ખ્રિસ્તી ધર્મ
પાછા

માથ્થી 22

1ઈસુએ ફરીથી તેઓને દ્રષ્ટાંતમાં કહ્યું કે,

2“સ્વર્ગનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનો ભોજન સમારંભ યોજ્યો.

3ભોજન માટે આમંત્રિતોને બોલાવવા તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહિ.

4ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું કે, ‘આમંત્રિતોને કહો, “જુઓ, મેં મારું ભોજન તૈયાર કર્યું છે, મારા બળદો તથા પુષ્ટ પ્રાણીઓ કાપ્યાં છે અને સઘળી ચીજો તૈયાર છે, લગ્નમાં આવો.’”

5પણ તેઓએ તે ગણકાર્યું નહિ; તેઓ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા, કોઈ તેના પોતાના ખેતરમાં અને કોઈ પોતાના વેપાર પર.

6બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા અને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા.

7તેથી રાજા ગુસ્સે થયો, તેણે પોતાનું લશ્કર મોકલીને તે હત્યારાઓનો નાશ કર્યો અને તેઓનું નગર બાળી નાખ્યું.

8પછી તેણે પોતાના ચાકરોને કહ્યું કે, ‘લગ્નનું ભોજન તૈયાર છે ખરું, પણ આમંત્રિતો યોગ્ય નહોતા.

9એ માટે તમે રસ્તાઓનાં નાકા પર જાઓ અને જેટલાં તમને મળે તેટલાંને ભોજન સમારંભમાં બોલાવો.’

10તે ચાકરોએ બહાર રસ્તાઓમાં જઈને સારાં-નરસાં જેટલાં તેઓને મળ્યા તે સર્વને એકત્ર કર્યા, એટલે મહેમાનોથી ભોજન સમારંભ ભરાઈ ગયો.

11મહેમાનોને જોવા સારુ રાજા અંદર આવ્યા, ત્યારે તેમણે ત્યાં લગ્નના વસ્ત્રો પહેર્યા વગરના એક માણસને જોયો.

12ત્યારે તે તેને કહે છે કે, ‘ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?’ તે ચૂપ રહ્યો.

13ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે, ‘તેના હાથપગ બાંધીને તેને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું અને દાંત પીસવું થશે.’

14કેમ કે નિમંત્રિત ઘણાં છે, પણ પસંદ કરેલા થોડા છે.”

15ત્યાર પછી ફરોશીઓએ જઈને ઈસુને શી રીતે વાતમાં ફસાવવા, એ સંબંધી મનસૂબો કર્યો.

16પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું કે, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તમે સાચા છો, સત્યથી ઈશ્વરનો માર્ગ શીખવો છો અને તમે કોઈની પરવા કરતા નથી, કેમ કે તમે માણસો વચ્ચે પક્ષપાત કરતા નથી.

17માટે તમે શું ધારો છો? કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ, તે અમને કહો?”

18પણ ઈસુએ તેઓનો દુષ્ટ ઇરાદો જાણીને કહ્યું કે, “ઓ ઢોંગીઓ, તમે મારી પરીક્ષા કેમ કરો છો?

19કરનું નાણું મને બતાવો.” ત્યારે તેઓ એક દીનાર તેમની પાસે લાવ્યા.

20ઈસુએ તેઓને કહ્યું કે, “આ ચિત્ર તથા લેખ કોનાં છે?”

21તેઓએ તેમને કહ્યું કે, ‘કાઈસારનાં.’ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરનાં તે ઈશ્વરને ભરી આપો.

22એ સાંભળીને તેઓ આશ્ચર્ય પામ્યા, અને તેમને મૂકીને ચાલ્યા ગયા.

23તે જ દિવસે સદૂકીઓ, જેઓ કહે છે કે મૃત્યુ બાદ પુનરુત્થાન નથી, તેઓએ તેમની પાસે આવીને પૂછ્યું,

24“ઓ ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, ‘જો કોઈ પુરુષ નિઃસંતાન મરી જાય, તો તેનો ભાઈ તેની સ્ત્રીની સાથે લગ્ન કરીને પોતાના ભાઈને સારુ વંશ ઉપજાવે.’”

25તો અમારામાં સાત ભાઈ હતા, અને પ્રથમ લગ્ન કરીને મરણ પામ્યો. તે નિઃસંતાન હોવાથી પોતાના ભાઈને સારુ પોતાની પત્ની મૂકી ગયો.

26તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ સાતેય મરણ પામ્યા.

27સહુથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી.

28એ માટે પુનરુત્થાન પામેલા પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમ કે તે બધા ભાઈઓની પત્ની થઈ હતી.”

29ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે, “પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાંને લીધે તમે ભૂલ ખાઓ છો.

30કેમ કે પુનરુત્થાન બાદ તેઓ લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંના સ્વર્ગદૂતો જેવા હોય છે.

31પણ મરણ પામેલાંઓના પુનરુત્થાન સંબંધી, ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું?

32‘હું ઇબ્રાહિમનો, ઇસહાકનો તથા યાકૂબનો ઈશ્વર છું;’ તેઓ મરણ પામેલાઓના નહિ પણ જીવતાંઓના ઈશ્વર છે.”

33લોકો તે સાંભળીને તેમના બોધથી આશ્ચર્ય પામ્યા.

34જયારે ફરોશીઓએ સાંભળ્યું કે તેમણે સદૂકીઓના મોં બંધ કર્યા ત્યારે તેઓ એકઠા થયા.

35તેઓમાંથી એક શાસ્ત્રીએ તેમની પરીક્ષા કરવા સારુ તેમને પૂછ્યું કે,

36“ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?”

37ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.’

38પહેલી અને મોટી આજ્ઞા તે છે.

39બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે ‘જેવો સ્વયં પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ કર.’

40આ બે આજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.”

41હવે ફરોશીઓ એકઠા મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું કે,

42“ખ્રિસ્ત સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે?” તેઓએ તેમને કહ્યું કે, ‘દાઉદનો.’”

43ઈસુએ તેઓને કહ્યું, “તો પવિત્ર આત્મા વડે દાઉદ તેમને પ્રભુ કેમ કહે છે?’

44જેમ કે, ‘પ્રભુ ઈશ્વરે મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’”

45હવે જો દાઉદ તેમને ‘પ્રભુ’ કહે છે, તો તે કેવી રીતે તેનો દીકરો કહેવાય?”

46એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેમને આપી શકયું નહિ, વળી તે દિવસથી કોઈએ તેમને કંઈ પૂછવાની હિંમત કરી નહિ.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath