માથ્થી 26
1ઈસુએ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું,
2“તમે જાણો છો બે દિવસ પછી પાસ્ખાપર્વ છે, અને માણસના દીકરાને વધસ્તંભે જડાવા સારુ પરાધીન કરાશે.”
3પછી મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકત્ર થયા.
4ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ સંકલ્પ કર્યો.
5પણ તેઓએ કહ્યું કે, “પર્વમાં નહિ, રખેને લોકોમાં હુલ્લડ થાય.”
6ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા,
7તેઓ જમવા બેઠા હતા ત્યારે એક સ્ત્રી અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને તેમની પાસે આવી, અને તેમના માથા ઉપર અત્તર રેડ્યું.
8જયારે તેમના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે, “એ બગાડ શા માટે કર્યો?
9કેમ કે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત અને ગરીબોને અપાત.”
10ત્યારે ઈસુએ તે જાણીને તેઓને કહ્યું કે, “એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે.
11કેમ કે ગરીબો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.
12તેણીએ અત્તર મારા શરીર પર રેડ્યું તે કામ તો મારા દફનની તૈયારીને સારુ કર્યું છે.
13હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ સુવાર્તા આખી દુનિયામાં જ્યાં કહીં પ્રગટ કરાશે ત્યાં એણે જે કર્યું છે તે પણ તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.”
14ત્યારે યહૂદા ઇશ્કારિયોત નામે બાર શિષ્યોમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે,
15“તેને હું તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?” તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવી આપ્યા.
16ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.
17બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તમારે માટે પાસ્ખા ખાવાની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?”
18ત્યારે ઈસુએ કહ્યું કે, “નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ‘ઉપદેશક કહે છે કે “મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સાથે તારે ઘેર પાસ્ખા પાળીશ.’”
19ઈસુએ શિષ્યોને જેવી આજ્ઞા આપી હતી, તેવું તેઓએ કર્યું અને પાસ્ખા તૈયાર કર્યું.
20સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે ઈસુ જમવા બેઠા હતા.
21તેઓ જમતા હતા ત્યારે તેમણે કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંથી એક મને પરસ્વાધીન કરશે.”
22ત્યારે તેઓ ઘણાં દુઃખી થયા અને તેઓમાંનો દરેક તેમને કહેવા લાગ્યો કે, “પ્રભુ, શું તે હું છું?”
23ઈસુએ ઉત્તર દેતાં કહ્યું કે, “જેણે મારી સાથે થાળીમાં હાથ મૂક્યો છે તે જ મને પરાધીન કરશે.
24માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરાધીન કરાય છે, તેને અફસોસ છે! જો તે માણસ જન્મ્યો ન હોત, તો તેને માટે વધારે સારું હોત.”
25ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે, “ગુરુજી, શું તે હું છું?” ઈસુએ તેને કહ્યું કે, “તેં પોતે જ કહ્યું છે.”
26તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને આપીને કહ્યું કે, “લો, ખાઓ, આ મારું શરીર છે.”
27પછી ઈસુએ પ્યાલો લઈને આભાર માન્યો અને તેઓને આપતાં કહ્યું કે, “તમે બધા એમાંથી પીઓ,”
28કેમ કે એ નવા કરારનું મારું રક્ત છે, જે પાપોની માફીને અર્થે ઘણાંઓને માટે વહેવડાવવામાં આવે છે.
29હું તમને કહું છું કે, હું મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી.”
30તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા.
31ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમે બધા આજ રાત્રે મારાથી દૂર થઈ જશો, કેમ કે એમ લખેલું છે કે ‘હું ઘેટાંપાળકને મારીશ અને ટોળાંનાં ઘેટાં વિખેરાઈ જશે.’
32પણ મારા ઊઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.”
33ત્યારે પિતરે ઉત્તર દેતાં ઈસુને કહ્યું કે, “જો બધા તમને ત્યજી દેશે, તોપણ હું તમારાથી દૂર થઈશ નહિ.”
34ઈસુએ તેને કહ્યું, “હું તને નિશ્ચે કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ, ત્રણ વાર તું મારો નકાર કરીશ.”
35પિતરે તેને કહ્યું કે, “જો મારે તમારી સાથે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ.” બધાં શિષ્યોએ પણ તેમ જ કહ્યું.
36ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામની જગ્યાએ આવ્યા અને શિષ્યોને કહ્યું કે, “હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો.”
37પિતરને તથા ઝબદીના બે દીકરાઓને સાથે લઈને ઈસુ પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા.
38પછી ઈસુએ તેઓને કહ્યું કે, “મારો જીવ મરવા જેવો ઘણો દુઃખી છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.”
39પછી તેમણે થોડે દૂર જઈને મુખ નમાવીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”
40પછી ઈસુ શિષ્યોની પાસે આવ્યા અને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહ્યું કે, “શું તમે એક કલાક પણ મારી સાથે જાગતા રહી નથી શકતા?
41તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.”
42બીજી વાર ઈસુએ જઈને પ્રાર્થના કરતા કહ્યું કે, “ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર થઈ ન શકે તો તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”
43ઈસુએ બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી.
44ઈસુ ફરીથી શિષ્યોને મૂકીને પ્રાર્થના કરવા ગયા, અને ત્રીજી વાર એ જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી.
45ત્યારે તેમણે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહ્યું કે, “હજુ પણ તમે ઊંઘો છો અને આરામ કરો છો? જુઓ, સમય પાસે આવ્યો છે, માણસનો દીકરો પાપીઓના હાથમાં પરાધીન કરાય છે.
46ઊઠો આપણે જઈએ; જુઓ, મને પકડાવનાર આવી પહોંચ્યો છે.”
47તે હજી બોલતા હતા, એટલામાં જુઓ, બાર શિષ્યમાંનો એક, એટલે યહૂદા, આવ્યો; તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણાં લોક તલવારો તથા લાકડીઓ લઈને આવ્યા.
48હવે તેમને પરાધીન કરનારે તેઓને નિશાની આપી હતી કે, “હું જેને ચુંબન કરું તે જ તે છે; તેને પકડી લેજો.”
49તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, ‘ગુરુજી સલામ!’ અને તે તેમને ચૂમ્યો.
50ઈસુએ તેને કહ્યું કે, “મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.” ત્યારે તેઓએ પાસે આવીને, ઈસુ પર હાથ નાખીને, તેમની ધરપકડ કરી.
51પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તલવાર ખેંચી કાઢી અને પ્રમુખ યાજકના ચાકર પર હુમલો કરીને તેનો કાન કાપી નાખ્યો.
52ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તારી તલવાર મ્યાનમાં પાછી મૂક; કેમ કે જેઓ તલવાર પકડે છે તેઓ તલવારથી જ નાશ પામશે.
53શું તું ધારે છે કે હું પિતાની પાસે એવું નથી માગી શકતો કે તે હમણાં જ સૈન્યના બાર જૂથો કરતાં વધારે સ્વર્ગદૂતોને મારી પાસે મોકલી દે?
54તો શાસ્ત્રવચનોમાં જે લખેલું છે કે, એવું થવું જોઈએ, તે કેમ પૂરું થશે?”
55તે જ સમયે ઈસુએ લોકોને કહ્યું કે, “તમે તલવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને પકડો તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ ભક્તિસ્થાનમાં બેસીને બોધ કરતો હતો; ત્યારે તમે મને પકડ્યો ન હતો.
56પણ પ્રબોધકોના લેખો પૂર્ણ થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો ઈસુને મૂકીને જતા રહ્યા.
57પછી જેઓએ ઈસુને પકડ્યા, તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા.
58પિતર દૂરથી તેમની પાછળ પ્રમુખ યાજકની આંગણા સુધી ચાલ્યો અને અંદર જઈને ઈસુને શું કરશે તે જોવાને ચોકીદારોની સાથે બેઠો.
59મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ, ઈસુને મારી નાખવાને, તેમની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી.
60જોકે ઘણાં જૂઠા સાક્ષીઓ આવ્યા, પણ તેઓની સાક્ષીઓથી તેઓ સહમત થયા નહિ. પણ પાછળથી બે માણસો આવીને બોલ્યા કે,
61“આ માણસે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરના સભાસ્થાનને પાડી નાખવાને તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધવાને સમર્થ છું.’”
62ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું, “શું તું કંઈ ઉત્તર નથી દેતો? તેઓ તારી વિરુદ્ધ સાક્ષી આપે છે.”
63પણ ઈસુ મૌન રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હું તને જીવતા ઈશ્વરના સમ આપું છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત છે તે તું જ છે કે નહિ, એ અમને કહે.”
64ઈસુએ તેને કહ્યું કે, “તેં જ કહ્યું છે, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણાં હાથ પર બેઠેલા તથા આકાશના વાદળો પર આવતા નિહાળશો.”
65ત્યારે પ્રમુખ યાજકે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે, “તેણે દુર્ભાષણ કર્યું છે. આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, હવે તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે.
66તમે શું વિચારો છો?” તેઓએ ઉત્તર દેતાં કહ્યું કે, “તે મૃત્યુદંડને પાત્ર છે.”
67ત્યારે તેઓએ તેમના મુખ પર થૂંકીને તેમને મુક્કીઓ મારી, અને તેને થપ્પડો મારતાં કહ્યું કે,
68“ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યું એ અમને કહી બતાવ.”
69પિતર બહાર આંગણમાં બેઠો હતો, ત્યારે એક સેવિકાએ તેની પાસે આવીને કહ્યું કે, “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.”
70પણ તેણે સહુની આગળ નકાર કરતાં કહ્યું કે, “તું જે કહે છે તે હું જાણતો નથી.”
71તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજી દાસીએ તેને જોઈને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે, “એ પણ નાસરેથના ઈસુની સંગાથે હતો.”
72પણ તેણે સમ ખાતાં ફરીથી નકાર કર્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.”
73થોડીવાર પછી પાસે ઊભેલાઓએ આવીને પિતરને કહ્યું કે, “ખરેખર તું પણ તેઓમાંનો એક છે, કેમ કે તારી બોલીથી તું ઓળખાય છે.”
74ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.” તરત જ મરઘો બોલ્યો.
75જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, “મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ,” તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath