ખ્રિસ્તી ધર્મ
પાછા

માથ્થી 23

1ત્યારે ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે,

2“શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે;

3એ માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કાર્યોને ન અનુસરો, કેમ કે તેઓ કહે છે, તે પ્રમાણે કરતા નથી.

4કેમ કે ભારે અને પાળવા મુશ્કેલ પડે એવા બોજા તેઓ માણસોની પીઠ પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની આંગળીથી પણ તેને ખસેડવા ઇચ્છતા નથી.’

5લોકો તેઓને જુએ તે હેતુથી તેઓ પોતાનાં સઘળાં કામ કરે છે; તેઓ પોતાનાં સ્મરણપત્રોની પેટી પહોળી બનાવે છે તથા પોતાનાં વસ્ત્રોની કોરની ઝાલર વધારે છે.

6વળી જમણવારોમાં મુખ્ય જગ્યાઓ, સભાસ્થાનોમાં મુખ્ય આસનો,

7તથા ચોકમાં સલામો તથા માણસો તેઓને ‘ગુરુ’ કહે, તેવું તેઓ ચાહે છે.

8પણ તમે પોતાને ‘ગુરુ’ ન કહેવડાવો; કેમ કે તમારો એક જ ગુરુ છે અને તમે સઘળાં ભાઈઓ છો.

9પૃથ્વી પર તમે કોઈ માણસને તમારા પિતા ન કહો, કેમ કે એક જે સ્વર્ગમાં છે, તે તમારા પિતા છે.

10તમે પોતાને ‘શિક્ષક’ પણ ન કહેવડાવો, કેમ કે એક, જે ખ્રિસ્ત, તે તમારા શિક્ષક છે.

11પણ તમારામાં જે મોટો છે તે તમારો ચાકર થશે.

12જે કોઈ પોતાને ઊંચો કરશે, તેને નીચો કરાશે; જે કોઈ પોતાને નીચો કરશે, તેને ઊંચો કરાશે.

13ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, અને જેઓ પ્રવેશવા ચાહે છે તેઓને તમે પ્રવેશવા દેતા નથી.

14(ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે વિધવાઓનાં ઘર ખાઈ જાઓ છો, દેખાડા માટે લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે માટે તમે મોટી સજા ભોગવશો.)

15ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય બનાવવા સારુ તમે સમુદ્ર તથા પૃથ્વીમાં ફર્યા કરો છો; અને તેવું થાય છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.

16ઓ અંધજનોને દોરનારાઓ, તમને અફસોસ છે; તમે કહો છો કે, ‘જો કોઈ ભક્તિસ્થાનના સમ ખાય, તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ ભક્તિસ્થાનના સોનાનાં સમ ખાય તો તેથી બંધાયેલો છે.’

17ઓ મૂર્ખો તથા અંધજનો, વિશેષ મોટું કયું? સોનું કે સોનાને પવિત્ર કરનારું ભક્તિસ્થાન?

18અને તમે કહો છો કે, ‘જો કોઈ યજ્ઞવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ તે પરના અર્પણના સમ ખાય તો તે તેથી બંધાયલો છે.’

19ઓ અંધજનો, વિશેષ મોટું કયું? અર્પણ કે અર્પણને પવિત્ર કરનારી યજ્ઞવેદી?

20એ માટે જે કોઈ યજ્ઞવેદીના સમ ખાય છે, તે તેના તથા જે બધું તેના પર છે તેના પણ સમ ખાય છે.

21જે કોઈ ભક્તિસ્થાનના સમ ખાય છે, તે તેના તથા તેમાં જે રહે છે તેના પણ સમ ખાય છે.

22જે સ્વર્ગના સમ ખાય છે, તે ઈશ્વરના રાજ્યાસનના તથા તે પર બિરાજનારના પણ સમ ખાય છે.

23ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો, સૂવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની અગત્યની વાતો, એટલે ન્યાય, દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, અને એની સાથે તે પણ પડતાં મૂકવા જોઈતાં ન હતાં.

24ઓ અંધજનોને દોરનારાઓ, તમે માખીને દૂર કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો!

25ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ તમને અફસોસ છે! કેમ કે તમે થાળી અને વાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની અંદર જુલમ તથા ભોગવિલાસ ભરેલા છે.

26ઓ આંધળા ફરોશી, તું પહેલાં થાળી અને વાટકો અંદરથી સાફ કર કે, જેથી તે બહારથી પણ સાફ થઈ જાય.

27ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મૃતકનાં હાડકાં તથા દરેક અશુદ્ધિથી ભરેલી છે.

28તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગથી તથા દુષ્ટતાથી ભરેલા છો.

29ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો.

30તમે કહો છો કે, ‘જો અમે અમારા પૂર્વજોના સમયોમાં હોત, તો તેઓની સાથે પ્રબોધકોની હત્યામાં ભાગીદાર ન થાત.’

31તેથી તમે પોતાના સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો.

32તો તમારા પૂર્વજોના બાકી રહેલાં માપ પૂરા કરો.

33ઓ સર્પો, સાપોના વંશ, નર્કની શિક્ષાથી તમે કેવી રીતે બચશો?

34તેથી જુઓ, પ્રબોધકોને, જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, તમે તેઓમાંના કેટલાકને મારી નાખશો, વધસ્તંભે જડશો, તેઓમાંના કેટલાકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો અને નગરેનગર તેઓની પાછળ લાગશો.

35કે ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા, જેને મંદિરની તથા યજ્ઞવેદીની વચ્ચે તમે મારી નાખ્યો હતો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે.

36હું તમને નિશ્ચે કહું છું કે, એ બધું આ પેઢીને શિરે આવશે.

37ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!

38જુઓ, તમારે સારુ તમારું ઘર ઉજ્જડ કરી દીધું.

39કેમ કે હું તમને કહું છું કે, ‘જ્યાં સુધી તમે એમ નહિ કહો કે, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, ત્યાં સુધી હવેથી તમે મને નહિ જ દેખશો.’”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath