માથ્થી 24
1ઈસુ ભક્તિસ્થાનમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને ભક્તિસ્થાનમાંનાં બાંધકામો બતાવવાને પાસે આવ્યા.
2ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “શું તમે એ બધા નથી જોતાં? હું તમને નિશ્ચે કહું છું કે, આ બધું તોડી નાખવામાં આવશે, એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.”
3પછી જૈતૂનનાં પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, “એ બધું ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.”
4ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમને કોઈ ન ભુલાવે માટે સાવધાન રહો.
5કેમ કે મારે નામે ઘણાં એમ કહેતાં આવશે કે, ‘હું ખ્રિસ્ત છું;’ અને ઘણાંને છેતરશે.
6યુધ્ધો તથા યુધ્ધોની અફવાઓ તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહિ આવે.
7કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુષ્કાળો તથા જગ્યા જગ્યાએ ધરતીકંપો થશે.
8પણ આ બધાં તો માત્ર મહાદુઃખનો આરંભ છે.
9ત્યારે તેઓ તમને શિક્ષા માટે સોંપશે અને તમને મારી નાખશે. મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે.
10અને તે સમયે ઘણાં લોકો વિશ્વાસ ગુમાવશે, અને એકબીજાને પરાધીન કરાવશે અને એકબીજા પર વૈર કરશે.
11ઘણાં જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને ઘણાંને ભુલાવામાં નાખશે.
12દુષ્ટતા વધી જવાના કારણથી ઘણાંખરાનો પ્રેમ ઠંડો થઈ જશે.
13પણ જે અંત સુધી ટકશે તે ઉદ્ધાર પામશે.
14સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.
15માટે પાયમાલીની ધિક્કારપાત્રતા જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જયારે તમે પવિત્રસ્થાને ઊભેલી જુઓ (વાચક તેનો અર્થ સમજે),
16ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય,
17અગાશી પર જે હોય તે પોતાના ઘરનો સામાન લેવાને ન ઊતરે,
18અને જે ખેતરમાં હોય તે પોતાનાં વસ્ત્ર લેવાને પાછો ન આવે.
19તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને જેઓ સ્તનપાન કરાવતી હોય, તેઓને અફસોસ છે!
20પણ તમારું નાસવાનું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો.
21કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી આવી નથી, અને કદી આવશે પણ નહિ.
22જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ માણસ બચી ન શકત; પણ પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરાશે.
23ત્યારે જો કોઈ તમને કહે કે, ‘જુઓ, ખ્રિસ્ત અહીં છે!’ અથવા ‘ખ્રિસ્ત ત્યાં છે!’ તો તમે માનશો નહિ.
24કેમ કે જૂઠા મસીહ તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને મોટા ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવી શકે.
25જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે.
26એ માટે જો તેઓ તમને કહે કે, ‘જુઓ, તે અરણ્યમાં છે,’ તો બહાર જતા નહીં; કે જુઓ, તે ઓરડીઓમાં છે,’ તો માનતા નહિ.
27કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આગમન થશે.
28જ્યાં મૃતદેહ હોય, ત્યાં ગીધો એકઠાં થશે.
29તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઈ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશના પરાક્રમો હલાવાશે.
30પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત તેઓ આકાશના વાદળ પર આવતા જોશે.
31રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે.
32હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જયારે તેની ડાળી કુમળી થઈ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે.
33એમ જ તમે પણ જયારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે, તે પાસે એટલે બારણા આગળ જ છે.
34હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ.
35આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
36પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.
37જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે.
38કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા;
39અને જળપ્રલય આવીને બધાને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.
40તે સમયે બે માણસ ખેતરમાં હશે તેમાંનો એક લેવાશે તથા બીજો પડતો મુકાશે.
41બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે તેમાંની એક લેવાશે અને બીજી પડતી મુકાશે.
42માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારા પ્રભુ આવી રહ્યા છે.
43પણ જાણો કે ચોર કયા પહોરે આવશે એ જો ઘરનો માલિક જાણતો હોત, તો તે જાગતો રહેત અને પોતાના ઘરમાં તેને ચોરી કરવા ન દેત.
44એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો આવશે.
45તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાને સમયસર ખાવાનું આપવા સારુ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે?
46જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જોશે, તે ચાકર આશીર્વાદિત છે.
47હું તમને સાચું કહું છું કે, તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.
48પણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાના મનમાં કહે કે, ‘મારા માલિકને આવવાની વાર છે;’
49અને તે બીજા દાસોને મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે;
50તો જે દિવસે તે તેની રાહ જોતો નહિ હોય અને જે સમય તે જાણતો નહિ હોય તે જ સમયે તેનો માલિક આવશે.
51તે તેને ખરાબ રીતે સજા કરશે તથા તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવાનું તથા દાંત પીસવાનું થશે.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath