ખ્રિસ્તી ધર્મ
પાછા

લૂક 16

1પછી ઈસુએ શિષ્યોને પણ કહ્યું કે, ‘એક શ્રીમંત માણસ હતો, તેણે એક કારભારી રાખ્યો; અને શ્રીમંતની આગળ કારભારી પર એવો આરોપ મૂકવામાં આવ્યો કે, તે તમારી મિલકત ઉડાવી દે છે.

2અને તેણે તેને બોલાવીને કહ્યું કે, આ જે તારે વિષે હું સાંભળું છું તે શું છે? તારા વહીવટનો હિસાબ આપ; કેમ કે હવેથી તું કારભારી રહી શકશે નહિ.

3કારભારીએ પોતાના મનમાં કહ્યું કે, હું શું કરું? કેમ કે મારો માલિક મારી પાસેથી કારભાર લઈ લે છે. મારામાં મજૂરી કરવાની શકતી નથી; ભીખ માગતાં મને શરમ લાગે છે.

4તે મને કારભારમાંથી કાઢી મૂકે ત્યારે લોકો મારા સાથમાં રહે તે માટે શું કરવું તેની મને સૂઝ પડે છે.

5તેણે પોતાના માલિકના દરેક કરજદારને બોલાવ્યા. તેમાંના પહેલાને કહ્યું કે, મારા માલિકનું તારે કેટલું દેવું છે?

6અને તેણે કહ્યું કે, સો માપ તેલ. અને તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને જલદી બેસીને પચાસ લખ.

7પછી તેણે બીજાને કહ્યું કે, તારે કેટલું દેવું છે? અને તેણે કહ્યું કે, સો માપ ઘઉં, તેણે તેને કહ્યું કે, તારું ખાતું લે, અને એંસી લખ.

8તેના માલિકે અન્યાયી કારભારીનાં વખાણ કર્યાં, કારણ કે તે હોશિયારીથી વર્ત્યો હતો; કેમ કે આ જગતના દીકરા પોતાની પેઢી વિષે અજવાળાનાં દીકરા કરતાં વધારે હોશિયાર હોય છે.

9અને હું તમને કહું છું કે, અન્યાયીપણાના દ્રવ્ય વડે પોતાને સારુ મિત્રો કરો, કે જયારે તે થઈ રહે, ત્યારે તેઓ અનંતકાળના રહેઠાણોમાં તમારો અંગીકાર કરે.

10જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણાંમાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણાંમાં પણ અન્યાયી છે.

11માટે જો અન્યાયી દ્રવ્યમાં તમે વિશ્વાસુ ન થયા હો, તો ખરું દ્રવ્ય તમને કોણ સોંપશે?

12જો તમે બીજાના દ્રવ્ય સંબંધી વિશ્વાસુ ન થયા હો, તો જે તમારું પોતાનું તે કોણ તમને સોંપશે?

13કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી; કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ.

14અને ફરોશીઓ જેઓ દ્રવ્યના લોભી હતા તેઓએ તે સઘળી વાતો સાંભળીને ઈસુની મશ્કરી કરી.

15ઈસુએ તેઓને કહ્યું કે, માણસોની આગળ તમે પોતાને ન્યાયી બતાવો છો, પણ ઈશ્વર તમારાં હૃદય જાણે છે; કેમ કે માણસોમાં જે ઉત્તમ ગણેલું છે તે ઈશ્વરની દ્રષ્ટિમાં ધિક્કારપાત્ર છે.

16નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાનના સમય સુધી હતા; તે સમયથી ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરાય છે, અને દરેક માણસ તેમાં જબરદસ્તીથી પ્રવેશવા મથે છે.

17પણ નિયમશાસ્ત્રની એક પણ માત્રા રદ થાય, તે કરતાં આકાશ તથા પૃથ્વીને જતું રહેવું સહેલ છે.

18જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે, અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે, તે વ્યભિચાર કરે છે.

19એક શ્રીમંત માણસ હતો, તે કિરમજી રંગના વણાયેલા કિંમતી વસ્ત્ર પહેરતો હતો, અને નિત્ય મોજમઝામાં રહેતો હતો.

20લાજરસ નામે એક ભિખારી જેને આખા શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડી રહેતો હતો.

21શ્રીમંતની મેજ પરથી પડેલા ભોંયમાંના કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો; વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા.

22પછી એમ થયું કે તે ભિખારી મરણ પામ્યો, સ્વર્ગદૂતો તેને ઇબ્રાહિમની ગોદમાં લઈ ગયા; અને શ્રીમંત માણસ પણ મરણ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો.

23પાતાળમાં પીડા ભોગવતાં તેણે પોતાની આંખો ઊંચી કરીને દૂરથી ઇબ્રાહિમને તથા તેના ખોળામાં લાજરસને જોયા.

24તેણે બૂમ પાડીને કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, મારા પર દયા કરીને લાજરસને મોકલ, કે તે પોતાની આંગળી પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ આગમાં હું વેદના પામું છું.

25પણ ઇબ્રાહિમે તેને કહ્યું, દીકરા, યાદ કર કે તારા જીવનમાં તું સારી સામગ્રી પામ્યો, અને લાજરસ તો તેવું પામ્યો ન હતો; પણ હમણાં અહીં તે દિલાસો પામે છે, અને તું વેદના પામે છે.

26વળી તે સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચ્ચે મોટી ખાઈ આવેલી છે, એ માટે કે જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે, તેઓ ત્યાં આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આ બાજુ પણ આવી શકે નહિ.

27તેણે કહ્યું કે, પિતા, એ માટે હું તમને વિનંતી કરું છું કે, લાજરસને મારા પિતાને ઘરે મોકલો,

28કેમ કે મારા પાંચ ભાઈઓ છે. લાજરસ તેઓને સાક્ષી આપે, એમ ન થાય કે તેઓ પર પણ આ પીડા આવી પડે.

29પણ ઇબ્રાહિમે કહ્યું, તેઓની પાસે મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો છે; તેઓનું તેઓ સાંભળે.

30અને તેણે કહ્યું કે, પિતા ઇબ્રાહિમ, એમ નહિ, પણ જો કોઈ મૃત્યુમાંથી સજીવન પામીને તેઓની પાસે જાય, તો તેઓ પસ્તાવો કરે.

31અને ઇબ્રાહિમે તેને કહ્યું કે, જો તેઓ મૂસાનું નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનું નહિ સાંભળે, તો પછી મૃત્યુ પામેલાઓમાંથી કોઈ ઊઠીને જાય, તોપણ તેઓ માનવાના નથી.’”

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath