લેવી 4
1યહોવાહે મૂસાને કહ્યું કે,
2“ઇઝરાયલના લોકોને કહે, ‘જે કૃત્યો કરવાની યહોવાહે મના કરી છે તે ન કરવા તેનું પાલન કરે, જો કોઈ વ્યક્તિ અજાણતા મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરે તેને માટે આ નિયમો છે.
3જો પ્રમુખ યાજક પાપ કરીને લોકો પર દોષ મૂકે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને સારુ તે યહોવાહ પ્રત્યે ખોડખાંપણ વગરનો એક જુવાન બળદ ચઢાવે.
4તે બળદને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે યહોવાહની આગળ લાવે અને બળદના માથા પર પોતાનો હાથ મૂકીને તેને યહોવાહની સમક્ષ કાપે.
5અભિષિક્ત યાજક તે બળદના રક્તમાંથી કેટલુંક લઈને મુલાકાતમંડપમાં લાવે.
6યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને તેમાંથી યહોવાહની આગળ પરમપવિત્રસ્થાનના પડદાની સામે સાત વાર છાંટે.
7સુવાસિત દહનીયાર્પણની વેદી મુલાકાતમંડપમાં યહોવાહની આગળ છે તેનાં શિંગ પર યાજક તે રક્તમાંથી ચોપડે અને જે યજ્ઞવેદી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે છે તેના થડમાં બળદનું સઘળું રક્ત તે રેડી દે.
8તેણે પાપાર્થાર્પણના બળદની બધી ચરબી કાઢી લેવી; આંતરડાં પરની અને તેની આસપાસની ચરબી,
9બે મૂત્રપિંડો તથા તેની પરની કમર પાસેની ચરબી અને કલેજા પરનું અંતરપડ મૂત્રપિંડો સુદ્ધાં તેણે કાઢી લેવું.
10જેમ તે શાંત્યર્પણના યજ્ઞના બળદમાંથી કાઢી લેવાય છે તેમ, યાજક દહનીયાર્પણની વેદી પર તેઓનું દહન કરે.
11બળદનું ચામડું, તેનું બાકીનું માંસ, તેનું માથું, તેના પગ, તેનાં આંતરડા તથા તેનું છાણ,
12બળદનો બાકીનો ભાગ, તે છાવણીની બહાર કોઈ સ્વચ્છ જગ્યાએ, એટલે રાખ નાખવાની જગ્યાએ લાકડાં સળગાવીને તેને બાળી મૂકે. જ્યાં રાખ નાખવામાં આવે છે ત્યાં તેને બાળી નાખવામાં આવે.
13જો સમગ્ર ઇઝરાયલની પ્રજા અજાણતાં પાપ કરીને, તે બાબત સમુદાયની નજરથી ગુપ્ત રહેલી હોય અને જે કૃત્યો કરવાની યહોવાહે મના કરેલી છે તેમાંનું કોઈ કૃત્ય કરીને તેઓ દોષિત થયા હોય,
14તો જ્યારે જે પાપ તેઓએ કર્યુ હોય તેની જાણ પડે ત્યારે સમુદાય પાપાર્થાર્પણને માટે એક જુવાન બળદ ચઢાવે અને તેને મુલાકાતમંડપની આગળ લાવે.
15સભાના વડીલો યહોવાહની આગળ તે બળદના માથા પર પોતાના હાથ મૂકે અને યહોવાહની સમક્ષ તે બળદ કપાય.
16અભિષિક્ત યાજક તે બળદનું થોડું રક્ત મુલાકાતમંડપમાં લાવે.
17યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને યહોવાહની સમક્ષ સાત વાર પડદા પર છાંટે.
18જે વેદી યહોવાહની સમક્ષ મુલાકાતમંડપમાં છે તેના શિંગ પર તે રક્તમાંથી થોડું રક્ત રેડે અને બાકીનું બધું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળની દહનીયાર્પણની વેદીનાં પાયામાં રેડી દેવું.
19તેણે બળદની બધી ચરબી કાઢી લઈને વેદી પર બાળી મૂકવી.
20એ બળદને તે આ પ્રમાણે કરે. પાપાર્થાર્પણના બળદની જેમ જ તેણે એ બળદનું પણ કરવું અને યાજક લોકોને માટે પ્રાયશ્ચિત કરે અને તેઓને માફ કરવામાં આવશે.
21તે બળદને છાવણીની બહાર લઈ જાય અને જેમ તેણે પહેલા બળદને બાળી નાખ્યો હતો તેમ એને પણ બાળી દે. તે આખી પ્રજાને માટે પાપાર્થાર્પણ છે.
22જ્યારે કોઈ અધિકારી પાપ કરીને જે બધાં કૃત્યો કરવાની તેના ઈશ્વર યહોવાહે મના કરીને આજ્ઞા આપી છે તેમાંનું કોઈ પાપ અજાણે કરીને દોષિત ઠરે,
23ત્યારે જો જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે, તો તે એક બકરાનું એટલે એક ખોડખાંપણ વગર વગરના નરનું અર્પણ લાવે.
24બકરાના માથા પર તે પોતાનો હાથ મૂકીને જ્યાં યહોવાહની સમક્ષ દહનીયાર્પણ કપાય છે ત્યાં તે તેને કાપે. આ પાપાર્થાર્પણ છે.
25યાજક પોતાની આંગળી વડે પાપાર્થાર્પણના રક્તમાંનું લઈને દહનીયાર્પણની વેદીનાં શિંગ પર તે લગાડે અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દે.
26શાંત્યર્પણના યજ્ઞની ચરબીની જેમ તેની બધી ચરબીનું દહન કરે. તેના પાપને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.
27જે કૃત્યો કરવાની યહોવાહે મના કરી છે તેમાંનું કોઈ પણ પાપ કરીને કોઈ સામાન્ય માણસ અજાણતા પાપ કરે અને જો તે દોષમાં પડે,
28તો જો, જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે, તો તે એક ખોડખાંપણ વગરની બકરીનું અર્પણ લાવે, જે પાપ વિષે તે દોષિત થયો હોય તેને લીધે તે લાવે.
29તે પોતાના હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે અને દહનીયાર્પણની જગ્યાએ પાપાર્થાર્પણને કાપે.
30યાજક પોતાની આંગળી વડે તેના રક્તમાંનું થોડું રક્ત લઈને દહનીયાર્પણની વેદીનાં શિંગ પર તે લગાડે અને બાકીનું બધું જ રક્ત વેદીના પાયામાં રેડી દે.
31જેમ શાંત્યર્પણના યજ્ઞની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે. યાજક યહોવાહ પ્રત્યે સુવાસને માટે વેદી પર તેનું દહન કરે. યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.
32જો કોઈ માણસ પાપાર્થાર્પણને માટે હલવાનનું અર્પણ લાવે તો તે ખોડખાંપણ વગરની નારી લાવે.
33તે પોતાનો હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે અને જ્યાં દહનીયાર્પણ કપાય છે, ત્યાં તે જગ્યાએ પાપાર્થાર્પણને માટે તેને કાપે.
34યાજક પોતાની આંગળી વડે પાપાર્થાર્પણના રક્તમાંનું થોડું રક્ત લઈને દહનીયાર્પણની વેદીનાં શિંગ પર લગાડે અને બાકીનું બધું રક્ત વેદીના પાયામાં રેડી દે.
35જેમ શાંત્યર્પણના યજ્ઞમાંથી હલવાનની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે અને યાજક યહોવાહના હોમયજ્ઞોની રીત પ્રમાણે વેદી પર તેઓનું દહન કરે. જે પાપ વિષે તે દોષિત થયો હોય તેને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે અને તે માણસને માફ કરવામાં આવશે.
WEBREATH · 11:11
«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25
Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.
WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath