ખ્રિસ્તી ધર્મ
પાછા

લૂક 12

1એટલામાં હજારો લોકો એકઠા થયા, એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા. ત્યારે સૌથી પહેલાં તે પોતાના શિષ્યોને કહેવા લાગ્યા કે, ‘ફરોશીઓના ખમીરથી સાવધાન રહો, કે જે ઢોંગ છે.

2પણ પ્રગટ નહિ કરાશે એવું કશું ઢંકાયેલું નથી; અને જાણવામાં ન આવે એવું કંઈ ગુપ્ત નથી.

3માટે જે કંઈ તમે અંધકારમાં કહ્યું છે તે અજવાળામાં સંભળાશે; અને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કહ્યું હશે તે ધાબાઓ પર પ્રગટ કરાશે.

4મારા મિત્રો, હું તમને કહું છું કે, જેઓ શરીરને મારી નાખે, અને ત્યાર પછી બીજું કંઈ ન કરી શકે, તેમનાંથી ડરશો નહિ.

5પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને જણાવું છું; કે ‘મારી નાખ્યા પછી નર્કમાં નાખી દેવાનો જેમને અધિકાર છે તે ઈશ્વરથી તમે ડરજો; હા, હું તમને કહું છું કે, તેમની બીક રાખજો.

6શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? પણ ઈશ્વર પોતાની દ્રષ્ટિમાં તેઓમાંની એકને પણ ભૂલતા નથી.

7તમારા માથાના બધા જ વાળ ગણેલા છે. બીશો નહિ. ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.

8હું તમને કહું છું કે, માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને ઈશ્વરના સ્વર્ગદૂતો આગળ માણસનો દીકરો પણ કબૂલ કરશે.

9પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર ઈશ્વરના સ્વર્ગદૂતોની આગળ કરવામાં આવશે.

10જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ વાત બોલશે, તેને તે માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ કોઈ દુર્ભાષણ કરે તો તેને તે માફ કરવામાં આવશે નહિ.

11જયારે તેઓ તમને સભાસ્થાનોમાં તથા રાજકર્તાઓ તથા અધિકારીઓ આગળ લઈ જશે, ત્યારે અમારે કેવી રીતે અથવા શો ઉત્તર આપવો, અથવા અમારે શું કહેવું, તે વિષે ચિંતા ન કરો;

12કેમ કે તમારે જે કહેવું જોઈએ તે તેજ ઘડીએ પવિત્ર આત્મા તમને શીખવશે.

13લોકોમાંથી એક જણે તેને કહ્યું કે, ‘ગુરુ, મારા ભાઈને કહે કે તે વારસાનો ભાગ મને આપે.’”

14ઈસુએ કહ્યું કે, ‘ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કોણે ઠરાવ્યો?’”

15પછી ઈસુએ તેઓને કહ્યું કે, ‘સાવધાન રહો, અને બધા લોભથી પોતાને દૂર રાખો; કેમ કે કોઈનું જીવન તેની મિલકતની પુષ્કળતામાં હોતું નથી.’”

16ઈસુએ તેઓને એવું દ્રષ્ટાંત કહ્યું કે, એક ધનવાન માણસની જમીનમાંથી ઘણી ઊપજ થઈ;

17તેણે મનમાં એવો વિચાર કર્યો કે, હું શું કરું? કેમ કે મારી ઊપજ ભરી મૂકવાને મારી પાસે જગ્યા નથી.

18તેણે કહ્યું કે, હું આમ કરીશ; મારી વખારોને હું પાડી નાખીશ, અને તે કરતાં હું મોટી બંધાવીશ; અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત હું ભરી મૂકીશ.

19હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણાં વર્ષને માટે ઘણી માલમિલકત તારે સારુ રાખી મૂકેલી છે; આરામ લે, ખા, પી, આનંદ કર.

20પણ ઈશ્વરે તેને કહ્યું કે, ઓ મૂર્ખ, આ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે?

21જે પોતાને સારુ દ્રવ્યો સંગ્રહ કરે છે, અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે.

22ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે અમે શું ખાઈશું, તથા તમારા શરીરને સારુ પણ ન કરો, કે અમે શું પહેરીશું.

23કેમ કે ખોરાક કરતા જીવ, અને વસ્ત્ર કરતા શરીર, અધિક છે.

24કાગડાઓનો વિચાર કરો; તેઓ તો વાવતા નથી અને કાપતા નથી; તેઓની પાસે વખાર કે કોઠાર નથી; તોપણ ઈશ્વર તેઓનું પોષણ કરે છે; પક્ષીઓ કરતા તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો!

25ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળનો એકાદ પળનો વધારો શકો છે?

26માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા, તો બીજાં વિષે તમે કેમ ચિંતા કરો છો?

27ફૂલઝાડોનો વિચાર કરો; તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી, તેઓ કાંતતાં પણ નથી; તોપણ હું તમને કહું છું કે, સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.

28એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને પહેરાવશે, એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?

29અમે શું ખાઈશું કે શું પીશું, એની શોધ ન કરો, અને એમ કહેતાં ચિંતા ન કરો.

30કેમ કે દુનિયાના લોકો તે સઘળા વાનાં શોધે છે; પણ તમારો પિતા જાણે છે કે તે વાનાંની તમને અગત્ય છે.

31પરંતુ તમે ઈશ્વરનું રાજ્ય શોધો; અને એ વાનાં પણ તમને અપાશે.

32ઓ નાની ટોળી, ડરશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.

33તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે સ્વર્ગમાં દ્રવ્ય, પોતાને સારુ મેળવો જે સદાને માટે રહેશે; કે જ્યાં ચોર આવતો નથી, અને કીડો ખાઈ જતો નથી.

34કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.

35તમારી કમરો બાંધેલી તથા તમારો દીવો સળગેલો રાખો;

36અને જે માણસો પોતાનો માલિક લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે, એ માટે કે તે આવીને ખટખટાવે કે તત્કાળ તેઓ તેને સારુ દ્વાર ઉધાડે, તેઓના જેવો તમે થાઓ.

37જે દાસોને માલિક આવીને જાગતા જોશે તેઓ આશીર્વાદિત છે; હું તમને નિશ્ચે કહું છું કે, તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે, અને આવીને તેઓની સેવા કરશે.

38જો તે મધરાત પછી મોડેથી આવે, અને તેઓને એમ કરતાં જુએ, તો તે દાસો આશીર્વાદિત છે.

39પણ આટલું સમજો કે ઘરનો માલિક જાણતો હોત કે, કઈ ઘડીએ ચોર આવશે, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં ચોરી થવા ન દેત.

40તમે પણ તૈયાર રહો; કેમ કે તમારા ધારવામાં નહિ હોય તે ઘડીએ માણસનો દીકરો આવશે.

41પિતરે કહ્યું કે, ‘પ્રભુ, તમે આ દ્રષ્ટાંત અમને, કે સર્વને કહો છો?’”

42પ્રભુએ કહ્યું કે, જેને તેનો માલિક પોતાના ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા સારુ પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન કારભારી કોણ છે?

43જે ચાકરને તેનો માલિક એમ કરતો જોશે તે આશીર્વાદિત છે.

44હું તમને સાચું કહું છું કે, તે પોતાની સર્વ માલમિલકત પર તેને કારભારી ઠરાવશે.

45પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો માલિક આવતાં વાર લગાડે છે, અને દાસોને તથા દાસીઓને મરવા લાગશે, અને ખાવાપીવા અને છાકટો થવા લાગશે;

46તો જે દહાડે તે વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવામાં તે દાસનો માલિક આવશે, અને તેને કાપી નાખશે, અને તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે.

47જે દાસ પોતાના માલિકની ઇચ્છા જાણ્યાં છતાં પોતે સિદ્ધ થયો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે.

48પણ જેણે વગર જાણે ફટકા યોગ્ય કામ કર્યું હશે, તે થોડો માર ખાશે. અને જે કોઈને ઘણું આપેલું છે, તેની પાસેથી ઘણું માંગવામાં આવશે, અને જેને ઘણું સોંપેલું છે તેની પાસેથી વધારે માંગવામાં આવશે.

49હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું, અને જો તે સળગી ચૂકી હોય તો એનાથી વિશેષ હું શું માંગું?

50પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે, અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવું દબાણ અનુભવું છું?

51શું તમે ધારો છો કે પૃથ્વી પર શાંતિ કરાવવાં હું આવ્યો છું? હું તમને કહું છું કે ના, પણ તે કરતા ફૂટ પાડવા આવ્યો છું.

52કેમ કે હવે એક ઘરમાં પાંચ મધ્યે ફૂટ પડશે, એટલે ત્રણ બેની સામા, અને બે ત્રણની સામા થશે.

53બાપ દીકરાની સામો, તથા દીકરો બાપની સામો થશે; મા દીકરીની સામે, અને દીકરી પોતાની માની સામે થશે; સાસુ પોતાની વહુની સામે, અને વહુ પોતાની સાસુની સામે થશે, એમ તેઓમાં ફૂટ પડશે.

54તેમણે લોકોને પણ કહ્યું કે, તમે પશ્ચિમથી વાદળી ચઢતી જુઓ છો, કે તરત તમે કહો છો કે, ઝાપટું આવશે, અને એમ જ થાય છે.

55જયારે દક્ષિણનો પવન ચાલે છે ત્યારે તમે કહો છો કે, લૂ વહેશે, અને એમ જ થાય છે.

56ઓ ઢોંગીઓ, પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો, તો આ સમય તમે કેમ પારખી નથી જાણતા?

57અને વાજબી શું છે તે તમે પોતાની જાતે કેમ પારખતા નથી?

58તું તારા વિરોધીની સાથે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તું તેની સાથે સમાધાન કરવા સારુ યત્ન કર, એમ ન થાય કે તે તને ન્યાયાધીશ આગળ ઘસડી લઈ જાય, અને ન્યાયાધીશ તને સિપાઈને સ્વાધીન કરે, અને સિપાઈ તને બંદીખાનામાં નાખે.

59હું તને કહું છું કે, તું પૂરેપૂરા નાણાં ચૂકવીશ નહિ, ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath