ખ્રિસ્તી ધર્મ
પાછા

લેવી 27

1યહોવાહે મૂસાની સાથે વાત કરીને કહ્યું,

2“ઇઝરાયલના લોકોને કહે કે, ‘જો કોઈ માણસ યહોવાહની આગળ ખાસ માનતા લે તો તારા નક્કી કરેલા મૂલ્ય પ્રમાણે તે લોકો યહોવાહને સારુ માન્ય થશે.

3તારું નક્કી કરેલું મૂલ્ય આ પ્રમાણે થાય; વીસથી તે સાઠ વર્ષ સુધીની ઉંમરના નરને માટે તારું નક્કી કરેલું મૂલ્ય, પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે પચાસ શેકેલ ચાંદી થાય.

4તે જ ઉંમરની નારી માટે તેનું મૂલ્ય ત્રીસ શેકેલ થાય.

5પાંચથી વીસ વર્ષની ઉંમરના નરની કિંમત વીસ શેકેલ અને નારીની કિંમત દસ શેકેલ ઠરાવવું.

6એક મહિનાથી પાંચ વર્ષ સુધીના નરની કિંમત પાંચ શેકેલ ચાંદી અને નારીની કિંમત ત્રણ શેકેલ ચાંદી ઠરાવવું.

7સાઠ વર્ષ અને તેની ઉપરની ઉંમરના નરની કિંમત પંદર શેકેલ અને નારીની કિંમત દસ શેકેલ ઠરાવવી.

8પણ જો કોઈ વ્યક્તિ માનતા લે અને આ કિંમત ચૂકવી શકે તેમ ના હોય, તો તેણે તે વ્યક્તિને યાજક સમક્ષ રજૂ કરવી અને યાજકે તેની કિંમત માનતા લેનાર વ્યક્તિ ચૂકવી શકે તેટલી નક્કી કરવી.

9જો કોઈની ઇચ્છા યહોવાહને પશુનું અર્પણ કરવાની હોય અને જો યહોવાહ તેને માન્ય કરે તો પછી એ પશુ સંપૂર્ણપણે તેનું જ રહેશે.

10એ વ્યક્તિએ તેમાં ફેરબદલ કરવી નહિ. સારાને બદલે નરસું તથા નરસાને બદલે સારું બદલવું નહિ. તે પશુની બીજા પશુ સાથે અદલાબદલી કરવી નહિ. છતાં જો અદલાબદલી કરી હોય તો બન્ને પશુઓ પવિત્ર બની જાય અને તે યહોવાહના ગણાય.

11પરંતુ માનતા લઈ અર્પણ કરવાનું પશુ જો અશુદ્ધ હશે તો યહોવાહ તેને માન્ય નહિ કરે. પછી તેણે તે પશુ યાજક પાસે લઈને જવું.

12બજારની કિંમત પ્રમાણે યાજક તેની કિંમત નક્કી કરે, પછી પશુ સારું હોય કે ખરાબ યાજકે ઠરાવેલ કિંમત માન્ય રાખવી.

13અને જો તે વ્યક્તિ તેને છોડાવવા ઇચ્છતો હોય તો તેણે તેની કિંમત કરતાં પાંચમો ભાગ વધુ ચૂકવવો.

14જો કોઈ વ્યક્તિ પોતાનું ઘર યહોવાહને સારુ પવિત્ર થવાને માટે અર્પણ કરે, ત્યારે યાજક તેની જે કિંમત નક્કી કરે તે કાયમ રહે.

15પણ જો અર્પણ કરનાર ઘરનો માલિક પોતાનું ઘર છોડાવવા ઇચ્છે તો તેણે કિંમત ઉપરાંત વધુ વીસ ટકા આપવા, જેથી મકાન પાછું તેની માલિકીનું થઈ જાય.

16જો કોઈ વ્યક્તિ પોતાની માલિકીની જમીનનો અમુક ભાગ યહોવાહને અર્પણ કરે તો તેની કિંમત તેને રોપવા માટે જરૂરી બીજની રકમ સાથે રાખવામાં આવશે , જેમ કે વીસ મણ જવની જરૂર પડે તો તેનું મૂલ્ય પચાસ શેકેલ ચાંદી થાય.

17જો કોઈ માણસ જ્યુબિલી વર્ષમાં પોતાનું ખેતર સ્વેચ્છાએ અર્પણ કરે તો તારા ઠરાવ્યા પ્રમાણે તેની કિંમત થાય.

18પણ જો તે જ્યુબિલી વર્ષ પછી અર્પણ કરે તો યાજકે પછીના જ્યુબિલી વર્ષના જેટલા વર્ષ બાકી હોય તેના પ્રમાણમાં રોકડ કિંમત નક્કી કરવી અને તે આકડાં મુજબ કિંમત ઠરાવવી.

19પરંતુ જો અર્પણ કરનાર ખેતર છોડાવવા માંગતો હોય તો તેણે ઠરાવેલી કિંમત કરતાં વીસ ટકા વધુ આપવા એટલે તે ખેતરની માલિકી ફરીથી તેની થાય.

20પરંતુ જો તે જમીન નહિ છોડાવતાં બીજા કોઈને વેચી દે તો તેને તે કદી પાછું મળે નહિ.

21પણ તેના બદલે જ્યારે જ્યુબિલી વર્ષમાં તે ખેતર છૂટે ત્યારે યહોવાહને સારુ અર્પિત ખેતર તરીકે તે યાજકોનું થાય.

22જો કોઈ વ્યક્તિ પોતે ખરીદેલું ખેતર યહોવાહને અર્પણ કરે અને તે તેના કુટુંબની મિલકતનો ભાગ નથી,

23તો પછી યાજકે બીજા જ્યુબિલી વર્ષને જેટલા વર્ષ બાકી હોય તેને આધારે તેની કિંમત ઠરાવવી અને તે વ્યક્તિએ નક્કી કરેલી કિંમત યહોવાહને તે જ દિવસે એક પવિત્ર વસ્તુ તરીકે અર્પણ કરવી.

24જ્યુબિલી વર્ષે એ ખેતર તેના મૂળ માલિક, જેની પાસેથી તે ખરીદયું હોય એટલે જેના વતનનું તે હતું તેને પાછું મળે.

25જે કિંમત તું ઠરાવે તે બધું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે ઠરાવવું. વીસ ગેરાહનો એક શેકેલ થાય .

26કોઈ પણ વ્યક્તિએ બળદ અથવા ઘેટાનાં પ્રથમજનિતને ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહને ચઢાવવું નહિ, કારણ, એ તો યહોવાહનું જ છે; પછી ભલે તે કોઈ પણ બળદ કે ઘેટું હોય.

27જો અશુદ્ધ પશુના પ્રથમજનિતને અર્પણ તરીકે લાવવામાં આવે, તો યાજક તેની કિંમત ઠરાવે તે ઉપરાંત વીસ ટકા વધુ તે માલિક આપે. જો તેનો માલિક તેને છોડાવવા માંગતો ન હોય તો યાજક નિર્ધારિત કરેલી કિંમતે તે પશુને બીજા કોઈને વેચી શકે છે.

28પરંતુ યહોવાહને કરેલું કોઈ પણ અર્પણ પછી તે માણસ હોય, પશુ હોય અથવા વારસામાં મળેલું ખેતર હોય, તો તેને વેચી અથવા છોડાવી શકાય નહિ. કારણ તે યહોવાહને સારુ પરમપવિત્ર અર્પણ છે.

29જેનું અર્પણ માણસોમાંથી થયેલું હોય તેને પાછો ખરીદી ન શકાય. તેને નિશ્ચે મારી નાખવો.

30જમીનની ઊપજનો ઠરાવેલો દશમો ભાગ પછી તે ખેતરના અનાજનો હોય કે વૃક્ષનાં ફળોનો હોય તે યહોવાહનો ગણાય, તે યહોવાહને સારુ પવિત્ર છે.

31જો કોઈ વ્યક્તિ આ અનાજ કે ફળનો દશમો ભાગ પાછો ખરીદવા ઇચ્છે તો તેની કિંમતમાં વીસ ટકા ઉમેરીને ચૂકવે.

32જાનવરો તથા ઘેટાંબકરાંનો દશાંશ એટલે જે કોઈ લાકડી નીચે આવી જાય છે તેનો દશાંશ યહોવાહને સારુ પવિત્ર ગણાય.

33પસંદ કરેલુ પશુ સારું છે કે ખરાબ તેની તપાસ તેણે ન કરવી. તેને એ પશુ બીજા પશુ સાથે અદલાબદલી ન કરવી. અને તેને જો બીજા પશુથી બદલવા માંગે, તો બન્ને પશુઓ યહોવાહના થાય. તે પશુને પાછું ખરીદી શકાય નહિ.’”

34ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ મૂસાને યહોવાહે સિનાઈ પર્વત પર આપી હતી તે આ છે.

સ્ત્રોત: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

WEBREATH · 11:11

«He himself gives everyone life and breath and everything else» — Acts 17:25

Breath is one for all: everyone lives by it, whoever they are and whatever they believe. Every day at 11:11 local time people stop for sixty seconds, breathe, and thank GOD for the breath — each in their own words, each within themselves. In that minute we are One Breath.

WEBREATH — the Minute at 11:11, your own local time — we are One Breath