યું કે, “તે બેમાંથી હું કોને તમારે માટે છોડી દઉં, તમારી શી મરજી છે?” તેઓને કહ્યું કે ‘બરાબાસને.’
22પિલાતે તેઓને કહ્યું કે, “તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?” સઘળાંએ તેને કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”
23ત્યારે તેણે કહ્યું, “શા માટે? તેણે શો અપરાધ કર્યો છે?” પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’
24જયારે પિલાતે જોયું કે તે કંઈ કરી શકે તેમ નથી, પણ તેને બદલે વધારે ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, “એ ન્યાયીના રક્ત સંબંધી હું નિર્દોષ છું; હવે એ તમારી ચિંતા છે.”
25ત્યારે સર્વ લોકોએ ઉત્તર દેતાં કહ્યું કે, “એનું રક્ત અમારે માથે તથા અમારા સંતાનને માથે આવે.”
26ત્યારે તેણે બરાબાસને તેઓને માટે છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવા સારુ સોંપ્યો.
27ત્યારે રાજ્યપાલના સિપાઈઓ ઈસુને મહેલમાં લઈ ગયા અને આખી પલટણ તેની આસપાસ એકઠી કરી.
28પછી તેઓએ તેમના વસ્ત્રો ઉતારીને લાલ ઝભ્ભો પહેરાવ્યો.
29તેમના માથા પર કાંટાનો મુગટ ગૂંથીને મૂક્યો, તેમના જમણાં હાથમાં સોટી આપી અને તેમની આગળ ઘૂંટણ ટેકીને તેમના ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, “હે યહૂદીઓના રાજા, સલામ!”
30પછી તેઓ તેમના પર થૂંક્યાં અને સોટી લઈને તેમના માથામાં મારી.
31તેમની ઠઠ્ઠામશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમનો ઝભ્ભો ઉતારીને તેમના પોતાના જ વસ્ત્રો તેમને પહેરાવ્યાં અને વધસ્તંભે જડવાને તેઓ તેમને લઈ ગયા.
32તેઓ બહાર ગયા ત્યારે કુરેનીનો સિમોન નામે એક માણસ તેઓને મળ્યો, જેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ બળજબરીપૂર્વક ઊંચકાવ્યો.
33તેઓ ગલગથા એટલે કે, ‘ખોપરીની જગ્યા’ કહેવાય છે, ત્યાં પહોંચ્યા.
34તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ ચાખ્યાં પછી તેમણે પીવાની ના પાડી.
35ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમના વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં;
36અને તેઓએ ત્યાં બેસીને તેમની ચોકી કરી.
37‘ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.’ એવું તેમના વિરુદ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.
38તેઓએ તેમની સાથે બે ચોરને વધસ્તંભે જડ્યાં, એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ.
39પાસે થઈને જનારાંઓએ પોતાના માથાં હલાવતાં તથા તેમનું અપમાન કરતાં કહ્યું કે,
40“અરે મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો છે તો વધસ્તંભ પરથી ઊતરી આવ.”
41તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સાથે ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે,
42“તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી નથી શક્તો; એ તો ઇઝરાયલનો રાજા છે, તે હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું.
43તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેમને ચાહતો હોય તો હમણાં તેને છોડાવે; કેમ કે તેણે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરનો દીકરો છું.’”
44જે ચોરોને તેમની સાથે વધસ્તંભે જડાવ્યાં હતા, તેઓએ પણ તેમની નિંદા કરી.
45બપોરના લગભગ બાર કલાકથી ત્રણ કલાક સુધી આખા દેશમાં અંધારપટ છવાયો.
46આશરે ત્રણ કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, “એલી, એલી, લમા શબકથની?” એટલે, “ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને શા માટે છોડી દીધો?”
47જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાકે તે સાંભળીને કહ્યું કે, ‘તે એલિયાને બોલાવે છે.’”
48તરત તેઓમાંથી એકે દોડીને વાદળી લઈને સરકાથી ભીંજવી અને લાકડીની ટોચે બાંધીને તેમને ચુસવા આપી.
49પણ બીજાઓએ કહ્યું કે, “રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેમને બચાવવા આવે છે કે નહિ.”
50પછી ઈસુએ બીજી વાર ઊંચે અવાજે બૂમ પાડીને પ્રાણ છોડ્યો.
51ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, પૃથ્વી કાંપી, અને ખડકો ફાટ્યા.
52કબરો ઊઘડી ગઈ અને ઘણાં મરણ પામેલા સંતોનાં શરીર ઊઠ્યાં.
53અને ઈસુના પુનરુત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાંઓને દેખાયા.
54ત્યારે શતપતિ તથા તેની સાથે જેટલાં ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ ગભરાતા કહ્યું કે, “ખરેખર એ ઈશ્વરના દીકરા હતા.”
55ત્યાં ઘણી સ્ત્રીઓ, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેમની પાછળ આવી હતી, તેઓ દૂરથી જોયા કરતી હતી.
56તેઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબની તથા યોસેની મા મરિયમ તથા ઝબદીના દીકરાઓની મા હતી.
57સાંજ પડી ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક શ્રીમંત માણસ આવ્યો, જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો.
58તેણે પિલાત પાસે જઈને ઈસુનું શબ માગ્યું, ત્યારે પિલાતે તે સોંપવાની આજ્ઞા આપી.
59પછી યૂસફે શબ લઈને શણના સ્વચ્છ વસ્ત્રમાં તે વીંટાળ્યું,
60અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂક્યો; અને એક મોટો પથ્થર કબરના દ્વાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો.
61મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી.
62સિદ્ધીકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થયા.
63તેઓએ કહ્યું કે, “સાહેબ, અમને યાદ છે કે, તે છેતરનાર જીવતો હતો ત્યારે કહેતો હતો કે, ‘ત્રણ દિવસ પછી હું પાછો ઊઠીશ.’
64માટે ત્રણ દિવસ સુધી કબરની ચોકી રાખવાની આજ્ઞા કરો, રખેને તેના શિષ્યો આવીને તેને ચોરી જાય અને લોકોને કહે કે, મૂએલાંઓમાંથી તે જી ઊઠ્યો છે અને છેલ્લું કાવતરું પહેલીના કરતાં મોટું થશે.”
65ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, “આ ચોકીદારો લઈને જાઓ અને તમારાથી બની શકે તેવી તેની ચોકી રખાવો.”
66તેથી તેઓ ગયા અને પથ્થરને મહોર મારીને તથા ચોકીદારો બેસાડીને કબરનો જાપ્તો રાખ્યો.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath