ખ્રિસ્તી ધર્મ
પાછા

માથ્થી 25

1તો સ્વર્ગનું રાજ્ય દસ કુમારિકાઓ જેવું છે, જેઓ પોતાની મશાલો લઈને વરરાજાને મળવા સારુ બહાર ગઈ.

2તેઓમાંની પાંચ મૂર્ખ હતી અને પાંચ બુદ્ધિમાન હતી.

3મૂર્ખ કુમારિકાઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ;

4પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે કુપ્પીમાં તેલ લીધું.

5વરરાજાને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને નિદ્રાવશ થઈ.

6મધરાતે જાહેરાત થઈ કે, ‘જુઓ, વરરાજા આવ્યો છે! તેને મળવાને નીકળો.’”

7ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઊઠીને પોતાની મશાલો તૈયાર કરી.

8મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું કે, ‘તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મશાલો હોલવાઈ જાય છે.’

9પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘કદાચ અમને તથા તમને પૂરું નહિ પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતાને સારુ તેલ વેચાતું લો.’”

10તેઓ તેલ ખરીદવા ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા, જેઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઈ અને બારણું બંધ કરવામાં આવ્યું.

11પછી મૂર્ખ કુમારિકાઓએ આવીને કહ્યું કે, ‘ઓ સ્વામી, સ્વામી, અમારે સારુ ઉઘાડો.’

12પણ તેણે ઉત્તર દેતાં કહ્યું, ‘હું તમને નિશ્ચે કહું છું કે હું તમને ઓળખતો નથી.’

13માટે તમે જાગતા રહો, કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી.

14કેમ કે તેમનું આવવું એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી.

15એકને તેણે પાંચ તાલંત, બીજાને બે, ત્રીજાને એક એમ દરેકને તેઓની શક્તિ પ્રમાણે આપ્યું; અને તે પરદેશ ગયો.

16પછી જેને પાંચ તાલંત મળ્યા હતા, તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા પાંચ તાલંત કમાયો.

17તેમ જ જેને બે, તે પણ બીજા બે તાલંત કમાયો.

18પણ જેને એક તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાના માલિકનું નાણું દાટી રાખ્યું.

19હવે લાંબી મુદત પછી તે ચાકરોનો માલિક આવ્યો, ત્યારે તેણે તેઓની પાસેથી હિસાબ માગ્યો.

20ત્યારે જેને પાંચ તાલંત મળ્યા હતા તે બીજા પાંચ તાલંત પણ લેતો આવ્યો, તેણે કહ્યું કે, ‘માલિક, તમે મને પાંચ તાલંત સોંપ્યાં હતા; જુઓ, હું તે ઉપરાંત બીજા પાંચ તાલંત કમાયો છું.’

21ત્યારે તેના માલિકે તેને કહ્યું કે, ‘શાબાશ, સારાં તથા વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ. તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.’”

22જેને બે તાલંત મળ્યા હતા, તેણે પણ પાસે આવીને કહ્યું કે, ‘માલિક, તેં મને બે તાલંત સોંપ્યાં હતા; જો, હું તે ઉપરાંત બીજા બે તાલંત કમાયો છું.’

23તેના માલિકે તેને કહ્યું કે, ‘શાબાશ, સારાં તથા વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ. તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.’”

24પછી જેને એક તાલંત મળ્યો હતો, તેણે પણ પાસે આવીને કહ્યું કે, ‘માલિક મેં જોયું કે તું એવો કઠોર માણસ છે કે, જ્યાં તેં નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર અને જ્યાં તેં નથી વેર્યું ત્યાંથી તું એકઠું કરનાર છે.

25માટે મને બીક લાગી અને જઈને તારા તાલંતને મેં જમીનમાં દાટી રાખ્યું. જો, તને તારું તાલંત પાછું પહોંચ્યું છે.

26તેના માલિકે ઉત્તર દેતાં તેને કહ્યું કે, અરે દુષ્ટ તથા આળસુ ચાકર જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું અને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું, એમ તું જાણતો હતો;

27તો તારે મારાં નાણાં શાહુકારોને આપવા જોઈતાં હતા કે હું આવું ત્યારે મને વ્યાજ સાથે પાછા મળત.

28એ માટે તેની પાસેથી તાલંત લઈને જેની પાસે દસ તાલંત છે તેને તે આપો.

29કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે નથી, તેની પાસે જે છે તે પણ લઈ લેવાશે.

30તે નકામા ચાકરને બહારના અંધકારમાં ફેંકી દો. ત્યાં તેણે રડવાનું તથા દાંત પીસવાનું થશે.’”

31જયારે માણસના દીકરા પોતાના મહિમામાં સર્વ પવિત્ર સ્વર્ગદૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે.

32સર્વ દેશજાતિઓ તેમની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે.

33ઘેટાંને તે પોતાને જમણે હાથે, પણ બકરાંને ડાબે હાથે રાખશે.

34ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે, ‘મારા પિતાના આશીર્વાદિતો તમે આવો, જે રાજ્ય સૃષ્ટિનો પાયો નાખ્યા અગાઉ તમારે સારુ તૈયાર કરેલું છે તેનો વારસો લો.

35કેમ કે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને ખવડાવ્યું; હું તરસ્યો હતો, ત્યારે તમે મને કંઈક પીવા માટે આપ્યું; હું પારકો હતો; ત્યારે તમે મને અતિથિ તરીકે રાખ્યો;

36હું નિર્વસ્ત્ર હતો, ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં; હું માંદો હતો ત્યારે તમે મારી ચાકરી કરી; હું જેલમાં હતો, ત્યારે તમે મને મળવા આવ્યા.’”

37ત્યારે ન્યાયીઓ તેમને ઉત્તર આપશે કે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા જોઈને ખવડાવ્યું, તરસ્યા જોઈને કંઈક પીવા માટે આપ્યું?

38ક્યારે અમે તમને પારકા જોઈને અતિથિ રાખ્યા, નિર્વસ્ત્ર જોઈને વસ્ત્ર પહેરાવ્યાં?

39ક્યારે અમે તમને માંદા અથવા જેલમાં જોઈને તમને મળવા આવ્યા?’

40ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ મારા ભાઈઓમાંના બહુ નાનાંઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’”

41પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે, ‘ઓ શાપિતો, જે અનંતઅગ્નિ શેતાન તથા તેના દૂતોને સારુ તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ,

42કેમ કે હું ભૂખ્યો હતો, પણ તમે મને ખવડાવ્યું નહિ, હું તરસ્યો હતો, પણ તમે મને કંઈક પીવા માટે આપ્યું નહિ;

43હું પારકો હતો, પણ તમે મને અતિથિ રાખ્યો નહિ; નિર્વસ્ત્ર હતો, પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યાં નહિ; માંદો તથા જેલમાં હતો, પણ તમે મારી ચાકરી કરી નહિ.’”

44ત્યારે તેઓ પણ તેમને ઉત્તર આપશે કે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા, તરસ્યા, પારકા, નિર્વસ્ત્ર, માંદા કે જેલમાં જોઈને તમારી સેવા નથી કરી?’

45ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપશે કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહિ, એટલે તે મને કર્યું નહિ.’

46તેઓ અનંતકાળિક સજા માટે જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં પ્રવેશશે.”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath