ખ્રિસ્તી ધર્મ
પાછા

લૂક 8

1થોડા સમય પછી ઈસુએ શહેરેશહેર તથા ગામેગામ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરી અને બાર શિષ્યો પણ તેમની સાથે હતા,

2કેટલીક સ્ત્રીઓને દુષ્ટાત્માઓથી તથા રોગોથી સાજી કરવામાં આવી હતી, તેઓમાં જેનાંમાંથી સાત દુષ્ટાત્માઓને કાઢવામાં આવ્યા હતા તે મગ્દલાની મરિયમ,

3હેરોદના કારભારી ખોઝાની પત્ની યોહાન્ના, સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ, જેઓ પોતાના નાણાં વાપરીને ઈસુની સેવા કરતી હતી તેઓ પણ તેમની સાથે હતી.

4જયારે ઘણાં લોકો એકઠા થયા, અને શહેરે શહેરના લોક તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે દ્રષ્ટાંત કહ્યું કે,

5‘એક માણસ બીજ વાવવાને ગયો, વાવતાં વાવતાં કેટલાક બીજ માર્ગની કોરે પડ્યાં. તે પગ નીચે કચરાઈ ગયા અને આકાશના પક્ષીઓ તે બીજ ખાઈ ગયા.

6બીજાં બીજ પથ્થરવાળી જમીન પર પડયાં અને ઊગ્યાં તેવા જ તે ચીમળાઈ ગયા, કારણ, ત્યાં ભેજ નહોતો.

7કેટલાક બીજ કાંટાનાં જાળાંમાં પડ્યાં; અને કાંટાનાં જાળાંએ વધીને તેઓને દાબી નાખ્યાં.

8વળી બીજાં બીજ સારી જમીનમાં પડ્યાં, તે ઊગ્યાં અને તેને સોગણો પાક થયો,’ એ વાતો કહેતાં ઈસુએ ઊંચા અવાજે કહ્યું કે, જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”

9તેમના શિષ્યોએ ઈસુને પૂછ્યું કે, ‘એ દ્રષ્ટાંતનો અર્થ શો છે?’”

10ઈસુએ કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ બીજાઓને દ્રષ્ટાંતોમાં, કે જેથી જોતાં તેઓ જુએ નહિ, ને સાંભળતાં તેઓ સમજે નહિ.

11હવે દ્રષ્ટાંતનો અર્થ આ છે; બીજ તો ઈશ્વરનું વચન છે.

12અને માર્ગની કોર પરનાં તો સાંભળનારાં માણસો છે; પછી શેતાન આવીને તેઓનાં મનમાંથી સંદેશ લઈ જાય છે, એ માટે કે તેઓ વિશ્વાસ ન કરે અને ઉદ્ધાર ન પામે.

13પથ્થર પર પડેલાં બીજ તો એ છે કે, જેઓ સાંભળીને સંદેશને આનંદથી માની લે છે; અને તેઓને મૂળ કે આધાર ન હોવાથી, તેઓ થોડીવાર સુધી વિશ્વાસ કરે છે, પણ પરીક્ષણના સમયે પાછા હઠી જાય છે.

14કાંટાઓમાં પડેલાં બી એ છે કે, જેઓએ સંદેશ સાંભળ્યો છે, પણ પોતાને માર્ગે ચાલતાં ભૌતિક જગતની ચિંતાઓ તથા દ્રવ્ય તથા વિલાસથી તે દબાઈ જાય છે, અને તેઓને પાકું ફળ આવતું નથી.

15અને સારી જમીનમાં પડેલાં એ છે કે, જેઓ સંદેશો સાંભળીને પ્રમાણિક તથા સારાં હૃદયથી વાત ગ્રહણ કરે છે, અને ધીરજથી ફળ આપે છે.

16વળી કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણ નીચે ઢાંકતો નથી, અથવા ખાટલા નીચે મૂકતો નથી; પણ તેને દીવી પર મૂકે છે કે અંદર આવનારાઓને અજવાળું મળે.

17કારણ કે, એવી કોઈ છૂપી વસ્તુ નથી કે તે ખુલ્લી નહિ થાય અને જણાશે નહિ, તથા ઉધાડું થશે નહિ, એવું કંઈ ગુપ્ત નથી.

18માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો; કેમ કે જેની પાસે છે તેને અપાશે; અને જેની પાસે નથી તેની પાસેથી તેનું જે છે તે પણ લઈ લેવાશે.’”

19ઈસુનાં મા તથા ભાઈઓ તેમની પાસે આવ્યાં, પણ લોકોની ભીડને લીધે તેઓ તેમની પાસે જઈ શક્યા નહિ.

20અને ઈસુને કોઈએ ખબર આપી કે, ‘તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા રહ્યાં છે, અને તમને મળવા માગે છે.’”

21પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, ‘આ જેઓ ઈશ્વરનાં વચનને સાંભળે છે તથા પાળે છે તેઓ મારાં મા તથા ભાઈઓ છે.’”

22એક દિવસે એમ થયું કે, ઈસુ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેઠા; ત્યારે ઈસુએ શિષ્યોને કહ્યું કે, ‘આપણે સરોવરને સામે પાર જઈએ;’ અને તેઓ નીકળ્યા.

23અને તેઓ હંકારતા હતા એટલામાં ઈસુ ઊંધી ગયા; અને સરોવર પર પવનનું ભારે તોફાન આવ્યું; પાણીથી હોડી ભરાઈ જવા લાગી, ને તેઓ જોખમમાં આવી પડ્યા.

24એટલે શિષ્યો ઈસુ પાસે આવ્યા, અને તેમને જગાડીને કહ્યું કે, ‘ગુરુજી ગુરુજી, અમે નાશ પામીએ છીએ!’ ત્યારે તેમણે ઊભા થઈને પવનને તથા પાણીનાં મોજાંને ધમકાવ્યાં, એટલે તોફાન બંધ થયું અને શાંતિ થઈ.

25ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારો વિશ્વાસ ક્યાં છે?’ તેઓ ભયથી આશ્ચર્ય પામ્યા અને એકબીજાને કહેવા લાગ્યા કે, ‘આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે અને તે તેમનું માને છે?’”

26ગાલીલને પેલે પાર આવેલા ગેરાસાનીઓના દેશમાં તેઓ પહોંચ્યા.

27પછી ઈસુ કિનારે ઊતર્યા, ત્યારે શહેરમાંથી એક માણસ તેમની સામે આવ્યો. તેને દુષ્ટાત્માઓ વળગેલો હતો; ઘણાં સમયથી તે પોતાનાં વસ્ત્રો પહેરતો ન હતો. અને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો.

28તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો અને મોટે ઘાંટે કહ્યું કે, ‘ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે મને પીડા ન દો.’”

29કારણ કે ઈસુએ અશુદ્ધ આત્માને તે માણસમાંથી બહાર નીકળવાની આજ્ઞા કરી હતી. એ દુષ્ટાત્મા તે માણસને વારંવાર વળગ્યા કરતો હતો; અને તેઓ તેને સાંકળોથી તથા બેડીઓથી બાંધતા, પણ તે બંધનો તોડી નાખતો અને દુષ્ટાત્મા તેને જંગલમાં લઈ જતો હતો.

30ઈસુએ તેને પૂછ્યું કે, ‘તારું નામ શું છે?’ તેણે કહ્યું કે, ‘સેના,’ કેમ કે તેનામાં ઘણાં દુષ્ટાત્માઓ હતાં.

31દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી કે, ‘અમને નીકળીને અનંતઊંડાણમાં જવાનો હુકમ ન કરો.’”

32હવે ત્યાં ઘણાં ભૂંડોનું ટોળું પર્વતની બાજુ પર ચરતું હતું; અને તેઓએ તેમને વિનંતી કરી કે, અમને ‘તેઓમાં પેસવાની રજા આપો.’ ઈસુએ તેઓને રજા આપી.

33દુષ્ટાત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં ગયાં; અને ટોળું ટેકરા ઉપરથી સમુદ્રમાં પડી ગયું અને ડૂબી મર્યું.

34જે થયું તે જોઈને ભૂંડ ચરાવનારા ભાગ્યા, અને શહેરમાં તથા ગામડાંઓમાં જઈને તે વિષે ખબર આપી.

35જે થયું તે જોવા સારુ લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા; ત્યારે જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યાં હતાં તેને તેઓએ વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો; અને તેઓ ભયભીત થયા.

36દુષ્ટાત્મા વળગેલો માણસ શી રીતે સાજો થયો, તે જેઓએ જોયું હતું તેઓએ તેમને કહી જણાવ્યું.

37ગેરાસાનીઓની આસપાસના દેશમાં સર્વ લોકોએ ઈસુને વિનંતી કરી કે, ‘અમારી પાસેથી ચાલ્યા જાઓ.’ તેઓ ખૂબ ડરી ગયા હતા. પછી હોડીમાં બેસીને તે પાછા ગયા.

38પણ જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યા હતા તેણે તેમની સાથે રહેવા સારુ વિનંતી કરી; પણ ઈસુએ તેને વિદાય કરતાં કહ્યું કે,

39‘તારે ઘરે પાછો જા, અને ઈશ્વરે તારે માટે કેવાં મોટાં કામ કર્યાં છે તે કહી જણાવ.’ અને તેણે જઈને ઈસુએ કેવાં મોટાં કામ તેને સારુ કર્યા હતાં, તે આખા શહેરમાં કહી જણાવ્યું.

40ઈસુ પાછા આવ્યા, ત્યારે લોકોએ તેમનો આવકાર કર્યો; કેમ કે બધા ઈસુની રાહ જોતાં હતા.

41જુઓ, યાઈરસ નામે એક માણસ આવ્યો, અને તે સભાસ્થાનનો અધિકારી હતો; અને તેણે ઈસુને પગે પડીને તેને વિનંતી કરી કે, ‘મારે ઘરે પધારો.’”

42કેમ કે તેને આશરે બાર વર્ષની એકની એક દીકરી હતી અને તે મરવાની અણી પર હતી. ઈસુ જતા હતા તે દરમિયાન ઘણાં લોકોએ તેમના પર પડાપડી કરી.

43એક સ્ત્રીને બાર વર્ષથી લોહીવાનો રોગ થયો હતો, અને તેણે પોતાનાં બધાં નાણાં વૈદો પાછળ ખરચી નાખ્યાં હતાં પણ કોઈ તેનો રોગ મટાડી શક્યા ન હતા.

44તે ઈસુની પાછળ આવીને તેમના ઝભ્ભાની કોરને સ્પર્શી, અને તરત તેનો લોહીવા બંધ થયો.

45ઈસુએ કહ્યું કે, ‘મને કોણે સ્પર્શ કર્યો? અને બધાએ ના પાડી, ત્યારે પિતર તથા જે તેની સાથે હતા તેઓએ કહ્યું કે, ‘ગુરુ, ઘણાં લોકો તમારા ઉપર પડાપડી કરે છે, અને તમને દબાવી દે છે.’”

46પણ ઈસુએ કહ્યું કે, ‘કોઈ મને અડક્યું ખરું; કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી.’”

47જયારે તે સ્ત્રીએ જાણ્યું કે હું છૂપી રહી શકી નહિ, ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમને પગે પડીને શા કારણથી તેણે તેમને સ્પર્શ કર્યો હતો અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ ઈસુને કહી સંભળાવ્યું.

48ઈસુએ તેને કહ્યું કે, ‘દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિએ જા.’”

49ઈસુ હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી એક માણસે આવીને તેને કહ્યું કે, ‘તારી દીકરી મરી ગઈ છે, ગુરુને તસ્દી ન આપીશ.’”

50પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, ‘ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ કર, અને તારી દીકરી સાજી થશે.’”

51ઈસુ ઘરમાં પહોંચ્યા, ત્યારે પિતર, યાકૂબ, યોહાન, અને છોકરીનાં માબાપ સિવાય ઈસુએ કોઈને પોતાની સાથે આવવા દીધાં નહિ.

52ત્યાં બધાં લોકો છોકરી પાછળ રડતાં તથા વિલાપ કરતાં હતાં; પણ ઈસુએ કહ્યું કે, રડશો નહિ; તે મરી ગઈ નથી, પણ ઊંઘે છે.

53તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ ઈસુને હસી કાઢ્યાં.

54પણ ઈસુએ તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું કે, ‘દીકરી, ઊઠ.’”

55અને તેનો આત્મા પાછો આવ્યો, અને તે તરત ઊભી થઈ. અને ઈસુએ તે છોકરીને ખાવાનું આપવાનો હુકમ કર્યો.

56તેનાં માબાપ આશ્ચર્યચકિત થયાં; પણ તેણે તેઓને તાકીદ કરી કે, ‘જે થયું તે વિષે કોઈને કશું કહેશો નહિ.’”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath